Sensex

વિગતવાર સમાચાર

સડેલી સિસ્ટમ અને સાઠગાંઠ... ભ્રષ્ટાચારના ભોરીંગના ફૂંફાડા.. તળિયા સુધી તલસ્પર્શી તપાસ થશે ખરી...?

પાપનો ઘડો ફુટી ગયો, પાપ છાપરે ચડીને પોકાર્યુ, પાપનો ઘડો છલકાયો વગેરે તળપદી કહેવતો ભ્રષ્ટચારીઓની સામે અત્યંત કડક કાર્યવાહી થાય અને અદાલતો દ્વારા તેઓને સજા થાય ત્યારે પણ યાદ આવે અને આ પ્રકારના ભ્રષ્ટાચારીઓને કુદરતી રીતે કોઈ મોટો ફટકો લાગે ત્યારે પણ આ પ્રકારના શબ્દપ્રયોગો સાંભળવા મળે. અત્યારે રાજકોટના ટીઆરપી ગેમઝોનની તપાસ દરમિયાન નાની માછલીઓ પછી થોડી મોટી માછલીઓ પકડાઈ રહી છે અને તેમાંથી જ ભ્રષ્ટાચારનો ભાંડો ફુટી રહ્યો છે, ત્યારે કહી શકાય કે પાપનો ઘડો છલકાયો છે. જ્યારે આ પ્રકારના ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમના છુપા માસ્ટર માઈન્ડ પકડાશે ત્યારે કહી શકાશે કે પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે, અને ભ્રષ્ટાચારથી ભેગી કરેલી સંપત્તિ જ હવે ગળાની ફાંસ બની ગયો છે. હવે આ પ્રકારના તમામ કરતૂતો બને કૌભાંડો ચલાવતા અને તેને છાવરતા સમગ્ર ગોડફાધરોનો ચહેરો બેનકાબ થશે, ત્યારે કહી શકાશે કે હવે પાપનો ઘડો ફુટી ગયો...

જામનગરમાં ભૂતકાળમાં ઝડપાયેલા જમીનકૌભાંડ સમયે પણ નેતા, અધિકારી, ઈન્વેસ્ટર, કાનૂનના જાણકાર અને પ્રજાના પ્રતિનિધિઓની ગૂપ્ત સાઠગાંઠનો પર્દાફાશ થયો હતો અને તે પછી જે કાંઈ થયું તે આપણે સૌ જાણીએ જ છીએ.

રાજકોટમાં અત્યારે એસઆઈટીને ખુલ્લો દોર અપાયો છે અને ટીઆરપી કૌભાંડમાં સંડોવાયેલા લોકો, ભાગીદારો, જમીનમાલિક વગેરે ફરતે કાનૂનનો ગાળિયો કસાયા પછી આ મોતના માચડાને આંખ આડા કાન કરીને ધમધમવા દેનાર તંત્રના સંબંધિત અધિકારી-કર્મચારીઓને પણ કાનૂની રાહે પાઠ ભણાવાઈ રહ્યો છે, અને એ દરમિયાન જ ભ્રષ્ટ, લાંચીયા અને લેભાગૂ અધિકારી, કર્મચારીઓ પૈકી સાગઠિયા જેવા કેટલાક લોકોની બેસુમાર સંપત્તિનો ઘટસ્ફોટ પણ થયો છે, અને તે પછી જનતાનો તંત્રોમાંથી ભરોસો ઉઠી ગયો હોય તેમ જણાય છે.

આટલે પહોંચ્યા પછી પણ હજુ કદાચ તપાસ કરતી ટીમોએ માત્ર ડાળીઓ જ કાપી છે. આ પ્રકારના કૌભાંડોમાં સંડોવાયેલા મોટા માથાઓ સ્વરૂપી મૂળિયા સુધી હજુ પહોંચવાનું બાકી છે, તેમ નથી લાગતું? આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયાએ પણ આવા જ સવાલો ઉઠાવ્યા છે ને ?

જો મહાનગરપાલિકાના ટીપીઓ, આસિસ્ટંટ ટીપીઓ, ફાયર બ્રિગેડના અધિકારીઓ વગેરેએ આ લાલિયાવાડી ચલાવી લીધી હોય અને તેના બદલામાં હપ્તા કે અન્ય રીતે વળતર લીધુ હોય, તો તેની સામે અત્યંત કડક કાર્યવાહી કરીને સખ્ત સજા થવી જ જોઈએ, પરંતુ સવાલ એ ઉઠે છે કે આ અધિકારીઓ-કર્મચારીઓ પાસેથી કામ લેવા માટે જ નગરજનોએ જેઓને ચૂંટ્યા હોય, તેવા મનપાના પદાધિકારીઓ તથા જે-તે વિસ્તારના કોર્પોરેટરો પણ કેમ ચૂપ રહ્યા ? શું આ ભ્રષ્ટાચારી જમાતની કરતૂતોથી તેઓ તદ્દન અજાણ હતા, કે પછી તેઓ પણ 'સ્લીપીંગ પાર્ટનર' હતા, કે પછી પડદા પાછળના મુખ્ય ખેલાડીની ભૂમિકામાં કોઈ મોટું માથુ હતું ? આ તમામ સવાલોનો જવાબ પણ એસઆઈટીએ લેવો જ જોઈએ, અને તપાસ દરમિયાન કોઈ નેતા કે અન્ય મોટામાથાની સંડોવણી જણાય, તો તેની સામે પણ વધુ કડક વલણ દાખવવું જોઈએ, તેમ નથી લાગતુ ?

રાજકોટમાં ચાર અધિકારીઓના રિમાન્ડ મંજુર થયા પછી હવે તેની પાસેથી મોટા મગરમચ્છનું નામ ખૂલે અને તે ગમે તે હોય તેને પણ રિમાન્ડ પર લેવા જોઈએ.. ખરું ને?

રાજકોટના અગ્નિકાંડ પછી જામનગર સહિત રાજ્યભરના તંત્રો સફાળા જાગ્યા અને કાર્યવાહીઓ શરૂ થઈ, પરંતુ કોઈ રેસ્ટોરન્ટ બપોરે સીલ થાય અને સાંજે તે ધમધમતું જોવા મળે, તો તેને શું સમજવું ? આ ગોલમાલ મીડિયાની નજરે પડી પછી તેને છાવરવા બહાનાબાજી થતી હોય કે પછી તંત્રની ટીમો ડ્રામેબાજીનું 'રિ-ટેક' કરતી હોય, તેમ ધસી જાય, તો તેને શું સમજવું? આ બધી ભ્રષ્ટ ગેંગો ગુજરાતની જનતાને સમજે છે શું ? લોકોના જીવન સાથે ખેલ ખેલીને કમાણી કરવાના કારસા કરતા આ આધુનિક અસુરોને અંકુશમાં લેવાની ત્રેવડ દેખાડીને ભૂપેન્દ્ર પટેલ સરકારે પોલિટિકલ વીલપાવર એટલે કે રાજકીય ઈચ્છાશક્તિનો ચમત્કાર દેખાડી દેવો જોઈએ તેમ નથી લાગતું?

રાજકોટ મહાનગરપાલિકાના પોતાના કામ માટે જો કોઈ સાંસદે ભૂતકાળમાં લાંચ આપી હોય અને તેઓ સાંસદ બન્યા પછી જે-તે કર્મચારીએ તેને પાછી આપી દીધી હોય, તો એમ કહી શકાય કે આ આખો ઘટનાક્રમ ભ્રષ્ટાચારને છાવરવા અને તેને પ્રોત્સાહન આપવાનો જ ગણાય, પણ  નવાઈની વાત એ છે કે જે પાર્ટી, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર ખતમ કરવાના વાયદા કરીને સત્તારૂઢ થઈ હોય, તેના જ સંસદસભ્ય આવી કબૂલાત જાહેરમાં કરે, અને તે પછી પણ એસીબી ચૂપકીદી સેવે, તો એ પુરવાર જ થઈ જાય ને કે... હમામ મેં સબ નંગે હૈ....

ગુજરાતમાં ત્રણેક દાયકાથી ભાજપનું શાસન છે, તેથી કેટલાક નેતાઓ, અધિકારી-કર્મચારીઓ તથા કૌભંડિયાઓની સ્થાપિત હિતોની ગેન્ગો રચાઈ ગઈ છે અને તમામ ક્ષેત્રે તેનો ભ્રષ્ટ પ્રભાવ પથરાઈ ચૂક્યો છે, તેથી આ પ્રકારના કારસા રચાય છે, તેમ માનનારા પણ ઘણાં છે, અને તેનાથી ભિન્ન અભિપ્રાયો પણ આવતા રહે છે. જો કે, રાજસ્થાન, હિમાચલપ્રદેશ, કર્ણાટક જેવા રાજ્યોમાં મોટાભાગે દરેક ટર્મ (પાંચ વર્ષ પૂરા થાય) પછી રાજ્ય સરકાર બદલી જતી હોય છે, છતાં ભ્રષ્ટાચારનો ભોરીંગ એવો ને એવો જ રહે છે, તેથી ભ્રષ્ટાચારની ગટર બ્યુરોક્રેસીથી શરૂ થાય છે, અને નેતાઓ તેના પ્રોત્સાહક હોય છે, તેવું પ્રતિત થાય છે. સિસ્ટમ જ સડી ગઈ છે અને ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર બની ગયો છે, કદાચ તેથી જ ભૂતકાળમાં પણ દેશના ઉચ્ચ નેતાએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર વિશ્વવ્યાપી છે !!

હકીકતે સરકારો બદલતી રહે ઉચ્ચ અને સનદી અધિકારીઓ બદલાતા રહે, પરંતુ ભ્રષ્ટાચારનો ભોરીંગ મદમસ્ત થતો રહે, તેમાં નિમ્ન કેડર્સના પેધી ગયેલા કેટલાક અધિકારી-કર્મચારીઓની ભૂમિકા પણ બુનિયાદી અને મહત્ત્વપૂર્ણ રહેતી હોવી જોઈએ, તેથી તલસ્પર્શી અને તળિયા સુધી તપાસ થાય, તો જ અસલ અપરાધીઓને નાથી શકાશે, ખરું કે નહીં ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial