ગઈકાલે અમેરિકાના ન્યૂયોર્કમાં ટોસ હાર્યા પછી બેટીંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા ૧૧૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ, પરંતુ ભારતીય બોલરોની કાતિલ બોલીંગના કારણે ટીમ ઈન્ડિયાએ ખૂબ જ રોમાંચક મેચમાં પાકિસ્તાનની ટીમને ૧૧૩ રનમાં પેવેલિયન ભેગી કરીને ૬ રને રોમાંચક વિજય મેળવ્યો હતો. આમ પાકિસ્તાનની ટીમ જીતતા જીતતા હારી ગઈ અને ટીમ ઈન્ડિયા હારતા હારતા જીતી ગઈ તેમ કહી શકાય.
ગઈકાલે જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-ર૦ વર્લ્ડકપની મેચ રમાઈ રહી હતી, તે સમયે જ એનડીએ ૩.૦ સરકારની શપથવિધિ પણ થઈ હતી. શપથવિધિનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, તે જ સમયે ભારત-પાક. ક્રિકેટ મેચનો ટોસ હારીને ટીમ ઈન્ડિયા બેટીંગમાં ઉતરી હતી, તેથી એક અદ્દભુત સંયોગ પણ રચાયો હતો !
ભારતની પોલિટિકસ પીચ પર તો એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે રમાયેલી ઈલેકશન-ર૦ર૪ ની ટુર્નામેન્ટમાં એનડીએ ગઠબંધન બહુમતી ધરાવતું હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સળંગ ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર રચાઈ, પરંતુ અગાઉની બે ટર્મ જેવો ચેમ્પિયને થવાનો આનંદ જણાયો નહોતો કારણ કે આ પહેલાની એનડીએની સરકારમાં ભારતીય જનતા પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હતી. જ્યારે આ વખતે બહુમતીથી ભાજપ ઘણું જ પાછળ રહી ગયું, જેથી નાયડુ-નીતિશના સહારે મોદી સરકારની રચના થઈ છે.
એક તરફ ક્રિકેટમેચનો રોમાંચ હતો, બીજી તરફ ભાજપને બહુમતી નહીં મળી હોવાના વસવસા સાથે મોદી સરકારની ત્રીજી ટર્મ એનડીએના નેજા હેઠળ શરૂ થઈ રહી હતી, તે જ સમયે ગમખ્વાર ખબર આવી કે જમ્મુ-કાશ્મીરમાં વૈષ્ણોદેવીના દર્શને જઈ રહેલા શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો થતા બસ ખાઈમાં પડી ગઈ અને ૧૦ યાત્રિકોના જીવ ગયા, જ્યારે બીજા ૩૩ને ઈજા થઈ હતી.
આ ગમખ્વાર ઘટના પછી કેન્દ્રીય એજન્સીઓ હૂમલાખોરોની તપાસમાં લાગી ગઈ અને સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ, અને અમિત શાહે રાબેતા મુજબ આતંકીઓને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે 'તેવું નિવેદન કર્યું, તો બીજી તરફ આતંકવાદ અંકુશમાં હોવાના દાવા કરતી મોદી સરકાર પર પ્રહારો પણ શરૂ થઈ ગયા છે.
ગુજરાતના વિધાનસભા દ્વારા રાજ્યસભાના સભ્ય બનેલા ડો. સુબ્રમણ્યમ્ જયશંકર અને જે.પી. નડ્ડા ઉપરાંત લોકસભામાં ચૂંટાયેલા અમિત શાહ અને મનસુખ માંડવિયા ફરીથી કેન્દ્રીય મંત્રી બન્યા છે. આ ચારેય રિપિટ થશે, તે તો અપેક્ષિત જ હતું, પરંતુ ભાવનગરથી સાંસદ તરીકે પ્રથમ વખત વિજયી બનેલા નીમુબેન બાંભણિયાને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું તે એક સરપ્રાઈઝ ગણાય છે. ગુજરાતમાંથી કોઈ મહિલા સાંસદને મંત્રપદુ મળશે, તેવી વાર્તા થતી હતી, ત્યારે એવો અંદાજ હતો કે જામનગરમાંથી ત્રીજી વખત (ક્ષત્રિય આંદોલનની અસરો વચ્ચે) સારી એવી સરસાઈથી વિજયી બનેલા પૂનમબેન માડમનો ચાન્સ લાગશે, પરંતુ ભાવનગરના સાંસદ નીમુબેનની પસંદગી થઈ. વિશ્લેષકોના મતે નીમુબેન સાડાચાર લાખથી વધુ મતોની સરસાઈથી જીત્યા છે, અને તેઓને બે વખત મેયર તરીકે કામ કરવાનો અનુભવ છે, તેથી તેઓની પસંદગી થઈ હશે, તેથી હવે ગુજરાતના અન્ય મહિલા સાંસદોને કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ કે પુનર્ગઠન વખતે ચાન્સ મળે કે સંગઠનમાં મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપાય, તેવું પણ બની શકે છે.
ભાજપના ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને રાષ્ટ્રીય ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડા-બન્ને મોદી મંડળમાં સમાવાયા હોવાથી બન્ને 'સમકક્ષ' બની ગયા છે. એ પણ લોકતંત્રની વિશેષતા જ છે ને ? હવે કોનું મહત્ત્વનું ખાતું છે, તેના પરથી પણ મૂલ્યાંકન થશે, ખરું કે નહીં?
ભારતીય જનતા પક્ષની સિસ્ટમ મુજબ હવે પ્રદેશ ભાજપ પ્રમુખની જગ્યા પાટીલ ખાલી કરશે, તેથી હવે પછી પ્રદેશ ભાજપ પ્રમુખ કોણ બનશે, તેવી જ રીતે જે.પી. નડ્ડાના સ્થાને રાષ્ટ્રીય કક્ષાએ ભારતીય જનતાપક્ષનું સુકાન કોણ સંભાળશે, તે અંગેની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. અને થોડા દિવસોમાં જ આ બન્ને જવાબદારીઓ કોઈને સોંપાઈ જશે, તે નક્કી છે.
ગુજરાતના વર્તમાન મંત્રીઓ પૈકી પરસોત્તમ રૂપાલાને પડતા મૂકવાનું કારણ તો બધાને સમજાઈ શકે તેવું છે, પરંતુ દેવુસિંહ ચૌહાણને લઈને અટકળો થઈ રહી છે.
ગઈકાલે હજુ તો મંત્રીમંડળની શપથવિધિ પણ થઈ નહોતી, ત્યારે જ અખિલેશ યાદવે ટ્વીટ કરીને ધડ-માથા વગરની સરકાર બહુ નહીં ટકે - તેવા મતલબની કોઈ શાયરી વહેતી કરી હતી, જ્યારે વિપક્ષો વ્યંગ કરી રહ્યા છે કે આ કાંઈ ભાજપની સરકાર નથી, પરંતુ એનડીએની સરકાર છે, જેનું રિમોટ કંટ્રોલ આંધ્રપ્રદેશ અને બિહારમાં હશે !
એનડીએને બહુમતી મળી, પરંતુ ભાજપ પાછળ રહી ગયુ તેમ છતાં સૌથી મોટો પક્ષ બન્યો હોવાથી ભાજપે પરિણામોના દિવસે દિલ્હીમાં ભાજપ કાર્યાલય પર ઉજવણી કરી હતી, તે સમયે પોતાના પ્રવચનનો પ્રારંભ 'જય જગન્નાથ'ના ઘોષ સાથે ઓડિસાને યાદ કરીને કર્યો હતો. એ જ જગન્નાથપુરીના એક સન્માનીય સંતને ટાંકીને આજે એવા અહેવાલો આવ્યા છે, જેના દેશવ્યાપી પડઘા પડ્યા છે. લોકસભાના પરિણામોના સંદર્ભે એવું કહેવામાં આવ્યું છે કે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા શાસ્ત્રીય નિયમો અને પરંપરાની અવગણના કરીને કરવામાં આવી, તેથી જ અયોધ્યામાં જ ભાજપ હારી ગયુ અને કેન્દ્રમાં પણ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી, અને યોગી-મોદીએ અહંકારની પરાકાષ્ટા પાર કરી હોવાના શબ્દપ્રયોગો સાથે સર્વોચ્ચ કક્ષાના સંતની આ વ્યંગવાણી આજે 'ટોક ઓફ ધ નેશન' બની છે જોઈએ હવે શું થાય છે તે..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial