આજથી બરાબર પચાસ વર્ષ પહેલાં ભારતે તા.૧૮ મે,૧૯૭૪ ના શાંતિમય હેતુસર રાજસ્થાન ના એક દુર્ગમ સ્થળ સમાન પોખરણ વિસ્તારમાં પ્રથમ પરમાણુ પરીક્ષણ કરેલ તેની જે અતિહાસિક સિદ્ધિ મેળવી હતી તેની ભવ્ય ઉજવણી કરવાનો રુડો અવસર આવ્યો છે એમ કહીએ તો અતિશ્યોકિત નથી. આ સિદ્ધિ કંઈ જેવી તેવી સિદ્ધિ નહોતી, કદાચ જે તે સમયે માત્ર પાંચ દેશ જ અગાઉ આવા પરમાણુ પરીક્ષણ કરી ચૂક્યા હતા અને ત્યારના ભારત જેવા અલ્પ વિકસિત કે વિકાસ પામનારા દેશે આ જવલંત પરાક્રમ કરીને અનેક દેશોને ચિંતામાં મૂકી દીધા હશે,પણ ભારતે હંમેશાં શાંતિની કામના કરી છે અને આ પરમાણુ પરીક્ષણ પણ શાંતિમય હેતુસર કરવામાં આવેલ એવું આ પરીક્ષણ બાદ જણાવેલ જ હતું. આપણે એક ભારતીય તરીક આને ભારતના સાર્વભોમત્ત્વની રક્ષા કાજે કરવામાં આવેલ પરીક્ષણ માનીએ છીએ જ. આજે જ્યારે ભારતના પ્રથમ પરમાણુ પરીક્ષણના પચાસ વર્ષ પુર્ણ થઈ રહ્યા છે ત્યારે એની જુની અને મનને આનંદ આપનારી યાદો પણ રોમાંચિત કરવા સક્ષમ છે.
ભારતના આ પ્રથમ પરમાણુ પરીક્ષણને *સ્માઈલિંગ બુદ્ધ* એવું કોડનેમ (ખાનગી નામ) આપવામાં આવ્યું હતું, કારણ કે, તા. ૧૮ મે-૧૯૭૪ના *બુદ્ધ પૂર્ણિમા* હતી. આ શાંતિમય પરમાણુ પરીક્ષણ પોખરણ-૧ તરીકે પણ ઓળખાય છે. આ સીમાચિહ્નરૂપ ઘટનાએ વૈશ્વિક પરમાણુ રાજકારણની ગતિશીલતાને પુનઃ આકાર આપતા ભારતની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સંબંધો માટે ઊંડી અસર કરી હતી. ભારતે શાંતિમય હેતુસર પણ જે તે સમયે પરમાણુ પરીક્ષણ કરવાના કારણો અનેક હતાં. ભારતના પરમાણુ વૈજ્ઞાનિકો અને ઇજનેરો, પ્રસિદ્ધ પરમાણુ ભૌતિકશાસ્ત્રી ડૉ. રાજા રામન્નાની આગેવાની હેઠળ, સફળતાપૂર્વક વિસ્ફોટ કરવામાં સક્ષમ પરમાણુ ઉપકરણની ડિઝાઇન અને નિર્માણ માટે અવિરતપણે કામ કર્યું. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સહિત લગભગ ૭૫ વૈજ્ઞાનિકો અને ઇજનેરોની અથાક મહેનત બાદ તા. ૧૮ મે, ૧૯૭૪ના ભારતે તેનું પ્રથમ શાંતિમય ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કર્યું. આ ઐતિહાસિક સિદ્ધિએ યુનાઇટેડ સ્ટેટ્સ, સોવિયેત યુનિયન (હવે રશિયા), યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને ચીન પછી ભારત વિશ્વનું છઠ્ઠું રાષ્ટ્ર પરમાણુ શક્તિ બન્યું હતું. ભારત પોતાના સાર્વભૌમત્ત્વની રક્ષા કાજે યોગ્ય અને ઉચિત પગલાં લેવા સક્ષમ છે એની પ્રતિતી વિશ્વના દેશોને ત્યારે થઈ ચૂકી હતી.
પ્રથમ પરીક્ષણના ઈતિહાસની વાતો ટૂંકમાં જોઈએ તો સ્વ. ઈન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા બાદ ભારતના પરમાણુ કાર્યક્રમ પર પુનઃનવેસરથી નવા જોમ સાથે કામ શરૂ થયું. તા. ૭ સપ્ટેમ્બર-૧૯૭૨ પછી ઈન્દિરા ગાંધીએ ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરને પરમાણુ ઉપકરણ બનાવવા અને તેને પરીક્ષણ માટે તૈયાર કરવા માટે અધિકૃત કર્યા. ભારતીય સેના પરમાણુ પરીક્ષણમાં સંપૂર્ણ રીતે સામેલ ન હોવા છતાં સૈન્યના સર્વોચ્ચ કમાન્ડને પરીક્ષણની તૈયારીઓ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ભારતીય રાજકીય નેતૃત્વની સતર્ક નજર હેઠળ તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી.
ભારતએ પોતાની શાંતિમય પરમાણુ પરીક્ષણ અને પરમાણુ શક્તિનો દૂર ઉપયોગ નહિં કરવાની પ્રતિબદ્ધતા કાયમ રાખી હતી અને અત્યારે પણ એક શાંતિપ્રિય દેશ તરીકે વિશ્વમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે અને એટલે જ ૧૯૭૪ના પ્રથમ પરમાણુ પરીક્ષણ બાદ લગભગ ૨૪ વર્ષો સુધી કોઈ પણ અન્ય પરમાણુ પરીક્ષણ નહોતાં કરેલ અને છેક ૧૯૯૮મા જ્યારે સ્વ.અટલ બિહારી વાજપાયીજી બીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે પોખરણ-૨ અને *ઓપરેશન શક્તિ* તરીકે ઓળખવામાં આવેલ કોડનેમથી ભારતે તા. ૧૧ અને ૧૩ મે ના બીજી વખત પરમાણુ પરીક્ષણ કરેલ. ભારતની આ બીજી વખતની ગૌરવમય ઘટનાને તેમજ ભારતના વૈજ્ઞાનિકો અને ટેકનોક્રેટસની અવિસ્મરિણ સિદ્ધિઓને ઈતિહાસમાં હંમેશાં યાદગાર બનાવવા દર વર્ષે ૧૧-મે ના દિવસે ભારતમાં નેશનલ ટેકનોલોજી દિવસની ઉજવણી વિવિધ થીમને ધ્યાને લઈ કરવામાં આવે છે જેની શરુઆત તત્કાલિન વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપાયી દ્વારા જ કરવામાં આવેલ,જે હકીકત સમગ્ર ભારત માટે આજે ગૌરવશાળી છે.
ભારતની પરમાણુ ઉર્જા અંગેની નીતિ ખુબજ સ્પષ્ટ જોવા મળેલ છે, ભલે કોઈ પણ પક્ષની સરકાર હોય, ભારતે હંમેશાં પોતાના સાર્વભૌમત્ત્વની રક્ષા સામે ક્યારેય કોઈ બાંધછોડ કરેલ નથી.આજે જ્યારે ભારતના પ્રથમ શાંતિમય પરમાણુ પરીક્ષણના પચાસ વર્ષ પુર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે ભારતના તમામ વૈજ્ઞાનિકો અને ટેકનોક્રેટસને અભિનંદન અને સદગત વૈજ્ઞાનિકો તેમજ ટેકનોક્રેટસને પ્રણામ કે જેઓની અથાક મહેનત દ્વારા ભારત શાંતિમય પરમાણુ પરીક્ષણો કરી શક્યું અને ભારત વિશ્વમાં એક અલગ પહેચાન ઊભી કરી શકયું. જય હિંદ.
:: સંકલન :: કિરીટ બી.ત્રિવેદી,
ગાંધીનગર, મો.૯૯૯૮૮-૭૯૬૧૯
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial