સ્ટુડન્ટ સેફટીની ચિંતા અને ફાયર સેફટીના ચેકીંગ વચ્ચે વેકેશન ખુલ્યુ અને શાળાઓ ગુંજતી થઈ પરંતુ કૂવૈતના અગ્નિકાંડે રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ભયાનક યાદ તાજી કરાવી દીધી, અને ફાયર સેફટીનો ઈશ્યૂ ઈન્ટરનેશનલ છે, અને આ એક ગ્લોબલ ગોબાચારી છે, તેની સાથે વૈશ્વિક જાગૃતિ અને અત્યંત કડક અંકુશો જરૂરી છે, તે પુરવાર થયુ છે, આ વિષય પર ઈન્ટરનેશનલ કોમ્યુનિટી દ્વારા વૈશ્વિક ધોરણે કોઈ માપદંડો નક્કી થવા જોઈએ, તેમ નથી લાગતું ?
આજથી શાળાઓ શરૂ થઈ હોવા છતાં સ્ટુડન્ટ સેફટી અને ફાયર સેફટીના ચાલી રહેલા ચેકીંગ તથા વાલીઓ-શાળા સંચાલકોને સ્ટુડન્ટ સેફટીની વધેલી ચિન્તાના કારણે એક અજીબ પ્રકારની 'દ્વિધા' પ્રવર્તી રહી છે. ફાયર એનઓસી તથા બીયુસી પરમીટ ન હોય, તેવી તમામ ઈમારતો, સંકુલો તથા મિલકતોને સીલ કરવામાં આવી રહી છે, અને રાજ્યભરમાં આ ઝુંબેશ હેઠળ ર૦૦ થી વધુ શાળાઓ સીલ કરાવી દેવાતા હજારો વિદ્યાર્થીઓ આજથી શરૂ થયેલા શિક્ષણથી વંચિત રહેશે. અને તેના કારણે અભ્યાસમાં ખામી રહેશે તેની જવાબદારી કોની ?
આ પ્રકારના સવાલો વચ્ચે સ્કૂલબસ, સ્કૂલવાન અને સ્કૂલ ઓટોરિક્ષા જેવા પબ્લિક અને પ્રાઈવેટ પરિવહન માધ્યમના સાધનોનું કડક ચેકીંગ થઈ રહ્યું છે. આ ચેકીંગ અનિવાર્ય છે અને તેમાં કોઈપણ બાંધછોડ ચલાવી જ ન લેવાય, પરંતુ આ પ્રકારનું ચેકીંગ કરતા તમામ ટ્રાફિકકર્મીઓ કે ટ્રાફિક સહાયકોને બોડી કેમેરાથી સજજ કરવા, આ પ્રકારનું ચેકીંગ ઠેર-ઠેર પબ્લિકલી લગાવાયેલા સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ જ થાય અને તમામ બોડી કેમેરા તથા સીસીટીવી કેમેરા અને સંલગ્ન સાધનો અપ-ટુ-ડેટ ચાલુ હાલતમાં રહે, તેવી વ્યવસ્થા થાય, તો જ સ્કૂલ સ્ટુડન્ટ્સ અને સ્ટાફનું પરિવહન સુરક્ષિત અને સલામત બનશે, અન્યથા ભ્રષ્ટાચારના ભોરીંગો આ તમામ વ્યવસ્થાઓને ઘોળીને પી જશે, તે પણ નક્કી છે.
એક અહેવાલ મુજબ રાજ્યમાં ૩૧ હજારથી વધુ ગવર્નમેન્ટ પ્રાયમરી સ્કૂલ્સ ઉપરાંત આઠ હજાર જેટલી ગ્રાન્ટેડ-નોન ગ્રાન્ટેડ શાળાઓ મળી કુલ ૪૦ હજારથી વધુ ગવર્નમેન્ટ કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ છે. તેની જ રીતે સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ મળીને ૧ર હજાર જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે. તે પૈકી જે શાળા-મહાશાળાઓ સીલ કરવામાં આવી છે, તેના વિદ્યાર્થીઓના શિક્ષણનો સવાલ ઊભો થયો છે, અને પાડાના વાંકે પખાલીને ડામની કહેવત મુજબ તંત્રો અને શાળા-સંચાલકોના પાપે વિદ્યાર્થીઓના અભ્યાસને માઠી અસર થાય, તેવી પરિસ્થિતિ ઊભી થાય છે, ત્યારે 'ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે' જેવા ઘસાયેલા-પિટાયેલા વાયદાઓ કરતી સરકાર આ તમામ મુદ્દે કોઈ કાયમી કડક અને અસરકારક પોલિસી બનાવીને 'નફ્ફટ સિસ્ટમ' સુધારશે ખરી?
વિદ્યાર્થીઓનું પરિવહન કરતા વાહનોમાં ફાયર સેફટી ઉપરાંત સ્ટુડન્ટ સેફટીનો પ્રશ્ન પણ એટલો જ મહત્ત્વનો છે. ખીચોખીચ બાળકોથી ભરેલી ઓટોરિક્ષા કે વેન અને તેની ફરતે ટીંગાયેલા દફતરો, સ્કૂલવેન કે સ્કૂલબસમાં પણ ફાયર સેફટીના સાધનોનો અભાવ કે પછી તેને ચલાવવાની આવડત ધરાવતા કર્મચારીઓની ઉણપ, આ પ્રકારની તાલીમનો અભાવ, આ પ્રકારના સાધનોની રેગ્યુલર ચકાસણીનો અભાવ તથા એકસ્પાયરી ડેઈટ ધરાવતા અગ્નિશામક સાધનો અંગેની પોલંપોલ દરરોજ ન્યૂઝ ચેનલો અને અખબારો ઉપરાંત સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ ખુલ્લી પડી રહી છે, ત્યારે આ તમામ પ્રકારની સલામતીઓ સુનિશ્ચિત કરવાની સાથે સાથે વિદ્યાર્થીઓનો અભ્યાસ આ કારણે બગડે નહીં, તેની કાળજી પણ લેવી જ પડે તેમ છે, અને આ માટે તંત્રો જ નહીં, વાલીઓ અને વિદ્યાર્થીઓએ પણ જાગૃત રહેવું જ પડે છેે.
કૂવૈતની બહુમાળી ઈમારતમાં લાગેલી ભયાનક આગના દૃશ્યો કાળજુ કંપાવે તેવા હતા, ત્યાં રોજી રોટી માટે ગયેલા મોટાભાગના ગરીબ શ્રમિક ભારતીયોનો ભોગ લેવાયો, અને આ ઘટનાએ પુરવાર કરી દીધું કે કાગડા બધે જ કાળા છે, અને સ્થળાંતરિત કાળા કાગડા જયાં હોય ત્યાં કાળા કરતૂતો પણ સોળે કળાએ ખીલી ઉઠતા હોય છે. કાળિયા સાથે ધોળિયો બાંધો, વાન ન આવે, પણ શાન તો આવી જ જાય, તે કહેવત તો સૌએ સાંભળી જ હશેને?
વિદેશમાં કમાવા જવું કે બિઝનેસ, કામ-ધંધો વિસ્તારવો એમાં કોઈ ખોટું નથી, પરંતુ તેના મોહમાં આડેધડ ગમે ત્યાં ગેરકાનૂની કે કાનૂની રીતે દોટ મૂકવી અને પછી શોષણ, અસલામતી અને છેતરપિંડીનો ભોગ બનવું, એ એક પ્રકારની મૂર્ખામી છે, તેમ નથી લાગતુ ?
વિશ્વના જુદા જુદા દેશોમાં જુદા જુદા કારણે થતી આગ-દુર્ઘટનાઓ અને તેમાં માનવી દ્વારા કૃત્રિમ કારણોસર થતી જાનહાનિના દોષિતો કોણ, તે ઓપન સિક્રેટ છે, અને આ એક ગ્લોબલ ગોબાચારી પણ છે, જેનો ઉકેલ સમગ્ર વિશ્વ સમુદાયે સવેળા શોધવો જ પડશે.. કારણ કે જ્યારે જિંદગી અને પ્રકૃતિની સુરક્ષા અને સલામતીના ભોગે વિકાસ થાય છે, ત્યારે તે ભયંકરરીતે વિનાશક પણ બની શકે છે, અને તેના દૃષ્ટાંતો ગુજરાતથી ગ્લોબલ સુધી આપણી સામે જ છેને?
ભણવું જ છે, આગળ વધવું જ છે, ચલો સ્કૂલ ચલે હમ... બસ એટલું જ વિચારીએ કે સાર્વત્રિક સુરક્ષા અને સલામતિ જળવાઈ રહે.. .અને કયાંય પણ ઉણપ જણાય તો તે ચલાવી લેવાના બદલે અવાજ ઉઠાવીએ.. આપણી ચિન્તા આપણે નહીં કરીએ, તો કોણ કરશે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial