Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ડ્રગ્સની બદી, સ્મગલીંગ અને આતંકવાદથી દેશને ખોખલો કરવાનું કાવતરૃં? સરકાર કમજોર?

એનડીએ ૩.૦ ની વિદેશનીતિ કસોટીની એરણે... માલદીવના બેવડા વલણો... શરીફ બ્રધર્સ સાથે પીએમના નામે સંદેશા-વ્યવહાર!

એનડીએ ૩.૦ ના શાસન કાળના પ્રારંભે જ પડોશી દેશોની પ્રતિક્રિયાઓને લઈને વિવાદ શરૃ થઈ ગયો છે. માલદીવના રાષ્ટ્રપતિ ભારતમાં શપથવિધિ સમારંભમાં હતાં, ત્યારે જ માલદીવમાં ભારત સાથે ભૂતકાળમાં થયેલા કરારોથી પુનઃ સમીક્ષા કરવાના નિર્ણયો ત્યાંની સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા હતાં. આ કારણે માલદીવની ચીન તરફી નીતિ તો ઉજાગર થઈ જ હતી, પરંતુ માલદીવને લઈને ભારત સરકારના વલણ તથા વ્યૂહની ટીકાત્મક ચર્ચાઓ પણ થઈ રહી છે. ભારતે અડોશ-પડોશના દેશો પૈકી પાકિસ્તાન અને ચીનને આમંત્રણ આપ્યું નહીં હોવાથી તેના સંદર્ભે પડી રહેલા પ્રત્યાઘાતો પણ ઘણાં જ સૂચક છે.

શરીફ બ્રધર્સ સાથેનો સંદેશા વ્યવહાર

ગઈકાલથી જ શરીફ બ્રધર્સ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપેલા અભિનંદન તથા તેનો વડાપ્રધાન દ્વારા અપાયેલો જવાબ ચર્ચામાં છે. શાહબાઝ શરીફે સોશ્યલ મીડિયાના માધ્યમથી પી.એમ. મોદી ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા તેની એક લીટીની શુભેચ્છા અને તે પછી પાકિસ્તાનના પૂર્વ પી.એમ. તથા ત્યાંના શાસકપક્ષ પીએમએલ-એનના વડા નવાઝ શરીફે બે લીટીમાં શુભેચ્છા સંદેશ મોકલ્યો. આ બન્ને સંદેશાઓનો પી.એમ. મોદીએ જવાબ પણ આપ્યો, અને આ સંદેશાવ્યવહારમાં જ જે સૂચક રીતે ટકોરો થઈ તેની ચર્ચા ટોક ઓફ ધ ગ્લોબ બની છે.

એ બધું તો ઠીક, પરંતુ તે પછી પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા શરીફે એક અન્ય કાર્યક્રમમાં કહ્યું કે પી.એમ. મોદીને જે શુભેચ્છા અપાઈ, તે માત્ર રાજદ્વારી મજબૂરી હતી. આ કોઈ પ્રેમસંદેશ નથી, વગેરે...

પાકિસ્તાનના રક્ષામંત્રીના નિવેદનથી જે કડવાશ નિતરી રહી હતી તે ભારત અને પાકિસ્તાન વચ્ચે એનડીએ ૩.૦ માં પણ તંગદિલી ઘટે તેવું લાગતું નથી, જો કે ચીને ગ્લોબલ ટાઈમ્સના માધ્યમથી ચતૂરાઈપૂર્વક પહેલેથી જ પી.એમ. મોદીને શુભેચ્છા પાઠવીને પાણી પહેલા પાળ બાંધી લીધી હતી, કારણ કે પાક. અને ચીનને શપથવિધિથી દૂર રાખીને ભારતે પહેલેથી જ મૂક સંદેશ તો આપી જ દીધો હતો!

ચીનને તેની જ ભાષામાં જવાબ

ચીને અરૃણાચલ પ્રદેશના ૩૦ સ્થળોના નામ બદલાવ્યા, તેનો ભારતે વિરોધ તો નોંધાવ્યો જ હતો અને અરૃણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે, તેમ જણાવી દીધું અને તાજેતરમાં ત્યાં ચૂંટણીઓ પણ સંપન્ન થઈ ગઈ. હવે ભારતે ઈંટનો જવાબ પથ્થરથી આપીને તિબેટના ૩૦ સ્થળોના નામો બદલાવવાની જાહેરાત કરી છે, જેના સંદર્ભે ભારતની આઝાદીકાળથી આજ પર્યંતની વિદેશનીતિની સાતત્યતાની પણ અલગથી ચર્ચા થઈ રહી છે.

વડાપ્રધાન શેખ હસીનાનો

ગાંધી પરિવાર સાથે ધરોબો

બાંગલાદેશના વડાપ્રધાન શેખ હસીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શપથવિધિ માટે ભારતના પ્રવાસે આવ્યા હતાં તે દરમિયાન તેઓની સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે થયેલી મુલાકાતના અહેવાલો પણ મુખ્ય હરોળમાં હતાં. તેઓ વર્ષ ર૦૧૯ માં જ્યારે પી.એમ. મોદીની શપથવિધિ થઈ ત્યારે પણ ગાંધી પરિવારને મળ્યા હતાં. શેખ હસીનાનો ગાંધી ફેમિલી સાથે ઈન્દિરા ગાંધી અને શેખ મુજીબુર રહેમાનના સમયથી નાતો રહ્યો છે, અને તે હજુ સુધી જળવાઈ રહ્યો છે.

આમ પણ જ્યારે કોઈપણ દેશના વડાઓ સત્તાવાર પ્રવાસે અન્ય દેશોમાં જાય, ત્યારે લોકતાંત્રિક દેશોના વિપક્ષી નેતાઓની મુલાકાત પણ લેતા હોય છે, પરંતુ શેખ હસીના સાથે ગાંધી પરિવારના વિશેષ સંબંધો દાયકાઓથી જળવાઈ રહ્યા છે, જે બન્ને દેશોની લોકતાંત્રિક વ્યવસ્થાઓ માટે ગૌરવપ્રદ પણ છે, ખરૃ ને?

આતંકવાદ-ડ્રગ્સ-સ્મગલીંગનું ષડ્યંત્ર

જમ્મુ-કાશ્મીરમાં ફરીથી આતંકી હુમલાઓ થઈ રહ્યા છે, અને દરિયાઈ સરહદેથી સ્મગલીંગ તથા ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે, ત્યારે પડોશી દેશોમાંથી દોરીસંચાર કરીને એક તરફ તો આતંકી હુમલાઓ કરાવાઈ રહ્યા છે, તો બીજી તરફ ડ્રગ્સ ઘૂસાડીને ભારતની યુવાપેઢીને બરબાદ કરવાના કાવતરા ચાલી રહ્યા છે. તાજેતરમાં જ દ્વારકા મંડળના દરિયાકાંઠેથી ડ્રગ્સનો જુદી જુદી જગ્યાએથી ઝડપાયેલો જથ્થો એક રીતે ખતરાની ઘંટડી સમાન છે, અને ગુજરાત ડ્રગ્સની હેરાફેરીનું જંકશન બની રહ્યું નથી ને? તેવા સવાલો ઊઠ્યા છે. એટલું જ નહીં, અનુ આ પ્રવૃત્તિને નાર્કોટિક્સ કે પ્રોહિબિશન સુધી મર્યાદિત રાખવાના બદલે દેશવિરોધી કાવતરાના એન્ગલથી મુલવીને પણ દરિયાકાંઠાને સુરક્ષિત અને સ્મગલીંગ જેવી પ્રવૃત્તિઓથી મુક્ત બનાવવા વધુને વધુ કડક અને વ્યૂહાત્મક કદમ ઊઠાવવાની જરૃર છે, તેમ નથી લાગતું? માત્ર ડ્રગ્સ નહીં, હવે ડીઝલ પણ સ્મગલીંગથી આવી રહ્યું હોવાની વાતો પણ ત૫ાસ માગે છે.

વિદેશમંત્રીનું સૂચક નિવેદન

વિદેશમંત્રી એસ. જયંશકરે ગઈકાલે ચીન, પાકિસ્તાન અને ભારતની રક્ષણ અને સાતત્યપૂર્ણ વિદેશનીતિ અંગે જે કાંઈ કહ્યું તે નવી સરકારના વલણો તથા પડોશી દેશો સાથેના સંબંધોને લઈને મહત્ત્વપૂર્ણ છે. મોદી સરકાર નબળી પડી નથી, અને એનડીએની સરકાર સ્થિર રહેવાની છે, તેવા ગર્ભિત ઈશારાના પણ વિવિધ અર્થઘટનો થઈ રહ્યા છે.

જેલમાં બેઠા બેઠા જીત!

ભારતના લોકતંત્રની ખૂબી છે કે જ્યાં સુધી આરોપ પૂરવાર ન થઈ જાય, ત્યાં સુધી આરોપીને અપરાધી ગણવામાં આવતો નથી. આપણા દેશમાં તો જેલમાં બેઠા બેઠા સરકાર પણ ચલાવી શકાય છે અને ચૂંટણી પણ લડી શકાય છે. આનું તાજુ દૃષ્ટાંત અમૃતપાલ સિંહ છે.

એનએસએ હેઠળ જેની સામે કેસ નોંધાયો હતો, તે અમૃતપાલ સિંહ એક વર્ષ સુધી ફરાર રહ્યા અને પછી પંજાબના મોંગામાં આત્મસમર્પણ કર્યું હતું. તેના પર ખાલિસ્તાની સમર્થક હોવાનો આરોપ છે. તેથી લોકસભાની ચૂંટણીમાં જંગી સરસાઈથી જીત થયા પછી અમેરિકા સહિતના દેશોમાંથી તેને જેલમાંથી છોડાવવાની હિલચાલ શરૃ થઈ છે અને એક અમેરિકન એડવોકેટે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે વાત કરી હોવાનું બહાર આવ્યું છે. હવે જોવાનું એ રહે છે કે આ મુદ્દે મોદી સરકારનું વલણ કેવું રહે છે.

કોંગી નેતા રાહુલ ગાંધી અને વિપક્ષો હંમેશાં મોદી સરકાર પર એવો આરોપ કરતા રહે છે કે, ચીન ભારતની જમીન દબાવીને બેઠું છે, અને પીઓકે પાછું મેળવવાના મુદ્દે પણ હવે વિપક્ષો મોદી સરકારને ઘેરી રહ્યા છે. બીજી તરફ 'નકલી'ના માધ્યમથી દેશને ખોખલો કરવાના તથા ડ્રગ્સની સરવાણી વહાવીને દેશના યુવાધનને બરબાદ કરવાના કાવતરા ચાલી રહ્યા છે, જ્યારે કેન્દ્ર સરકાર મક્કમ અને મજબૂત હોય તે જરૃરી છે. આ સંજોગોમાં કોઈપણ એક પક્ષની બહુમતી નહીં ધરાવાતી ગઠબંધન સરકાર કેટલી કારગર નિવડશે, તે સવાલોના ઘેરામાં છે. જોઈએ, આગળ આગળ શું થાય છે તે...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial