વર્ષ ર૦૦૯ થી વર્ષ ર૦ર૪ સુધીના એક્ઝિટ પોલ્સનું સરવૈયું: મોદી સરકાર રિટર્ન્સ? વિપક્ષી ગઠબંધનનો બહુમતીનો દાવો
દેશમાં અત્યારે અજીબોગરીબ માહોલ છે. એક તરફ કેરળના કાંઠેથી ચોમાસું કદમ આગળ વધારી રહ્યું છે, તો બીજી તરફ આવતીકાલે ઈવીએમના ખૂલતા જ તેમાંથી દેશની નવી સરકાર પ્રગટ થવાની છે.
વર્ષ ર૦૧૪ માં પરિવર્તતનો પવન ફૂંકાયો અને એનડીએની સરકાર સત્તામાં આવી, તે પહેલા ર૦૦૪ માં પણ પરિવર્તનનો પવન ફૂંકાયા પછી યુપીએની સરકાર સત્તામાં આવી હતી. આ દૃષ્ટિએ બન્ને ગઠબંધનોના નવા સ્વરૂપો આ વખતે વધુ અક્રમક્તાથી ચૂંટણી લડ્યા છે. આ વખતે પરિવર્તન કે પૂનરાવર્તન, તેનો ખ્યાલ આવતીકાલે આવી જશે.
શનિવારે મતદાનનો સમય પૂરો થવાના નિયત સમય પછી જે કાંઈ એક્ઝિટપોલ્સ આવ્યા તે આપણે સૌએ જોયા અને જાણ્યા, તે પૈકી ઘણાં સર્વેક્ષણો વર્ષ ર૦૧૯ ના એક્ઝિટ પોલ્સ સાથે તો મળતા આવ્યા, પરંતુ વર્ષ ર૦૧૪ માં શું થયું હતું તેની ચર્ચા પણ થઈ રહી છે, અને છેલ્લા દસ વર્ષમાં શું બદલ્યું અને હવે શું બદલાશે, તેની ચર્ચા થવા જઈ રહી છે, જેના આંકલનો અને તર્કો-દલીલોનું મિશ્રણ ઘણું જ મજેદાર બની રહ્યું છે.
ઓપિનિયન પોલ
એપ્રિલ મહિનામાં ન્યૂઝ ચેનલ દ્વારા રપ લાખ લોકોના સેમ્પલ સાઈઝના દાવા સાથે ઓપિનિયન પોલ્સના આંકડા આપ્યા હતાં અને પહેલી એપ્રિલથી ૧૩ મી એપ્રિલ વચ્ચે ચાર હજારથી વધુ વિધાનસભા મત વિસ્તારોને આવરી લઈને દેશની કુલ પ૪૩ લોકસભા સીટો માટે એવું અનુમાન કર્યું હતું કે, મોદી સરકારને પૂનઃ જનાદેશ મળવા જઈ રહ્યો છે. તે ઓપિનિયન પોલમાં પણ ૩૬ર બેઠકો પર એનડીએને વિજય મળવાની સંભાવના દર્શાવી હતી, જેમાં ભાજપની ૩૧૯ અને સહયોગી પક્ષોની ૪૯ બેઠકોનો સમાવેશ કરાયો હતો.
એ સર્વેમાં ઈન્ડિયા ગઠબંધનને ૧૪૯ બેઠકો મળવાની શક્યતા દર્શાવાઈ હતી, જેમાં ૪૯ બેઠકો કોંગ્રેસને મળશે, તેવો અંદાજ કરાયો હતો, જ્યારે ૧૦૦ બેઠકો ઈન્ડિયા ગઠબંધન સિવાયની અન્ય પક્ષોને જશે, તેવી આગાહી કરાઈ હતી. તે સમયે કદાચ તૃણમુલ કોંગ્રેસની પણ વિપક્ષી ગઠબંધનમાં ગણાત્રી કરાઈ હતી.
આ ન્યૂઝ ચેનલની જેમ જ અન્ય કેટલીક ન્યૂઝ ચેનલોએ આ વ્યાપક ઓપિનિયન પોલ્સ રજૂ કર્યા હતાં અને તેના અભિપ્રાયો પણ મોટાભાગે મોદી સરકારની હેટ્રિક લાગશે, તેવા સંકેતો આપતા હતાં.
એક્ઝિટ પોલ્સ
શનિવારે મતદાન પૂરૂ થયા પછી ઘણાં બધા એક્ઝિટ પોલ્સના આંકડા રજૂ થયા, જેમાં એકાદ અપવાદ સિવાય મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં એનડીએની સરકાર પુનઃ રચાય, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેટ્રીક લગાવશે તેવા આંકડાઓ રજૂ થયા હતાં.
આ તમામ એક્ઝિટ પોલ્સની સરેરાશ કાઢીને પોલ ઓફ ધી પોલ્સ કાઢવામાં આવ્યો હતો. આ મુજબ એનડીએને ૩૬પ, ઈન્ડિયા ગઠબંધનને ૧૪૬ અને અન્યોને માત્ર ૩ર બેઠક મળવા જઈ રહી હોવાના તારણો કાઢવામાં આવી રહ્યા છે.
તફવાત શું છે?
ઓપિનિયન પોલ્સ અને એક્ઝિટ પોલ્સમાં તફાવત એ છે કે ચૂંટણીની જાહેરાત થયા પછી વિવિધ તબક્કે ઓપિનિયન પોલ્સ યોજાય છે, જેમાં ચોક્કસ વિસ્તારો તથા સામાન્ય જનતાના જુદા જુદા વર્ગોને સાંકળીને વિવિધ માધ્યમથી કે પ્રત્યક્ષ પ્રશ્નોત્તરી કરીને મુદ્દા, માહોલ અને સંભાવનાઓના જવાબો પર આધારિત તારણો કાઢવામાં આવે છે, તેને ઓપિનિયન પોલ્સ કહેવામાં આવે છે, જ્યારે મતદાન દરમિયાન આ જ પ્રકારે વોટીંગ કરવા જતા-આવતા લોકોને વિવિધ મુદ્દાઓ, માહોલ અને ચૂંટણી સંબંધિત મુદ્દાઓ અંગે પ્રશ્નોત્તરી કરીને તેના આધારે જે તારણો કાઢવામાં આવે છે, તેને એક્ઝિટ પોલ્સ કહેવામાં આવે છે.
ઓપિનિયન પોલ્સ ચૂંટણીની તારીખે જાહેર થાય પહેલા, પછી, ઉમેદવારની જાહેરાત થતા અને પછી તથા ઘણી વખત કેટલાક મહિનાઓ પહેલા પણ કરવામાં આવતા હોય છે, અને તેવો પોલ્સ એકથી વધુ વખત અને એકથી વધુ તબક્કાઓમાં થતા હોય છે, જ્યારે એક્ઝિટ પોલ્સ મતદાન થતી વખતે જ કરવામાં આવે છે.
આદર્શ આચારસંહિતા
ચૂંટણીની આદર્શ આચારસંહિતા મુજબ લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા પછી પહેલા તબક્કાના મતદાનના નિર્ધારિત સમય પહેલાથી છેલ્લા તબક્કાના મતદાનના લગભગ અડધા કલાક પછી સુધીના સમયગાળા દરમિયાન ઓપિનિયન પોલ્સ કે એક્ઝિટ પોલ્સ રજૂ કરી શકાતા હોતા નથી, તેથી મતદાન પહેલા જુદા જુદા સમયે ઓપિનિયન પોલ્સ રજૂ થાય છે, જ્યારે મતદાન સંપન્ન થયા પછીના અડધા કલાક જેટલા સમય પછી એક્ઝિટ પોલ્સ રજૂ થવા લાગે છે. આ પછી મતગણતરીના દિવસની વાટ જોવાની રહે છે, તે પછી કેટલા ઓપિનિયન/એક્ઝિટ પોલ્સ મહદ્અંશે સાચા પડ્યા કે મહદ્અંશે ખોટા પડ્યા તે જાણી શકાતું હોય છે.
વર્ષ ર૦૧૪ની લોકસભાની ચૂંટણી
વર્ષ ર૦૧૪ માં આઠ એક્ઝિટ પોલ્સ દ્વારા એવું અનુમાન લગાવાયું હતુંકે, ભાજપના નતૃત્વવાળા એનડીએ ગઠબંધનને ર૮૩ બેઠકો મળશે અને કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ ગઠબંધનને ૧૦પ બેઠકો મળી શકે છે. આ અનુમાનો ખોટા પડ્યા અને એનડીએને ૩૩૬ બેકઠો મળી હતી અને કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએને માત્ર ૬૦ બેઠકો જ મળી હતી. તે પછી ભાજપને ર૮ર બેઠકો મળી હતી અને કોંગ્રેસને માત્ર ૪૪ બેઠકો મળી હતી, જો કે ખોટા પડવા હતાં. કોને જનાદેશ મળશે તેના અનુમાનો સાચા ઠર્યા હતાં.
વર્ષ ર૦૧૯ લોકસભાની ચૂંટણી
વર્ષ ર૦૧૯ માં લોકસભાની ચૂંટણીમાં પણ એક ડઝનથી વધુ એજન્સીઓ-ચેનલોએ એક્ઝિટ પોલ્સ રજૂ કર્યા હતાં, તે મુજબ ગત્ ચૂંટણીમાં એનડીએને ૩૦૬ અને યુપીએને ૧ર૦ બેઠકોનું અનુમાન કરાયું હતું, પરંતુ એનડીએને ૩પ૩ અને યુપીએને ૯૩ બેઠકો મળી હતી. આ બેઠકોમાં ભાજપને ૩૦૩ અને કોંગ્રેસને પર (બાવન) બેઠકો જ મળી હતી.
વર્ષ ર૦૦૯ ની લોકસભાની ચૂંટણી
તે પહેલા ર૦૦૯ ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ ઓ એક્ઝિટ પોલ્સમાં યુપીએને ૧૯પ અને એનડીએને ૧૮પ બેઠકોનું અનુમાન કરાયું હતું, પરંતુ યુપીએને ર૬ર અને એનડીએને ૧પ૮ બેઠકો જ મળી હતી. તે ચૂંટણીમાં કોંગ્રેસે ર૦૬ અને ભારતીય જનતા પક્ષે ૧૧૬ બેઠકો જીતી હતી.
કેટલાક એક્ઝીટ પોલ્સ લોકસભા ચૂંટણી-૨૦૨૪
સોર્સ એનડીએ ઈન્ડિયા અન્ય
એબીપી ન્યૂઝ સી-વોટર ૩૫૩-૩૮૩ ૧૫૨-૧૮૨ ૪-૧૨
દૈનિક ભાસ્કર ૨૮૧-૩૫૦ ૧૪૫-૨૦૧ ૩૩-૪૯
ઈન્ડિયા ન્યૂઝ ડાયનેમિક્સ ૩૭૧ ૧૨૫ ૪૭
ઈન્ડિયા ટૂડે ૩૭૧-૪૦૧ ૧૩૧-૧૬૬ ૮-૨૦
એક્સિસ માય ઈન્ડિયા
ન્યૂઝ-૨૪ ચાણક્ય ૪૦૦ ૧૦૭ ૩૬
ન્યૂઝ નેશન ૩૪૨-૩૭૮ ૧૫૩-૧૬૯ ૨૧-૨૩
રિપબ્લિક ભારત માર્ટીઝ ૩૫૩-૩૬૮ ૧૧૮-૧૩૩ ૪૩-૪૮
રિપબ્લિક ટીવી પી માર્ક ૩૫૯ ૧૫૪ ૩૦
ટાઈમ્સ નાઉ-ઈટીજી ૩૫૮ ૧૫૨ ૩૩
ટીવી ૯-ભારતવર્ષ પોલીસ્ટ્રેટ ૩૪૨ ૧૬૬ ૩૫
પોલ ઓફ પોલ્સ ૩૬૫ ૧૪૬ ૩૨
:: આલેખન ::
વિનોદકુમાર કોટેચા એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial