છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભૂપેશ બધેલે એવી ચોંકાવનારી આગાહી કરી છે કે આગામી ૬ મહિનાથી એકવર્ષમાં જ દેશમાં મધ્યાવધિ ચૂંટણી થઈ શકે છે, મતલબ કે લોકસભાની ફરીથી ચૂંટણી થઈ શકે છે. મોદી સરકાર સફળ નહીં રહે અને એનડીએ વિખેરાઈ જશે, તેવો સંકેત કરતા તેમણે કહ્યું કે ઉત્તરપ્રદેશમાં યોગીની ખુરશી ખતરામાં છે, તો મહારાષ્ટ્રમાં ફડણવીસ નાયબ મુખ્યમંત્રીપદ છોડવા માંગે છે. જનતાદળ(યુ)ના પ્રવકતા અગ્નિવીર યોજના રદ કરવાની માંગણી કરી રહ્યા છે, તથા જાતિ આધારિત જન ગણના કરવાની માંગણી કરી રહ્યા છે, ઘણાં રાજ્યોમાં ભાજપનું ધોવાણ થયું છે, અને આંતર્વિરોધ વકરી રહ્યો છે તેના તરફ ઈશારો કરતા બધેલે કહ્યું છે કે, વર્તમાન એનડીએ ૩.૦ ની સરકાર પૂરૃં એક વર્ષ પણ નહીં ટકી શકે અને પોતાના ભારથી જ તૂટી પડશે, તે પછી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ માટે મધ્યાવધિ ચૂંટણીઓ થવાની બધેલની ભવિષ્યવાણીના પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને પી.એમ.પદેથી મોદીની વિદાય એક વર્ષમાં નક્કી હોવાની કોમેન્ટો પણ થવા લાગી છે.
જો કે, ભારતીય જનતા પક્ષે વળતો પ્રહાર કરતા કહ્યું કે બધેલ ઉઘાડી આંખે સપના જોઈ રહ્યા છે, તે જોયા કરે, પણ એનડીએ ૩.૦ ની સરકાર પાંચ વર્ષ પૂરા કરશે, અને રાષ્ટ્રના હિતમાં જે નિર્ણયો લેવા પડશે, તે 'વટ'થી લેશે બધેલ છત્તીસગઢમાં પોતાનું ઘર (પક્ષ) સંભાળે વિગેરે...
મીડિયા અને સોશ્યલ મીડિયામાં તો એવા અહેવાલો પણ ચાલી રહ્યા છે કે લોકસભાની ચૂંટણીમાં એનડીએ અને ઈન્ડિયામાં સામેલ નહોતા તેવા ૧૦ જેટલા સાંસદોએ એનડીએને સમર્થન જાહેર કરી દેતા એનડીએની સંખ્યા ૩૦૩ પર પહોંચી ગઈ છે. બીજી તરફ મહારાષ્ટ્રના એક નવા અપક્ષ સાંસદે કોંગ્રેસને સમર્થન આપતા કોંગ્રેસ પણ ત્રણ આંકડામાં પહોંચી ગઈ છે અને સાંસદોની સંખ્યામાં સદી ફટકારીને વધુ મજબુત બની ગઈ છે, એવું કહેવાય છે કે, એનડીએ હજુ પણ પોતાનું બળ વધારવા ઈન્ડિયાના કેટલાક નાના-નાના પક્ષોને ખેંચવાનો પ્રયાસ કરશે તેવી જ રીતે એનડીએના કેટલાક નાના પક્ષો ઈન્ડિયા તરફ ખેંચવાના પ્રયાસો પણ થશે, તેથી હાલમાં તો રાજકીય સ્થિતિ પ્રવાહી જ રહેવાની છે.
મહારાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં મેઘાવી માહોલ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે અને ચોમાસાએ દસ્તક દઈ દીધી છે, ત્યારે ગુજરાતમાં પણ ચોમાસું સમયસર આવી પહોંચશે, તેવી આગાહીઓ થઈ રહી છે. તથા રાજ્યમાં સુરત સહિતના કેટલાક સ્થળે પ્રિ-મોન્સુન વરસાદ પણ પડી રહ્યો છે.
બીજી તરફ મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ પણ બદલાઈ રહ્યો છે, લોકસભાની ચૂંટણીના પરિણામો પછી શરદ પવારની એનસીપીને વધુ બેઠકો મળતા અજીત પવાર જૂથના કેટલાક નેતાઓ 'શરદચાચા' ના શરણે જવા તૈયાર છે અને કેટલાક ધારાસભ્યો પણ પસ્તાઈ રહ્યા છે તેવા અહેવાલો પછી મહારાષ્ટ્રમાં એનડીએ માટે માઠા સમાચાર ગમે ત્યારે આવી શકે છે, તેવી સંભાવનાઓ વ્યકત થઈ રહી છે, જેને એનડીએના નેતાઓ નકારી રહ્યા છે.
જો કે, શિવસેનાના શિંદેજૂથના સાંસદો તથા ધારાસભ્યો પણ દ્વિધામાં છે અને ઉદ્ધવ ઠાકરે માફ કરી દેશે, તેવા નિવેદનો પણ આવવા લાગ્યા છે. તેથી શિંદે જૂથમાં ગયેલા કેટલાક ધારાસભ્યો ઘરવાપસી કરીને ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ગમે ત્યારે જોડાય જાય, તેવા સંકેતો મળી રહ્યા છે.
ભારતીય જનતાપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી તથા હાલના ઉપમુખ્યમંત્રી ફડણવીસે કરેલી રાજીનામાની ઓફરને આ ઘટનાક્રમોને સાંકળીને જોઈએ તો મહારાષ્ટ્રની એનડીએની સરકારનું ગમે ત્યારે પતન થાય તેમ છે. આ ઘટનાક્રમોને સાંકળીને પણ લોકસભાની મધ્યાવધિ ચૂંટણીની સંભાવનાઓ જણાવાઈ રહી છે.
મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીના બે ફાડિયા થયા પછી ચૂંટણીપંચે અજીત પવારની એનસીપીને અસલ પાર્ટી ગણાવીને શરદ પવારના જૂથને અલગ નામ અને નિશાન ફાળવ્યા, તેવી જ રીતે શિવસેનાના ફાડિયા થયા પછી પણ ચૂંટણીપંચે શિંદે જૂથની શિવસેનાને અસલ શિવસેના ગણાવીને ઉદ્ધવ જૂથને અલગ નામ અને નિશાન ફાળવ્યા હતાં. બન્ને પાર્ટીના અસલ નામ અને નિશાન અજીત પવાર અને શિંદેજૂથ પાસે જ રહેવા દીધા હતાં.
જો કે, લોકસભાની ચૂંટણીના પરિણામો પછી શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે તરફી મતદારોનો ઝોક એ પૂરવાર કરે છે કે ચૂંટણીપંચ બંધારણીય સંસ્થા છે, અને જે નિર્ણયો લીધા છે તે પણ દેશના કાયદાઓ-પરંપરાઓ-બંધારણીય જોગવાઈ મુજબ યોગ્ય હોય, તો પણ આ દેશમાં જનતાની અદાલત સર્વોપરિ છે... રાઈટ?
મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં શું થશે, તેની ચર્ચા પણ થવા લાગી છે, તેવી જ રીતે અન્ય રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ થશે, ત્યારે એનડીએ અને ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ રાજકીય પક્ષો એકજૂથ રહી શકશે કે કેમ ? તેવા સવાલો પણ આમ આદમી પાર્ટીએ લોકસભાની ચૂંટણી પછી ઈન્ડિયા ગઠબંધન સાથે છેડો ફાડ્યા પછી ઉઠવા લાગ્યા છે.
આ વખતે ચોમાસાનો સમયસર પ્રારંભ થશે, અને સારો વરસાદ થશે, તેવી આગાહીઓ થઈ રહી છે અને ગુજરાતમાં પણ ચોમાસું સારું રહેશે, તેવી આગાહીઓ થઈ છે, જ્યારે દેશની રાજનીતિમાં સર્જાઈ રહેલા ઘટનાક્રમો જોતા આગામી એકાદ વર્ષ દરમિયાન જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે, તેના પરિણામો પછી રાજકીય ક્ષેત્રે પણ પરિવર્તન આવશે કે પછી પૂનરાવર્તન પાક્કુ થઈને પાંચ વર્ષ પૂરા કરશે, તે જોવાનું રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial