Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

મતદારોનો અંકુશિત જનાદેશ... હવે 'થ્રી એન'નો યુગ?... ગેનીબેનના વિજયથી કોંગ્રેસ ગદ્ગદ..

દેશની જનતાએ ફરીથી એક વખત લોકતાંત્રિક સમજદારી અને મતની તાકાતનો પરિચય આપી દીધો છે, અને ભલે પરિવર્તન નહીં, પરંતુ એકંદરે નિરંકુશ શાસન પર લગામ સાથેનો જનાદેશ આપ્યો છે. દેશના મતદારોએ વર્ષ-ર૦૧૪ તથા વર્ષ ર૦૧૯ ની જેમ એકલા ભાજપને સ્પષ્ટ બહુમતી ન આપી અને એનડીએને સાધારણ કહી શકાય તે પ્રકારની બહુમતી આપીને રાજકીય પરિપકવતા અને શાસનના મૂલ્યાંકનની નિપુણતા દર્શાવી છે. વિશ્વભરમાં આ કારણે આપણાં દેશની લોકતાંત્રિક વ્યવસ્થાની ગૌરવપૂર્ણ ચર્ચા પણ થવા લાગી છે.

એવું કહી શકાય કે ભલ અત્યારે વડાપ્રધાન તરીકે મોદી શપથગ્રહણ કરી લેશે, તો પણ જે રીતે તમામ નિર્ણયો તેઓ લઈ શકતા હતા, તેવા નિર્ણયો હવે લઈ શકશે નહીં, અને ગઠબંધનને વિશ્વાસમાં લેવું જ પડશે, ચંદ્રાબાબુ નાયડુ વાજપેયીના નેતૃત્વમાં એનડીએની સરકાર હતી, ત્યારે જે રીતે વર્ત્યા હતા, તેને યાદ કરીને ઘણાં વિશ્લેષકો એવું પણ માને છે કે મોદી અને ચંદ્રબાબુની કાર્યપદ્ધતિ, માનસિકતા અને વિચારધારા વચ્ચે તો મેળ જ નથી, તે ઉપરાંત વ્યક્તિગત રીતે પણ આ બન્ને મહાનુભાવો વચ્ચે તાલમેલ બેસવો અઘરો છે.

બીજી તરફ પલટુરામ અને પલટીમાર નેતા તરીકે ઓળખાતા (વગોવાયેલા) નીતિશ કુમાર પણ ગમે ત્યારે પોતાના રાજકીય હિતો માટે બંધારણ કે જાતિ ગણના જેવા મુદ્દા આગળ ધરીને એનડીએ છોડીને ઈન્ડિયા ગઠબંધનમાં જોડાઈ જાય તેવા છે, આ કારણે કેટલાક પોલિટિકલ પંડિતો એવું માને છે કે કાં તો મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી ભાજપનું કદ વધારવા માટે ઓપરેશન લોટ્સ ચલાવશે અથવા તો પોતાની આગવી ઢબે શાસન ચલાવી નહીં શકે...

ગઈકાલે કોંગ્રેસે તો એવા સંકેતો આપી જ દીધા હતા કે કેટલાક એનડીએના હાલના મિત્રોને મનાવીને ઈન્ડિયામાં લાવી શકાય તેમ છે, તેથી ઈન્ડિયા ગઠબંધન પણ સરકાર રચી શકે છે.

એ નક્કી છે કે ભારતીય જનતા પક્ષ હવે આ પ્રકારની પીછેહઠનું ગૂપચૂપ મૂલ્યાંકન કરશે અને એનડીએના અન્ય સાથીદારોને સાચવી રાખવા ઉપરાંત ઈન્ડિયાના કોઈ સાથીદારોને એનડીએમાં સામેલ કરવાના પ્રયાસો પણ થશે, તેથી હજુ પણ પ્રવાહી સ્થિતિ છે અને ગમે ત્યારે કાંઈ પણ થઈ શકે છે, તેમ માની શકાય.

ભાજપને હુંકાર અને ઘમંડ નડી ગયો છે અને શિવસેના, અકાલીદળ જેવા સાથીદારો તથા બીજેડી જેવા જરૂર પડ્યે પડખે ઊભા રહેતા પક્ષો સાથે ભાજપે કરેલા વ્યવહાર પછી કોઈ અન્ય પક્ષને ભરોસો બેસે તેમ નહીં હોવાનો અભિપ્રાય પણ વ્યકત થઈ રહ્યો છે.

જો કે, હાલ તુરત તો કેન્દ્રમાં 'થ્રી એન'ની બોલબાલા રહેવાની છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પોતાની કાર્યપદ્ધતિ બદલવી પડશે, તેવી ટકોર થઈ રહી છે, જો વડાપ્રધાનપદે નરેન્દ્ર મોદી ત્રીજી વખત શપથ ગ્રહણ કરશે, તો નરેન્દ્ર-નીતિશ-નાયડૂની 'થ્રી એન'ની ત્રિપુટીના નેતૃત્વમાં એનડીએ શાસન કરશે, તેવા એંધાણ ગઈકાલે મળ્યા હતા, હવે આજે સાંજ સુધીમાં શું થાય છે, તે જોવાનું રહે છે, કારણ કે મોદીને શપથ લેતા જ અટકાવવા ઈન્ડિયા ગઠબંધને પણ કોઈ ગૂપ્ત રણનીતિ અપનાવી છે અને શપથવિધિ થાય તે પહેલાં જ ચોંકાવનારો ધડાકો કરશે તેવી વાતો ગઈકાલે વહેતી થઈ છે.

અહીં જામનગરમાં ત્રીજી વખત વિજય મેળવ્યા પછી પૂનમબેન માડમે દ્વારકાધીશને દ્વારકા જઈને શિશ નમાવ્યુ, અને સન્માનભરી લીડથી જીતીને ક્ષત્રિય આંદોલન જેવા અવરોધો છતાં દબદબો જાળવી રાખ્યો, તેની ચર્ચા થઈ રહી છે, અને હવે કેન્દ્રના મંત્રીમંડળમાં પૂનમબેન માડમને સ્થાન મળી શકે તેવી શકયતાઓ વ્યકત થઇ રહી છે, તો કોંગ્રેસ ગુજરાતમાં ગેનીબેન ચૌધરીના વિજયથી ઉત્સાહિત છે, અને કમ-સે-કમ ગુજરાતની તમામ ર૬ બેઠકો પર કલીનસ્વીપની ભાજપને હેટ્રીક લગાવવા ન દીધી, તેનું ગૌરવ લઈ રહી છે!

દેશમાં કોંગ્રેસે ૯૯ બેઠકો મેળવી અને લગભગ પાંચથી છ ટકા જેટલો વોટશેર વધાર્યો, તે પછી લોકસભામાં માન્ય વિપક્ષના નેતા તરીકે જરૂરી બેઠકો મેળવવા ઉપરાંત મજબૂત વિપક્ષના સ્વરૂપમાં ઈન્ડિયા ગઠબંધન એકજૂથ રહેશે તો એનડીએની સરકારને હવે પછી શાસન ચલાવવું મુશ્કેલ બનશે, તે નક્કી જણાય છે તેવી જ રીતે જો નીતિશકુમાર, ચંદ્રાબાબુ નાયડૂ વગેરેને એનડીએમાંથી ઈન્ડિયા ગઠબંધનમાં ખેંચ્યા પછી કદાચ વિપક્ષી ગઠબંધનની સરકાર રચાઈ પણ જાય, તો તેના માટે પણ ભાજપ જેવા મજબૂત વિપક્ષનો સામનો કરવો પડી શકે છે, એ પણ હકીકત છે કે એકત્રિત થયેલા વિપક્ષોના ઈન્ડિયા ગઠબંધનના બધા પક્ષોએ મેળવેલી બેઠકો કરતા ભાજપની બેઠકો વધુ છે, જો કે, કોઈપણ સરકાર રચે, અને તેની સામે વિરોધપક્ષ ખૂબ જ મજબૂત હોય, તો તે લોકતંત્રના  અને દેશના હિતમાં જ ગણાય... ખરું કે નહીં?

ગઈકાલે દિલ્હીમાં જે રીતે ભાજપ કાર્યાલયમાં જશ્ન મનાવાયું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે જૂસ્સેદાર ભાષણ આપ્યું તેથી એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતીય જનતા પક્ષને હવે એનડીએના સાથીદાર પક્ષોને સાથે લઈને જ ચાલવું પડશે અને મનસ્વીપણે નિર્ણયો નહીં લઈ શકાય. તેમણે વારંવાર એનડીએ ગઠબંધનની ત્રીજી વખત સરકાર રચાશે, તેવો કરેલો ઉલ્લેખ પણ ઘણો જ સાંકેતિક છે.

હજુ ભરેલા નાળિયેર જેવી સ્થિતિ છે અને કોઈપણ સરકાર રચાશે, તો તે કાંખ ઘોડી પર જ ટકેલી હશે, તેથી અસ્થિર શાસનની સ્થિતિમાં દેશની આર્થિક ગતિવિધિ અને ઈન્વેસ્ટરોના વિશ્વાસ પર પણ વિપરીત અસરો પડી શકે છે, આ કારણે જ ગઈકાલે શેરબજાર અભૂતપૂર્વ રીતે ધડામ દઈને પછડાયું હતું.... દેખતે હૈ... આગે આગે હોતા હૈ કયા..

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial