શનિવારે છેલ્લા તબક્કાનું મતદાન થઈ ગયુ અને વિવિધ ચેનલો તથા સર્વે એજન્સીઓના એકઝીટ પોલ્સનો સીલસીલો શનિવારે સાંજથી જ ચાલુ થઈ ગયો. તે પછી દસેક કરોડ લોકોને સાંકળીને સૌથી મોટા આર્ટિફિશ્યલ ઈન્ટેલિઝન્સ એટલે કે એ.આઈ. દ્વારા પણ સોશ્યલ મીડિયાના સહયોગથી એકઝીટપોલના તારણો ગઈકાલે જાહેર થયા, ત્યારે ગુજરાતની પ્રાદેશિક ન્યુઝ ચેનલો દ્વારા રાજ્યવ્યાપી પત્રકાર પોલ પણ થયો. એકંદરે મોદી સરકારની હેટ્રિકનું અનુમાન કરાયું અને ભાજપનો ૪૦૦ પારનો દાવો પુરવાર નહીં થાય તેવું અનુમાન કરાયું ભાજપ ૩૬૦ થી વધુ બેઠકો એકલા હાથે જીતશે, તેવા દાવાઓને પણ એકંદરે સમર્થન મળ્યું નહીં, જો કે, એક એકઝીટ પોલમા ઈન્ડિયા ગઠબંધનને રપપ થી ર૯૦ બેઠકો મળશે, તેવું અનુમાન પણ થયું હોવાની વાતો વહેતી થઈ.
જુદી જુદી સટ્ટાબજારોના મોટાભાગના તારણો શનિવારે તો ઈન્ડિયા ગઠબંધનની સરકાર રચાવાની સંભાવના તથા એનડીએના પરાજયના સંકેત સાથે એકઝીટ પોલ્સથી વિપરીત ધારણાઓ દર્શાવતા હતા અને તેને લઈને પણ એક અલગ જ ચર્ચા શરૂ થઈ ગઈ હતી, તે પછી ગઈકાલે સટ્ટાબજારોના તારણો પણ સરકાર તરફી ઝોક ધરાવતા દેખાયા હતાં. તે ઉપરાંત આજે સવારથી જ શેરબજારમાં રેકોર્ડબ્રેક ઉછાળો આવ્યો અને રૂપિયો મજબૂત થયો હોવાની ચર્ચા પણ ટોક ઓફ ધ નેશન બની છે.
ગુજરાતમાં છેલ્લી બે ટર્મથી લોકસભાની તમામ ર૬ બેઠકો મેળવતા ભારતીય જનતા પક્ષને આ વખતે કેટલી બેઠકો મળશે, તેની રસપ્રદ ચર્ચા થઈ રહી છે. ક્ષત્રિય આંદોલનનો કેટલો પ્રભાવ પડ્યો અને ઈન્ડિયા ગઠબંધનના કારણે વિપક્ષોને કેટલો ફાયદો થયો, તે અંગે બન્ને તરફથી તર્કો અપાઈ રહ્યા છે અને દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ એકઝીટ પોલ્સમાં કેટલાક તારણો એવા હતા કે રાજ્યની તમામ બેઠકો જીતીને ભાજપ ફરીથી હેટ્રીક મારશે તો બીજી તરફ કેટલાક એકઝીટ પોલ્સ ભાજપને ૧૯ થી ર૦ બેઠકો અને બાકીની બેઠકો ઈન્ડિયા ગઠબંધનને આપતા જણાયા હતાં. એવી ચર્ચા પણ થઈ કે ગેમઝોન અગ્નિકાંડ ગુજરાતમાં મતદાન પહેલા થયો હોત તો ભાજપના સુપડા સાફ થઈ ગયા હોત!
રાજકોટની રૂપાલાની બેઠક પર પહેલેથી જ સૌથી વધુ ચર્ચા થઈ રહી હતી, અને પત્રકારપોલમાં તો સટીક કારણો અને તારણો સાથે પત્રકારોએ પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતાં. એકંદરે રૂપાલા ચાર-પાંચ લાખ તો નહીં, પરંતુ એક-દોઢ લાખ મતથી વિજયી થશે, તેવા સંકેતો અપાયા હતાં.
જામનગરની બેઠક પર ક્ષત્રિય આંદોલનનો સૌથી વધુ પ્રભાવ થયો હોવાની સાથે સાથે આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આહિર વર્સીસ આહિરની ફાઈટ નહોતી અને કોંગ્રેસે પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતાં, તેથી પ્રારંભમાં ભાજપની સરળ જણાતી જીત નેક-ટુ-નેક ફાઈટમાં પરિણમી હતી, અને હવે છેલ્લા તારણો એવા નીકળે છે કે પાંચ લાખથી વધુ મતોથી વિજયના બદલે સાંકડી બહુમતીથી ભાજપના ઉમેદવાર જીતી શકે છે, જો કે, કેટલાક જ્ઞાતિકીય સમીકરણો, ક્ષત્રિય આંદોલન તથા આંતરિક જૂથવાદના કારણો ભાજપના ઉમેદવારને થતું નુકસાન સીધુ જ કોંગ્રેસને ફાયદો કરાવશે તેથી કોંગ્રેસના ઉમેદવાર મારવિયા પણ જીતી શકે છે, તેવા તારણો રજૂ કરનારા પત્રકારોએ પણ આ બેઠક પર હાર-જીત ખૂબ જ સાંકડી બહુમતીથી થશે, તેવા અભિપ્રાયો વ્યકત કર્યા હતાં. બન્ને પક્ષો અને ઉમેદવારો વિજયનો દાવો ખૂબ જ આત્મવિશ્વાસથી કરી રહ્યા છે, ત્યારે કેટલાક અભિપ્રાયો કાંટે કી ટક્કર હોવાનું જણાવીને આ બેઠકનું પરિણામ જે-આવે તે ખરું, પરંતુ સરસાઈ સાંકડી રહેશે. તેવા તારણો કાઢવામાં આવી રહ્યા છે.
બીજી તરફ પરિણામો આવ્યા પછી ભારતીય જનતા પક્ષ બે-ત્રણ નેતાઓ સામે શિસ્તભંગના પગલા લઈ શકે છે, તેવી વાતો પણ વહેતી થઈ છે.
રાષ્ટ્રીય કક્ષાએ પણ એકઝીટ પોલના વિવિધ પ્રત્યાઘાતો પડી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ તો મોદી મીડિયા પોલ છે, તો જયરામ રમેશે કહ્યું કે ઈન્ડિયા ગઠબંધનને ર૯પ થી ઓછી બેઠકો આવે તો અસંભવ છે, ઈન્ડિયા ગઠબંધને એવું પણ નક્કી કર્યું હોવાનું કહેવાય છે કે ઈન્ડિયા ગઠબંધનને બહુમતી મળશે તો જે પાર્ટીને સૌથી વધુ બેઠકો મળી હશે, તે પક્ષના સંસદસભ્ય જ વડાપ્રધાન બનશે. બીજી તરફ સર્વોચ્ચ કોંગી નેતાઓ રાહુલ ગાંધીને વડાપ્રધાનપદનો ચહેરો બનાવવા માંગે છે. આ બધા તારણો વચ્ચે બન્ને ગઠબંધનોમાં આંતરિક હલચલ તેજ બની રહી છે.
ફરીથી જેલમાં જતા પહેલા 'આપ'ના સંયોજક કેજરીવાલે તો એકઝીટ પોલ્સને નકલી બતાવીને ભારતીય જનતા પક્ષ દ્વારા નકલી તારણોના આધારે કોને કોને ફાયદો થઈ શકે છે. તેની ભવિષ્યવાણીઓ કરી, તેના જવાબમાં ભાજપે આ પ્રકારની વાતોને હતાશાનું પ્રતીક અને હાસ્યાસ્પદ ગણાવી હતી.
આરજેડીના તેજસ્વી યાદવે ફરીથી ઈન્ડિયા ગઠબંધન જીતી રહ્યું હોવાનો દાવો કરીને કહ્યું કે જનાદેશ મોદી સરકારની વિરૂદ્ધમાં જ આવશે, તો શક્તસિંહ યાદવે સોશ્યલ મીડિયાના માધ્યમથી કહ્યું છે કે આકરી ગરમી વચ્ચે થયેલી ચૂંટણી દરમિયાન એરકન્ડીશન્ડ રૂમોમાં બેસીને તૈયાર કરાયેલા આ એકઝીટ પોલ્સ તદ્દન જુઠ્ઠુ છે, જેની પોલ ચોથી જૂને ખુલી જવાની છે, એકઝીટ પોલ્સ અને વાસ્તવિક પરિણામો વચ્ચે આસમાન-જમીનનું અંતર હશે.
અનુમાનો, દાવાઓ અને સર્વેક્ષણોની આંધી વચ્ચે જામનગરમાં તો કોણ જીતશે અને કોણ હારશે, તેના કરતાંયે વધુ શિસ્તભંગના કડક પગલાની ચર્ચા 'ટોક ઓફ ધ ટાઉન બની છે.'
કેજરીવાલે જેલમાં જતા પહેલાં જે ત્રણ-ચાર મુદ્દા જણાવ્યા, તેની વિશેષ ચર્ચા થઈ રહી છે તો ઈવીએમ-વીવીપેટની વિશ્વસનિયતિને લઈને પણ નવેસરથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
બીજી તરફ ચૂંટણી સંપન્ન થતાં જ ટોલટેકસ તથા અમુલ દૂધના ભાવમાં કરાયેલા વધારાની ટીકા થઈ રહી છે. આ તમામ કવાયત ચોથી જૂને આવનારા પરિણામો સુધીનું માત્ર મનોરંજન છે, કે પછી તેમાં રહેલા તથ્યોના આધારે રાજકીય પક્ષો કોઈ રણનીતિ તૈયાર કરી લેતા હશે ?
પરિણામો સુધીની આ મોજ ઘણી વખત ર૦૦૪ ની જેમ યૂ-ટર્ન પણ લેતી હોય છે, ખરું કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial