મુંબઈના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો, અને ટી-ર૦ વર્લ્ડકપમાં ભારતે આયર્લેન્ડને હરાવીને બોણી કરી, ગઈકાલે મોદી સરકાર ત્રીજી વખત સત્તા મેળવશે, તે નક્કી થઈ જતાં શેરબજાર સુધરી અને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાએ હાલતુરત મજબૂત વિપક્ષ તરીકે કામ કરીને યોગ્ય તકની રાહ જોવાનું નક્કી કર્યું, અને બંધારણને બચાવી લેવાની ખુશી વ્યકત કરી, તે પ્રકારના સકરાત્મક સમાચારો સાથે આજે શનેશ્વરી અમાસની શુભપ્રભાતે ગુજરાતમાં પણ વરસાદની આગાહીના અહેવાલો પણ આવ્યા છે, જો કે, કોંગ્રેસે બંધારણ બચાવી લીધુ હોવાનું જણાવીને એકલા ભાજપને બહુમતીનો આંકડો પ્રાત્ત થયો નથી, તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નૈતિક હાર પણ ગણાવી છે.
લોકસભાની ચૂંટણી પરિણામો, એનડીએના પક્ષો એકજૂથ રહેતા સ્પષ્ટ થતું રાજકીય ચિત્ર અને ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકારની થનારી શપથવિધિના સમાચારોની સાથે સાથે કેન્દ્રના મંત્રીમંડળમાં હવે જામનગરને સ્થાન મળશે અને ત્રીજી વખત ચૂંટાયેલા ભાજપના મહિલા સાંસદ પૂનમબેન માડમને કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવાશે, તેવો આશાવાદ પણ વ્યકત થઈ રહ્યો છે, તો બીજી તરફ કેન્દ્રના નવા મંત્રીમંડળમાં સોરાષ્ટ્ર અને ગુજરાતમાં કોને કોને સ્થાન મળી શકે છે અને વર્તમાન મંત્રીઓમાંથી ફરીથી ચૂંટાયેલા કેન્દ્રીયમંત્રીઓમાંથી કોને રિપિટ કરાશે અને કોણ કોણ પડતું મૂકાશે, તેની ચર્ચા પણ થઈ રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા વિવાદમાં આવેલા કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલાનો જંગી બહુમતીથી વિજય થયા પછી તેઓને મંત્રીમંડળમાં રિપિટ કરાશે કે પછી સંગઠનમાં જવાબદારી સોંપાશે, તે અંગેની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે, તો બીજી તરફ લોકસભાની ચૂંટણી સુધી મોકૂફ રખાયેલા ક્ષત્રિય આંદોલન વિષે પણ અટકળો થઈ રહી છે, જોઈએ હવે શું થાય છે તે...
એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિ જોતા તેઓને ચંદ્રાબાબુ નાયડૂ અને નીતિશકુમાર સાથે કામ કરવું અઘરું પડશે, અને ગમે ત્યારે એનડીએમાં વિઘટન થાય, તો ઈન્ડિયા ગઠબંધનને કેન્દ્રમાં સત્તા મળી જાય, તેવો આશાવાદ છે, તો બીજી તરફ ભાજપ પણ એનડીએને વધુ મજબૂત બનાવવા ઈન્ડિયા ગઠબંધન સાથે રહેલા વિપક્ષો પૈકી ભાજપ સાથે સમાન વિચારધારા અથવા કોંગ્રેસ સાથે જામતુ ન હોય, તેવા પક્ષો સાથે તાલમેલ કરીને કેટલાક નાના-મોટા રાજકીય પક્ષોને એનડીએમાં સમાવવાનો પ્રયાસ કરી શકે છે. આ કારણે વર્તમાન મોદી સરકાર પાંચ વર્ષ પૂરા કરી શકશે કે કેમ ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
રાજકીય નિષ્ણાતો એવું માને છે કે કોંગ્રેસના નેતૃત્વમાં ઈન્ડિયા ગઠબંધને જોડ-તોડ કરીને સરકાર રચવાની ઉતાવળ નહીં કરીને શાણપણ દાખવ્યું છે અને એનડીએના વર્તમાન સાથીદાર પક્ષો અને ભાજપ-સંઘની વિચારધારાઓ વચ્ચે આસમાન-જમીનનું અંતર હોવાથી વહેલા-મોડા પણ તીવ્ર મતભેદો ઊભા થવાના જ છે, તેથી થોભો અને રાહ જૂઓની નીતિ અપનાવાઈ રહી છે, તેને 'પોલિટિકલ વિસ્ડમ' ગણાવાઈ રહ્યું છે. બીજી તરફ નાયડૂ અને નીતિશે મચક નહીં આપી હોવાથી ઈન્ડિયા ગઠબંધનને ના છૂટકે વિપક્ષમાં બેસવાનું હાલ તુરત નક્કી કર્યુ હશે, તેમ જણાવી 'પનો ટૂંકો પડ્યો' અને 'છી...છી...આ દ્રાક્ષ તો ખાટી છે' જેવા કટાક્ષો પણ થઈ રહ્યા છે. એનડીએ સિવાયના બધા પક્ષો સાથે મળીને પણ બહુમતીના જાદુઈ આંકડા સુધી પહોંચતા નથી, અને ઈન્ડિયા ગઠબંધનનો આંકડો પણ ભાજપના ર૪૦ કરતા ઓછો રહી ગયો છે, ત્યારે ૯૯ બેઠકોવાળો પક્ષ પી.એમ. પદના સપના જોઈ રહ્યો છે, તે પ્રકારના વ્યંગ્ય સાથે ભાજપના પ્રવકતાઓ પણ ધાર્યા પરિણામો નથીં આવ્યા હોવાથી બળાપો કાઢી રહ્યા છે. જો કે, કોંગ્રેસને ૯૯ બેઠકો મળી જતા હવે લોકસભામાં 'વટ'થી વિપક્ષના નેતાનું પદ મળશે, તેવો સંતોષ પણ વ્યકત થઈ રહ્યો છે.
હજુ તો એનડીએની બેઠક ખતમ જ થઈ હતી, ત્યારે જ ટીડીપીના નેતા ચંદ્રાબાબુ નાયડૂની ડીએમકેના વડા સ્ટાલિનની દિલ્હી એરપોર્ટ પર થયેલી મૂલાકાત પણ ચર્ચામાં છે, તેમણે કરેલું ટ્વીટ પણ ઘણું જ સાંકેતિક માનવામાં આવી રહ્યું છે. તે પહેલા પટણાથી એક જ ફલાઈટમાં દિલ્હી આવેલા નીતિશકુમાર-તેજસ્વીની મુલાકાત પણ ચર્ચામાં હતી. આ પ્રકારની આકસ્મિક મુલાકાતોનો પણ રાજકીય ઉપયોગ થઈ શકતો હોવાથી અટકળો થાય, તે સ્વાભાવિક પણ છે ખરું ને?
મહારાષ્ટ્રમાં તો એનડીએમાં જ જબરી ઉથલપાથલ થતી જોવા મળી રહી છે, ફડણવીસ દ્વારા નાયબ મુખ્યમંત્રીપદ છોડવાની ઓફર, શિંદેનો જવાબ, અજીત પવારની અવઢવ અને ઉદ્ધવ જૂથને લોકસભાની ચૂંટણીમાં મળેલી સફળતા પછી મહારાષ્ટ્રમાં રાજકીય સમિકરણો બદલાઈ ગયા છે, અને એનડીએનો સ્વાભાવિક અને જૂનો સાથીદાર રાજકીય પક્ષ શિવસેના એકજૂથ થઈ જાય, કે પછી કેન્દ્રમાં બન્ને શિવસેના એનડીએના સમર્થનમાં આવી જાય, તો વડાપ્રધાન મોદીની સ્થિતિ વધુ મજબૂત થાય અને હિંમતભર્યા નિર્ણયો લઈ શકે, તેવી વાતો વહેતી થઈ છે, ત્યારે અજીત પવાર અને શરદ પવાર ફરી એક થઈ જાય તો ઈન્ડિયા ગઠબંધન વધુ મજબૂત થઈ, તેવી સંભાવનાઓ પણ વ્યકત થઈ રહી છે... એવરી થીંગ ઈઝ પોસીબલ ઈન લવ એન્ડ વોર.. જસ્ટ વેઈટ એન્ડ વોચ... એવી અંગ્રેજી કહેવત અહીં લાગુ પડે કે કેમ? ... વિચારવા જેવું ખરું કે નહીં ?
ગુજરાતમાં મુખ્ય ફાઈટ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહે છે અને ત્રીજા પક્ષને બહુ સફળતા મળતી નથી, તે ફરી એકવખત પુરવાર થઈ ગયું છે, અને ઈન્ડિયા ગઠબંધન રચાયા પછી કોંગ્રેસને ર૪ અને આમઆદમી પાર્ટીને ર બેઠકો અપાઈ હતી, કોંગ્રેસે તો હેટ્રિકની ભાજપની સંભાવના તોડીને એક બેઠક જીતી લીધી, પરંતુ આમ આદમી પાર્ટી બન્ને બેઠકો હારી ગઈ, તેથી હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સ્વતંત્ર રહેવું કે ઈન્ડિયા ગઠબંધનમાં રહેવું, તે નક્કી કરવું પડશે, અને તેવી વિચારણા શરૂ થઈ ગઈ હોવાની ચર્ચા પણ થઈ રહી છે.
બીજી તરફ વર્ષ-ર૦૧૪ ની સરખામણીમાં નોટામાં મતદાન વધી રહ્યું હોવાના વિશ્લેષણો પણ થઈ રહ્યા છે. ગુજરાતમાં વર્ષ-ર૦૧૪, ર૦૧૯ અને વર્ષ-ર૦ર૪ ની લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં નોટામાં પડેલા મતોની વધઘટની સમીક્ષા પણ થઈ રહી છે. જો કે, જામનગર બેઠક પર ત્રણેય ચૂંટણીમાં નોટામાં પડેલા મતોમાં ઉત્તરોત્તર વધારો થયો અને આ વખતે પણ ૧૧ હજારથી વધુ મતો નોટામાં ગયા છે, તેની નોંધ લેવી જ પડે, પછી ભલે તેની અસરો પરિણામો પર પડતી હોય છે કે ન હોય!
ચૂંટણી પૂરી થઈ ગઈ, હવે ભૂપેન્દ્ર પટેલ સરકારે બળબળતા ઉનાળામાં ખાલી થયેલા જળાશયો અને પાણીની વધતી જરૂરિયાતને ધ્યાને લઈને માસ્ટર પ્લાન અમલમાં મૂકવો જ જોઈએ હાલારની ૧૬ સહિત જ્યારે અઢી ડઝન જેટલા જળાશયો ખાલી હોવાના અહેવાલો તથા ટેન્કરો શરૂ કરવા પડ્યા હોવાના સમાચારો જોતા એવો સવાલ પણ ઉઠે કે નર્મદા ડેમમાં પાણી હોવા છતાં પાણીની તંગી કેમ પડે? આ મિસમેનેજમેન્ટ નથી?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial