કુદરત કોપાયમાન થઈ હોય, કે ગ્લોબલ વોર્મીંગની ઘાતક અસરો હોય કે પછી પ્રકૃતિ પર માનવીના પ્રહારોના પરિણામો હોય, હાલમાં દુનિયાભરમાં આંધી, તોફાન, અતિવૃષ્ટિ, વાવાઝોડાં અને ભૂકંપના કારણે તારાજી સર્જાઈ રહી છે. આપણા દેશમાં ઋતુચક્ર જાણે ખોરવાઈ જ ગયું હોય, તેમ બળબળતા ઉનાળા વચ્ચે પણ માવઠાં થઈ રહ્યાં છે, અને કરા પડી રહ્યાં છે, તો બીજી તરફ યુએઈ સહિતના રણપ્રદેશોમાં પણ પૂર આવવા લાગ્યા છે...!
પ્રકૃતિના પ્રકોપ વચ્ચે ભારતમાં લોકસભાની ચૂંટણીઓ થઈ રહી છે અને કુલ ૭ તબક્કામાંથી ૪ તબક્કા પૂરા થયા છે અને અત્યાર સુધીમાં ૩૭૯ બેઠકો પર મતદાન થયું છે, ત્યારે ભાજપના દિગ્ગજ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે એવો દાવો કર્યો છે કે, અત્યાર સુધીની ચૂંટણીમાં જ એનડીએને સ્પષ્ટ બહુમતી મળી ચૂકી છે અને ર૭૦ થી વધુ બેઠકો પર વિજય મળવાનો છે. હવે પછીના ત્રણ તબક્કા પછી ભાજપ ૩૭૦ પ્લસ અને એનડીએ ૪૦૦ પ્લસનો લક્ષ્યાંક પૂરો કરશે, તેવો દાવો પણ ભાજપના નેતાઓ તથા પ્રવક્તાઓ કરી રહ્યાં છે, ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર આવવાની સાથે જ સરકાર એક્ટીવ મોડમાં આવીને પ્રાયોરિટીમાં કયા-ક્યા કામો હાથ ધરશે, તેનો ૧૦૦ દિવસનો રોડમેપ તૈયાર હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે.
બીજી તરફ રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ ભાજપ અને એનડીએ ભૂંડી રીતે હારી રહ્યાં હોવાનો દાવો કરી રહ્યાં છે, અને એનડીએને સ્પષ્ટ બહુમતી તો ઠીક પણ ર૦૦ બેઠકો પણ નહીં મળે, તેવો અંદાજ લગાવી રહ્યાં છે. ભારતીય જનતાપક્ષની હાર થનાર હોવાથી જ પીએમ મોદીએ કેટલાક હાસ્યાસ્પદ મુદ્દાઓ ચૂંટણી પ્રવાહમાં ઉઠાવ્યા હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે.
રાજસ્થાનની ફલોદા સટ્ટાબજારની ચર્ચા ખૂબ થઈ રહી છે અને આ સટ્ટાબજારના ભૂતકાળમાં ક્યા-ક્યા અનુમાનો લોકસભાની ચૂંટણી તથા અન્ય ચૂંટણીઓને લઈને મહદ્અંશે સાચા પુરવાર થયા હતાં, તેવા દાવાઓ પણ થઈ રહ્યાં છે.
ફલોદા સટ્ટાબજારને સાંકળીને ભારતીય જનતાપક્ષ અને એનડીએ માટે ચિંતાજનક અહેવાલો પણ આવી રહ્યાં છે. તાજા અનુમાનો મુજબ ફલોદા સટ્ટાબજારની ગણતરીએ ભાજપને ૩૭૦ થી વધુ બેઠકો તો ઠીક, વર્ષ-ર૦૧૯ જેટલી એટલે કે, ૩૦૩ બેઠકો પણ નહીં મળે, તો એનડીએને પણ ૪૦૦ થી વધુ બેઠકો મળે, તેવી સંભાવનાઓ નથી. તે પછી નવા ભાવ નીકળતા ભાજપને ૩૦૦ થી વધુ અને એનડીએને ૩પ૦ થી વધુ બેઠકો અપાઈ. જો કે, આ સટ્ટાબજાર દ્વારા અનેક ક્ષેત્રે સટ્ટો રમાતો હોવાનું કહેવાય છે, ક્રિકેટ, અન્ય ખેલો, વરસાદ, ગરમી, પાકપાણીથી લઈને ખૂંટિયાઓની લડાઈને લઈને પણ સટ્ટો રમાતો હોય, તો તે સટ્ટાબજારના અંદાજો કેવી રીતે નીકળતા હશે તે તો કોઈને ખબર નથી, પરંતુ કેટલાક અંદાજો સાચા પડી ગયા હોય, તો તેનો વધારે પ્રચાર થતો હોવાનું પણ ઘણાં લોકો માને છે.
આ ફલોદા સટ્ટાબજાર તદ્દન ગેરકાયદે હોવાથી પોલીસ તથા તંત્રો તેના પર અંકુશ લાવવા દરોડા પાડતી હોય છે, જે હોય તે ખરૃં, પરંતુ આ સટ્ટોડિયાઓએ લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કા પછી જે અનુમાનો કર્યા છે, તેને સંપૂર્ણપણે ભાજપ કે એનડીએ જ નહીં, પરંતુ વિપક્ષો પણ સાચી માનતા નથી, કારણ કે, ચોથા તબક્કા પછી ભાજપને ૩૭૦ પ્લસ કે એનડીએને ૪૦૦ પ્લસ બેઠકો મળવાની સંભાવના નહીં હોવાનું તો જણાવાઈ રહ્યું છે, પરંતુ ભાજપને ચાર તબક્કાના મતદાન પછી ર૯૬ થી ૩૦૦ બેઠકો (ર૦૧૯ થી ઓછી) અને એનડીએને ૩ર૯ થી ૩૩ર બેઠકો મળી શકે છે, અને મોદીની સરકાર જ ત્રીજી વખત સત્તા મેળવી શકે છે. તેવા તારણો આ સટ્ટાબજારને ટાંકીને કાઢવામાં આવી રહ્યાં છે, જે સ્વાભાવિક રીતે જ બન્ને તરફના ગઠબંધનો સ્વીકારે નહીં... બીજી તરફ કોંગ્રેસને માત્ર પ૦ થી પર બેઠક જ અપાઈ રહી છે.
બીજી તરફ દિલ્હીમાં કેજરીવાલના પર્સનલ સ્ટાફે આમઆદમી પાર્ટીના મહિલા સાંસદ સ્વાતી માલિવાલ સાથે કરેલા દુર્વ્યવહારની કબૂલાત પછી આ મુદ્દો રાજધાનીમાં ચર્ચાસ્પદ બન્યો હતો, તો બીજી તરફ ભારતીય જનતા પક્ષના દિગ્ગજ મહિલા નેતા અને બબ્બે ટર્મ સુધી સાંસદ રહી ચૂકેલા કુરૂક્ષેત્રના પૂર્વ સાંસદ ડો. કૈલાશો સૈનીએ ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાઈ ગયા, એટલું જ નહીં, ભાજપ સામે સણસણતા આક્ષેપો કર્યા તે પછી ચૂંટણી ટાણે જ આ પ્રકારની ઘટનાઓ બનતા તેની રાજકીય અસરો પણ પડશે, તે નક્કી જ છે. આમઆદમી પાર્ટીએ કલાકો સુધી ચૂપકીદી સેવ્યા પછી આ ઘટના બની હોવાની પુષ્ટિ કરીને કસુરવાન પી.એ. સામે કદમ ઉઠાવવાનું જાહેર કર્યુ હોવા છતાં આ મુદ્દાને ભૂતકાળમાં એક સેક્રેટરીની દિલ્હીના સીએમ હાઉસમાં મારપીટ સાથે સાંકળીને પ્રતિસ્પર્ધીઓ દ્વારા કરાઈ રહેલા આક્ષેપોના કારણે 'આપ' બેકફૂટ પર આવી ગઈ છે, આ મુદ્દે કોંગ્રેસે પણ પહેલીથી જ સ્વાતી માલિવાલ તરફી વલણ અપનાવ્યું હોવાથી જ આમઆદમી પાર્ટીએ માલીવાલ સાથે દુવ્યવહાર થયો હોવાની જાહેરમાં પુષ્ટિ કરી હશે, તેવી અટકળો છે, તો એવી ચર્ચા પણ છે કે, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ કદાચ એલજીએ મંગાવી પણ લીધા હોય... જે હોય તે ખરૃં..., પરંતુ ભાજપ અને 'આપ' આ મહિલા નેતાઓના કારણે બેકફૂટ પર જરૂર આવી ગયા છે, તેવા તારણો નીકળી રહ્યાં છે. હકીકતે હવે 'પાર્ટી વીથ ધ ડીફરન્સ" કે "કટ્ટર ઈમાનદાર પાર્ટી" જેવા શબ્દ પ્રયોગો અંગે ફેર વિચારણા કરવી પડે તેમ હોવાની સાથે માલિવાલના મુદ્દે ભાજપ, કોઈએ અપનાવેલા વલણની સરખામણી પણ થઈ રહી છે...!
લોકસભાની ચૂંટણીમાં ભાજપ હારી રહ્યું હોવાના વિપક્ષોના દાવા વચ્ચે દિલ્હી અને ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે, તેની ચર્ચા પણ થઈ રહી છે. રાજસ્થાનના ફલોદા સટ્ટબજારે ગુજરાતમાં ભાજપને તમામ રપ બેઠકો તથા દિલ્હીમાં પણ ભારતીય જનતાપક્ષને ૬ થી ૭ બેઠકો મળશે, તેવા અનુમાનો કર્યા હોવાનું કહેવાય છે, જે હોય તે ખરૃં, પરંતુ આ તમામ અનુમાનોનો કોઈ મતલબ જ નથી, અને સાયન્ટિફિક રીતે થોડા-ઘણાં વિશ્વસનિય સર્વેક્ષણોના એક્ઝિટ પોલ્સના પરિણામો પણ છેલ્લા (સાતમા) તબક્કાના મતદાન પછી જ આવે તેમ છે, ત્યારે આ પ્રકારની ગેમ્બલીંગના તારણો માત્ર મનોરંજક બની રહેતા હશે, ખરૃં કે નહીં...?
આ પ્રકારની ગેમ્બલીંગ કે સટ્ટાબાજીને મહત્ત્વ પણ ન આપી શકાય. સાચી ખબર તો ૪થી જૂને જ પડશે, જસ્ટ વેઈટ એન્ડ વોચ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial