૧૭ મી લોકસભાની મુદ્દત પૂરી થવા જઈ રહી છે, અને ૧૮ મી લોકસભાની ચૂંટણીના આજે પરિણામો આવી રહ્યા છે. નવી સરકારની રચનાના ચક્રો આજથી જ ગતિમાન થઈ જશે અને અત્યારે આવી રહેલા ટ્રેન્ડ પછી સાંજ સુધીમાં સ્પષ્ટ પરિણામો આવી જશે અને નવી સરકાર રચાયા પછી તેની સામે કેવા અને કેટલા પડકારો છે, તેની ચર્ચા પણ શરૃ થઈ જશે, પ્રારંભમાં ઈન્ડિયા ગઠબંધન મજબૂત ફાઈટમાં જણાતા શેરબજારમાં કડાકો થયો છે.
જો કે, કેટલાક રાજકીય અને શાસકીય વિશ્લેષકોના અભિપ્રાયો મુજબ જનતાની આકાંક્ષાઓ તથા પ્રવર્તમાન સમસ્યાઓ, જરૃરિયાતો તથા વૈશ્વિક પરીપેક્ષ્યમાં નીતિ-નિર્ધારણના પડકારો તો સરકાર સામે રહેવાના જ છે, અને તે માટે ઝડપભેર કામે પણ લાગી જવું પડશે, ખરું કે નહીં?
૧૮ મી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થયા પછી આચારસંહિતા લાગુ પડી ગઈ, અને સાત તબક્કામાં ચૂંટણી થઈ, તેના લાંબા સમયગાળા દરમિયાન કાળઝાળ ગરમી તથા બદલતા ઋતુચક્રનો સામનો પણ ચૂંટણીપંચે કરવો પડ્યો, તેમ છતાં એકંદરે મતદારોનો સારૃં મતદાન કર્યુ અને ચૂંટણીપંચે પણ પડકારો છતાં સૌકોઈના સહયોગથી દેશવ્યાપી સૌથી મોટી ચૂંટણીનો પ્રક્રિયા સંપન્ન કરી, તેની નોંધ લેવાની સાથે સાથે કેટલીક રજૂઆતો પણ થઈ, સૂચનો પણ થયા અને કેટલીક શંકા-કૂશંકાઓ વ્યકત થઈ તથા ચૂંટણીપંચ તરફથી તેના જવાબો પણ અપાયા અને ઉપયોગી સૂચનો સ્વીકારાયા પણ ખરા... હવે પરિણામો આવ્યા પછી રાજકીયપક્ષો કેવા પ્રત્યાઘાતો આપે છે, તે પણ આજે જ ખબર પડી જશે.
ગઈકાલે દેશના ત્રણેય ચૂંટણી કમિશનરોની ઉપસ્થિતિમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે જે કાંઈ કહ્યું અને માહિતી આપી, તેમાં કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો પણ હતી અને હજુ પણ કેટલા સુધારા-વધારાની જરૃર છે, તેનો સંકેત પણ સાંપડ્યો.
ચીફ ઈલેકશન કમિશનર રાજીવકુમારે મતદાનનો વિશ્વ રેકોર્ડ, મહિલા મતદારોની જાગૃતિ, આદર્શ આચાર સંહિતાના અમલ દરમિયાન ઝડપાયેલી જંગી રોકડ રકમ અને કેફી દ્રવ્યો વગેરેની વિગતો આપી અને એકંદરે શાંતિપૂર્વક અને મોટી હિંસક ઘટનાઓ સિવાય ગરમી હોવા છતાં થયેલા મતદાનને વખાણ્યુ અને મતદારોનો આભાર માન્યો તથા ચૂંટણીતંત્રને બિરદાવ્યું, સાથે સાથે આ વખતની ચૂંટણીના અનુભવના આધારે આગામી ચૂંટણીઓમાં જરૃરી સુધારા-વધારા કરવાનો સંકેત પણ આપ્યો તેમણે કહ્યું કે અમે અનુભવ પરથી એ બોધપાઠ લીધો છે કે આટલી ગરમીમાં મતદાન કરવાનું ઠીક જણાતુ નથી, અને એક મહિના પહેલાં જ એટલે કે એપ્રિલમાં જ લોકસભાની ચૂંટણીના તમામ તબક્કા પૂરા થઈ જાય, તો તે યોગ્ય ગણાશે.
વર્ષ-૧૯પર પછી લોકસભાની ચૂંટણીઓમાં કદાચ પહેલી વખત એવું થયું હશે કે ચૂંટણીપંચે મતગણતરીના આગળના દિવસે પ્રેસ-કોન્ફરન્સ યોજી હોય, આ પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન રાજીવકુમારે રાજકીય પક્ષોને કરેલા કેટલાક ઉપયોગી સૂચનો સ્વીકાર્યા અને જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી વિધાનસભાની ચૂંટણીઓ યોજવાના જે સંકેતો આપ્યા છે, તે પછી પડોશી દેશ પાકિસ્તાનમાં ભારતની લોકસભાની ચૂંટણીઓની ચર્ચા વધુ જોરશોરથી થવા લાગી છે, જે ઘણી જ સાંકેતિક છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન તીખા-તમતમતા પ્રવચનો થતા હોય છે, અને હવે તો પર્સનલ બેરેક પણ થવા લાગ્યા છે. આક્ષેપો-પ્રતિઆક્ષેપોની જાણે કે આંધી ફૂંકાય છે, પરંતુ ચૂંટણી પૂરી થયા પછી તેના સંદર્ભે કોઈ વ્યક્તિગત કે સામૂહિક કડવાશ કે નફરત ઉચ્ચ નેતાઓ વચ્ચે રહેતી નથી, પરંતુ કાર્યકરોની કક્ષાએ પરિણામો પછી પણ સંઘર્ષ, તકરાર કે હિંસાની ઘટનાઓ ભૂતકાળમાં ઓછા-વત્તા અંશે થતી રહી છે, જે સીલસીલો આ વખતે અટકી જશે અને જનાદેશને માથે ચડાવીને રાજકીયપક્ષો પોતપોતાની લોકતાંત્રિક ફરજો અને જવાબદારીઓ નિભાવવા લાગશે, તેવી આશા રાખીએ, કારણ કે ચૂંટણીઓનો હેતુ જ જનાદેશ મેળવવાનો હોય છે અને ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થયા પછી તેના સંદર્ભે વેરઝેર કે કડવાશ-નફરત રાખવાનો કોઈ મતલબ જ નથી, ખરું ને?
નવી સરકાર સામે સૌથી મોટો પડકાર દેશની યુવાપેઢીને યોગ્ય રોજગાર પૂરો પાડવાનો રહેવાનો છે. બેરોજગારોમાં પણ શિક્ષિત બેરોજગારો, કૌશલ્યવાન બેરોજગારો, બેરોજગાર કારીગરો, બેરોજગાર શ્રમિકવર્ગ, પોષ્ટ ગ્રેજ્યુએટ, આઈઆઈટી, એસએલએમ, પીએચડી, આઈઆઈએમ, એમબીએ, એમ.ડી. આઈઆઈએમ જેવા ઉચ્ચત્તમ અભ્યાસક્રમોની ડિગ્રીઓ મેળવ્યા પછીના ઉચ્ચ શિક્ષિત બેરોજગારો તથા ટેકનિકલ-મેડિકલ-કોમર્શિયલ-ઈન્ડસ્ટ્રીયલ ક્ષેત્રના બેરોજગારો જેવા જુદા જુદા બેરોજગાર જૂથો વધી રહ્યા છે, તેની સામે કોઈ એક જ પ્રકારની એમ્પ્લોયમેન્ટ પોલિસી ચાલે તેમ જ નથી, તેથી નવી સરકારે રોજગારક્ષેત્રે તો નક્કર પોલિસી બનાવવી જ પડે તેમ છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણી બધી ગેરંટીઓ અપાઈ, વાયદાઓ કરાયા અને ઘોષણાપત્રો પ્રસિદ્ધ કરાયા, તેને યાદ રાખીને સરકારે તબક્કાવાર પૂરા કરવા પડશે, કારણ કે હવે જનતા પહેલાની જેમ ભૂલી જવાની નથી અને નિષ્ફળ જવાની સ્થિતિમાં સરકારે જવાબ આપવો પડી શકે કે અને તેથી ભાવિ રાજકીય ક્ષતિ પણ થઈ શકે છે... રાઈટ?
દેશ અને સરકાર સાથે પહેલીથી ચાલ્યા આવતા પડકારો તો સૌ કોઈ જાણે જ છે, પરંતુ હવે નવા પડકારો પણ આવી રહ્યા છે, વિદેશનીતિના સંદર્ભે વર્તમાન ગ્લોબલ પોલિટિકસમાં ભારત સરકારે પોતાની વધુ સ્પષ્ટ અને નક્કર નીતિ સાથે આગળ વધવું પડશે અને તેમાં ઢીલીનીતિ ચાલશે નહીં, ખાસ કરીને પડોશી દેશો પાકિસ્તાન, ચીન, શ્રીલંકા, બાંગ્લાદેશને લઈને વર્તમાન પોલિસીની સમીક્ષા કરીને જરૃરી ફેરફાર કરવા પડશે, તેવી જ રીતે આંતરરાષ્ટ્રીય પ્રવાહોને અનુરૃપ અને દેશના હિતમાં યોગ્ય અને સચોટ નિર્ણયો પણ લેવા જ પડશે, ખરું કે નહીં ?
લોકસભાની ચૂંટણીની સાથે સાથે ગુજરાત વિધાનસભાની જે બેઠકો પર પેટાચૂંટણી થઈ છે, તેનો અત્યાર સુધીનો ટ્રેન્ડ આપણી સામે જ છે, અને તેમાં તેના સહિતના આજે આવી રહેલા પરિણામોની ચર્ચાઓ ચાલી જ રહી છે. ત્યારે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ તથા કેટલીક વિધાનસભાઓની સામાન્ય ચૂંટણીઓ તથા પેટા ચૂંટણીઓમાં વિજયી બનવા જઈ રહેલા તમામ ઉમેદવારોને અભિનંદન અને પરાજીત થયેલા ઉમેદવારોને પણ જનતાની સેવા કરતા રહીને દેશ સેવાની શુભકામનાઓ પાઠવીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial