Sensex

વિગતવાર સમાચાર

સોનું ૭૭ હજાર અને સેન્સેકસ ૭૪ હજારની સપાટીએ...આગ ઝરતી તેજી... ચૂંટણીનો ગરમાવો... અટકળોનું ઉંધિયુ... કારણો-તારણો-ધારણાઓ...

દિવસે દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને તાપમાનનો પારો ઊંચેને ઊંચે જઈ રહ્યો છે, બળબળતી ગરમીનો અસહ્ય તાપ લોકોને અકળાવી રહ્યો છે, અને હવે 'ગરમીજન્ય' રોગચાળાની ચિન્તા પણ વધી રહી છે. આ ધોમધખતા તડકામાં પણ દેશના આઠેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકસભાની ૪૯ બેઠકો માટે ગઈકાલે મતદાન સંપન્ન થયું છે, તેનું વિશ્લેષણ અલગથી રજૂ થઈ રહ્યું છે.

અસહ્ય ગરમીને ગ્લોબલ વોર્મિંગ, મનુષ્યની બગડી રહેલી આદતો, પ્રકૃતિ પ્રત્યેની નિર્દયતા અને સિમેન્ટ-લોખંડથી ભરપૂર ઈમારતો, સંકુલો, માળખાકીય સુવિધાઓ તથા ભવનોના નિર્માણ જેવા વિકાસલક્ષી પ્રોજેકટોના કારણે થતી આડઅસરોનું માઠું પરિણામ ગણાવીને કલાઈમેટ ચેઈન્જના તારણો નીકળી રહ્યા છે, તો બીજી તરફ આધુનિક પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રકચરને પણ પરોક્ષ રીતે જવાબદાર ગણાવાઈ રહ્યું છે, અસહ્ય ગરમી માટે દુનિયાભરમાં વૃક્ષોનું થતું આડેધડ નિકંદન અને વિકાસના નામે વનો-જંગલોમાં કરાઈ રહેલો ઘટાડો જવાબદાર હોવાના તારણો સાથે સી.સી. (સિમેન્ટ-કોંક્રીંટ)ના રોડ, ફળિયાં અને વિવિધ સંકુલો, કોરિડોર તથા પબ્લિક પ્રોપર્ટીઝ (બસ મથકો, રેલવે સ્ટેશનો, એરપોર્ટ વગેરે) ના આધુનિકરણમાં વપરાતો સિમેન્ટ લોખંડનો જંગી જથ્થો પણ ગરમીને રિફલેકટ કરતો હોવાના તારણો નીકળી રહ્યા છે.

શહેરીકરણો, લોકોની બદલેલી લાઈફસ્ટાઈલ તથા ઈન્ફ્રાસ્ટ્રકચરના વગરવિચાર્યે થતા અયોગ્ય આધુનિકરણ તથા વાહનોમાં થયેલા જંગી વધારાને પણ બળબળતી ગરમી માટે જવાબદાર ગણાવાય છે.

અત્યારે નાના-મોટા શહેરો જ નહીં, પરંતુ ગામડા-કસબાઓમાં પણ ઠેર-ઠેર સી.સી. રોડ બની રહ્યા છે, જે લોકોની સુવિધા તથા સ્વચ્છતા માટે ખૂબ જ ઉપયોગી નિવડ્યા છે, પરંતુ સાથે સાથે ગરમીને રિફલેકટ કરતા હોવાથી ગરમીના વધારાનું આ પણ એક કારણ હોઈ શકે છે, ડામરના રોડના સ્થાને હવે ઘણાં ધોરીમાર્ગો પણ સિમેન્ટ કોંક્રેટ (આરસીસી) ના બની રહ્યા છે, તેને પણ ગરમી વધવાનું મહત્ત્વનું કારણ બતાવાઈ રહ્યું છે. વિશ્વના કેટલાક  દેશોમાં આ પ્રકારના સિમેન્ટના રોડ પર ટાર-ડામરનું પડ પાથરવામાં આવે છે, તેનો અભ્યાસ કરીને આપણાં દેશ-પ્રદેશોને અનુકૂળ હોય, તો તેનો પ્રયોગ કરવાની જરૂર પણ જાણકારો જણાવી રહ્યા છે. જો કે, આ બધા ટેકનિકલ અને એન્જિનિયરીંગના વિષયો છે, પરંતુ તે દિશામાં વિચારી તો શકાય જ ને? યોગ્ય લાગે તો આગળ પણ વધી શકાયને?

હવામાન ક્ષેત્રના કેટલાક નિષ્ણાતો અને અભ્યાસુઓ નેચરલ સાયકલ ડિસ્ટર્બ થવા પાછળ કુદરતી આફતો તથા બદલાઈ રહેલા ઋતુચક્રને જવાબદાર ગણાવે છે, અને તેના મૂળમાં પણ ગ્લોબલ વોર્મિંગના પ્રતાપે થઈ રહેલા કલાઈમેટ ચેઈન્જની સમસ્યા જ રહેલી હોવાનું તારણ નીકળે છે.

વાહનોમાં વધારો, ડીઝલ-પેટ્રોલનો વધી રહેલો વપરાશ તથા પ્રકૃતિનું થઈ રહેવું દેહન પણ ગરમીમાં વધારો કરે છે, એટલું જ નહીં, વિકાસની દોટમાં વપરાતા તોતીંગ મશીનો તથા કાર્બન ઉત્પન્ન કરતા સાધનોને પણ ગરમીવર્ધક કારણ ગણવામાં આવી રહ્યું છે. આ તમામ પોઈન્ટને ગંભીરતાથી વિચારીને તેના એવી રીતે સોલ્યુશન કાઢવા જોઈએ, કે જેથી વિકાસ પ્રક્રિયા તથા લોકોની સુખ-સુવિધાઓ પણ પ્રગતિશીલ રહે અને ગરમીવર્ધક પરિબળોમાં ઘટાડો થાય. આ પહેલ રાજ્ય અને કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગો ઉપરાંત ઔદ્યોગિક-કોર્પોરેટ ક્ષેત્રના માધાંતાઓ તથા જાહેરક્ષેત્રની સંબંધિત સંસ્થાઓએ પણ કરવી જોઈએ, તેમ નથી લાગતું?

ઈરાનની હેલિકોપ્ટર દુર્ઘટનામાં ત્યાંના રાષ્ટ્રપતિ અને વિદેશમંત્રીના મૃત્યુના વૈશ્વિક પ્રત્યાઘાતો પડ્યા કે તેની અસરો વિવિધ વૈશ્વિક માર્કેટો પર પણ પડી. એક જ દિવસમાં સોનાના ભાવ ૧૦ ગ્રામ દીઠ રૂ. ૭૭ હજારને વટાવી ગયો, તો ચાંદીનો એક કિલો ગ્રામનો ભાવ પણ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચીને ૯૧ થી ૯૩ હજારની વચ્ચે હતો. એટલું જ નહીં, શેરબજારમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, આજે સવારે જ સેન્સેકસ ફરીથી ૭૪ હજારની સપાટીને આંબી ગયો હતો.

કેટલાક નિષ્ણાતો પ્રવર્તમાન વૈશ્વિક ઘટનાઓના કારણે આંતરરાષ્ટ્રીય શેરબજારમાં કડાકો બોલી શકે, તેવું અનુમાન લગાવી રહ્યા હતા, ત્યારે પી.એમ.મોદીએ બેન્કીંગ સેકટરની મજબૂતીનો ઉલ્લેખ કરીને ૪ જૂને ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી ભારતીય શેરબજારમાં જબ્બર ઉછાળો આવશે અને નવા રેકોર્ડ બનાવશે, તેવો દાવો કર્યો હોવાના અહેવાલો પણ વહેતા થયા હતાં, જોઈએ હવે શું થાય છે તે..

સોના-ચાંદીના ભાવો તથા શેરબજાર મોટાભાગે વૈશ્વિક પરિબળો પર આધાર રાખતા હોય છે, પરંતુ સ્થાનિક ઘટનાક્રમો, માંગ, પુરવઠો અને શાસકીય તથા રાજકીય ઘટનાક્રમો તથા સંકેતોની અસર પણ તમામ પ્રકારની માર્કેટો પર પડતી હોય છે. જુદા-જુદા તબક્કાની લોકસભાની ચૂંટણી દરમિયાન વિવિધ માર્કેટોમાં થઈ રહેલો ઉતાર-ચઢાવ તેનો સાક્ષી છે. હવે ચોથી જૂને લોકસભાની ચૂંટણીની સાથે સાથે તમામ પ્રકારના માર્કેટો પર પણ સૌની નજર રહેશે, કારણ કે ચૂંટણીના પરિણામોની સીધી અસરો વિવિધ ક્ષેત્રે પડતી હોય છે, જેમાં આ તમામ પ્રકારની માર્કેટો પર તત્કાળ પ્રભાવ પડતો હોય છે.

ધગધગતી ગરમી, ચૂંટણી, વૈશ્વિક ઘટનાક્રમો, ગ્લોબલ વોર્મિંગ, કલાઈમેટ ચેઈન્જ, સોના-ચાંદીના ભાવોમાં ઉછાળો, શેરબજારમાં તેજી, વૈશ્વિક પ્રવાહો સાથે લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી સાથે થતાં વિશ્લેષણોમાંથી તૈયાર થયેલું આ સંભાવનાઓનું 'ઉંધિયુ' કેટલું ટેસ્ટી નિવડે છે તે જોવું રહ્યું ખરૃં ને?!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial