તુલસીદાસજીની ચોપાઈઓ અને દૂહા ઘણાં જ પ્રચલીત છે અને તે સમકાલિન સમાજ વ્યવસ્થાનું પ્રતિબિંબ પણ છે. તદ્દુપરાંત પ્રવર્તમાન યુગમાં પણ ઘણાં જ સુસંગત અને પ્રસ્તૂત છે. તુલસીદાસજી લિખિત એક ચોપાઈ ઘણી જ પ્રચલીત છે.
સમરથ કો દોષ નાહીં ગોંસાઈ...
રવિ પાવક સુરસરિ કી નાઈ...
શ્રીરામ ચરિત માનસના બાલકાંડમાં લખાયેલી આ પંકિતનો સરળ અર્થ એવો થાય છે કે સૂર્ય, અગ્નિ અને ગંગાજીની જેમ સમર્થ વ્યક્તિને કોઈ દોષ નથી લાગતો મતલબ કે જેનામાં દોષ હોય, તેવી વ્યક્તિ સમર્થ ન ગણી શકાય....
આમ તો આ પંકિતના અનેક અર્થઘટનો થયા છે અને હકારાત્મક તથા નકારાત્મક ગૂઢાર્થ પણ થતા રહ્યા છે, પરંતુ મોટા ભાગે મોટા માણસોના ગુણદોષની ચર્ચા કોઈ કરતું નથી, અથવા 'મોટા કરે તે લીલા અને નાના કરે તે ભૂલ' જેવા કટાક્ષમય અર્થઘટનો પણ થયા છે. અને તે સર્વવિદિત છેે.
'દીવા તળે અંધારું' કહેવતની જેમ ઘણાં મોટા માણસો માટે તેનો પુત્ર, પરિવાર કે નજીકનો સ્નેહિ-મિત્ર જ નબળી કડી બની જતો હોય છે, અને ઈમોશનલ બ્લેકમેઈલ કે પછી અઘટિત રહસ્યોના રાજદાર દ્વારા બ્લેકમેઈલ થઈને ઘણી વખત લબ્ધ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ માત્ર કોઈની કઠપૂતળી બનીને રહી જતાં હોય છે.
ગઈકાલે સાંસદ બ્રીજભૂષણ શરણસિંહના પુત્ર અને ઉત્તરપ્રદેશની કેસરગંજ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી રહેલા કરણસિંહના કાફલાની એક કારે બે બાઈકને ટક્કર મારી અને ત્રણને કચડ્યા, તેમાંથી બે વ્યક્તિના જીવ ગયા, એ પછી કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ આ ઘટનાને ભૂતકાળમાં કેન્દ્રીયમંત્રી અજયમિશ્ર ટેનીના દીકરાએ ખેડૂતોને કચડ્યા હતા, તેની સાથે જોડીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા, જેનો મતલબ કાંઈક એવો થતો હતો કે સમરથ કો દોષ નહીં ગોંસાઈ...!
આ એ જ બ્રીજભૂષણ શરણસિંહ છે, જેની સામે મહિલા પહેલવાનોએ યૌનશોષણનો આરોપ લગાવ્યો હતો અને આ કારણે જ તેમની લોકસભાની ટિકિટ કપાઈ હતી, જો કે, તેમના પુત્રને ભાજપે ટિકિટ આપી છે...!!
ધૃતરાષ્ટ્રે પુત્રમોહમાં મહાભારતનું યુદ્ધ નોતર્યુ હતું, તેમ આપણાં ઘણાં રાજનેતાઓ પણ પુત્ર-પરિવારના કારણે 'ફિકસ'માં મૂકાયા હોય, તેવા દૃષ્ટાંતો છે, અને તેઓ માટે પોતાના પુત્ર પરિવાર જ નબળી કડી (વીક પોઈન્ટ) પુરવાર થતાં હોય છે, અને પતન ભણી દોરી જતા હોય છે, તે પણ હકીકત છે !
આ પહેલા રાજ્ય અને દેશમાં હીટ એન્ડ રન કેસમાં કેટલાક મોટા માથાઓના નબીરાઓને બચાવવા કેવા કેવા વાહિયાત અને નિંદનીય પ્રયાસો થયા છે, તે આપણે સૌ જાણીએ જ છીએ, મોટા માથાઓના માથા ફરેલા સંતાનોના કરતૂતોને જે રીતે છાવરવાના પ્રયાસો થાય છે, તે જોતા કહી શકાય કે 'સમરથ કો દોષ નહીં ગોંસાઈ..!'
તાજેતરનો પૂણેનો કિસ્સો ઘણો જ વિવાદાસ્પદ બન્યો છે. પૂણેના કેસમાં તો શ્રીમંત પરિવારના નબીરાએ પુષ્કળ દારૂ ઢીંચીને ર૦૦ કિલોમીટરની ઝડપે કાર ચલાવી, જેમાં આશાસ્પદ એન્જિનિયર યુવક અને યુવતીને કચડી નાખ્યા. આ કાર ચલાવી રહેલા કિશોરને લોકોએ માર્યો અને પછી પોલીસને સોંપી દીધો, તે પછી જે કાંઈ થયું, તે આપણી ન્યાયિક વ્યવસ્થા અને 'સિસ્ટમ' માટે કલંકરૂપ હતું.
આ સગીરવયના આરોપીને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે માત્ર ૩૦૦ શબ્દોનો નિબંધ લખવાની તથા કાઉન્સિલીંગ કરાવવા સહિતની મામુલી શરતો સાથે જામીન આપી દીધા હતાં. એવું કહેવાય છે કે ધનવાન બિલ્ડરના આ નબીરાને બચાવવા 'સિસ્ટમ' કામે લાગી ગઈ અને આરોપી નબીરાના બ્લડ સેમ્પલ બદલી નાખવાનો કારસો પણ રચાયો. આ મુદ્દો મીડિયામાં જોરશોરથી ઉછળ્યા પછી એ કિશોરના પિતા અને દાદા તથા જયાં દારૂ પીધો હતો, તે કલબના મેનેજર વિગેરેની ધરપકડ કરીને કાનૂની કાર્યવાહી કરવાનો દેખાડો કરાયો.
તે પછી ઉહાપોહ વધી જતાં જુવેનાઈલ બોર્ડે આરોપી કિશોરના જામીન રદ કરીને બાલસુધાર ગૃહમાં મોકલ્યો અને આ કેસનું પુખ્ત રીતે ચલાવવાનું નક્કી થયું. આ કિસ્સામાં મહારાષ્ટ્ર સરકારમાં સામેલ એનસીપી ગ્રુપના એક મોટા નેતાએ આરોપીને બચાવવા ભરપુર પ્રયાસો કર્યા હોવાના આક્ષેપો થયા. આરોપી કિશોરનો કેસ ગરમાયો અને કેટલાક પોલીસવાળા તથા તબીબ વગેરે સસ્પેન્ડ થયા, હવે આ આરોપી કિશોરના દાદાનું કથિત અન્ડરવર્લ્ડ કનેકશન પણ ચર્ચામાં છે.. આને કહેવાય સમરથ કો દોષ નહીં ગુંસાઈ....
મોટા માણસોની માયાજાળ પણ ભેદી જ હોય છે, કેન્દ્રીયમંત્રી ટેનીના દીકરાને બચાવવા કેટલા પ્રયાસો થયા હતા, તે સૌ જાણે જ છે. તેવી જ રીતે અમદાવાદ હીટ એન્ડ રન કેસમાં પણ એક કથિત પોલિટિકલ સિસ્ટમ આરોપીને બચાવવા મેદાને પડી હતી, પરંતુ મીડિયા-અખબારો અને લોકોની જાગૃતિથી અંતે સાચા તથ્યો બહાર આવ્યા અને આરોપી 'તથ્ય' તથા તેના પિતા 'અંદર' ગયા!
મોટા માણસોની ભેદી વાતોમાં ઘણી વખત આજીવન બ્લેકમેઈલીંગની ગંધ પણ આવતી હોય છે, અને તે પ્રકારના આક્ષેપો પણ થતાં હોય છે. એવું કહેવાય છે કે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકના રાજકીય ઉત્તરાધિકારી મનાતા પૂર્વ આઈ.એ.એસ. અધિકારી વી.કે. પાંડિયને એક ચૂંટણીસભામાં પટનાયકનો ધ્રુજતો હાથ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો...
ભૂતકાળમાં નવીન પટનાયકના અંગત સચિવ રહી ચૂકેલા આઈએએસ પાંડિયને ગયા વર્ષે જ વીઆરએસ લઈને બીજેડીનું સભ્યપદ સ્વીકાર્યું અને આજે પાર્ટીમાં નંબર-ર ના સ્થાને છે. કોઈ પોતાના જાણીતા પરિવારજન કે ઓડિશાની વ્યક્તિના બદલે દક્ષિણભારતના પાંડિયનને રાજકીય વારસો સોંપવાનું આ વલણ પણ એક જબરૃં સસ્પેન્સ છે. સમરથ કો દોષ નાહીં...!?
એવું કહેવાય છે કે બહુજન સમાજવાદી પાર્ટીના સ્થાપક કાંશીરામ પર માયાવતીનો એટલો પ્રભાવ હતો કે તેણીએ કાંશીરામના પરિવારજનોને પણ છેક સુધી કાંશીરામથી અળગા રાખ્યા હતાં, તેમ છતાં કોઈ હ્યુમન રાઈટ્સ બ્રિગેડે અવાજ ઉઠાવ્યો નહોતો.. સમરથ કો દોષ નાહી ગોંસાઈ..!
જો કે માયાવતીએ કાંશીરામને પિતાતુલ્ય ગણીને તેઓની જીવનભર દેખભાળ કરી અને તેઓનો રાજકીય વારસો સન્માનજનક રીતે જાળવ્યો હોવાનો દાવો પણ થતો રહ્યો, પરંતુ તે મુદ્દો હંમેશાં ચર્ચામાં રહ્યો...
વર્તમાનમાં સ્વાતી માલીવાલના આક્ષેપો પછી પણ કેજરીવાલે પોતાના પી.એ. વિભવને છાવરવાના ભરપૂર પ્રયાસો કર્યા હોવાનો આક્ષેપ થયો છે, સમરથ કો દોષ નાહીં ગોંસાઈ...!!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial