ગોંડલના રાજવી વૃક્ષપ્રેમી હતાં, અને તેના જમાનામાં ઉછેરેલા વૃક્ષોએ પ્રકૃતિનું જતન કર્યું હતું, તેમ જો દેશના ૧૦૦ કરોડ પુખ્ત અબાલવૃદ્ધ નાગરિકો જો વૃક્ષોના વાવેતર કરીને ઉછેરે તો દેશમાં પ્રકૃતિનું સંરક્ષણ વધે અને દેશની સિકલ બદલી જાય, તે પ્રકારના બોધવાક્યો સાથે બુદ્ધપૂર્ણિમાના દિવસે દેશવાસીઓને કમ-સે-કમ એક-એક વૃક્ષ વાવીને ઉછેરવાની જે અપીલ થઈ, તે પ્રવર્તમાન પ્રચંડ ગરમીના પ્રકોપના સંદર્ભે ઘણી જ મહત્ત્વપૂર્ણ છે, અને તે લાકડિયા તારની જેમ લોકોમાં સ્વયંભૂ આવકાર પામી રહી છે, તે પર્યાવરણ, પ્રકૃતિ અને પૃથ્વીના સંરક્ષણ માટે સારા સંકેત ગણાય...
ભીષણ ગરમીના કારણે રાજસ્થાનમાં ૮ મૃત્યુ થયા છે, ત્યારે દેશભરમાં ગરમીનો પ્રકોપ વધ્યો, અને ગ્લોબલ વોર્મિંગ તથા ક્લાઈમેટ ચેઈન્જના દુષ્પરિણામોનું આ પરિણામ હોવાના તારણો નીકળી રહ્યા છે. આ સંદર્ભે જ ગોંડલ, જામનગર, પોરબંદર, રાજકોટ સહિતના સૌરાષ્ટ્ર-કચ્છના રજવાડાઓના જમાનામાં સામૂહિક વૃક્ષઉછેર અને જંગલોના જતનના દૃષ્ટાંતો પણ અપાઈ રહ્યા છે. ગઈકાલે લગભગ સમગ્ર રાજ્યમાં હીટવેવના કારણે બપોર ટાણે કુદરતી કર્ફયુ હોય તેવા દૃશ્યો સર્જાયા હોવાના અહેવાલો આવ્યા, અને ઘણાં વિસ્તારોમાં રેડએલર્ટ જાહેર કરાયું હતું. તે ઉપરાંત યેલો-ઓરેન્જ એલર્ટ પણ ઠેકઠેકાણે અપાયા હતાં, અને રાજ્યના ડઝનેક શહેરોમાં મહત્તમ તાપમાન ૩૭ થી ૪૭ ડીગ્રી વચ્ચે નોંધાયું હતું, તે સંદર્ભે પૃથ્વી અને પર્યાવરણ સંરક્ષણની જરૂર જણાવાઈ રહી છે. આ સંદર્ભે જ કથાકાર મોરારીબાપુએ બુદ્ધપૂર્ણિમાના પર્વે વૃક્ષારોપણ અને જતન અંગે લોકોને જાગૃત કર્યા હશે. આમ પણ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેઈન્જના કારણે ગરમીનો પ્રકોપ વધી રહ્યો હોય તો તેની સામે લડવા માટે વધુમાં વધુ વૃક્ષો ઉછેરવામાં આવે અને પ્રવર્તમાન જંગલોનું જતન અને વૃદ્ધિ કરવામાં આવે, તે હવે આપણી જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે અત્યંત જરૂરી છે, ત્યારે આ પ્રકારની ચર્ચાઓ અને ઉપદેશો માત્ર હવામાં જ રહીં ન જાય કે પોથીમાના રીંગણાની કહેવતની જેમ માત્ર ક્ષણિક ઉપદેશોમાં જ રહી ન જાય, તે પણ જોવું પડે... કારણ કે આ વાસ્તવિક્તા સૌ જાણે છે, પરંતુ નિજના સ્વાર્થે તેના પ્રત્યે ધરાર દુર્લક્ષ સેવવામાં આવે છે, તેમ નથી લાગતું?
આપણા દેશમાં દર વર્ષે વન-મહોત્સવો ઉજવાય છે, અને કરોડો વૃક્ષો વવાય છે, પરંતુ જો તમામ વૃક્ષો ઉછરતા હોય અને તેનું જતન થતું હોય, તો આખો દેશ જ વનવિસ્તાર બની જાય, તેવી તસ્વીર ઊભી થાય, પરંતુ કમભાગ્યે તેવું થતું નથી, અને વનવૃદ્ધિના આંકડાઓ કદાચ કાગળ પર જ રહી જાય છે, જેને કાગળ પરના નકલી જંગલો પણ કહી શકાય, ખરૂ કે નહીં? હકીકતે જંગલો 'સફાચટ' થઈ રહ્યા છે, તે વાસ્તવિક્તા નથી?
અત્યારે 'નકલી'નો યુગ છે, અને ચૂંટણીમાં નવા નવા દાવાઓ પણ 'ફટાફટ' થતા રહે છે. ચૂંટણી સભાઓમાં રાહુલ ગાંધીએ એક વખત 'ખટાખટ' શબ્દનો પ્રયોગ કરીને કેટલાક વાયદાઓ કર્યા, તો તેના રાજકીય પ્રત્યાઘાતો પણ આવ્યા. ભાજપના સ્ટાર પ્રચારક તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર ચૂંટણીસભાઓમાં જ કટાક્ષો કરવા માટે 'ખટાખટ' શબ્દનો પ્રયોગ કર્યો. તે પછી તો ચૂંટણીના સમરાંગણમાં જુદા જુદા નેતાઓએ ખટાખટ, ફટાફટ, સટાસટ જેવા શબ્દાનુપ્રાસ સર્જીને ભાષણોને રોચક બનાવ્યા. તેજસ્વી યાદવે તો એવો દાવો કરી દીધો કે ચોથી જૂને ભાજપ 'સફાચટ' થઈ જશે!
આ રીતે શબ્દોની નકલ અને નકલી શબ્દપ્રયોગો દરમિયાન પણ નકલી નેતાઓ, નકલી વાયદાઓ અને નકલી ચલણી નોટોના મુદ્દાઓ પણ પ્રચાર દરમિયાન પડઘાતા રહે છે, જેને મતદારો કેવી રીતે મુલવતા હશે, તે તો તેઓ જ જાણે... પરંતુ ઘણી વખત આ સીલસીલો મનોરંજક જરૂર બની જતો હોય છે.
હવે જ્યારે 'નકલી'ની વાત આવી જ છે, ત્યારે ગુજરાતમાં વધુ એક વખત 'નકલી' કચેરીની ચર્ચા 'ટોક ઓફ ધ સ્ટેટ' બની ગઈ છે, અને આ ચર્ચાનો ઉદ્ભવ ભાજપના જ એક નેતા થકી થયો છે...
બન્યું એવું કે ભાજપના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ એક 'જનતારેડ' પાડીને સિંચાઈ વિભાગની એક નકલી કચેરી મોડાસામાં ધમધમી રહી હોવાનો દાવો કર્યો અને આ 'નકલી' કચેરીમાંથી નિવૃત્ત થયેલા કેટલાક અધિકારીઓ બોગસ બીલો વગેરે બનાવીને કૌભાંડ કરી રહ્યા હોવાના આક્ષેપો પણ થાય. આ મુદ્દો ગરમાતા ત્યાંના કલેક્ટરે એક તપાસ સમિતિની રચના પણ કરી છે અને તેના રિપોર્ટીંગના આધારે કાર્યવાહી થશે, તેમ પણ જાહેર થયું છે.
આ દરમિયાન રિયાલિટી ચેકના દાવાઓ થયા અને એવું બહાર આવ્યું કે, જે ઈમારતમાં આ નકલી કચેરી હોવાનો દાવો થયો છે, તે ભાજપે જેની ટિકિટ કાપી નંખાઈ તે ભાજપના જ દિગ્ગજ નેતાના વેવાઈનો બંગલો છે. આ બંગલામાં અરજદારો નહીં પણ નિવૃત્ત અધિકારીઓ 'માર્ગદર્શન' મેળવવા ગયા હોવાની વાતો પણ વહેતી થઈ... હવે આ મુદ્દે તપાસ સમિતિનો અંતિમ રિપોર્ટ જે આવે તે ખરો... પરંતુ ભાજપની આંતરિક ભાંગજડ તો બહાર આવી જ ગઈ...
ભારતીય જનતા પક્ષમાં ઊભી થયેલી યાદવાસ્થળી અને ભરતી મેળામાં પક્ષાંતર કરીને આવેલા અન્ય પક્ષોના નેતાઓ તથા વર્ષોથી ભાજપમાં કામ કરી રહેલા કાર્યકર્તાઓ-નેતાઓ વચ્ચેની કથિત ખેંચતાણ ૧પ૬ બેઈઝ મોદી મેઝીક પર કેટલી ભારે પડી છે તે હવે ચોથી જૂને જ ખબર પડશે... 'ફટાફટ' 'ફટાફટ'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial