Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

આરબીઆઈની જાહેરાત.. શેરબજાર કૌભાંડના આક્ષેપો અને જવાબ.... પ્રથમ ગ્રાસે મક્ષિકા ?

ગઈકાલે જ જાહેરાત થઈ હતી કે ભારતીય રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત આરબીઆઈના ગવર્નર દ્વારા થશે. મોદી સરકારની બીજી ટર્મ પૂરી થઈ છે અને હવે ગઠબંધન સરકારના વડા તરીકે તેઓ રવિવારે શપથગ્રહણ કરવાના છે તેવા સમયે રેપોરેટ સહિતના ભારતીય રિઝર્વ બેન્કે લીધેલા નિર્ણયો ઘણાં મહત્ત્વપૂર્ણ બની ગયા છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ ઈન્ડિયા ગઠબંધન સાથે છેડો ફાડી નાખ્યાના સમાચાર પણ ચર્ચામાં છે. 'આપ'ના ગોપાલરાયે જાહેરાત કરી કે અમારું જોડાણ લોકસભાની ચૂંટણી પૂરતું હતું !

આજે આરબીઆઈએ રેપોરેટમાં કોઈ ફેરફાર થયો નહીં હોવાની જાહેરાત કરી છે જેથી રેપોરેટ ૬.પ૦ ટકા યથાવત રહેશે.

એક તરફ આરબીઆઈએ રેપોરેટ સહિત લીધેલા નિર્ણયોની ચર્ચા થઈ રહી છે તો બીજી તરફ કોંગી નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર દ્વારા કથિત રીતે આચરાયેલા શેરબજાર કૌભાંડના ગંભીર આક્ષેપો અને તેના જવાબની ચર્ચા પણ પડઘાઈ રહી છે.

ગઈકાલે રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીના એકઝીટ પોલ્સના દિવસે શેરબજારનો રેકોર્ડબ્રેક ઉછાળો અને પરિણામો આવ્યા તે દિવસે શેરબજારમાં જબરદસ્ત કડાકાને સાંકળીને મોદી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા, અને એવો સવાલ ઉઠાવ્યો હતો કે લોકસભાની ચૂંટણી દરમિયાન લોકોને શેરબજારમાં રોકાણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે શા માટે કહ્યું હતું ? પરિણામોના દિવસે ચોથી જૂને લોકોના ૩૦ લાખ કરોડથી વધુ રૃપિયાનું ધોવાણ થયું તેની જવાબદારી કોની? આ એક ઈરાદાપૂર્વક આચરાયેલુ કૌભાંડ હતું, અને તે કોના ફાયદા માટે આચરાયુ, તેની તપાસ જેપીસી એટલે કે જોઈન્ટ પાર્લામેન્ટની કમિટીને સોંપવાની માંગણી પણ રાહુલ ગાંધીએ કરી હતી, જેના ઘેરા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે, અને મોદી સરકાર-૦૩ માટે આ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે, કારણ કે હજુ શપથ નથી લીધા, ત્યાં ગંભીર આક્ષેપો થયા છે.

આ પહેલા પણ મોટા મોટા શેરબજાર કૌભાંડો થયા છે અને તે પછી તેના પર અંકુશ માટે કેટલીક વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી હતી અને મોનિટરીંગ તથા મેનેજીંગ સંસ્થાઓની રચના પણ થઈ હતી.

દેશમાં વર્ષ-૧૯૯ર માં આર્થિક ઉદારીકરણનો પ્રારંભ થયો હતો. તે સમયે હર્ષદ મહેતાએ એક મસમોટું શેરબજાર કૌભાંડ કર્યું હતું અને તે પછી વર્ષ-ર૦૦૧ માં પણ કેતન પારેખે શેરબજાર કૌભાંડ કર્યું હતું. આ બન્ને કૌભાંડો માટે જેપીસી દ્વારા તપાસ કરાઈ હતી. કેતન પારેખ કૌભાંડમાં બેન્કો તથા સ્ટોક બ્રોકરોની સાંઠગાંઠના આક્ષેપો થયા હતા. તો હર્ષદ મહેતા કૌભાંડ સંદર્ભે જેપીસીની તપાસ પછી એક વિશેષ કોર્ટની જાહેરાત પણ થઈ હતી, તે પછી એક જેપીસી ની તપાસ વર્ષ-ર૦૦૩માં એક અલગ વિષય સંદર્ભે થઈ હતી, જેમાં સોફટડ્રીન્ક પેસ્ટીસાઈડ્ઝના મુદ્દે આક્ષેપોની તપાસ થઈ હતી. તે પછી તો ટુ-જી સ્પેકટ્રમ કૌભાંડ, અગસ્તા વેસ્ટ લેન્ડ કૌભાંડની જેપીસી દ્વારા તપાસ મનમોહનસિંહના કાર્યકાળમાં થઈ હતી.

એવું કહેવાય છે કે લોકસભા અને આંધપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો પછી કેન્દ્ર સરકારમાં કિંગમેકર અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચંદ્રબાબુ નાયડૂ પ્રાદેશિક અને રાષ્ટ્રીય રાજનીતિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં આવી ગયા છે, તે પછી કેટલાક શેરોમાં વીસ ટકાનો ઉછાળો આવી ગયો છે, જેથી એવું પુરવાર થાય છે કે રાજકીય હિલચાલની સીધી અસરો સીધી જ શેરબજાર પર થતી હોય છે! અને ભૂતકાળમાં પણ ઘણી વખત, રાષ્ટ્રીય રાજકીય ઘટનાક્રમો, વૈશ્વિક રાજકીય પ્રવાહો, યુદ્ધ, કુદરતી આફતો તથા ઈન્ટરનેશનલ માર્કેટની અસરો પણ સીધી શેરબજાર પર થતી હોય છે, જો કે, પરિણામો પહેલા એકઝીટ પોલ્સના આધારે થયેલો ઉછાળો અને પરિણામો પછી જ્યારે મોદી સરકારને ફટકો પડ્વા લાગ્યો, ત્યારે ૪ થી જૂને શેરબજારમાં થયેલો કડાકો અસાધારણ હતો, તે એક સુઆયોજીત કૌભાંડ હતું તેવો રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો.

એક ખાસ પ્રેસકોન્ફરન્સમાં તેમણે કહ્યું કે પી.એમ. નાણામંત્રી અને ગૃહમંત્રીને પહેલેથી જ ખબર પડી ગઈ હતી કે ભાજપને રર૦ ની આજુબાજુ જ બેઠકો મળી રહી છે, તેમ છતાં એકઝીટ પોલ્સ દ્વારા જૂઠાણું ફેલાવાયુ અને એકઝીટ પોલ્સના આધારે શેરબજારે છલાંગ લગાવી અને પરિણામો પછી ધડામ દઈને શેરબજાર પછડાયું, તેથી પાંચ કરોડ જેટલા ઈન્વેસ્ટર્સના ૩૦ લાખ કરોડનું નુકસાન થયું તેથી ફાયદો કોને થયો ? તે જાણવા જેપીસીની તપાસ જરૃરી છે, કારણ કે આ માટે રોકાણકારોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતાં વિગેરે.

રાહુલ ગાંધીના તીખા તમતમતા આક્ષેપોથી તમતમી ઉઠેલા ભારતીય જનતા પક્ષ તરફથી વિપુલ ગોયલ મીડિયા સમક્ષ પ્રગટ થયા અને રાહુલ ગાંધી પર ઈન્વેસ્ટરોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે તેઓ પરાજ્યને પચાવી શકવાની ક્ષમતા ધરાવતા નથી!

ગોયલે કહ્યું કે દેશભરમાં ભારતીય રોકાણકારો વધ્યા છે, જ્યારે ૧૦ વર્ષ પહેલા યુપીએના શાસનકાળમાં વર્ષ -ર૦૧૪ ના પ્રારંભ સુધી દેશમાં શેરબજારની માર્કેટ કેપ માત્ર ૬૭ લાખ કરોડ આજે વધીને ૪૧પ લાખ કરોડ રૃપિયા છે, અને દસ વર્ષમાં માર્કેટ કેપ વધી છે. ભારત વિશ્વની પાંચ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે અને પીએસયુનું માર્કેટ કેપ પણ ચાર ગણુ વધ્યું છે. તેમણે એવો દાવો પણ કર્યો કે એકઝીટ પોલ્સ જાહેર થયા ત્યારે વિદેશી રોકાણકારોએ ઊંચા ભાવે શેરો ખરીદતા તેનો ફાયદો ભારતીય રોકાણકારોને જ થયો હતો.

આ ખુલાસા પછી પણ એવો સવાલ ઉઠી રહ્યો છે કે જો શેરબજારમાં કોઈ કૌભાંડ થયું જ ન હોય તો યોગ્ય ઓથોરિટી કે જેપીસીની તપાસ સામે વાંધો શું છે? કરી દ્યો નવી સરકાર રચાતા જ પહેલી તપાસની જાહેરાત...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial