Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ગરમીના પ્રકોપથી ઊભી થઈ ગંભીર હેલ્થ ઈમરજન્સી... શાહરૂખ ખાનને પણ ગુજરાતમાં 'લૂ' લાગી ગઈ!

અમદાવાદમાં આઈપીએલ ક્રિકેટ ટીમને પ્રોત્સાહિત કરવા માટે રોકાયેલા ફિલ્મ એકટર શાહરૂખ ખાનને લૂ લાગી ગઈ અને હોસ્પિટલમાં દાખલ થઈને સારવાર લેવી પડી, તેવા અહેવાલોએ ગઈકાલે સૌનુ ધ્યાન ખેંચ્યુ, એટલું જ નહીં આ બળબળતા ઉનાળામાં ગરીબો તથા શ્રમિકોની કેવી માઠી દશા થતી હશે, તેની ચર્ચાને પણ સ્થાન મળ્યું, ધોમધખતા તડકામાં પરસેવો પાડતા ઘણાં લોકોની કઠણાઈ પણ ચર્ચામાં આવી ગઈ !

શાહરૂખખાનને લૂ લાગ ગઈ, ડિહાઈડ્રેશન થયુ અને ન્યૂમોનિયાની અસર થઈ, તેવા અહેવાલો વહેતા થયા પછી તેના સંદર્ભે ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

ખગોળીય દૃષ્ટિએ વૈશાખ મહિનો મહત્ત્વપૂર્ણ હોય છે અને સાયન્ટિફિક દૃષ્ટિએ મે મહિનામાં પૃથ્વી સૂર્યથી ખૂબ નજીકથી પસાર થતી હોવાથી સન-રે એટલે કે સૂર્યના કિરણો સીધા જ પૃથ્વી પર પડતા હોવાથી આ સમયગાળામાં ગરમીનો પ્રકોપ ઘણાંને વધી જતો હોય છે, અને આ જ ગરમીના કારણે આગામી ચોમાસાની બુનિયાદ વધુ મજબૂત બની જતી હોય છે.

જયોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ પણ વૈશાખના અંતિમ દિવસો તથા જેઠ મહિનાના પ્રારંભના દિવસોમાં ગ્રહ-નક્ષત્રોની સ્થિતિમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો હોવાનું કહેવાય છે. સૂર્યનો કૃત્રિકા નક્ષત્ર છેડીને રોહિણી નક્ષત્રમાં પ્રવેશ થાય છે, તે તા. રપ મી મે થી બીજી જૂન  સુધીના નવ દિવસ સુધી આકરી ગરમી એટલે કે હીટવેવ રહેવાનો છે, આ નવ દિવસના સમયગાળાને જયોતિષની ભાષામાં નૌતપા કહે છે, આ નૌપતાના નવ દિવસ માં ખૂબ જ આકરી ગરમી પડે છે, અને નૌતપાના દિવસોનું ગણિત બરાબર હશે, તો આ વર્ષે ચોમાસુ સારુ જવાના એંધાણ પણ મળશે, તેવું જયોતિષ ક્ષેત્રના નિષ્ણાતો કહે છે.

આ પ્રકારની આગઝરતી ગરમીમાં આઈપીએલ ક્રિકેટ જ નહીં ક્રિકેટ ટુર્નામેન્ટોમાં બપોરની મેચો રમાવી જ ન જોઈએ અને તમામ મેચો ડે-નાઈટ રાખવી જોઈએ, તેવા અભિપ્રાયો હવે આવવા લાગ્યા છે, જો કે, મેદાનમાં રમતા ખેલાડીઓના બદલે તેને નિહાળવવા કે પ્રોત્સાહિત કરવા આવતા શાહરૂખખાન જેવા લોકોને આ ગરમીએ બીમાર કરી દીધા, તે આપણાં ખેલાડીઓની ફીટનેશ પુરવાર કરે છે, તેવા દાવાઓ પણ થતાં હોય છે, પરંતુ આ વખતે ગરમીનો પ્રકોપ જોતા ક્રિકેટ સહિતની રમતો માટે નૌતપા જેવા દિવસો કે મે મહિનાના છેલ્લા તથા જૂન મહિનાના પહેલા પખવાડિયામાં ખુલ્લા મેદાનમાં રમત-ગમત જેવી પ્રવૃત્તિઓ શકય હોય ત્યાં સુધી ટાળવી જોઈએ, તેમ નથી લાગતું ?

ગુજરાતમાં બપોરે ૧ થી ૪ સુધી ફિલ્ડના શ્રમિકોને આરામ આપવાની સૂચના અપાઈ, તે આવકાર્ય છે, પરંતુ અન્ય ક્ષેત્રે જાગૃતિ જરૂરી છે.

અત્યારે લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે અને તમામ રાજકીય પક્ષોના નેતાઓ-સ્ટારપ્રચારકો ઠેર-ઠેર રોડ-શો, રેલીઓ તથા ચૂંટણીસભાઓ યોજી રહ્યા છે, અને બીજી તરફ કેટલાક દિવસોમાં ક્રિકેટ જેવી ટુર્નામેન્ટો બળબળતી બપોરે પણ રમાઈ રહી છે, જેના પર લીગલી નિયંત્રણો પણ મૂકાવા જોઈએ અને બપોરના ત્રણ-ચાર કલાક માટે આવી પ્રવૃત્તિઓ  થંભાવી દેવી જોઈએ, તેવા અભિપ્રાયોને પણ હળવાશ થી લેવાના બદલે ગંભીરતાથી વિચારવા જોઈએ તેમ નથી લાગતું ?

એક તરફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા સરકારી વિભાગો તથા બંધારણીય પદો શોભાવતા કેટલાક નેતાઓ પણ બપોરના સમયે અનિવાર્ય કારણો સિવાય બહાર નહીં નીકળવાની એડવાઈઝ આપતા હોય અને બીજી તરફ બળબળતા બપોરે પણ પ્લેગ્રાઉન્ડ અને પ્રચારકાર્યોની દોડધામ ચાલતી રહે, તે વિરોધાભાસ જ છેને?

હીટવેવના કારણે રાજકીય પક્ષો તથા નેતાઓ પોતાના કાર્યકરોને બપોરના સમયે ઘેર-ઘેર પ્રચાર માટે નહીં જવાની અપીલો કરતા હોય, અને પ્રચારસભાઓ, રેલી-રોડ-શો વગેરે સવાર-સાંજના સમયે જ યોજતા હોય તો પણ તેના આયોજન તથા જંગી મેદની ભેગી કરવાની લ્હાયમાં લોકોને સમય પહેલાં જ ભરબપોરે જ સંબંધિત નિર્દેશિત સ્થળે એકઠા કરવાના કારણે ત્યાં સંખ્યાબંધ લોકોને ચક્કર, પેટનો દુઃખાવો અને ડિહાઈડ્રેશનની તકલીફો ઊભી થવાના અહેવાલો શું સૂચવે છે? ઘણાં બધા લોકોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સ્થળ પર સારવાર મળી જાય, ઘણાંને દવાખાને જવું પડે અને કેટલાક લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડે, તેવી સ્થિતિ  સર્જાવા પાછળ આ પ્રકારે બળબળતા ઉનાળામાં પણ બપોરે ટાણે લોકોને ભેગા કરતા કે ટુર્નામેન્ટો રમાડતા આયોજકોને જવાબદાર ન ગણવા જોઈએ?

શાહરૂખખાન જેવી સેલિબ્રિટીને આ પ્રકારના કાર્યક્રમોમાં હાજરી આપતી વખતે ડિહાઈડ્રેશન થઈ જાય, અને હોસ્પિટલમાં દાખલ કરવા પડે, ત્યારે જ બળબળતી ગરમી અને તેવા સમયે ભરબપોરે લોકો એકત્ર થાય તેવી પ્રવૃત્તિઓ ટાળવાની ચર્ચા ઉઠે, પરંતુ તે પહેલાના દિવસોમાં પણ આ જ પ્રકારના કારણોસર ઘણાં લોકોની તબીયત બગડી હોય, છતાં તેની ખાસ નોંધ પણ ન લેવાય, તે શું સૂચવે છે?

જાહેરમંચ પરથી લોકોને બપોરટાણે બહાર નહીં નીકળવા અપીલો કરવામાં આવે, અને એ જ નેતાઓના કાર્યક્રમો માટે કલાકો પહેલાથી લોકોને એકઠા કરવામાં આવે, તેને બેવડા વલણો ન કહી શકાય ? કોઈપણ ચૂંટણીસભામાં જંગી મેદની એકત્ર થાય, અને કોઈપણ કારણે નાસભાગ મચે, ત્યારે તેની ચિન્તા કર્યા વગર નેતાઓ સ્ટેજ પર બેસીને મીડિયા ઈન્ટરવ્યૂની ડ્રામેબાજી કરે, તે જનતાનું અપમાન નથી? ઉચ્ચકક્ષા સુધીના તમામ નેતાઓએ આત્મમંથન ન કરવું જોઈએ?

આઈપીએલમાં શાહરૂખખાનની ટીમનો દેખાવ સારો રહ્યો, પરંતુ ગ્રાઉન્ડમાં ચક્કર લગાવ્યા પછી ચક્કર આવી ગયા અને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હોવાના અહેવાલોની સાથે સાથે જ એવા અહેવાલો પણ આવ્યા કે છેલ્લા એકાદ મહિનામાં ગરમીના કારણે થતી બીમારીઓના કારણે અમદાવાદમાં ૪૯ર જેટલા લોકોને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલે ખસેડવા પડ્યા હતાં, પરંતુ આ ગંભીર ગણી શકાય તેવી સ્થિતિની ગંભીરતાથી નોંધ તો શાહરૂખખાનને દાખલ કર્યા પછી જ લેવાઈ હોય તો તો કિંગખાનને ગુજરાતની જનતાએ 'થેન્કયૂ' પણ કહેવું પડે, ખરુંને ?

જો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા સતત એડવાઈઝરી અપાઈ રહી છે અને રાજ્યના તમામ તબીબી અને આરોગ્યતંત્રો સાબદા કરાયા હોવાનો દાવો પણ થઈ રહ્યો છે.

અમદાવાદમાં ગઈકાલે તાપમાન પણ ૪પ.૯ ડિગ્રીને આંબી ગયું હતું, એવી જ રીતે સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો ઊંચો રહ્યો હતો., આ સ્થિતિમાં ટોપ-ટુ-બોટમ તમામ લોકો પૂરતી કાળજી રાખે અને સાવચેત રહે તે જરૂરી છે, ખરું કે નહીં?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial