મોટી મોટી સલ્તનતો ઉથલી ગઈ, તાનાશાહો તબાહ થઈ ગયા, પણ મનોવૃત્તિ ન ગઈ
આપણા રાષ્ટ્રીય પ્રતીકો, મોટી શૈક્ષણિક સંસ્થાઓ, કેટલાક મહત્ત્વપૂર્ણ પુસ્તકો તથા દસ્તાવેજોમાં પણ એક સૂત્ર લખેલું હોય છે, અને તેમાંથી એક ગહન સંદેશ પણ નીકળતો હોય છે, પરંતુ કમભાગ્યે તે વાચનાર, લખનાર અને લખાવનાર પૈકી ગણ્યાગાંઠ્યા લોકો જ આ સંદેશને ઝીલી શકતા હોય છે કે જીવી શકતા હોય છે. મોટાભાગે 'સત્ય મેવ જયતે'નો પ્રયોગ પરંપરાગત રીતે જ થતો રહ્યો છે. ગાંધીજીનું સત્ય હોય કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનો વારસો સત્યની સરિતા તરીકે વહેતો હોય, હંમેશાં સત્યનો મહિમા ગવાતો રહ્યો છે, પરંતુ અસત્યનું આવરણ પણ વધતુ રહ્યું છે.
આભાસી સત્ય ટકતું નથી
સત્યને ઢાંકી શકાય, દબાવી શકાય, કસોટીએ ચડાવી શકાય, પરંતુ સત્યને કાયમી ધોરણે ક્યારેદ ફનાવી શકાતું નથી એ સનાતન સત્ય છે, તેવું માનનારા કેટલા? સત્યની સાચવણી માટે સર્વસ્વ સ્વાહા કરી દેવાની તૈયારી કેટલાની?
ઘણાં લોકો સત્યનો સ્વીકાર કરવા તૈયાર જ હોતા નથી અને પોતાનો કક્કો ખરો કરવા માટે આભાસી સત્ય ઊભું કરી દેતા હોય છે. આ પ્રકારનું આભાસી સત્ય લાંબુ ટકતું નથી અને આભાસી સત્યની આડસમાં અયોગ્ય, અનૈતિક, અવ્યવહારૂ કે અસત્ય આચરણ કરનારા અવળચંડાઓનું અસ્તિત્વ પણ રહેતું નથી, અને તેના ઈતિહાસમાં ઘણાં દાખલા છે.
કથાકારો દ્વારા બોધપાઠ
આપણાં દેશમાં દરરોજ હજારો કથાકારો શ્રીમદ્ ભાગવત, રામકથા, રામપારાયણ, સત્યનારાયણની કથા, દેવી કથા સહિતની કથાઓ કરે છે, જેને લાખો કે કરોડો લોકો રોજ-બ-રોજ સાંભળતા હોય છે.
આ કથાઓ પ્રત્યક્ષ સાંભળવી અને સતત સાંભળવી અત્યારે દુર્લભ છે, કારણ કે જેમણે કથા બેસાડી હોય, તે યજમાન પણ વ્યવસ્થાઓ કરવા તથા આમંત્રિતોને સત્કારવામાં વ્યસ્ત રહેવાથી સતત કથા ભાગ્યે જ સાંભળી શકતા હોય છે, અને કથાઓમાં હાજરી આપવા આવતા આમંત્રિતો મર્યાદિત સમય લઈને આવતા હોય છે. આમ છતાં આ કથાઓને સતત અને પૂરેપૂરી સાંભળનારો એક વર્ગ પણ હોય જ છે. તે ઉપરાંત શ્રીમદ્ ભાગવદ્ ગીતા અને કીર્તનભક્તિ, સંતવાણી, ભજનો અને લોકડાયરાઓના માધ્યમથી પણ સારૂ જીવન જીવવાનો સંદેશ અપાતો હોય છે.
સોશ્યલ મીડિયા
આપણે હવે તો હજારો વીડિયોઝ યુટ્યુબ મારફતે પણ સાંભળતા હોઈએ છીએ, જેમાં આ પ્રકારની તમામ કથાઓ તથા ગીત-સંગીત અને બોધપાઠ, ફિલોસોફી તથા માર્ગદર્શન વગેરે મેળવતા હોઈએ છીએ. સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમોથી આપણે વિવિધ ધર્મ-સંપ્રદાયોના ધમગુરુઓ, વક્તાઓ તથા વિદ્વાનોના પ્રવચનોનો લાભ પણ લેતા હોઈએ છીએ.
અનુકૂળ હોય એ આપણું
આપણે અનુકૂળ હોય તે આપણું અને જે અનુકૂળ ન આવે તે બીજા પર થોપી દેવાની ઘણાં લોકોની પરંપરાગત મનોવૃત્તિ હોય છે. આપણે રામાયણ, ભાગવત કે મહાભારત ભગવદ્ ગીતા જેવા ગ્રન્થોમાંથી બોધપાઠ તો ઘણો જ મળતો હોય છે, પરંતુ તેમાંથી આપણને જેટલું અનુકૂળ આવતું હોય, તેટલું જ ગ્રહણ કરવાની મનોવૃત્તિ હોય, તો પણ કાંઈક તો ફળદાયી બની જ શકે, પરંતુ હવે તો આ પ્રકારનું શ્રવણ કર્યા પછી તેનું મનન કરવા કે તેને યાદ રાખવાનો સમય પણ આપણી પાસે હોતો નથી, તેના કારણે જ આપણે માત્ર ને માત્ર ઉપદેશિયા સંદેશાવાહક જેવા જ બની જતા હોઈએ છીએ, ખરૂ ને?
આત્મચિંતનની જરૂર
આપણે બાળપણમાં સમજણા થયા પછી અત્યાર સુધીમાં ઘણું બધું સાંભળતા, વાચતા અને અનુભવતા હોઈએ છીએ, અને તેના આધારે કેટલીક માન્યતાઓ ધરાવતા હોઈએ છીએ. કોણે કેવું વર્તન રાખવું જોઈએ, કઈ વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કે વર્તન રાખવું જોઈએ, કોનાથી દૂર રહેવું જોઈએ, કોનાથી નજીક રહેવું જોઈએ, ક્યા સમયે કેવું વલણ ધરાવવું જોઈએ, વગેરે વિવિધ પ્રકારની માન્યતાઓ અથવા અવધારણાઓ આપણે બાંધી લેતા હોઈએ છીએ, અને બીજા લોકોએ આપણી સાથે કેવી રીતે વર્તવું જોઈએ, તેની સ્વયંભૂ અપેક્ષાઓ પણ રાખવા લાગતા હોઈએ છીએ, પરંતુ આપણી એ તમામ પ્રકારની માન્યતાઓ કે અપેક્ષાઓના સંદર્ભે જ્યારે પોતાના વ્ય્વહારોમાં તફાવત આવે, ત્યારે સમજી લેવું કે હવે આપણે આત્મચિંતન વધારવાની જરૂર છે, ટૂંકમાં કે જે આપણે જે ગમતું ન હોય, તેવો વ્યવહાર આપણે બીજા સાથે વધારે પડતો કરવા લાગીએ, ત્યારે સમજી લેવું કે આપણામાં જ ક્યાંક ખોટ છે અને આપણે હજુ વધુ ગહન આત્મચિંતન કરવાની જરૂર છે.
આપણી બુદ્ધિના પ્રભાવ હેઠળ આપણે ખબર પડતી નથી, પરંતુ આ પ્રકારનું આત્મચિંતન આપણું અંતરમન કરતું જ રહેતું હોય છે, પરંતુ આપણે અંતરાત્માનો એ અવાજ આપણી જ બુદ્ધિની ચાલાકી હેઠળ દબાઈ જતો હોય છે, તેવી અનુભૂતિ બધાને થતી જ હશે.
સદ્બોધની ઠેકડી ક્યારેય ન ઊડાડો
કોઈપણ ધર્મના કોઈપણ માનવતાલક્ષી અને સારા જીવનનું પથદર્શન કરતા સદ્બોધની તો ક્યારેય અવગણના કે અયોગ્ય રીતે આલોચના ન જ કરવી જોઈએ, પરંતુ કોઈપણ પ્રકારના અન્ય માર્ગે પણ સારી અને સાચી સલાહ અપાતી હોય, સારા શબ્દો અને વાક્યોના માધ્યમથી જીવનલક્ષી માર્ગદર્શન અપાતું હોય કે સુવાક્યો, સુભાષિતો, સદ્વિચારો કે સારા સૂત્રોની મજાક તો કોઈપણ સંજોગોમાં ન ઊડાવવી જોઈએ. આ પ્રકારની ઠેકડી એવા જ લોકો ઊડાવતા હોય છે, જેઓ ખુદ અજ્ઞાત, અલ્પજ્ઞાન, દંભી, ઉદંડ કે અણસમજુ હોય છે.
અસત્યનો પરાભવ જ થાય
અસત્યનો પ્રભાવ ગમે તેટલો વધે, સત્યની આડે ગમે તેટલા આવરણો આવી જાય અને અસત્ય જ સારૂ લાગવા લાગે, પરંતુ અંતે તો અસત્યનો પરાજય જ થતો હોય છે, અને સત્યનું આચરણ કરનાર સામે હજારો વિપત્તિઓ આવે, તો પણ અડગ રહે, તો તેને અંતે જે ફળ મળે છે, તે અજ્ઞાનીઓ સાત જન્મેય મેળવી શકતા હોતા નથી. સત્યની કસોટી થાય, પણ અંતે તો સત્યનો જ વિજય થતો હોય છે, અને સત્યનો પરાજય જ હંમેશાં થતો હોય છે, એ જ સનાતન સત્ય છે. આ એવું તથ્ય છે, જે દરેક ધર્મ-સંપ્રદાયોના હાર્દમાં રહેલું છે. ઘણાં લોકો પ્રશ્ન ઊઠાવતા હોય છે કે સત્યની કસોટી થાય, પરંતુ અસત્યનો તો પરાભવ જ થાય, તેવી માન્યતા 'સત્ય' છે? હવે સત્યમાંથી પણ સત્ય શોધવાની આ ચેષ્ટા પણ 'સત્ય'નો વિજય જ છે ને? સત્યમેવ જયતે...
સત્યને દબાવનારનું હંમેશાં સત્યનાશ જ થાય
મનુષ્ય ગમે તેટલો બળવાન થાય, પરંતુ અને અસત્ય, અનૈતિક્તા તથા આસુરીવૃત્તિ ધારણ કરીને સત્યને ગમે તેટલું દબાવો, પરંતુ સત્ય મજબૂત સ્પ્રીંગ જેવું હોય છે, જેને જેટલું દબાવી, તેટલું ઉછળતું હોય છે. સત્યને દબાવવા, સંસ્કારોને તોડવા-મરોડવા અને વિકૃતિઓને વ્યાપક બનાવવા ગમે તેટલા પ્રયાસો થાય, તો પણ તેનો અંજામ તો તેના માટે જ ખતરનાક પૂરવાર થતો હોય છે, અને સત્વરે દબાવનારનું સત્યાનાશ જ નીકળતું હોય છે.
આપણે ઈતિહાસમાં જોયું જ છે કે મોટી મોટી અત્યાચારી સલ્તનતો ઉથલી ગઈ, તાનાશાહો તબાહ થઈ ગયા, ઘમંડીઓ બરબાદ થઈ ગયા, તો પણ તેઓની મનોવૃત્તિ બદલી નહોતી. જેની જેની આ પ્રકારની નેગેટીવ માનસિક્તાઓ બદલી ગઈ, તેઓનો ઉદ્ધાર થઈ ગયો, અને જેઓ ન સુધર્યા તેઓનું નિકંદન નીકળી ગયું.
ટૂંકમાં સત્યનું આચરણ, સત્ય નિષ્ઠા અને સત્યવચનો જેવા શબ્દો હવે ઘણાંને હાસ્યાસ્પદ લાગે છે, અને તેઓ ખોટા પણ નથી, કારણ કે અત્યારે ખોટાની બોલબાલા છે, અને સત્યનો માર્ગ વધુ કઠીન બની ગયો છે.
આ કારણે હવે 'સત્ય'ની વ્યાખ્યા પણ બદલવી પડે તેમ છે. 'સત્ય' એટલે કોઈને નુક્સાન ન થાય, કોઈનું બુરૂ ન થાય તેવી રીતે વર્તવું, બોલવું અને આચરણ કરવું, તેવો અભિગમ... ખરૂ કે નહીં?
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial