ભાજપ અને એનડીએના જુના ચહેરાઓના ખાતા યથાવત્: કેટલાકના ખાતાઓ આશ્ચર્યજનક રીતે બદલાયા
લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ ગઈ. પરિણામો આવી ગયા. એનડીએ ૩.૦ ની સરકારે શપથ લઈ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ૭ર મંત્રીઓનું મંત્રીમંડળ રચાયું. હવે ગઈકાલે મંત્રીમંડળના સભ્યને ખાતાઓની ફાળવણી પણ થઈ ગઈ. વડાપ્રધાને પહેલા જ દિવસે પહેલી ફાઈલ કિસાન સમ્માન નિધિની ક્લિયર કરી, જેથી નવ કરોડથી વધુ કિસાનોના ખાતામં રૂ. ર૦૦૦ જમા થઈ ગયા. વર્ષ ર૦૧૪ ના પ્રથમ દિવસે અને વર્ષ ર૦૧૯ ના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે કામકાજનો પ્રારંભ કર્યો હતો, તેની અલગથી ચર્ચા થઈ રહી છે.
ગઈકાલે મોડી સરકારની ત્રીજી ઈનિંગ શરૂ થઈ અને પહેલી કેબિનેટમાં જ ત્રણ કરોડ ઘરોનું જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે નિર્માણ કરીને ઘરવિહોણાને ઘરનું ઘર આપવાની જાહેરાત કરી.
વડાપ્રધાને ચૂંટણી પ્રચાર દરમિયાન ખેડૂત, ગરીબ, યુવાવર્ગ અને મહિલાઓને દેશની મુખ્ય જાતિઓ માની હતી. તે પૈકી ખેડૂતોને સાંકળીને કિસાન સમ્માન નિધિનું પ્રથમ એક્શન કામકાજ સંભાળવાના પહેલા જ દિવસે લીધુું અને સાંજે કેબિનેટમાં ગરીબોને ઘરનું ઘર આપવાનું એલાન કર્યું. હવે પછી વડાપ્રધાન જે લાંબાગાળાના રોડમેપ પૈકી જે જાહેરાતો કરશે તેમાં મહિલા કલ્યાણ-વિકાસ અને યુવાવર્ગ વિકાસ તથા રોજગારીને લગતા વિષયો અગ્રીમ હશે, તેમ મનાય છે.
લિટમસ ટેસ્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ વખતે લીટમસ ટેસ્ટ છે, કારણ કે આ વખતે ભારતીય જનતા પક્ષને બહુમતીની જરૂરી બેઠકો મળી નથી, પરંતુ પ્રિ-પોલ એલાયન્સ હોવાથી ભાજપે તમામ પ૪૩ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા નહીં હોવાથી એનડીએ ગઠબંધનને જનાદેશ મળ્યો છે, ત્યારે સાથીદાર પક્ષોને પણ સાથે લઈને વડાપ્રધાને ચાલવું પડશે. તો બીજી તરફ વિપક્ષી ગઠબંધન પણ મજબૂત થયું છે, જો કે સાથીદાર પક્ષોએ જે મક્કમતાથી સમર્થન જાહેર કર્યું છે અને તે પછી વડાપ્રધાને પણ સાથીદાર પક્ષો સાથે પરામર્શ કરીને તેઓને મંત્રીમંડળમાં યોગ્ય સ્થાન આપીને મહત્ત્વના વિભાગો પણ ફાળવ્યા છે, અને પહેલા જ દિવસથી જે સક્રિયતા દર્શાવી છે, તે મહત્ત્વપૂર્ણ છે.
નવા પ્રયોગો કરવાનું ટાળ્યુ!
નવા મંત્રીમંડળની રચનામાં વડાપ્રધાને નવા પ્રયોગો કરવાનું ટાળ્યું, અને જુના, પીઢ, અનુભવી ચહેરાઓને તેના વિભાગો સાથે રિપિટ કર્યા, અને સાથીદાર પક્ષોને પણ મહત્ત્વના ખાતાઓ ફાળવાયા. એટલું જ નહીં, મીનીમમ ગવર્નમેન્ટ, મેક્ઝીમમ ગવર્નન્સના બદલે ૭૧ સભ્યોનું મંત્રીમંડળ રચ્યું, તે જોતા વડાપ્રધાન મોદી હવે એનડીએની સહિયારી સરકારના વડા હોય તે રીતે નિર્ણયો લઈ રહેલા જણાય છે.
વડાપ્રધાને સાથીદાર પક્ષો સાથે જરૂરી પરામર્શ કરીને જ મંત્રીઓની પસંદગી કરીને તેઓને વિભાગોની ફાળવણી કરી હશે, અને હજુ પણ તેમાં ફેરફારને અવકાશ રહેશે, તેવું મનાય છે.
વર્ષ ર૦૧૪ નું મંત્રીમંડળ કેવું હતું
વર્ષ ર૦૧૪ માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે માહોલ અલગ જ હતો અને વડાપ્રધાને પણ સમયને અનુકૂળ મંત્રીમંડળની રચના કરીને વિભાગો ફાળવ્યા હતાં. તે ચૂંટણીમાં પણ એનડીએનું પ્રિ-પોલ એલાયન્સ હતું, અને ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી, પરંતુ મંત્રીમંડળમાં એનડીએના સાથી પક્ષોને પણ સ્થાન આપ્યું હતું.
વર્ષ ર૦૧૪ ની ર૬ મી મે ના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ૪પ મંત્રીઓ સાથે શપથ લીધા હતાં, જેમાં ર૩ કેબિનેટ અને ૧૦ સ્વતંત્ર પ્રભાર રાજ્યમંત્રી તથા ૧ર રાજ્યમંત્રી હતાં.
તે પછી તબક્કાવાર મંત્રીમંડળના વિસ્તરણો થયા, પરંતુ વર્ષ ર૦૧૪ માં માત્ર ૪પ મંત્રીઓ સાથે વડાપ્રધાન મોદીએ સત્તા સંભાળી હતી.
વર્ષ ર૦૧૯ નું મંત્રીમંડળ કેવું હતું?
નરેન્દ્ર મોદી વર્ષ ર૦૧૯ માં વધુ મજબૂત બહુમતી સાથે વડાપ્રધાન બન્યા અને ભાજપને ૩૦૩ બેઠકો મળી, જ્યારે એનડીએને ૩પ૦ થી વધુ બેઠકો મળી. વર્ષ ર૦૧૯ માં પણ વડાપ્રધાને ૩૦ થી મે ના દિવસે શપથ લીધા ત્યારે તેની સાથે પ૭ અન્ય મંત્રીઓએ શપથ લીધા હતાં, જેમાં બે રાજ્યસભાના સભ્યો હતાં. વર્ષ ર૦૧૯ ના મોદી મંત્રીમંડળમાં વડાપ્રધાન સહિત રપ કેબિનેટ કક્ષાના,૯ રાજ્ય કક્ષાના સ્વતંત્ર પ્રભાર સાથેના મંત્રીઓ તથા ર૪ રાજ્યમંત્રી હતાં.
વર્ષ ર૦૧૪ અને વર્ષ ર૦૧૯ માં પ્રથમ મંત્રીમંડળ માન્ય માપદંડો કરતા નાનું રાખવામાં આવ્યું હતું, અને સંજોગો તથા જરૂર મુજબ પાંચ-પાંચ વર્ષના સમયગાળા દરમિયાન તેમાં ફેરફાર પણ કરાયા હતાં.
વર્ષ ર૦૧૪ થી દબદબો
મોદી સરકારની આ ત્રીજી ટર્મ છે. આ પહેલાની બન્ને ટર્મમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ઉપરાંત પિયુષ ગોયલ, નિર્મલા સિતારમણ, નીતિન ગડકરી, સદાનંદ ગૌડા, રાવ ઈન્દ્રજીતસિંહ, રાધામોહનસિંહ, થાવરચંદ ગેહલોત, ધર્મેન્દ્ર પ્રધાન, સર્વાનંદ સોનોવાલ, ગિરિરાજસિંહ, અર્જુન મેઘવાલ, મનસુખ માંડવિયા સહિતના કેટલાક મંત્રીઓનો વર્ષ ર૦૧૪ થી દબદબો રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા પણ વર્ષ ર૦૧૪ થી મોદી મંત્રીમંડળ સાથે સંકળાયેલા છે, પરંતુ જ્યારથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા, ત્યારથી મંત્રીમંડળની જવાબદારીમાંથી મુક્ત કરાયા હતાં. હવે ફરીથી તેઓને મંત્રીમંડળમાં સમાવાયા છે.
વર્ષ ર૦૧૪ માં પક્ષવાર સ્થિતિ
લોકસભાની વર્ષ ર૦૧૪ ની ચૂંટણીમાં ભાજપને ર૮ર, શિવસેનાને ૧૮, ટીડીપીને ૧૬, એલજેપીને ૬, અકાલી દળને ૪, આરએસએલપીને ૩, એસડબલ્યુડીને ૧, એઆઈએનઆરબીને ૧, એનપીપીને ૧, કોંગ્રેસને ૪૪, એનસીપીને ૬, આરજેડીને ૪, આઈયુએનએલને ૧, અન્યને ૩, એનપીપીને ૧, એનપીએફને ૧, એઆઈએ ડીએમકેને ૩૭, એઆઈટીએમસીને ૩૪, બીજેડીને ર૦, ટીઆરએસને ૧૧, આઈએનએલડીને ર, એઆઈયુડીએફને ર, આમ આદમી પાર્ટીને ૪, પીડીપીને ૩, જેડીએસને ર, જેડીયુને ર, સમાજવાદી પાર્ટીને પ, એલડીએફને ર, એઆઈએમઆઈએમને ૧, સીપીઆઈને ૧, આઈએનડીને ૦૩, વાયએસઆરને ૯ અને સીપીઆઈએમને ૯ બેઠકો મળી હતી. આમ એનડીએને કુલ ૩૩૬, યુપીએને ૬૦ અને અન્ય પક્ષોને ૧૪૭ બેઠકો મળી હતી.
વર્ષ ર૦૧૪ ની સાથે વર્ષ ર૦ર૪ ની ચૂંટણીની સરખામણી કરીએ તો આસમાન જમીનનો તફાવત જણાય છે. વર્ષ ર૦૧૪ માં મંત્રીમંડળમાં હતાં, તેવા ઘણાં ચહેરા હાંસિયામાં ધકેલાઈ ગયા છે, તો કેટલાક દિગ્ગજોનું નિધન થઈ ચૂક્યું છે. આંકડાકીય માહિતીમાં પણ દસ વર્ષમાં આવેલા તફાવતના આંકડા ઘણાં જ રસપ્રદ અને સાંકેતિક છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial