જમ્મુ-કાશ્મીરના ઠંડા પ્રદેશોમાં ગરમી બે-અઢી દાયકાનો રેકોર્ડ તોડી રહી છે અને રાજસ્થાનમાં તાપમાનનો પારો પ૦ ડિગ્રીને પાર પહોંચ્યો છે, આ હીટવેવ આંતરરાષ્ટ્રીય મુદ્દો છે અને તેને સાંકળીને ગ્લોબલ વોર્મીંગ તથા કલાઈમેટ ચેઈન્જની વાતોના વડા થાય છે, પરંતુ તેની સામે વિશ્વસમુદાય કોઈ નક્કર કદમ ઉઠાવી રહ્યો નથી, કારણ કે દુનિયાના બધા દેશોને પોતપોતાના સ્વાર્થ ખાતર કોઈ બાંધછોડ કરવી જ નથી.
આગ ઝરતી ગરમી વચ્ચે દેશમાં ઠેર-ઠેર સર્જાતી આગ-દુર્ઘટનાઓ અને માનવસર્જિત અગ્નિકાંડો પછી કુદરતી અને કૃત્રિમ આગ-દુર્ઘટનાઓની ચર્ચા ગ્લોબલ ટોકનો વિષય બની છે, તેમાં પણ રાજકોટના ટીઆરપી ઝોન અને દિલ્હીની બેબી કેર હોસ્પિટલના અગ્નિકાંડોને હત્યાકાંડો ગણીને તેના જવાબદારો સામે માનવહત્યાની કલમો લગાડીને ઈરાદાપૂર્વકના જઘન્ય કૃત્ય બદલ કેસ ચલાવવો જોઈએ, એટલું જ નહીં, આને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણીને તમામ જવાબદારોને ફાંસીએ ચઢાવવા જોઈએ, તેવી ઉગ્ર જનભાવનાઓ પણ ઉઠી રહી છે, જે સ્વાભાવિક પણ છે.
રાજકોટના આ અગ્નિકાંડ પછી કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને રાજકોટના દિગ્ગજ અગ્રણી વજુભાઈ વાળાએ થોડા દિવસો પહેલા આપેલા પ્રત્યાઘાતો પછી ભાજપના જ સાંસદ રામભાઈ મોકરિયાએ પણ કહ્યું કે હવે ચેકીંગ કરવા હડિયાપટ્ટી કરવી એ તો રાંડ્યા પછીનું ડહાપણ છે. આવડો મોટો મોતનો ગેરકાયદે માચડો ખડકાયો હોય અને મનપા, પોલીસતંત્ર સહિતના તંત્રવાહકોને ખબર જ પડે નહીં, તે શકય જ નથી. આ ગેરકાનૂની ગેમઝોનમાં પાર્ટી કરવા ગયેલા અધિકારીઓની ટીકા કરતા મોકરિયાએ હવે માત્ર આ પ્રકારના મનોરંજન સ્થળો જ નહીં પરંતુ શાળા-કોલેજો, ટ્યુશન કલાસીઝ સહિતના કોમ્પ્લેક્ષોમાં ફાયર સેફટી વગેરે તમામ નિયમોનું પાલન થાય, તે પણ જોવું પડે.
સાંસદની વાત સાવ સાચી છે, અને પાર્ટીલાઈનથી ઉપર ઉઠીને તેઓ વધુ બોલી શકયા નહીં હોય, તેમ છતાં તેમણે જે અંગુલીનિર્દેશ કર્યો છે, તે સચોટ અને સમયોચિત છે. જો કે, આ જ ટકોર તેઓ સ્થાનિક રાજનેતાઓ માટે પણ કરી શકયા હોત, કારણ કે આ મોતનો માચડો ગેરકાયદે ધમધમતો હોવા છતાં આ વિસ્તારમાંથી ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ, લોકલ નેતાગીરી અને વિધાનસભા-લોકસભા અને રાજ્યસભામાં રાજ્યના વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરી રહેલા નેતાઓને પણ નજરે ચડ્યો નહીં હોય? જો નજરે ચડ્યો હોય તો તેઓએ પણ ચૂપકીદી કેમ સેવી? શું આ અગ્નિકાંડમાં જ મૃત્યુ પામેલા એક ભાગીદાર પર દોષનો ટોપલો ઢોળીને આખા પ્રકરણને છાવરવાના થઈ રહેલા પ્રયાસો પણ નેતાઓને નહીં દેખાતા હોય? આ ગોરખધંધાને ચલાવનારા કરતાં પણ તેને પોષનારા અને હવે તેને ચતુરાઈપૂર્વક છાવરવાના થઈ રહેલા પ્રયાસો કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ, પરંતુ તે માટે પ્રબળ ઈચ્છાશક્તિ (ત્રેવડ) પણ હોવી જોઈએ ને ? આ મુદ્દે માનવ અધિકાર પંચે પણ રિપોર્ટ માંગ્યા પછી રાજ્ય સરકાર ફિકસમાં મૂકાઈ ગઈ છે?
આ અગ્નિકાંડ સર્જાયો, તે સ્થળની બિનખેતી થઈ અને જે હેતુ દર્શાવાયો, તેનું પાલન થયું નથી, અને પાર્ટી પ્લોટના નામે વીજકનેકશનો તથા ફાયર સેફટી સહિતની વ્યવસ્થાઓ વિના જ મોતનો માચડો ઊભો કરાયો હોવા છતાં હેતુફેર સહિતના કોઈ કદમ ન ઉઠાવવા, તે શું સૂચવે છે?
રાજકોટના અગ્નિકાંડમાં ૪૦ થી વધુ મોત થયા હોવાનો દાવો પરેશ ધાનાણીએ કર્યો તો અન્ય એક નેતાએ ૩૦ ના મોત જણાવ્યા.. સાચું શું?
અત્યારે અગ્નિકાંડો અને ઉનાળાની અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ છે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહે કહ્યું કે મતની અવેજીમાં લોકોને મોત મળી રહ્યું છે. તેઓનો ઈશારો ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી ૧પ૬ બેઠકો અને ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી તમામ ર૬ બેઠકો તરફ હોવો જોઈએ. લોકોએ ઢગલાબંધ મતો આપ્યા તેની સામે લોકોને ઢગલાબંધ મોત અપાયા હોવાનો આ કટાક્ષમય સંકેત પછી અત્યારે હડિયાપટ્ટી કરીને ડેમેજ કંટ્રોલ કરી રહેલી રાજ્ય સરકાર સામે લોકોનો તૂટી રહેલો વિશ્વાસ પુનઃ પ્રાપ્ત કરવાનો પણ મોટો પડકાર છે, અને ક્ષત્રિય આંદોલન પછી આ અગ્નિકાંડના કારણે રાજ્યમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં પરોઠના પગલાં પણ ભરવા પડી શકે છે, કારણ કે 'યે પબ્લિક હૈ... યે સબ જાનતી હૈ...'
આ તો ગુજરાતની હાઈકોર્ટે તત્કાળ સુઓમોટો સુનાવણી કરી અને રાજ્યના તમામ ગેમિંગ ઝોનની તપાસ કરાવી, તેની સાથે સાથે સરકારી સંકુલો, શાળા-કોલેજો, ટયુશન કલાસીઝ, થિયેટરો, વોટરપાર્કસ, એમ્યુઝમેન્ટ પાર્ક, રોપ-વે, મનોરંજન સ્થળો, હોટલ-રેસ્ટોરન્ટો, હોસ્પિટલો, સભાગૃહો, ટાઉન હોલ, રિસોર્ટસ, બોટિંગ, સ્કૂબા ડાઈવીંગ, એડવેન્ચર સ્કૂલ્સ, સમાજવાડીઓ સહિત વધુ લોકો એકત્રિત થતા હોય તેવા કામચલાઉ કે કાયમી તમામ સ્થળે ફાયર સેફટી, પીવાનું શુદ્ધપાણી, છાંયડો, વરસાદથી બચવાના શેડ, ઉનાળામાં એરકુલર કે પંખા, ફર્સ્ટએઈડની સગવડો તથા મોટા કાર્યક્રમો માટે એમ્બ્યુલન્સ તથા અગ્નિશામક ટેન્કર્સ તથા મોટા અને પૂરતા પ્રમાણમાં એકઝીટ્સ (બહાર નીકળવાના સ્થળો)ની પણ ચકાસણી થઈ રહી છે, તે માત્ર આ ઘટનાક્રમ પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ કાયમી ધોરણે ચાલુ રહે તે જરૂરી છે, આ માટે રાજ્ય સરકાર કોઈ નવી પોલિસી ઘડી રહી હોવાની વાતો પણ થઈ રહી છે, અને એ માટે રાજ્યકક્ષાએ મેરેથોન મિટિંગો પણ યોજાઈ રહી છે. પોલીસ એકટ-૧૯પ૧ની વિવિધ કલમોની સમીક્ષા પણ થઈ રહી છે અને સંબંધિત અન્ય તંત્રોની અત્યારસુધીની ભૂમિકા પણ તપાસાઈ રહી છે, આ નવી નીતિ પારદર્શક રહે અને વધુ મોટા ભ્રષ્ટચારનું માધ્યમ ન બની જાય, તેનો ખ્યાલ રાખીને સર્વગ્રાહી નીતિ ઘડતર માટે સંબંધિત લોકોના, તદ્દવિષયક નિષ્ણાતોના, પાલિકા-મહાપાલિકા-પંચાયતોના અને ખાસ કરીને સામાન્ય જનતાના અભિપ્રાયો લેવાય, જે અક્ષરસ : સરકારની વેબસાઈટમાં મૂકાય અને કુલડીમાં ગોળ ભાંગવાની તરકીબને તિલાંજલિ આપીને મોટામાથાઓની પરવા કર્યા વગર સામાન્ય જનતાના જ હિતમાં નવી પોલિસી બનાવી જોઈએ ખરું કે નહીં ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial