પરિવર્તન, પુનરાવર્તન, પ્રગતિ, પ્રસિદ્ધિ અને પલાયનના પંચતત્ત્વો એટલે પોલિટિક્સ...
રાજકોટમાં અગ્નિકાંડ થયો હોય કે અમેરિકામાં ટ્રમ્પ દોષિત ઠર્યા હોય, લોકસભાની ચૂંટણીના પરિણામોની ચર્ચા હોય, પ્રવર્તમાન સમયમાં કોણ પોતાનું અને કોણ પારકું, એ સવાલ એક કોયડો બની ગયો છે. ગ્લોબલ ગરબડો અને ગામઠી ગોટાળાઓની વચ્ચે અટવાતા ગેમ્બલરો પણ ગોટાળે ચડી જાય, તેવી ગેઈમ તો કેટલાક પોતિકાઓ જ ખેલતા હોય છે.
લોકસભાની ચૂંટણીઓ ચાલતી હતી ત્યારે જે ગરમાગરમ નિવેદનો થતા હતાં, તે જોતા સામાન્ય રીતે એવું જ લાગે કે આ પ્રકારની કડવાશમાંથી વ્યક્તિગત વેરઝેર ઊભા થતા હશે, પરંતુ વાસ્તવિક્તા કાંઈક અલગ જ હોય છે. પોલિટિક્સમાં કોઈ કાયમી મિત્ર કે કાયમી દુશ્મન હોતું નથી.
સંગત વિભાગના 'મન હોય તો માળવે જવાય'ની લેખમાળા સાથે આ પ્રકારની વાતો કે વિષય-વસ્તુ જરાયે સુસંગત નથી. આ લેખમાળા મોટિવેશનલ પણ ગણાય છે, અને ઘણાં લોકો આ લેખમાળાને જ્ઞાન, માહિતી અને પ્રેરણાનો ત્રિવેણીસંગમ ગણાવે છે, કેટલાક લોકોના પ્રતિભાવો એવા પણ હોય છે કે આ લેખમાળામાં ખણખોદ, ખટપટ કે વાદ-વિવાદના વિષયો નહીં હોવાથી જ તેનું સાતત્ય જળવાઈ રહ્યું છે. તેથી જ આજના આ એકાદ અપવાદ સિવાય આ લેખમાળામાં મહત્તમ વાચકોની ભાવનાને અનુરૂપ જ પ્રસ્તુતિ કરવાનો પ્રયાસ રહેશે. પોલિટિક્સ પણ પવિત્ર વિષય જ ગણાય, કારણ કે પોલિટિક્સ અને પોલિટિશ્યનો ન હોય, તો દેશ કોણ ચલાવે? લોકતંત્રની સુરક્ષા કોણ કરે? તે પણ નક્કર હકીકત જ છે ને?
પોલિટિક્સના પંચતત્ત્વો
પરિવર્તન, પૂનરાવર્તન, પ્રગતિ, પ્રસિદ્ધિ અને પલાયન પોલિટિક્સના પંચતત્ત્વો ગણાય. આ પંચતત્ત્વોના પંચસ્તંભો પર પોલિટિક્સ ઊભું છે, તેમ કહેવામાં પણ કાંઈ અતિશયોક્તિ નથી.
લોકતંત્રમાં કોઈપણ નાની કે મોટી ચૂંટણી હોય, ત્યારે એવી ચર્ચાઓ થતી હોય છે કે આ વખતે પરિવર્તન થશે કે પછી પૂનરાવર્તન થશે? મતલબ કે જેનું શાસન છે, તે જળવાશે કે તેના સ્થાને નવા હોદ્દેદારો કે જનપ્રતિનિધિઓ ચૂંટાશે? સરકાર હોય કે સહકારી મંડળી હોય, પંચાયત હોય, પાલિકા હોય કે મહાપાલિકા હોય, નિગમ હોય કે કોર્પોરેટ અથવા બેન્કીંગ ક્ષેત્રના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હોય, કોઈ સંગઠન, યુનિયન, એસોસિએશન, એનજીઓ હોય કે પછી રાજકીય પક્ષ કે જ્ઞાતિ-સમાજ, ટ્રસ્ટો હોય, તમામ સ્થળે કઈને કોઈ સમયે પુનરાવર્તન પછી પરિવર્તન તો થતું જ હોય છે, ખરૂ ને?
પ્રગતિ પણ પોલિટિક્સનું મહત્ત્વનું પરિબળ છે. પ્રગતિ રિપોર્ટના આધારે જ પોલિટિશ્યનોના પરર્ફોર્મન્સનું મૂલ્યાંકન થતું હોય છે. પ્રગતિ વિના પોલિટિક્સ સંભવે જ નહીં, પક્ષની પ્રગતિ, દેશની પ્રગતિ અને દેશવાસીઓની પ્રગતિ પરસ્પર પૂરક છે, અને પ્રામાણિક્તા સાથેની પ્રગતિ પ્રજાતંત્રને વધુ મજબૂત બનાવે છે. પ્રગતિ હોવી, પ્રગતિ કરવી, પ્રગતિ દેખાડવી અને પ્રગતિ નિર્ધારવી એ પોલિટિક્સની મૂળભૂત વિશેષતાઓ છે, અને પ્રમાણભૂત પ્રગતિથી જ પરફોર્મન્સ પ્રગટે છે. પ્રગતિ અને પરફોર્મન્સના આધારે જ પબ્લિક પરસેપ્શન રચાતા હોય છે, ખરૂ કે નહીં?
પ્રસિદ્ધિને ઘણી વખત નેગેટીવ દૃષ્ટિએ જોવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં પ્રસિદ્ધિ જ પ્રજાચેતના અને જનજાગૃતિ માટે પ્રોત્સાહક હોય છે. કામ કરતા રહેવું, અને કામ કર્યા પછી તેની ફલશ્રૂતિઓની સચોટ માહિતી લોકો સુધી પહોંચાડવી, તે પ્રસિદ્ધિનો પવિત્ર હેતુ હોવો જોઈએ. પ્રવર્તમાન યુગમાં પ્રસિદ્ધિના અનેક માધ્યમો છે, પરંતુ પોકળ પ્રસિદ્ધિ અને પ્રોપાગન્ડા દ્વારા થતી પ્રસિદ્ધિને પ્રજાતંત્રમાં લોકો નકારતા હોય છે, અને પારદર્શી, પવિત્ર અને પરફેક્ટ પબ્લિસિટીનો પ્રભાવ પણ પરમેનેન્ટ રહેતો હોય છે.
પલાયન પણ સામાન્ય રીતે હીઝરત, નાસીપાત થવું કે જવાબદારીથી દૂર ભાગવા માટે વપરાતો શબ્દ છે, પરંતુ 'રણછોડ રાય કી જય' જેવા ભક્તિમય નારાઓમાં પણ પવિત્ર પલાયનનો સંદેશ છૂપાયેલો છે. હજારો-લાખો લોકોના જીવ બચાવવા, બિનજરૂરી ઘર્ષણ ટાળવા કે પછી જનસમુદાયના હિતાર્થે થોડી પીછેહઠ કરવી પડે કે બાંધછોડ કરવી પડે તો પલાયન પણ પોલિટિક્સ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ બની જાય છે. પલાયન અને પક્ષાંતર વચ્ચે પાતળી ભેદરેખા છે, અને તે મહત્ત્વપૂર્ણ લક્ષ્મણ રેખા પણ છે. મથુરાવાસીઓના હિતાર્થે ભગવાન શ્રીકૃષ્ણ રણ છોડીને ભાગ્યા અને દ્વારકા વસાવ્યું, તેવી કથા છે, તેમાં જે પલાયનનો સંદેશ છે, તેવી જ ભાવનાથી જો પક્ષાંતર થાય, તો તેને પવિત્ર પલટી કહી શકાય, અને જો પબ્લિકના હિતોના બદલે પર્સનલ ફાયદાઓ કે મહત્ત્વાકાંક્ષીઓ માટે પક્ષાંતર કરવામાં આવે તો તેને પોલિટિકલ પલાયન જ કહી શકાય, અને તે ભેદરેખા આપણા દેશની પબ્લિક પણ સારી રીતે જાણે જ છે, ખરૂ કે નહીં?
આટલી પૂર્વભૂમિકા પછી હવે પોલિટિક્સના પંચતત્ત્વોના સંદર્ભે પોતાના અને પારકાની પંચાત કરતા પરિબળોની હાંસી ઊડાવવાના બદલે જો પોઝિટિવ થિન્કીંગ સાથે મુદ્દાવાર ચર્ચા કરીએ અને પંચતત્ત્વો સાથે વણીને પારકા અને પોતાના લોકોની જુદી જુદી મનોધારણાઓનું મંથન કરીએ.
પારકા-પોતાનાની પંચાત
એવું કહેવાય છે કે પારકાને પોતાના કરી શકાય છે, પરંતુ પોતાનું પોતિકાપણું જાળવી રાખવું કઠણ છે. આ વાક્યના જુદા જુદા અર્થઘટનો થતા રહ્યા છે. પોતાના પરિવારજનો જ જ્યારે પોતિકાપણું ન દાખવે, ત્યારે પારકાને પોતાના બનાવવાની ફરજ પડે, તેવો અર્થ પણ થાય અને એવું અર્થઘટન પણ થઈ શકે છે કે પારકા એટલે કે આપણા પરિવારના ન હોય, તેવા લોકોને પોતાના કરી શકાય, પરંતુ પોતાના પરિવારના લોકો સાથે જ આપણે પોતિકાપણું કે પોતાના પરિવારજન હોવાનું ગૌરવ, સન્માન કે આમાન્યા ન જાળવી શકીએ તો તેમાં દોષ કોનો? શું આ પ્રકારની સ્થિતિ પોતાનાઓના એક્સનનું રિએક્શન હોય છે કે પછી મનોગત વિકૃતિઓ કે સ્વાર્થી અને સ્વલક્ષી સ્વભાવનું પરિણામ હોય છે, તેવો સવાલ પહેલા મરઘી આવી કે પહેલા ઈંડુ સર્જાયું, તેના જેવો છે. કોઈપણ રિએક્શન આપતું હોય, પરંતુ તે રિએક્શન જે એક્શન સાથે આવ્યું હોય, તે એક્શનના મૂળમાં તો કોઈને કોઈ મનોવૃત્તિ કે પૂર્વાગ્રહ રહ્યા જ હોવા જોઈએ ને! આ બધી માથાપચ્ચી કરવા કરતા સરળ શબ્દોમાં એવું કહી શકાય કે, 'આપ ભલા તો જગ ભલા'
'આપ ભલા તો જગ ભલા'ની માનસિક્તાનો વર્તમાન મતલબી માહોલમાં ઘણી વખત ગેરલાભ પણ ઊઠાવાતો હોય છે, અને ભલા માણસોની એ ભલમનસાઈને નબળાઈ ગણી લેવામાં આવતી હોય છે, તેથી એવું કહી શકાય કે આવું થતું જણાય ત્યારે ભલા માણસોએ પણ 'જેવા સાથે તેવા'નું સૂત્ર અપનાવીને 'શઠમ્ પ્રતિ શાઠ્યમ્'નો મંત્ર ચરિતાર્થ કરવો જોઈએ, ખરૃં કે નહીં.
હવે પોલિટીક્સના પંચતત્ત્વોનું મુદ્દાવાર વિશ્લેષણ કરીએ અને પોલિટિક્સમાં પારકા અને પોતાનાની ભાવનાનું કેટલું મહત્ત્વ છે, તે અંગે પણ જાણીએ...
પરિવર્તન
પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે, અને અવિરત પરિવર્તન જ પ્રગતિના પંથે લઈ જતા હોય છે. જો કોઈપણ વ્યક્તિ, સમાજ, દેશ કે પરિવારમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન જ ન આવે, તો તેની પ્રગતિ તો રૃંધાઈ જતી જ હોય છે, પરંતુ તેની સાથે સાથે પડતીનો ખતરો પણ ઝળુંબતો જ રહે છે. તેથી જીવનમાં યોગ્ય સમયે પરિવર્તન જરૂરી છે.
પુનરાવર્તન
જેવી રીતે કાચી ખીચડી ખાઈ શકાતી નથી, અથવા પચાવી શકાતી નથી, તેવી જ રીતે પરિવર્તન માટે પણ યોગ્યતા અને સમયોચિત નિર્ણયો લેવાની ક્ષમતા હોવી જરૂરી છે. જ્યાં સુધી આ પ્રકારની પરિપકવતા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી પરિવર્તન પણ પડતીનું કારણ બનતું હોય છે, તેથી જ્યાં સુધી આ પ્રકારની પરિપકવતા ન આવે ત્યાં સુધી પૂનરાવર્તન કરતા રહેવું જોઈએ. તે ઉપરાંત જ્યાં સુધી પ્રગતિના પંથે આગેકૂચ થતી હોય, પબ્લિક ઈન્ટ્રેસ જળવાઈ રહેતો હોય, પરિવાર-ભાવના બળવતર બનતી હોય કે બિનજરૂરી બદલાવની જરૂર ન હોય, ત્યાં સુધી પુનરાવર્તન જ શ્રેષ્ઠ ગણાય, તેવું માનવામાં પણ કાંઈ વાંધો ખરો?પારકાને પોતાના કરવા કે પોતાનાઓનું પોતીકાપણું પ્રોત્સાહિત કરવા માટે કયારે પુનરાવર્તન કરવું અને ક્યારે પરિવર્તન કરવું તે દરેક વ્યક્તિની વિવેકબુદ્ધિ અને સંજોગોને આધીન હોય છે.... તે લક્ષ્યમાં રાખવા જેવું ખરું.
પ્રગતિ
'પ્રગતિ' શબ્દના ત્રણ અક્ષર છે, પરંતુ વાસ્તવમાં તે ત્રણેય લોક જેવી વિશાળતા ધરાવે છે. દરેક વ્યક્તિ, સમૂહ, એકમ કે દેશની પ્રગતિના માપદંડ અલગ-અલગ હોય છે. દૃષ્ટાંત તરીકે બાળક ચાલતા-બોલતા શિખે, તે પ્રગતિ કહેવાય. કોઈ વ્યક્તિ જીવનમાં કોઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરે તો એ પ્રગતિ ગણાય. કોઈ વિદ્યાર્થી ઉચ્ચત્તમ ગુણ પ્રાપ્ત કરે, કોઈ વકીલ જટીલ કેસ જીતે, કોઈ કોન્ટ્રાકટર લાભદાયક ઈજારો મેળવે, કોઈ પુત્ર માતા-પિતા માટે પોતાના રોજીંદા જીવનક્રમનો ત્યાગ કરે, કોઈ મહિલા સ્વસન્માન માટે સંઘર્ષ કરીને વિજય મેળવે, કોઈ નેતા જનસેવાની પવિત્ર ફરજો બજાવીને લોકપ્રિય બને કે કોઈ કથાકાર પોતાના સ્વયં અમલમાં મૂકેલા આદર્શો લોકોમાં પ્રસારવામાં સફળ થાય, તો તેને પ્રગતિ કહેવાય.
પોતાના હોય કે પારકા, કોઈપણ વ્યક્તિ, સમૂહ, સમાજ કે દેશની પવિત્ર પ્રગતિને પ્રોત્સાહન આપીને જ પ્રગતિના નવા સોપાન સર કરી શકાય છે, અને એવી જ સમજ પ્રગટે તે પણ પ્રગતિવર્ધક પરિવર્તન જ ગણાય, અને તેનું સતત પૂનરાવર્તન થતું રહેવું પણ જરૂરી છે, ખરું ને?
પ્રસિદ્ધિ
પ્રસિદ્ધિ તો સૌને ગમે, પરંતુ પરફેકટ પ્રસિદ્ધિનો પાયો મજબૂત થાય છે, અને ફોલ્સ પબ્લિસિટીની બુનિયાદ જ નબળી હોય છે. પ્રસિદ્ધિ દ્વારા પ્રગતિના પથને પ્રજ્જવલિત પણ કરી શકાય, અને પડતીની પનોતીને પણ નોતરી શકાય. વાસ્તવિકતા લગભગ બધાને ખબર જ હશે, ખરૃં ને ?
પલાયન
કોઈપણ પ્રકારની નિષ્ફળતા, નિરાશા કે કોઈના ડરથી પલાયન કરવું એ કાયરતા ગણાય, પરંતુ સામૂહિક કે પારિવારિક હિત અથવા સત્કાર્યો માટે પલાયન કરવું પડે તો તેમાં વાંધો નહીં, કોઈના કે પોતાના પાપ ઢાંકવા પલાયન કરવું એ મહાપાપ છે, પરંતુ પબ્લિક ઈન્ટ્રેસ, દેશહિત કે માન્યતા માટે કે કોઈનો જીવ બચાવવા પલાયન કરવું પડે, તો તે આવકારદાયક ગણાય, તેમ માની શકાય ખરૃં?
પોલિટિકસના પંચતત્ત્વોની પ્રસ્તાવના
આ પોલિટિકલ ફિલોસોફીને સમજવી જેટલી અઘરી છે, એટલી જ પ્રવર્તમાન પરિસ્થિતિમાં પ્રસ્તૂત પણ છે. બીજું કાંઈ સમજાય કે ન સમજાય, તો પણ એટલું સમજવું કે આ પંચતત્ત્વોનો પોઝિટિવ પ્રયોગ માત્ર પોલિટિકલ જ નહીં, પ્રત્યેક ક્ષેત્રે સફળતાપૂર્વક કરી જ શકાય છે, એ પણ સ્પષ્ટ કહીં દઉં કે આ પંચતત્ત્વોનો કોન્સેપ્ટ પ્રવર્તમાન કોઈ પણ ઘટનાક્રમને લક્ષ્યમાં રાખીને આવ્યો નથી, પરંતુ જીવનપયંર્તના અનુભવોમાંથી ફલિત થયો છે. ગમ્યો કે નહીં ?
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial