Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ધૃત રાષ્ટ્રો અને ધૂર્તરાક્ષસોની ધરીના પાપે હોમાતી જિંદગીઓ... સૂસ્ત શાસન...સડેલી સિસ્ટમ... શરમ કરો... શરમ કરો..

રાજકોટના ગેઈમ ઝોનની આગ અઢી ડઝન જેટલી જિંદગીઓને ભરખી ગયા પછી દેશની રાજધાની દિલ્હીમાં પણ એક બેબી કેર હોસ્પિટલમાં લાગેલી આગથી આઠ નવજાત શિશુઓના કરૂણ મૃત્યુ થયા હોવાના અહેવાલોએ આખા દેશને હલબલાવી નાખ્યો છે, અને જનાક્રોશ પરાકાષ્ટાએ પહોંચ્યો છે. તો જામનગર સહિત ઘણાં શહેરોમાં ગેઈમઝોન બંધ કરાવાયા છે !

રાજકોટના ગેમઝોનના સંચાલકોએ તો નિર્દોષ લોકો પાસેથી નાણા પડાવીને પછી અસુરક્ષિત માળખામાં જ મોતનો ખેલ રચ્યો, જેને 'ગેઈમ ઓફ ડેથ' પણ કહી શકાય, એટલું જ નહીં, વર્ષોથી ફાયર સેફટી કે રાજકોટ મનપાના ફાયર વિભાગના જરૂરી સર્ટિફીકેટ વિના ધમધમતા આ હત્યારા ગેમઝોનની કરૂણાંતિકા પછી ગઈકાલે રવિવારની રજા હોવા છતાં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો સુનાવણી કરી અને જે કાંઈ કહ્યંુ, તે શાસન અને પ્રશાસન માટે અત્યંત ક્ષોભજનક હતું, અને 'નવે નાકે દિવાળી' ની જેમ આ પહેલાની હરણી દુર્ઘટના તથા મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના પછી પણ સુસ્ત સરકાર કે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓએ કોઈ જ બોધપાઠ લીધો નથી અને નાણા કમાવા માટે નિર્દોષોના જીવન પર ખતરો ઊભો કરતા આ પ્રકારના ગેમઝોન, બોટીંગ કે અન્ય પ્રકારની રમત-ગમત કે પ્રવાસન પ્રવૃત્તિઓના નામે ચાલતા ગોરખધંધા સામે કોઈ પગલા લેવાયા નથી, તેથી દેશભરમાં જબરો જનાક્રોશ ફાટી નીકળ્યો છે.

હજુ તો રાજકોટની કરૂણાંતિકાના અહેવાલો આવી જ રહ્યા હતા, અને કમભાગી મૃતકોના ડીએનએ તથા પોષ્ટમોર્ટમ થઈ રહ્યું હતું અને પ્રેસ-મીડિયા દ્વારા પણ આ સમગ્ર ઘટનાક્રમનું રોષ અને વ્યથા સામેનું પોષ્ટમોર્ટમ થઈ જ રહ્યું હતું, ત્યાં દિલ્હીથી પણ ગમખ્વાર અને અકળાવનારા અહેવાલો આવ્યા, તેથી એ પુરવાર થઈ ગયું કે કાગડા બધે જ કાળા છે... સિસ્ટમ સડેલી છે અને કોઈપણ સરકારની આ સિસ્ટમને સુધારવાની ત્રેવડ જ રહી નથી. બીજા શબ્દોમાં કહીએ તો વાડ જ ચીભડાં ગળી રહી છે. મોટાભાગે પ્રશાસનની ભૂમિકા ધૂર્તરાક્ષસો જેવી થતી જાય છે અને શાસકોની ભૂમિકા ધૃતરાષ્ટ્ર જેવી જતી જાય છે. ધૃતરાષ્ટ્રો અને ધૂર્ત રાક્ષસોની ધરીના પાપે દેશના જુદા-જુદા ભાગોમાં જિંદગીઓ હોમાઈ રહી છે, ભરખાઈ રહી છે, ભુંજાઈ રહી છે, અને મૃતકો તથા ઈજાગ્રસ્તોને સહાય તથા તપાસ માટે ટીમો રચવાની જાહેરાતો કરીને દરેક વખતે છુટી થતી સંવેદનહીન સરકારો હડિયાપટ્ટીના નાટકો કરી રહી છે, તેવા ઉગ્ર જનપ્રત્યાઘાતો પણ પ્રેસ-મીડિયા અને સોશ્યલ મીડિયામાં પડઘાઈ રહ્યા છે. આજે પણ વિવિધ માધ્યમોથી લઈને અદાલતની અટારી સુધી પડી રહેલા પડઘા અને હાઈકોર્ટમાં સુનાવણીના સંદર્ભે જે કાંઈ બની રહ્યું છે, તે આપણા સૌની સામે જ છે.

શું વડી અદાલતની ઝાટકણીઓ તથા ટિપ્પણીઓ શાસન-પ્રશાસન માટે શરમજનક નથી? વિપક્ષી વર્તુળો દ્વારા આ પ્રકારની ઘાતકી ધંધાદારી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પાછળ મોટામાથાઓ સંડોવાયેલા હોવાના તથા 'મળતિયાઓને માલામાલ' કરવાની તંત્રો તથા શાસકોની મનોવૃત્તિ હોવાના થતા રહેતા આક્ષેપોમાં દમ છે, તેમ નથી લાગતું?

દેશની રાજધાની દિલ્હીમાં પણ રાજકોટની ગેમઝોનની જેમ કે જાણી જોઈને રખાતી બેદરકારીના ગમખ્વાર બનાવે આપણા દેશની ખોખલી પોલિટિકલ અને પ્રશાસનિક સિસ્ટમની પોલ ખોલવાની સાથે સાથે 'હમામ મેં સબ નંગે હૈ' ની કહેવતની જેમ દંભ રાજકરણીઓનો નકાબ પણ ચીરી નાંખ્યો છે.

દિલ્હીમાં પાંચ બેડની ક્ષમતા હોવા છતાં અને દસ બેડ રાખીને બેબી કેર હોસ્પિટલ ચલાવી રહેલા તબીબો પાસે એકસ્પાયરી ડેઈટ પરવાનો હોવા છતાં તેની સામે આંખમિચામણા કરવામાં આવતા કટ્ટર ઈમાનદાર શાસનની આંખ નીચે ચાલતા ગોરખધંધાનો પણ પર્દાફાશ થયો છે. આ બેબી કેર ન્યૂબોર્ન ચાઈલ્ડ વિવેકવિહાર હોસ્પિટલના તબીબો યોગ્ય ડિગ્રી પણ ધરાવતા નહોતા. આ હોસ્પિટલના અગ્નિકાંડે પણ સાત બાળકોનો જીવ લીધો હતો.

એવું કહેવાય છે કે આ બેબી કેર હોસ્પિટલના જે તબીબની પોલીસે ધરપકડ કરી છે તેની સામે વર્ષ-ર૦ર૧ માં પણ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આ નવીન ખીચી નામના તબીબની ડિગ્રી કઈ હતી અને તે બેબી કેર હોસ્પિટલ ચલાવવા માટે સક્ષમ હતો કે નહીં તેની તપાસ દરમિયાન પણ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હોવાના અહેવાલો છે.

કેટલાક માસુમ બાળકો સહિતના રાજકોટના ર૮ લોકો અને દિલ્હીના ૭ માસુમોનો દર્દનાક મોતનું જવાબદાર કોણ?

આ પ્રકારનો ગૂન્હો કરનાર તમામ લોકોને તો કડકમાં કડક સજા થવી જ જોઈએ, પરંતુ આ લોલંલોલ ચલાવી લેનાર, કથિત રીતે હપ્તાઓ ઉઘરાવનાર, આંખ આડા કાન કરનાર, રાજકીય કે અન્ય રીતે સંરક્ષણ આપનાર અને શાસન-પ્રશાસનના સંબંધિત અધિકારી-પદાધિકારીઓ સામે પણ હત્યાના પ્રયાસ સહિતની કડક કલમો લગાડીને અદાલતો મારફત સબક શિખવવો જોઈએ, તેમ નથી લાગતું?

રાજકોટની દુર્ઘટના પછી તેના સંદર્ભે મીડિયા સાથે હાસ્ય સાથે વાત કરી રહેલા એક નેતાની ટીકા થઈ રહી છે, તો લોકોમાં આક્રોશ છે

આ દિલ્હી અને રાજકોટની આ કરૂણાંતિકાઓ પછી જામનગર સહિત ગુજરાતના તમામ મોટા શહેરોના તંત્રો જાગ્યા, અને સંખ્યાબંધ ગેઈમઝોન બંધ કરાવી દીધા, પરંતુ સક્ષમ નહીં હોવા છતાં વિશેષ પ્રકારની હોસ્પિટલો ચલાવતા કથિત તબીબો, વિવિધ પ્રકારના કલાસીક ફુડડઝોન્સ તથા શાળા-કોલેજો, બાળકો-યુવાવર્ગ, જનસમુદાય એકત્રિત થતો હોય, તેવી રોજીંદી કોમર્શિયલ ગેરકાનૂની પ્રવૃત્તિઓ પર પણ રાજયભરમાં સકંજો કસવો જોઈએ તેમ નથી લાગતું?

તક્ષશિલા અગ્નિકાંડથી ટીઆરપી ગેમઝોન સુધીના અગ્નિકાંડોની તપાસોનું શું થયું? મગફળીના ઘણાં ગોડાઉનો સળગી ગયા તેની તપાસોનું શું થયું? આ તમામ અગ્નિકાંડો ના અસલ જવાબદારો કોણ છે ? શું દરેક ઘટનામાં નાની માછલીઓને પકડીને મગરમચ્છોને છાવરી લેવામાં આવે છે ? આ પ્રકારની દુર્ઘટનાઓ પછી થોડા દિવસો સુધી કડક વલણ અપનાવ્યા પછી ઢીલું મૂકી દેવાની 'મલાઈદાર' મનોવૃત્તિ પર શું કયારેય અંકુશ નહીં આવે? તેવા વ્યાંગાત્મક પ્રશ્નો ઉઠી રહ્યા છે, તેનો છે કોઈ જવાબ?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial