'નોટા'માં રેકોર્ડબ્રેક મતો પડ્યા પછી મતદારોની નાપસંદગીનો મુદ્દો ફરી દેશભરમાં ચર્ચાઈ રહયો રહ્યો છેઃ
વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને આજે કન્ફર્મ ફાયનલ ડેટા પ્રગટ થવા જઈ રહ્યો છે, ત્યારે મોડી રાત્રે લીડ તથા વિજયના આંકડાઓના આધારે કોને કેટલી બેઠકો મળી છે, તેની વિગતોની સાથે સાથે વર્ષ ર૦૧૪ અને વર્ષ ર૦૧૯ ના તદ્વિષયક આંકડાઓની ચર્ચા પણ થઈ રહી છે. ઈન્દોરમાં 'નોટા'માં પડેલા રેકોર્ડબ્રેકના જુદા જુદા આંકડા સામે આવી રહ્યા છે, તો હવે આત્મમંથન અને વિશ્લેષણોનો દોર શરૂ થઈ ગયો છે. ઘણાં લોકો કહે છે કે સરકાર જીતીને પણ હારી ગઈ છે, અને વિપક્ષો હારવા છતાં જીતી ગયા છે!
એક્ઝિટ પોલ્સની ચર્ચા
વર્ષ ર૦૧૪ ની લોકસભાની ચૂંટણીઓ પછી જે પરિણામો આવ્યા છે, તેના નવેસરથી વિશ્લેષણો થઈ રહ્યા છે. બીજી તરફ આ વખતે એક્ઝિટ પોલ્સમાં ભાજપને રપ૦ થી ઓછી અને એનડીએને ૩૦૦ થી ઓછી બેઠકો મળશે, તેવું બતાવાયું નહોતું, જ્યારે ભાવપ અઢીસોથી પણ પાછળ રહી ગયું છે, તેવા ગઈકાલે અહેવાલો આવ્યા પછી પ્રારંભમાં તો હવે મોદી સરકારની વિદાય નિશ્ચિત છે, તેવા દાવાઓ પણ થવા લાગ્યા હતાં, પરંતુ સાંજ થતાં થતાં ભાજપ અને મોદીના ટ્વિટ્સ અને તે પછી દિલ્હીમાં ભાજપના કાર્યકરોના સંબોધન સાથે સમગ્ર દેશને વડાપ્રધાને કરેલા સંબોધન પછી તેઓ ત્રીજી વખત વડાપ્રધાન થવા જઈ રહ્યા છે, તેવો દાવો કર્યો, તે પહેલા ઈન્ડિયા ગઠબંધન પણ સરકાર રચવા માટે તડજોડ કરી રહી હોવાના અહેવાલો હતાં.
જો કે, એક્ઝિટ પોલ્સ દ્વારા ફરીથી મોદી સરકાર સત્તામાં આવશે, તેવી જે સંભાવનાઓ દર્શાવાઈ રહી હતી, તે તો ખરી ઠરશે, તેમ લાગે છે, પરંતુ બેઠકોની સંખ્યામાં એક્ઝિટ પોલ્સ અને એક્ઝેટ રિઝલ્ટ્સ વચ્ચે ઘણો તફાવત દેખાઈ રહ્યો છે, અને બીજી તરફ ઈન્ડિયા ગઠબંધન પણ બહમુતીથી નજીક નથી, તેથી એક્ઝિટ પોલ્સનો દિશા નિર્દેશ ઠીક હતો, પરંતુ સચોટ અનુમાનો નહોતા, તે પૂરવાર થયું હતું.
ઘણાં લોકોએ એવી ટકોર પણ કરી હતી કે એનડીએ જીત્યુ, તેમ છતાં વિજયનો આનંદ મળવો જોઈએ, તેટલો જણાતો નથી, જો કે ગઈકાલે સાંજે જુસ્સેદાર ભાષણ કરીને વડાપ્રધાને ફરી એકવાર બાજી સંભાળી લીધી હતી, તેવી વાતો પણ થઈ હતી.
વર્ષ ર૦૧૪ માં કોને કેટલી બેઠકો?
વર્ષ ર૦૧૪ માં એનડીએને મળેલી ૩પ૩ બેઠકોમાં ભાજપને ર૮ર, શિવસેનાને ૧૮, ટીડીપીને ૧૬, એલજેપીને ૬, અકાલીદળને ૪, આરએસએસપીને ૩, એડીએસને ર, પીએમકેને ૧, એલડબલ્યુપીને ૧, એઆઈએનઆરસીને ૧ અને એનપીપીને ૧ તથા એમપીએફને ૧ બેઠકો મળી હતી.
વર્ષ ર૦૧૪ માં યુપીએને મળેલી બેઠકોમાં કોંગ્રેસને ૪૪, એનસીપીને ૬, આરજેડીને ૪, આઈયુ-એનએસને ર, જેએમએમને ર, કેસી-એમ) ને ૧ અને આરએસપીને ૧ બેઠક મળી હતી.
વર્ષ ર૦૧૪ ના અન્ય પક્ષોને મળેલી બેઠકોમાં એઆઈએડીએમકેને ૩૭, એવાઈટીસીને ૩૪, બીજેડીને ર૦, ટીઆરએસને ૧૧, આઈએનએલડીને ર, યુડીએફને ૩, 'આપ'ને ૪, પીડીપીને ૩, જેડીએસને ર, જેડીયુને ર, એસ.પી.ને પ, એસડીએફને ૧, એઆઈએમઆઈએમને ૧, વાયઆરએસપીને ૯, આઈએનડીને ૩, સીપીઆઈએમને ૯ અને સીપીઆઈને ૧ બેઠક મળી હતી.
ર૦૧૯ ના પરિણામઃ પાર્ટીવાર બેઠક
વર્ષ ર૦૧૯ માં ભાજપને ૩૦૦, ઈન્ડિયા નેશનલ કોંગ્રેસને પર, તૃણમુલ કોંગ્રેસને રર, બીએસપીને ૧૦, સમાજવાદી પાર્ટીને પ, વાયએસઆર કોંગ્રેસને રર, ડીએમકેને ર૪, શિવસેનાને ૧૮, ટીડીપીને ૩, માર્કસવાદી સામ્યવાદી પક્ષને ૩, બીજેડીને ૧ર, જેડીયુને ૧૬, એનસીપીને પ, એઆઈએડીએમકેને ૧, તેલંગાણા રાષ્ટ્ર સમિતિને ૯, આરજેડીને શૂન્ય, અકાલીદળને ર, વંચિત બહુજન અઘાડીને શૂન્ય, સામ્યવાદી પાર્ટીને ર, જે.ડી.એસ.ને ૧, 'આપ'ને ૧, ઝારખંડ મુક્તિ મોરચાને ૧, મુસ્લિમ લીગને ૩, એઆઈયુડીએફને ર, અપના દલ-સોનેવાલને ર, આરએસપીને ૧, એજેએસયુને ૧, વિદુકલાઈ સિરૂપાઈગલ કચ્છીને ૧, નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીને ૧, નેશનલ પીપલ્સ પાર્ટીને ૧, કેરલ કોંગ્રેસ(એમ) ને ૧, નાગા પિપલ્સ ફ્રન્ટને ૧, નેશનલ કોન્ફરન્સને ૩, મિઝો નેશનલ ફ્રન્ટને ૧, એસ.કે.એમ.ને ૧ અને ૪ અપક્ષોનો વિજય થયો હતો.
વર્ષ ર૦ર૪માં કોને કેટલી બેઠક મળી?
વર્ષ ર૦ર૪ માં ભાજપને પ૯ જેટલી બેઠકોના નુક્સાન સાથે કુલ ર૪૦ બેઠકો મળી છે, અને તેના સહિત એનડીએને ર૯ર બેઠકો મળી છે. ઈન્ડિયા ગઠબંધનને મળી ર૩૧ બેઠકોમાં કોંગ્રેસને મળેલી ૯૯ બેઠકોનો સમાવેશ થાય છે. મોડી રાત્રિના જાહેર થયેલા આંકડાઓ મુજબ વિજય તથા લીડ બન્ને મળીને ભાજપ, કોંગ્રેસ ઉપરાંત અન્ય પક્ષોના પરિણામો જોઈએ તો ક્રાંતિકારી સમાજવાદીને ર, જેડીએસને ર, સમાજવાદી પાર્ટી ૩૭, ટીડીપીને ૧૬, શિવસેના (ઉદ્ધવ) ને ૯, સીપીઆઈએમને ૪, આમ આદમી પાર્ટીને ૩, હમને ૧, એનસીપીને ર, વોઈસ ઓફ ધ પિપલ્સ પાર્ટીને ૧, આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) ને ૧, તૃણમુલ કોંગ્રેસને ર૯, ડીએમકેને રર, જનતા દળ (યુ) ને ૧ર, એનસીપી (શરદચંદ્ર પવાર) ને ૭, શિવસેના (શિંદે) ને ૭, એલ.જે.પી.ને પ, વાયએસઆરસીપીને ૪, આરજેડીને ૪, મુસ્લિમ લીગને ૩, જનસેના પાર્ટીને ર, સી.પી.આઈ.એમ.એલને બે, વીસીકેને ર, સીપીઆઈને ર, જેએમએસને ૩, આરએલડીને ર, નેશનલ કોન્ફરન્સને ર, અકાલી દળને ૧, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીને ૧, યુ.પી.એલ.ને ૧, જે.કે.એમ.ને ર, એજીપીને ૧, કેરાલા કોંગ્રેસને ૧, આરએસપીને ૧, ઝેડપીએમને ૧, બીજેડીને ૧, આરએલટીપીને ૧, બીએપીને ૧, એમડીએમકેને ૧, અપના દળ (સોનિયાલ) ને ૧, એજેએસયુ પાર્ટીને ૧, એઆઈએમઆઈએમને ૧ અને અપક્ષોને ૭ બેઠકોમાં સરસાઈ અથવા જીત મળી છે. આ આંકડાઓમાં મામુલી ફેરફાર થઈ શકે છે, અને આજે અંતિમ આંકડાઓ ફાયનલ થઈ જશે.
વર્ષ ર૦૧૪ અને વર્ષ ર૦૧૯ માં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી, પરંતુ સત્તામાં એનડીએના અન્ય પક્ષો પણ ભાગીદાર હતાં, એ જ રીતે આ વખતે પણ અન્ય પક્ષો સત્તામાં ભાગીદારી કરશે, પરંતુ ભાજપને સ્પષ્ટ બહુમતી નહીં હોવાથી એનડીએના અન્ય સાથીદાર પક્ષોનું મહત્ત્વ થોડું વધ્યું છે.
નોટામાં કેટલા મત પડ્યા?
કોઈપણ પાર્ટી કે ઉમેદવાર પસંદ નથી, તે દર્શાવવા માટે ચૂંટણી પંચ દ્વારા ઈવીએમમાં 'નોટા'નું બટન રાખવામાં આવે છે. વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીમાં તો ઈન્દોરના લોકોએ રેકોર્ડબ્રેક મતદાન નોટા માટે કર્યું હોવાના અહેવાલોને સૌનું ધ્યાન ખેંચ્યું છે, જ્યારે ઉપલબ્ધ ડેટા મુજબ પોણાસાત લાખ મતદારોએ આ વખતે લોકસભાની ચૂંટણીમાં 'નોટા'માં મતદાન કર્યું હતું.
ચૂંટણી પંચે મતદાન વધારવા માટે તથા મતદારોનો વાસ્તવિક અભિપ્રાય જાણવાના હેતુથી વર્ષ ર૦૧૩ થી ઈવીએમમાં નોટાનું બટન રાખીને 'ઉપરોક્તમાંથી કોઈ નહીં' એટલે કે 'નોટા'નો વિકલ્પ આપતું બટન રાખ્યું હતું.
જો કે, આ રીતે મતદારોના અભિપ્રાયની પરિણામો પર અસર પડતી નથી. એટલે કે નોટામાં પડેલા મતો કોઈ રાજકીય પક્ષ કે ઉમેદવારને સીધી અસર તો કરતા નથી, પરંતુ તેના કારણે ઉમેદવારોને મળનારા સંભવિત મતોને અસર થતી હશે, તેમ ઘણાં માને છે.
વર્ષ ર૦૧૪ ની લોકસભાની ચૂંટણીમાં નોટાને ૧.૯૦ લાખથી વધુ મત મળ્યા હતાં. વર્ષ ર૦૧૯ માં ૧.૮૯ લાખ જેટલા મતદારોએ નોટાનો વિકલ્પ પસંદ કર્યો હતો, જ્યારે આ વખતે વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીમાં તો પોણાસાત લાખ જેટલા મતદારોએ આ વિકલ્પ પસંદ કર્યો છે, જે પ્રવર્તમાન સરકાર અને વિપક્ષ સહિતના સંબંધિત વિસ્તારોના ઉમેદવારો પ્રત્યેની નારાજગી પ્રગટ કરે છે.
જો તમામ ઉમેદવારોને મળેલા મતો કરતા પણ નોટાને મત વધી જાય, તો ફેરચૂંટણી કરવાની માંગી ઊઠી રહી છે, કારણે મહત્તમ મતદારોની નારાજગી વ્યક્ત થયેલી હોય છે, જ્યારે કેટલાક અભિપ્રાયો મુજબ તમામ ઉમેદવારોને મળેલા મતો કરતા પણ 'નોટા'ને વધુ મતો મળે, તો ફેરચૂંટણી કરાવવી જોઈએ, જો કે તેવું બનવું કઠીન છે. આ મુદ્દો હજુ ચર્ચા અને સંશોધનનો વિષય છે.
વિશ્લેષણોનો દોર
એનડીએને બહુમતી મળી, પરંતુ ભાજપની બેઠકો રપ૦ થી પણ ઓછી રહી તે અંગે એક તરફ વિશ્લેષણોનો દોર ચાલી રહ્યો છે, તો બીજી તરફ વિપક્ષી ગઠબંધન દ્વારા વર્તમાન એનડીએમાં તોડફોડ કરીને એટલે કે નાયદુ, નીતિશ કુમારને પોતાની તરફ ખેંચીને સરકાર બનાવવાના પ્રયાસોની ચર્ચા થઈ રહી છે, જો કે જેડીયુ અને ટીડીપી તરફથી એ પ્રકારના કોઈ સંકેતો હજુ અપાયા નથી. આ ચૂંટણીના એવા પરિણામો આવ્યા છે કે એનડીએની સરકાર રચાવા જઈ રહી હોવા છતાં જીતવાની ખુશી ઓલી દેખાય છે અને ધાર્યા મુજબના પરિણામો આવ્યા નહીં, તેનો વસવસો દેખાય છે, તો બીજી તરફ વિપક્ષમાં જ બેસવાનો જનાદેશ મળ્યો હોવા છતાં વિપક્ષી ગઠબંધન પોતાની મજબૂતી વધી હોવાની ખુશી મનાવી રહ્યું છે. આ જ છે લોકતંત્રની ખૂબસુરતી...
ઈવીએમ-વીવીપેટ પર પ્રહારો ઘટ્યા
વર્ષ ર૦૦૯ ની ચૂંટણી પછી ઊઠેલો ઈવીએમનો મુદ્દો વર્ષ ર૦૧૪ અને તે પછીની ચૂંટણીઓમાં પણ ગૂંજતો રહ્યો હતો અને જે પાર્ટી ગઠબંધન કે ઉમેદવારનો પરાજય થાય, તે હારની પાછળ ઈવીએમનો વાંક કાઢતા હતાં. શંકાના સમાધાન માટે પાછળથી જોડાયેલા વીવીપેટ મશીનોની વિશ્વસનિયતા પર પણ સવાલો ઊઠતા રહ્યા છે, પરંતુ વર્ષ ર૦૧૪ ની ચૂંટણીના ગઈકાલે પરિણામો આવ્યા પછી પરાજય માટે કોઈ પક્ષ ઈવીએમ જવાબદાર હોવાનું બહાનુ કાઢી રહ્યો છે કે આ અંગે બહુ ચર્ચા પણ થઈ રહી નથી. આ કારણે આ મુદ્દો પણ વિશ્લેષકો માટે સંશોધનનો વિષય બન્યો છે. એકંદરે ઈવીએમ અને વીવીપેટ પર દર વખતે થતા પ્રહારો ઘટી જતા ચૂંટણી પંચને પણ આ વખતે રાહત થઈ હશે!
:: આલેખન ::વિનોદકુમાર કોટેચા એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial