કરોડપતિ રિક્ષાચાલકની અનોખી સેવા ભાવના... પ્રેરણાદાયી દૃષ્ટાંત...
લાકડા જેવા લાડવા, ખાઈએ તો દાંત ભાંગી જાય અને ન ખાઈએ તો ભૂખ્યા રહી જવાય, તેવા પ્રકારની કહેવતો ઘણી જ પ્રચલિત છે. સામાન્ય રીતે આ કહેવત લગ્ન માટે વપરાય છે, પરંતુ આ પ્રકારની જ કહેવતો કેટલાક અન્ય ક્ષેત્રે પણ પ્રચલિત છે. ઘણી વખત કોઈ મુદ્દે કન્ફ્યુઝન ઊભું થાય, અને કોઈ નિર્ણય ન લઈ શકાતો હોય, ત્યારે પણ આ પ્રકારની અન્ય કહેવતો વપરાતી હોય છે, જે પૈકીની કેટલીક તળપદી ભાષાની કહેવતો પણ હોય છે, જો કે લગ્ન માટે જે કહેવત છે, તે ઘણી જ પ્રચલિત હોવા છતાં અંતે તો લોકો લગ્ન કરી જ લેતા હોય છે, અને કઠણ લાડવા ખાવાની હિંમત પણ કરી લેતા હોય છે. આ દુનિયા રંગરંગીલી છે, જેમાં એક જ પરિવારમાં રહેતા લોકોના વિચારો અને અભિપ્રાયો પણ એક સમાન હોતા નથી.
મૂંડે-મૂંડે મતઃ ભિન્ના
ઘણી વખત મહત્તમ વિચારોમાં સમાનતા ધરાવતા લોકો વચ્ચે સામ્યતા દેખાય, પરંતુ વિચારો અને વ્યક્તિત્વ ભિન્ન હોય છે. મોટા મોટા અભિનેતાઓના ડુપ્લીકેટ પણ હૂબહુ નખશીખ અભિનેતા જેવા જ હોતા નથી. કુદરતે એવી અજાયબ દુનિયા બનાવી છે કે અબજો લોકોમાં ઘણાં લોકો હમશકલ એટલે કે સરખા જ દેખાતા હોય છે, પરંતુ ફિંગરપ્રિન્ટ સમાન હોતી નથી. તેથી બધાના ડીએનએ મળતા ન આવે તે પણ સ્પષ્ટ જ છે. એટલે જ એવું કહેવાયું હશે ને કે મૂંડે મૂંડે મતઃ ભિન્ના!
ગજબનું ઈશ્વરીય વરદાન
દેશમાં ચૂંટણીઓ હોય ત્યારે વિચારધારાની વાતો થાય અને સમાન વિચારધારાઓનો રાજકીય પક્ષ કે ગઠબંધન અને તહેવારો હોય, ત્યારે તેના મહાત્મયોની ચર્ચા થાય અને ઉજવણીઓ પૂરી થતા જ બધું વિસરાઈ જાય. કુદરતી આફતો આવે, લોકો હેરાન-પરેશાન થઈ જાય, પરંતુ તે પછી સમયાંતરે બધું ભૂલાઈ જાય. તેવી જ રીતે જીવનમાં ઝંઝાવાતો આવે, ત્યારે આકરી કસોટી થઈ જાય, પરંતુ તે પછી ફરીથી સારા દિવસો પણ આવી જાય. ઈશ્વરે મનુષ્યને વિસ્મૃતિ સ્વરૂપે ગજબનું વરદાન આપ્યું છે, નહીં?
જિંદગીની ઝંઝાવાતી સફર
જિંદગીની આ ઝંઝાવાતી સફરમાં આપણે સૌ અનેક અનુભવો કરતા હોઈએ છીએ. કેટલાક લોકોને હિંમત હારીને નાસીપાસ થતા જોઈએ છીએ, તો કેટલાક લોકોને વિરાટકાય વિપત્તિઓ સામે પણ હિંમતપૂર્વક ઝઝુમતા જોઈએ છીએ. આપણે કેટલાક મોટા મોટા ઉદ્યોગપતિઓ-સેલિબ્રિટિઝ અને વિવિધ ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરનાર વિભૂતિઓએ તેના જીવનમાં કરેલા સંઘર્ષો તથા તબક્કાવાર કરેલી પ્રગતિ યાત્રાના દૃષ્ટાંતો પણ ચર્ચતા હોઈએ છીએ, અને તેમાંથી ઘણાં લોકો પ્રેરણા લેતા હોય છે, જો કે વિસ્મૃતિનું વરદાન જ્યારે વિપરીત અસર કરે, ત્યારે પ્રેરણાત્મક દૃષ્ટાંતો પણ વિસરાઈ જતા હોય છે, પણ માત્ર વિભૂતિઓ જ નહીં, પરંતુ સમાજમાં ઠેર-ઠેર મન હોય તો માળવે જવાયના દૃષ્ટાંતો ભરેલા પડ્યા છે.
તાજેતરમાં એક ટી.વી. ચેનલમાં કેટલીક પ્રેરણાત્મક સાફલ્યાગાથાઓ પ્રસારિત થઈ હતી. તેના આ ઉદાહરણો 'મન હોય તો માળવે જવાય'ના ઉત્તમ દૃષ્ટાંતો જ ગણાય.
સેવા પરમોધર્મ... ધન ગૌણ
એક સાફલ્યગાથા તો એવી હતી કે જે પ્રથમ વખત સાંભળવાનું શરૂ કરીએ, ત્યારે કદાચ એ ગળે પણ ન ઉતરે, પરંતુ આખી વાત જાણીએ ત્યારે જ સમજાય કે આ વિશ્વમાં એવી શખ્સિયતો પણ છે જેઓને મન સેવા પરમો ધર્મ છે, અને ધન ગૌણ છે...
આ કહાની એવી છે કે, પંજાબના એક જિલ્લામાં એક ૯૦ વર્ષના વયોવૃદ્ધ પેડલ રિક્ષા ચાલવે છે. તે પ્રેરણાદાયક છે, તથા 'મન હોય તો માળવે જવાય'નું ઉત્તમ દૃષ્ટાંત છે. તેના કરતા પણ વધુ આશ્ચર્યજનક વાત એ છે કે આ ૯૦ વર્ય વડીલ કરોડોપતિ પણ છે. હવે સવાલ એ ઊઠે કે કરોડપતિ હોવા છતાં ૯૦ વર્ષની વયે પેડલરિક્ષા કેમ ચલાવવી પડતી હશે?
આ કરોડપતિ રિક્ષાવાળાનું નામ છે ગુરુદેવસિંહ... આ રિક્ષાચાલકે ગત્ એપ્રિલ મહિનામાં રૃા. અઢી કરોડની લોટરી જીતી હતી. આ લોટરી જીત્યા પછી પરિવારે પાક્કા મકાનો બનાવ્યા. ગુરુદેવસિંહના પુત્ર અને પુત્રી માટે વાહનો પણ ખરીદ્યા છે, અને પૌત્ર-પૌત્રીઓ સારી સ્કૂલોમાં ભણવા જાય છે, પરંતુ મૂળ સ્વભાવે જ સેવાભાવી એવા ગુરુદેવસિંહને પરિશ્રમ સાથે સેવા જ કરવી હતી, તેથી તેણે પોતાના પરંપરાગત વ્યવસાય તો જાળવી જ રાખ્યો, પરંતુ સાથે સાથે સેવાયજ્ઞ પણ વિસ્તાર્યો. તેઓ માર્ગો પર રિક્ષા ચલાવીને સડકોના કિનારે શ્રેણીબદ્ધ વૃક્ષોને પાણી પીવડાવે. એટલું જ નહીં, કોઈપણ સડક પર ખાડો જુએ, તો પોતે જ તેને બૂરીને સડકને સમતળ કરી દ્યે છે. અઢી કરોડની લોટરી લાગ્યા પછી પણ પોતિકો વ્યવસાય નહીં છોડીને પરિશ્રમપૂર્વક સેવાકાર્ય કરવું, એ ઉચ્ચ ભાવના અને મજબૂત મનોબળનું દૃષ્ટાંત જ ગણાય ને?
ઠેર ઠેર ચાલતા સેવા યજ્ઞો
આ સાફલ્યગાથા એક વર્ષ જુની અને પંજાબની છે, અને ઘણી જ પ્રેરક છે. આ જ પ્રકારની શખ્સિયતો આપણી વચ્ચે પણ મોજુદ હોય જ છે. સૌરાષ્ટ્રમાં તો વીરપુરના જલાબાપાથી લઈને પોરબંદરના રોટલાવાળા સુધીના અનેક સેવાના ભેખધારીઓએ ભૂખ્યાજનોને ભોજન આપવાનું ઉમદા સેવાકાર્ય કર્યું, તેના ઢગલાબંધ દૃષ્ટાંતો મોજુદ છે. જામનગર અને દ્વારકામાં પણ ટિફિન સેવા, ખીચડી સદાવ્રતો અને અન્નક્ષેત્રો ચાલે છે. આ પ્રકારની સેવા સતત કરવી એ પણ એક અનોખી તપશ્ચર્યા જ છે ને? આ જ પદ્ધતિથી ઠેર-ઠેર ચાલતા શીખ સંપ્રદાયના લંગર પણ લોકોનો જઠરાગ્નિ ઠારતા જ હોય છે?
આજના ઝડપી યુગમાં પોતાના પરિવાર, સમાજ અને નોકરી-ધંધા માટે કાર્યરત રહેવાની સાથે સાથે આ પ્રકારની સેવાઓ માટે સમય કાઢનાર સ્વયંસેવકો અને સેવાભાવી અગ્રણીઓ તથા આ પ્રકારની સેવાઓ માટે ઉદાર હાથે ફાળો આપનાર દાતાઓ તથા તેને પૂરક વ્યવસ્થાઓ માટે મદદરૂપ થતા તમામ લોકો આ પ્રકારના સેવાયજ્ઞોના યશભાગી ગણાય, ખરૂ કે નહીં?
ઘણાં લોકો તો ઉદારહાથે ફાળો પણ આપે અને પોતે પણ સેવાકાર્યોમાં જોડાઈ જાય. આ પ્રકારના સેવાકાર્યો માટે ભેખ ધરનાર સેવાભાવી લોકો, ધાર્મિક કાર્યો માટે સખાવત કે સેવા આપનાર દાનવીરો તથા જીવદયા, ગૌસેવા, પર્યાવરણની સુરક્ષા, લોકોની સુખાકારી વગેરે માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરતા વ્યક્તિવિશેષો તથા સંસ્થાઓની પ્રશંસા તો કરીએ જ, પરંતુ આ પ્રકારના સેવાયજ્ઞોમાં આપણે પણ યથાશક્તિ યોગદાન આપીને આહૂતિ આપી શકીએ, તો તે આવકારદાયક અને ઈચ્છનિય ગણાય. આ આહૂતિ ધનદાન આપીને, શ્રમદાન આપીને કે પછી સહયોગ પૂરો પાડીને પણ આપી શકાય, તો કરો પહેલ.
સેવા કાર્યોની પસંદગી દરેક વ્યક્તિની પોતાની રૂચિ મુજબ થતી હોય છે. ઘણાં લોકો જનસેવા એ જ પ્રભુસેવાના સૂત્રને અનુરૂપ લોકોની સેવા, ભૂખ્યાને ભોજન, ગરીબો-દિવ્યાંગોને મદદ અને બ્લડ ડોનેશન, નેત્રયજ્ઞ, રોગ નિદાન યજ્ઞો વગેરે સેવાકાર્યો ઉપરાંત ચક્ષુદાન, દેહદાન વગેરેના પ્રચાર-પ્રસાર સહિતની પ્રવૃત્તિઓ કરતા હોય છે. ઘણાં લોકો પર્યાવરણ અને પ્રકૃતિની સેવા માટે યોગદાન આપતા હોય છે. રાવલમાં એક વૃક્ષાપ્રેમીએ સેંકડો વૃક્ષો ઉછેર્યા. પંજાબના રિક્ષાચાલક કરોડપતિ બન્યા પછી પણ સડકોના કિનારે રિક્ષા ચલાવીને પાણી પીવડાવે કે માર્ગોના ખાડાઓ બૂરે. દ્વારકાની ગોમતી નદી અને તેના ઘાટ માટે ચિંતિત એવા (હવે કદાચ હોટલના માલિક બની ગયેલા) એક સેવાભાવી સામાજિક કાર્યકર પ્રસાદ સામગ્રીની દુકાન ચલાવતા ચલાવતા સેવાકાર્યો કરતા રહે અને યાત્રિકોને મદદરૂપ થતા રહે, દાયકાઓથી દ્વારકાના મંદિર પાસે પ્રસાદ સામગ્રીની કેબિન ધરાવતા એક વડીલ હવે પ્રસાદ-સામગ્રી નહીં વેહંચતા હોવા છતાં કેબિનમાં બેસે અને યાત્રિકોને મદદરૂપ થાય, ધ્વજાજીના કાપડની પ્રસાદી આપતા રહે, પૂરક સુરક્ષા વ્યવસ્થામાં કાર્યરત સેવાભાવી યુવાન કોઈપણ વયોવૃદ્ધ કે દિવ્યાંગ યાત્રિકને જોતા જ તેને મદદરૂપ થવા દોડી જાય, દ્વારકામાં અટવાયેલા-મુંઝાયેલા યાત્રિકોને કેટલીક વખત નાણાકીય મદદ કરીને પણ સેવાભાવી લોકો કે સુરક્ષાકર્મીઓ, પોલીસકર્મીઓ દ્વારા તેના વતનમાં મોકલવા માટે ટ્રેનમાં બેસાડવા સુધીની વ્યવસ્થા કરી દેવામાં આવે, ત્યારે એમ કહી શકાય કે આ દુનિયામાં માનવતા હજુ મરી પરવારી નથી અને આપણી ગૌરવવંતી ભારતીય સંસ્કૃતિની સેવાની ભાવનાઓ હજુ પણ મોજુદ છે. સેવાકાર્યોની સુવાસ આપોઆપ મહેંકે અને ઢોલવગાડીને સેવાકાર્યોથી પ્રાયોજિત પબ્લિસિટી થાય, તેનો તફાવત પણ હવે તમામ લોકો સમજવા લાગ્યા છે, તે ભૂલવું ન જોઈએ અને પ્રસિદ્ધિ ભૂખ્યા સેવાભાવીઓને પણ અવગણવા ન જોઈએ, કારણ કે તેઓ એ બહાને પણ સેવા તો કરે જ છે ને?
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial