Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

દીવા તળે અંધારૃ...! થોડું ટાઢું પડે પછી પાછુ જૈસે થે...?

રાજકોટના ટીઆરપી ગેમઝોનની ગમખ્વાર અને રાજનેતાઓ-પ્રશાસકો માટે ક્ષોભજનક ઘટના પછી રાજ્યભરમાં ફાયર સેફટીનું ચેકીંગ થઈ રહ્યું છે અને આડેધડ સિલીંગ કરવામાં આવી રહ્યું છે. તેવા આક્ષેપો સાથે વ્યવહારૃ અભિગમ અપનાવવાની માંગણી થઈ રહી છે, તો બીજી તરફ ફાયર એનઓસી નહી ધરાવતા એકમોનું સિલીંગ ખોલાવવા માટે આંદોલનો પણ થઈ રહ્યા છે, ત્યારે આ કાર્યવાહી કરતા તંત્રોની કચેરીઓમાં જ લોલંલોલ ચાલી રહ્યું હોવાની ચર્ચા થઈ રહી છે.

બીજી તરફ એસઆઈટી દ્વારા હજુ પણ તપાસ ચાલી રહી છે અને હાઈકોર્ટની સખ્ત ટિપ્પણી પછી પણ આ ઘટનાના સંદર્ભે કોઈ મોટા માથા સામે નોંધપાત્ર પગલા લેવાયા નથી, ત્યારે લોકોને આશંકાઓ જાગે તે સ્વાભાવિક છે.

તંત્રો, નેતાઓ અને કૌભાંડિયાઓ વચ્ચે સાંઠગાંઠ હોય, ત્યારે સામાન્ય રીતે આ પ્રકારની દુર્ઘટના પછી ઘણાંએ એવા શબ્દો સાંભળ્યા જ હશે કે, 'થોડું ટાઢું પડવા દ્યો ને... હમણાં થોડા મહિના થંભી જાવ... પછી જોઈશું...!'

ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવાની વાત હોય, દબાણો દૂર કરવાની ઝુંબેશ હોય, ખાનગી શાળાઓ દ્વારા ચલાવાતી લોલંલોલ હોય, મંજુરી કે લાયસન્સ વગર ચાલતા વાહનો હોય, પ્રદુષણ ફેલાવતા એકમોને નિયંત્રણમાં લાવવાનું અભિગમ હોય, ટ્રાફિક ડ્રાઈવ હોય કે પછી ફાયર સેફટી-વાહન સેફટીનું ચેકીંગ હોય, આ પ્રકારના શબ્દપ્રયોગો ઘણાં એ ઘણી વખત સાંભળ્યા જ હશે ખરું ને?

હકીકતે આ પ્રકારની દુર્ઘટનાઓ પછી ઢાંકપિછોડો કરવાની મનોવૃત્તિ આઝાદી પછી આપણા દેશમાં અવિરત પનપતી જ રહી છે. મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના, હરણી દુર્ઘટના, તક્ષશીલાની ઘટના, મોરબીનો ડેમ તૂટવાની ઘટના, ભોપાલ ગેસ દુર્ઘટનાથી ટીઆરપી ગેમઝોન દુર્ઘટના સુધીની સંખ્યાબંધ દુર્ઘટનાઓને કેવી રીતે છાવરી શકાય છે, તે ઓપન સિક્રેટ જ છે ને?

આ પ્રકારની દુર્ઘટનાઓ પછી તપાસના નાટકો થાય, થોડી ઘણી ધરપકડો થાય, મીડિયાવાળાઓ દરરોજ એકટીવ જર્નાલિઝમનો પરિચય કરાવે અને કયારેક બહુ ઉહાપોહ થાય તો કેસ ઝડપથી ચલાવી શકાય, તેવા પ્રયાસો થાય, પરંતુ ભૂલી જવાની જનતાની વિશેષતા (કે બીમારી)ના કારણે થોડા સમયમાં બધંુ 'જૈસે થે' થઈ જતું હોય છે. આ બધું આપણે જાણીએ જ છીએ, પરંતુ આપણે બધા પણ પરોક્ષ રીતે એટલા માટે સહયોગી બનીએ છીએ કે આપણે પણ 'આપણે શું'ની મનોવૃતિ ધરાવીએ છીએ, અથવા તો આપણા પગ તળે રેલો આવે, ત્યારે આપણી ક્રાન્તિકારી વિચારધારા પણ અચાનક આંદોલન કરવા લાગે છે, ખરું કે નહીં ?

'દીવા તળે અંધારૃં'ની જેમ જો આ કાર્યવાહી, ચેકીંગ, સિલીંગ વગેરેની ટીમો મોકલતા ઉચ્ચ અધિકારીઓની પોતાની કચેરીઓમાં તપાસ કરવામાં આવે, તો પણ ઘણાં સ્થળે ફાયરસેફટીના કોઈ ઠેકાણા જ હોતા નથી. એવું કહેવાય છે કે જામનગર મનપાની બિલ્ડીંગમાં પણ ફાયરસેફટીના સાધનો બેકાર પડ્યા છે. જો કે, હવે તેના તરફ તંત્રનું ધ્યાન જતાં થોડી હલચલ થઈ હોવાનું કહેવાય છે.

રાજ્યમાં આ મુદ્દે મોટાભાગના રાજનેતાઓ બહુ કાંઈ બોલતા નથી, અને શાસકો બચાવની મુદ્રામાં છે, ત્યારે જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ રાજ્યમાં ફાયરસેફટીને લઈને સવાલો ઉઠાવ્યા અને જામનગર મનપામાં ફાયર વિભાગની ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પૂર્ણ થવા છતાં ઓર્ડર અપાયા નથી, તે મુદ્દાઓ ઉઠાવીને શાસકોને આડે હાથ લીધા છે.

તેમણે જામનગરના બ્રાસ ઉદ્યોગની વિશાળતાને અનુરૃપ ફાયર સેફટીની નગરમાં વ્યવસ્થાઓ ચાકસોબંધ રાખવી જોઈએ, તેવું જે સૂચન કર્યું છે તે પણ તંત્રો અને શાસકોએ ગંભીરતાથી લેવું જોઈએ, ખરું ને ?

તમામ સરકારી કચેરીઓ, મનપા, નગરપાલિકાઓ, બોર્ડ-નિગમો, અદાલતી સંકુલો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ખાનગી-સરકારી હોસ્પિટલો, આરોગ્યકેન્દ્રો, સહકારી ક્ષેત્રની ઓફિસો, એનજીઓની ઓફિસ તથા બેન્કીંગ સંકુલોમાં ફાયરસેફટી, ઈમરજન્સી એકઝીટ, હવા-ઉજાસ તથા પીવાનું પાણી તથા શૌચાલયોની વ્યવસ્થાઓ પૂરતા પ્રમાણમાં છે કે કેમ ? તેની તલસ્પર્શી તપાસ કરવામાં આવે, તો ચોંકાવનારી હકીકતો પ્રગટે, તંત્રો આ ઝુંબેશ નહીં ચલાવે, તો પ્રેસ-મીડિયા સાથે મળીને આ પ્રકારની ઝુંબેશ જરૃર ઉપાડશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial