Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

શું આપણે ટી.વી. જીવી, લેપટોપ જીવી, નેટ જીવી બાઈક-કાર જીવી અને ખણખોદ જીવી બની રહ્યા છીએ?

ટેકનોલોજીના યુગમાં ડિજિટલ ક્રાન્તિની આડઅસરો પણ છે?

ઘણી જગ્યાએ આપણે બધાએ એવા વાક્યો સાંભળ્યા જ હશે કે જુના જમાનામાં લોકો પાસે ભલે ધન નહોતું, પણ ટાઈમ પુષ્કળ હતો. હવે એ જ મહત્તમ લોકો પાસે નાણા છે અને આવકની સરવાણી વહી રહી છે, પરંતુ તેઓ પાસે પોતાના આયોજનો કે પરિવાર માટે પણ પૂરતો ટાઈમ જ નથી!

મોબાઈલ સેલફોન

અત્યારે લગભગ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ સેલફોન જોવા મળે અને શ્રમિક હોય કે શ્રીમંત, બાળક હોય કે વડીલો હોય, નર હોય, નારી હોય કે અન્ય હોય, દરેક પ્રકારના લોકોના ખીસ્સા કે હાથમાં મોબાઈલ સેલફોન અવશ્ય જોવા મળે, જેને આપણે આધુનિક ભારતમાં મોબાઈલ ક્રાન્તિ ગણાવીએ છીએ.

દિવસે-દિવસે આપણે ડિપેન્ડેન્ટ ઓન સેલફોન થઈ રહ્યા છીએ. કવચિત આ સ્થિતિની કલ્પના હરતા-ફરતા દૂરસંચાર ઓજાર એટલે કે મોબાઈલ ફોનની શોધ કરનારે પણ નહીં કરી હોય.

મોબાઈલ-સેલફોન અત્યારે રોજીંદી જીવન-જરૂરિયાતની ચીજ બની ગયો છે, અને આખી દુનિયા સાથે જોડાયેલા રહેવા માટે તેમાં ઈન્ટરનેટ નામનું અદૃશ્ય પુછડું લગાડીને આપણે જાણે મોબાઈલજીવી જ બની ગયા છીએ. કામવાળાને સૂચના આપવાની હોય કે ઈલેક્ટ્રીશ્યન-પ્લમ્બરને બોલાવવાનો હોય, રસોઈ શું બનાવવી છે, તે પૂછવાનું હોય કે બસ-રેલવે-ફ્લાઈટનો ટાઈમ જાણવાનો હોય, સ્કૂલેથી બાળક છૂટે તે પછી મમ્મી-પપ્પાને તેને લઈ જવા માટે જાણ કરવાની હોય કે મંદિરે ગયેલા દાદા-દાદીને ઘરે બોલાવવાના હોય, મોબાઈલ સેલફોન જ હાથવગું સાધન હોય છે.

ઈન્ટરનેટ

મોબાઈલ સાથે ઈન્ટરનેટ જોડાયા પછી તેનો ઉપયોગ તો વિવિધલક્ષી બનવાની સાથે સાથે ઘણો જ વ્યાપક બની ગયો છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકશિક્ષણ, જાગૃતિ, સામૂહિક સંદેશ-વ્યવહાર, પ્રચાર-પ્રસાર અને એડવર્ટાઈઝમેન્ટની નવી દિશાઓ ખૂલી ગઈ છે, તો પરસ્પર વ્યક્તિગત ચેટીંગ કરીને દિલના ઊંડાણોથી ઉભરતી ઉર્મિઓને વ્યક્ત કરવા પ્રેમીપંખીડાઓને 'ચિઠ્ઠી વ્યવહાર'નો ઉત્તમ અને સરળ વિકલ્પ પણ મળી ગયો છે.

વ્યક્તિગત ચેટીંગ માટે જ્યારે યાહૂ જેવા મેસેન્જરો શરૂ થયા ત્યારે ઘણી જ નવાઈ લાગતી હતી, પરંતુ હવે તો વ્હોટસએપ જેવી એપ્સના માધ્યમથી ચોવીસેય કલાક ચેટીંગ કરવાની હાથવગી સુવિધાનો પણ કોમર્શિયલ ઉપયોગ થવા લાગ્યો છે, અને ક્યારેક આ પ્રકારના અદ્યતન સંદેશ વ્યવહારોની વિવિધ સુવિધાઓ સજ્જડ પુરાવો બનીને ગુનાખોરોને બેડીઓ પણ પહેરાવે છે, ખરૂ ને!

સંજય દૃષ્ટિ

મહાભારતમાં સંજય કેવી રીતે મહાભારતના યુદ્ધની રનીંગ કોમેન્ટ્રી ધૂતરાષ્ટ્રને સંભળાવે છે, તે કથા સાંભળી હોય તેઓને ખ્યાલ જ હશે કે કુરૂક્ષેત્રના મેદાનમાં ચાલી રહેલા યુદ્ધની પળેપળની માહિતી હસ્તીનાપુરમાં રાજમહેલમાં બેસીને સંજય ધૃતરાષ્ટ્રને સંભાળવતો હતો, અને ધૃતરાષ્ટ્રના પ્રશ્નોના જવાબ પણ આપતો જતો હતો. આ વિશેષ સિદ્ધિને 'સંજયદૃષ્ટિ' કહેવામાં આવે છે. આ દૃષ્ટિ ધરાવનાર વ્યક્તિ ઘણે દૂર ચાલી રહેલી પ્રવૃત્તિઓ સ્પષ્ટ રીતે નિહાળી શકતી હતી, તેવું કહેવાય છે. આ જ સંજયદૃષ્ટિનું વર્તમાન નામ ટેલિવિઝન છે. પ્રાચીન કથાઓમાં જે આકાશવાણી થવાની વાર્તાઓ હોય છે, તેનું આધુનિક સ્વરૂપ રેડિયો છે. આપણે પહેલા રેડિયોસેવી હતાં, અને પછી ટી.વી. સેવી એટલે કે ટેલિવિઝનના ચાહક બન્યા છીએ.

ટેલિવિઝન ચેનલો

અત્યારે દુનિયાભરમાં હજારોની સંખ્યામાં ટેલિવિઝન ચેનલો મેટ્રોસિટીઝથી લઈને નાનામાં નાના કસબાઓ સુધી પથરાયેલા ટેલિવિઝન નેટવર્કના માધ્યમથી ન્યૂઝ, મનોરંજન, લોકશિક્ષણ, ધર્મપ્રચાર અને જાહેરાતોના માધ્યમથી કોમર્શિયલ તથા બિઝનેસ ક્ષેત્રનો પ્રચાર-પ્રસાર કરી રહી છે. ટેલિવિઝન ચેનલોનો વ્યાપ એટલો વધારે છે કે હવે દૂર-સુ-દૂરના ઘણાં અંતરિયાળ વિસ્તારો, ખેતરવાડીઓ તથા સરહદી વિસ્તારો સુધી ડીસના માધ્યમથી ટેલિવિઝન ચેનલો દ્વારા લોકો એન્ટરટાઈનમેન્ટ મેળવતા જોવા મળે છે, અને રમત-ગમત, વિવિધ કાર્યક્રમો અને યુદ્ધ જેવી ગતિવિધિઓનું પણ જિવંત પ્રસારણ પણ કરાઈ રહ્યું છે. હવે તો મોબાઈલ સેલફોનના માધ્યમથી ટેલિવિઝનની ચેનલો દેખાતી હોવાથી દરિયામાં માછીમારી કરતા માછીમારો, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ, નેવી જેવો દરિયાઈ ક્ષેત્રે કાર્યરત એજન્સીઓ થઈ લઈને દરિયામાં વહાણોને લૂંટતા ચાંચિયાઓ સહિતના લોકો પણ ટી.વી. સેવી બની ગયા છે, તેમ કહી શકાય?

કોમ્પ્યુટર-લેપટોપ-મોબાઈલ

આપણાં આધુનિક જીવનમાં મોબાઈલ ફોન, કોમ્પ્યુટર અને લેપટોપ એવા વણાઈ ગયા છે કે તેને આધુનિક જીવનની ધમનીઓ પણ કહી શકાય. આપણી ઘણી બધી માહિતીનો સંગ્રહ કોમ્પ્યુટર, મોબાઈલ ફોન અને લેપટોપ દ્વારા થઈ શકે છે. એટલું જ નહીં, હવે તો મોટાભાગની સરકારી, ઔદ્યોગિક, વ્યાપારિક તથા સંદેશ-વ્યવહારની કામગીરી પણ મોબાઈલ ફોન, કોમ્પ્યુટર અને લોપટોપ દ્વારા થાય છે. વીડિયો કોન્ફરન્સથી મિટિંગો, સંચાલનો તથા પરીક્ષાઓ સહિતની કાર્યવાહીઓ તથા પ્રવૃત્તિઓ ઉપરાંત હવે તો અદાલતોમાં ખુંખાર અપરાધીઓને પણ જેલમાંથી જ રજૂ કરવા માટે પણ ઈન્ટરનેટ, ટેલિવિઝનની ટેકનોલોજીનો ઉપયોગ કરીને વીડિયો કોન્ફરન્સો થાય છે. ગુગલ જેવા સર્ચ એન્જિનોના માધ્યમથી ઈન્ફોર્મેશનનો અખૂટ ખજાનો પણ કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ દ્વારા પ્રાપ્ત થાય છે અને વેબસાઈટો તથા સોશ્યલ મીડિયા, મીડિયા અને માસ મીડિયા, ટેડિશ્નલ મીડિયા માટે પણ આ તમામ સાધનો હવે અનિવાર્ય બની ગયા છે.

આ કારણે એમ પણ કહી શકાય કે આપણે લેપટોપજીવી, કોમ્પ્યુટરજીવી, મોબાઈલજીવી બની ગયા છીએ. આ બધા સાધનો ચલાવવા માટે જે ઊર્જાની જરૂર પડે છે, તે વીજળી પર પણ આપણે એટલા બધા આધારિત થઈ ગયા છીએ કે થોડી વાર માટે વીજપુરવઠો ખોરવાઈ જાય, તો પણ આપણે વિહ્વળ અને લાચાર બની જતા હોઈએ છીએ.

બાઈક-કાર પર આધાર

આજના યુગમાં બાઈક અને મોટરકાર-જીપ વગેરે સામાન્ય વપરાશના જીવન જરૂરી સાધનો બની ગયા છે. જૂના જમાનામાં લોકો સહજ રીતે પદયાત્રા કરીને ચારધામની જાત્રા કરવા નીકળતા કે પછી સામાજિક-કામો પાંચ-દસ ગાઉ દૂર ના ગામે પગે ચાલીને પહોંચી જતા હતાં, જ્યારે આજે પાંચ-દસ મીટરના અંતરે પાન-ફાકી ખાવા જવું હોય તો પણ બાઈક-સ્કૂટી કે સ્કૂટરને 'કીક' મારીને તેના દ્વારા જઈએ છીએ. મતલબ કે, આપણે બાઈક જીવી બની ગયા છીએ.

આજથી ચાર દાયકા પહેલા નાના-નાના ગામડામાં કોઈ મોટરકાર જતી તો લોકો જોવા નીકળતા, જ્યારે આજે ઘેર-ઘેર ખેતર-વાડીઓમાં અને છેક છેવાડાના ગામડા-કસબાઓ સુધી જીપ અને મોટરકાર ફરતી જોવા મળે છે, એક સમયે ધનિકોની ઈજારાશાહી ગણાતી મોટરકાર હવે સામાન્ય લોકો પાસે પણ હોય છે. આપણે હવે નજીકના નાના-મોટા પ્રવાસો માટે પણ સાર્વજનિક વાહનોના બદલે પોતાની કારનો ઉપયોગ કરવા લાગ્યા છીએ અને હવે તો સામાન્ય લોકો પણ પોતાની કાર લઈને જ કામ-ધંધે જતા-આવતા જોવા મળે છે. આ બદલાવને આર્થિક ઉન્નતિનો પ્રતાપ ગણવો, બદલાતા સમયનો પ્રભાવ ગણવો કે દેખાદેખીનું પરિણામ ગણવું, તે નક્કી થઈ શકતું નથી. સાચી વાત છે ને?

આજે તો બાઈક-કારમાં પણ અદ્યતન મોડલો આવવા લાગ્યા છે. બીજી તરફ હવે મધ્યમવર્ગીય લોકો બસ, ટ્રેન અને વહાણોની યાત્રા ઉપરાંત હવાઈયાત્રા પણ સરળતાથી કરવા લાગ્યા છે., યાત્રા-પ્રવાસ જ નહીં, પરંતુ હવે તો બિઝનેસ, સામાજિક અને વ્યવહારિક કામો ઉપરાંત સેવાકીય કામો માટે પણ લોકો 'ફલાઈટ' પકડવા લાગ્યા છે. આપણે બાઈક-કાર-ટ્રેન અને વિમાનજીવી બનવા લાગ્યા છીએ.

હવાઈ-દરિયાઈ યાત્રા પ્રવૃત્તિઓ

જૂના જમાનામાં વિદેશ જવા માટે જળમાર્ગ ઉત્તમ વિકલ્પ હતો, અને દરિયાઈ પરિવહન દ્વારા આજે પણ પ્રવાસ-યાત્રા તથા માલ-સામાનની હેરાફેરી થાય છે. વિમાની સેવાઓ વધી છે, અને હવે તો પબ્લિક હેલિકોપ્ટર સેવાઓ પણ શરૂ થઈ ગઈ છે. ઊંચા પર્વતો પર જવા માટે જેમ રોપ-વે બન્યા છે, તેવી જ રીતે હેલિકોપ્ટરો દ્વારા ઊંચા ઊંચા પર્વતો પર યાત્રા-પ્રવાસ કે પર્યટન માટે જઈ શકાય છે, પરંપરાગત હવાઈ-દરિયાઈ પ્રવૃત્તિઓનું પણ હવે આધુનિકરણ થવા લાગ્યું છે. રામાયણની કથામાં પુષ્પક વિમાનનો ઉલ્લેખ છે, તેથી એવો દાવો પણ થાય છે કે આપણા દેશમાં પ્રાચીન કાળથી જ ઉડ્ડયનના સાધનો હતા, તેના સંદર્ભે જ મંત્ર શક્તિ અને યંત્રશક્તિની ચર્ચાઓ પણ થતી જ હોય છે.

હવે દરિયાઈ પ્રવૃત્તિઓમાં પણ આધુનિકરણ થયું છે, ઘણાં લોકો સમુદ્રમાં તરતા ઘર બનાવીને રહેવા લાગ્યા છે, અને પ્રયોગ રીતે દરિયા કે નદીમાં તરતા નગરોના નિર્માણની દિશામાં આગેકૂચ થઈ રહી છે. આ તમામ આધુનિક સુવિધાઓના કારણે આપણે પરાવલંબી અને આળસુ પણ બની રહ્યા છીએ, તેવું ઘણાં લોકો માને છે.

ખણખોદ અને સંશોધન

ખણખોદ કરવી એટલે સામાન્ય રીતે આપણે ખટપટ કરવી એવું સમજીએ છીએ, પરંતુ ગૂઢાર્થમાં ખણખોદનો અર્થ કાંઈક જુદો જ થાય છે. સંશોધન વૃત્તિ એ માનવીની એક વિશેષતા છે માનવી નાનો હોય ત્યારથી જ 'ખણખોદ' કરવાની વૃત્તિ ધરાવતો થઈ જાય છે, અને જેમ મોટો થતો જાય, તેમ તેમની ખણખોદ કરવાની વૃત્તિઓ પ્રવૃત્તિ પણ વધતી જતી હોય છે.

શિશુકાળની જિજ્ઞાસાવૃત્તિમાંથી ખણખોદવૃત્તિ  જન્મે છે, અને નવું નવું જાણવા માટે આ વૃત્તિનો વ્યાપ વધતો જ જાય છે. ખણખોદ કરવાની વૃત્તિમાંથી જ સંશોધનવૃત્તિ જન્મ લેતી હોય છે. ખણખોદ સામાન્ય જીવનમાં થતી રહે છે, જ્યારે સંશોધન (રિસર્ચ) એકસ્ટ્રા ઓર્ડિનરી અથવા વિશેષ ક્ષમતા તથા ઉદ્દેશ્યો સાથે થાય છે. ખણખોદ કરવાની વૃત્તિનો હકારાત્મક ઉપયોગ થતો રહે તો તે સંશોધનવૃત્તિનું પ્રારંભિક સ્વરૂપ ગણાય અને તદ્દન નકારાત્મક રીતે ખણખોદ વૃત્તિ વધે, તો તે ખટપટનું સ્વરૂપ લઈ લેતી હોય છે, તેવું માનવામાં હરકત નથી ખરું ને?

ગ્લોબલ મોટીવેટર વુમન નિરૂ યાદવની સકસેસસ્ટોરી...અદ્દભુત... અનુકરણીય

ગત ત્રીજી મે ના દિવસે યુ.એન.માં સંબોધન કરનાર નિરૂ યાદવ 'મન હોય તો માળવે જવાય'નું તાજું ઉદાહરણ છે. ન્યુયોર્કમાં યુનાઈટેડ નેશન્સ કમિશન ઓન પોપ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ (સીડીપી) દ્વારા આયોજીત વાર્ષિક કોન્ફરન્સ 'સીડીપી મીટ-ર૦ર૪'માં નિરૂ યાદવને ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું આમંત્રણ આપ્યું હતું. તેણીએ 'ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના નેતૃત્વ અનુભવ'ના વિષયો પોતાના મંતવ્યો વ્યકત કર્યા, અને ત્રીજી મે ના દિવસે પણ તેણીએ 'લીડરશીપ એકસપિરિયન્સ'ના વિષય પર પોતાના વિચારો શેર કરીને સૌ કોઈને પ્રભાવિત કર્યા હતાં. નિરૂ યાદવ એ પછી ગ્લોબલ મોટીવેટર વુમન તરીકે પણ ખ્યાતિ પામી છે.

રાજસ્થાન ઝુનઝુનુના

ગામની સરપંચ બની પ્રેરણા

મહિલા સરપંચ તરીકે સફળ નેતૃત્વ પૂરૃં પાડનાર નિરૂ યાદવે સ્વયં પિરશ્રમ કરીને પોતે તો પ્રગતિ કરી, પરંતુ અન્ય મહિલાઓને પણ પ્રેરણા પૂરી પાડી છે. તેણી રાજસ્થાનમાં 'હોકી સરપંચ' તરીકે પ્રચલીત થઈ, તેની પાછળ પણ તેણીની સંઘર્ષમય આમૂલ્યગાથા જ છુપાયેલી છે.

નિરૂ યાદવ રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના બુહાતા તાલુકાના લાંબી આહીર ગામની સરપંચ છે. તેણીએ કન્યાઓના સશક્તિકરણ માટે જે સંઘર્ષ કર્યો છે, તેમાંથી જ તેણીની પ્રબળ ઈચ્છાશક્તિ, સેવાભાવના તથા ઈનોવેટિવ અભિગમ પ્રગટે છે, અને આ જુસ્સો અને વીલપાવર રાજસ્થાનની મહિલાઓનો પ્રેરણાસ્ત્રોત પણ બન્યો છે. નિરૂ યાદવ પોતાના અનોખા અભિગમના કારણે સમગ્ર રાજસ્થાનની ખેલપ્રેમી કન્યાઓ અને મહિલાઓ માટે પણ પ્રેરણાનો સ્ત્રોત બની છે.

હોકી સરપંચની ઓળખ

નિરૂ યાદવ પંચાયતની ગર્લ્સ હોકી ટીમ તૈયાર કરીને તેને પ્રેકટીસ કરાવે છે, તેથી જ તેને હોકી સરપંચ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ માત્ર ખેલજગત જ નહીં, મહિલા ઉત્કર્ષ માટે તેણીની વિવિધલક્ષી પ્રવૃત્તિઓ ઘણી જ પ્રેરણાદાયી છે.

પ્લાસ્ટિક મુકત ગામ

નિરૂ યાદવે પોતાના ગામને પ્લાસ્ટિક મૂકત કરવાનો નિર્ધાર કર્યો અને પર્યાવરણને નુકસાન થાય, તેવા પ્લાસ્ટિક સામે જાગૃત્તિ ફેલાવવાનું શરૂ કર્યું. આ ઉપરથી તેણીએ એક વાસણબેંક ખોલીને પ્લાસ્ટિક મૂકત ગામના લક્ષ્ય સાથે જે પહેલ કરી, તે માત્ર રાજસ્થાન જ નહીં, અન્ય રાજ્યો માટે પણ પ્રેરણાદાયી કદમ પુરવાર થવાનું છે.

જન્મદિવસને રોડ સેફટી ડે તરીકે ઉજવ્યો

નિરૂ યાદવે ટ્રાફિક જાગૃતિ, રોડ સેફટી અને પરિવહનના ક્ષેત્રે પણ અનોખી પહેલ કરી હતી તેણીએ પોતાનો જન્મદિવસ રોડ સેફટી ડે તરીકે ઉજવીને એક પ્રશંસનિય અને પ્રેરણાદાયી પહેલ કરી, અને અન્ય સરપંચોને પણ આ જ પ્રકારનો અભિગમ અપનાવવાની પ્રેરણા આપી, તેણીએ સેંકડો હેલ્મેટનું વિતરણ કર્યું અને માત્ર આઈએસઆઈ માર્કો ધરાવતી નેઈમપ્લેટ જ વાપરવા સૌને જાગૃત કર્યા.

જૂના કપડાની થેલીઓ બનાવી

નિરૂ યાદવે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ આર્થિક રીતે સશકત બને, વેસ્ટમાંથી બેસ્ટનો અભિગમ સફળ થાય અને પર્યાવરણની સુરક્ષા થાય, તે માટે જૂના કપડાની થેલીઓ બનાવવાનું અભિયાન આદર્યુ. આ રીતે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને ઘેરબેઠા પ્રવૃત્તિ મળી અને થોડી આવક પણ થઈ, પ્લાસ્ટિકની થેલીઓના બદલે કપડાની થેલીઓ પહેલાની જેમ ઉપયોગમાં લેવા લોકોને સમજાવીને પર્યાવરણની સુરક્ષા કરી અને જૂના કપડાનું રિસાયકલીંગ કરીને વેસ્ટમાંથી બેસ્ટના સંસ્કારોનું ગ્રામ્ય વિસ્તારની મહિલાઓમાં સિંચન કર્યું.

કન્યાદાનમાં વૃક્ષો આપવાની ઝુંબેશ

પર્યાવરણની સુરક્ષા અને સમાજ સુધારણાની દિશામાં પણ નિરૂ યાદવે અનોખું અભિયાન આદર્યું. તેણીએ લગ્ન પ્રસંગે કન્યાદાન તરીકે વૃક્ષો આપવાની પરંપરા શરૂ કરાવી. આ કારણે મહિલાઓના માધ્યમથી સમાજ સુધારણાના વિચારો પણ રોપવામાં સફળતા મેળવી. સ્થાનિક લોકોનો પણ સારો સહયોગ મળ્યો અને નિરૂ યાદવની બહુમુખી વિશેષતાઓ પણ વધુ પ્રજ્જવલિત થઈ.

મેરા પેડ-મેરા દોસ્ત

પર્યાવરણ સુરક્ષા, બાલ સંસ્કાર અને સમાજ સુધારણાનું સંયોજન કરીને નિરૂ યાદવે 'મેરા પેડ - મેરા દોસ્ત' અભિયાન આદર્યુ, અને આ નવતર અભિયાન મારફત સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓ પાસે ર૧૦૦૦ વૃક્ષોનો ઉછેર કરાવીને બહુહેતુક પહેલ કરી.

સરપંચ પાઠશાળા

નિરૂ યાદવે ગ્રામ પંચાયતની કક્ષાએ એક સરપંચ પાઠશાળા શરૂ કરી, અને કન્યાઓને કોમ્પ્યુટર ટ્રેનીંગ, ડિજિટલ આંગણવાડી તથા અદ્યતન પ્લે સ્કૂલ સાથે સાંકળીને પોતાના ગામમાં જ અદ્યતન શિક્ષણના પાયાના શિક્ષણની સાથે સાથે ડિઝિટલ ટેકનોલોજી તથા કોમ્પ્યુટરનો ઉપયોગ ગ્રામ્ય સ્તરેથી પણ શહેરોને ટક્કર મારે તે પ્રકારે વિસ્તારવાનું બીડું ઝડપ્યું, જેની ઘણી જ પ્રશંસા પણ થઈ.

સરપંચ શ્રેણી

નિરૂ યાદવે દર મહિને વૃદ્ધો અને વિકલાંગોને ઘેર બેઠા પેન્શન નિયમિત મળતું રહે, તેવી સુદૃઢ વ્યવસ્થા ગોઠવી અને અન્ય સરપંચોને પણ તેમાં સાંકળ્યા, આ નવતર અભિયાન હેઠળ તેણીએ રાજસ્થાન જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રીય ક્ષેત્રે આ પ્રકારની નવતર તથા અનુકરણીય પહેલ કરી હતી.

મહિલા શક્તિને ઓળખીએ અને બીરદાવીએ

નિરૂ યાદવની આ પ્રેરણાત્મક સકસેસ સ્ટોરી દેશભરની જ નહીં, સમગ્ર વિશ્વની મહિલાઓ માટે પ્રોત્સાહક અને મોટીવેટર બની છે, તેથી મહિલા શક્તિને ઓળખીએ અને બીરદાવીએ.

નિરૂ યાદવ ઉપરાંત આંધ્ર પ્રદેશની પિકારૂ ગ્રામ પંચાયતના કુનકુ હેમાકુમારી અને ત્રિપુરાના સિપાહીજાલા જિલ્લા પંચાયતના પ્રમુખ સુપ્રિયા દાસ દત્તાએ પણ ન્યુયોર્કમાં ર૯ એપ્રિલથી ૩ મે ર૦ર૪ દરમિયાન 'વસ્તી વિકાસ આયોગ' ની વાર્ષિક બેઠકમાં ભાગ લીધો હતો અને પોતાના વિચારો શેર કર્યા હતાં.

વિનોદ કોટેચા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial