Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

બાઈ...બાઈ... ચારણી, ઓલા ઘરે જા.... પાડાના વાંકે...પખાલીને ડામ...

જામનગરના ઘણાં વિસ્તારોમાં એકાંતરા પાણી પુરવઠો તો અપાય છે, પરંતુ કોઈપણ ટાઈમ-ટેબલ વિના, ગમે ત્યારે અને ઓછા-વત્તા ફોર્સથી પાણી પુરવઠો અપાતો હોવાથી માત્ર ગૃહિણીઓનો જ નહીં, પરંતુ ઘણાં આખા પરિવારોનાં રોજિંદા ટાઈમ-ટેબલ ખોરવાઈ જતા હોય છે, એટલું જ નહીં નળ ખૂલ્લો રહી જાય ત્યારે પાણી વેડફાય છે અને પાણી આવી જાય, પણ ખબર પડે નહીં, ત્યારે છતાં છતે પાણીએ તરસે મરવાનો વારો આવતો હોય છે, આ "ઘર-ઘર કી કહાની" છે અને નગરના મોટા માથાંઓ તથા તંત્રોના તવંગરોને તેની પૂરેપૂરી ખબર જ હશે, પરંતુ આ "ઓપન સિક્રેટ" નો કોઈ કાયમી ઉકેલ તેઓ લાવી શકતા નથી, તેથી તેઓને પોતાના જ વર્તુળોમાંથી "સાંભળવું" પણ પડતું જ હશે, તો કેટલાક જવાબદારોને તો પોતાના જ ઘર-પરિવારમાંથી પણ ટકોર થતી જ હશે, જો કે, તેની કેટલી અસર થતી હશે, તે તેઓ જ જાણે...

ગુજરાતીમાં એક તળપદી અને પ્રચલીત કહેવત છે, "બાઈ બાઈ ચારણી... ઓલા ઘરેજા"...

મતલબ કે ચારણી લેવા (માંગવા) નીકળેલી મહિલાને દરેક ઘરેથી બીજાના ઘરે જવાનું કહેવું. આ કહેવતનો ગુઢાર્થ એવો થાય છે કે કોઈ કામ માટે વ્યક્તિને ઠેર-ઠેર ધક્કા ખવડાવવા, સામાન્ય રીતે સરકારી, અર્ધસરકારી અને પાલિકા, પંચાયતો, મહાપાલિકાના તંત્રોનું કામ પડ્યું હોય, તેઓને આવા અનુભવો ઘણી વખત થયા હશે અને તેઓને આ કહેવતનો ગૂઢાર્થ પણ સરળતાથી ગળે ઉતરી જતો હશે.

આ કહેવતનો બીજો અર્થ બહાનાબાજીની કરામત દર્શાવે છે. કોઈ પણ ફરિયાદ કે ભૂલ (ક્ષતિ) માટે એકબીજા પર દોષનો ટોપલો ઢોળી દેવાની મનોવૃત્તિને પણ "બાઈ-બાઈ ચારણી" જેવી કહેવતો આબેહૂબ લાગુ પડે, ખરૃં કે નહીં...?

જામનગરમાં પાણી પુરવઠો અનિયમિત, ટાઈમટેબલ વગર, ઓછા કે વધારે ફોર્સથી અને મનસ્વી રીતે અપાય ત્યારે કેટલાક જાગૃત નાગરિકો ફરિયાદો પણ કરતા જ હશે, અને તંત્રો દ્વારા તેના જવાબો પણ અપાતી હશે, આ પ્રકારના સવાલ-જવાબમાંથી પણ દુઃખદ રમુજ પણ પ્રગટતી જ હશે... મેરા નગર મહાન...!

જામનગરમાં અનિયમિત પાણી-પુરવઠાની ફરિયાદનો સામાન્ય રીતે તો કોઈ જવાબ કે સ્વીકૃતિ નહીં મળતી હોય, પરંતુ લોકોમાં થતી ચર્ચા મુજબ મહાનગરપાલિકાની વોટર સપ્લાઈ વ્યવસ્થાની આ ખામી માટે એકલું મનપાનું તંત્ર જ જવાબદાર નથી... હમણાંથી નગરમાં વીજ પુરવઠાના ધાંધિયા એટલા વધી ગયા છે કે તેની સીધી અસર વોટર સપ્લાઈ પર થાય છે, કારણ કે, વોટર સપ્લાઈથી તબક્કાવાર વ્યવસ્થાઓ તથા ટાઈમીંગ, વીજ પુરવઠાની અનિયમિતતાના કારણે તદ્દન ખોરવાઈ જતી હોય છે, જે ઘણાં દિવસો સુધી નિયમિત થઈ શકતી જ નથી...!

આ પ્રકારના "સચોટ" કારણોના સંદર્ભે જ્યારે વીજ કંપનીમાં ફરિયાદ કરવામાં આવે કે ધ્યાન દોરવામાં આવે, ત્યારે લોકોને ભાગ્યે જ સંતોષકારક જવાબ મળતો હશે, પરંતુ જ્યારે કોઈ નેતા કે મોટું માથું આ અંગે ઉંડા ઉતરે ત્યારે ખબર પડે કે અત્યારે વીજ કંપનીઓ દ્વારા પણ પ્રિ-મોન્સુન કામગીરી અને જરૃરી મરામત કાર્ય ચાલી રહ્યું હોય ત્યારે વીજ પુરવઠો ખોરવાઈ જતો હોવાનું કારણ અપાતું હોય છે.

આ રીતે જ્યારે સાચા કે ખોટા કારણો બતાવીને છટકબારીઓ શોધવામાં આવે, અથવા એકબીજા પર દોષનો ટોપલો ઢોળવામાં આવે, ત્યારે સવાલ એ ઉઠે કે, આમાં ટેક્સ ચૂકવતા નાગરિકોનો શું વાંક...?

એક બીજી કહેવત પણ અહીં આબેહૂબ લાગુ પડે છે. જ્યારે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે, વીજ પુરવઠો ખોરવાતા પાણી પુરવઠો ખોરવાય, કે પછી પ્રિ-મોન્સુનના નામે ગમે ત્યારે વીજળી લબૂક...ઝબૂક થવા લાગે, તો તેમાં જનતાનો શું વાંક...? આ સ્થિતિમાં કહીં શકાય કે સંકલનનો અભાવ, લાપરવાહી કે ઢંગ-ધડા વગરની વ્યવસ્થા માટે જવાબદારોને છાવરવા શા માટે જોઈએ...? અહીં "પાડાના વાંકે પખાલીને ડામ" જેવી કહેવતો પણ યાદ આવી જાય... ખરૃં ને...?

હવે સુશાસન અને પ્રો-પબ્લિક વહીવટ જેવી શબ્દાવલી સાથે ખોખલા દાવાઓ ચાલવાના નથી... જો તંત્રો સમયસર સેવાઓ આપી શકતા ન હોય અને શાસકો તેનું કાંઈ કરી શકતા ન હોય તો કહી શકાય કે, 'હમામ મેં સબ નંગે હે...'

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial