ભારતમાં ચૂંટણીનો જંગ પૂરો થયો. નરેન્દ્ર મોદીએ ફરી એક વખત ચૂંટણી જીતી અને ત્રીજી વખત ભારતમાં વડાપ્રધાન પદે શપથ લીધા.
નરેન્દ્ર મોદી સામે ફરી એક વખત મળેલી હારને પચાવી ન શકેલા વિરોધ પક્ષોએ નવી માંગણી મૂકી કે, *આ ચૂંટણીમાં ભાજપનો નૈતિક પરાજય થયો છે માટે નરેન્દ્ર મોદીએ રાજીનામું આપવું જોઈએ..!!* આવી માંગણી કોણ કરી રહ્યું છે ? તો કહે કે *એવા પક્ષો કે જેને ભાજપા કરતા દસ ગણી ઓછી બેઠકો મળી છે... *
અને ભારતની જનતા પણ નસીબદાર છે કે આજના આ હળાહળ કળિયુગમાં પણ આવું ઉચ્ચકક્ષાનું નૈતિક જ્ઞાન આપનારા વિરોધ પક્ષો ભારતમાં મોજુદ છે
ભારતમાં ચૂંટણીઓ પૂરી થઈ. તેની સાથે ચૂંટણી દરમિયાન થતો કોલાહલ પણ શાંત થયો. હવે લોકશાહીની પ્રણાલિકા અનુસાર જીતેલા પક્ષનો નેતા દેશ પર શાસન કરશે. અને ભારતમાં છેલ્લા કેટલાક દાયકાઓથી પ્રસ્થાપિત થયેલી પ્રણાલિકા અનુસાર વિરોધ પક્ષના યુવાન નેતા ફોરેનમાં અજ્ઞાતવાસમાં ચાલ્યા જશે, કોઈ નવી જ ઉર્જા મેળવવા.
આજના જમાનામાં ચૂંટણી જંગ એટલે એક પ્રકારનું દંગલ. આજકાલ આ દંગલ સૌથી વધુ તો સોશિયલ મીડિયા પર જ રમવામાં આવે છે. જેવી કોઈ ચૂંટણીની જાહેરાત કરવામાં આવે છે કે તરત જ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા લોકો બે ભાગમાં વહેંચાઈ જાય છે. બધાનું કામ એક જ હોય છે, સોશિયલ મીડિયા પર આવેલી કોઈપણ પોસ્ટનો વિરોધ કરવાનો. તમે મોદીની તરફેણમાં કશું લખો કે કેજરીવાલની તરફેણમાં, તમારા એકનો વિરોધ કરવા ત્યાં ૫૦ એક્ટિવિસ્ટો હાજર હોય જ છે...
વળી જોવાની ખુબી એ છે કે મોદી કે કેજરીવાલ કે અન્ય કોઈની તરફેણમાં કે વિરુદ્ધમાં આટલા ઝનુનથી લખનારાઓને કોઈ રાજકીય પક્ષ તો ઓળખતા હોતા જ નથી. આ તો એવું છે કે *જાનમાં કોઈ જાણે નહીં અને હું વરની ફોઈ..!*
આ વખતની ચૂંટણીમાં પહેલી વખત એવું બન્યું કે ચૂંટણીમાં જીતનાર કે હારનાર કોઈને કશી ફરિયાદ નથી. ભાજપ સતત ત્રીજી વખત સત્તામાં આવવાથી ખુશ છે, તો વિરોધ પક્ષોને પણ તેમની અપેક્ષા કરતાં વધુ સીટ મળવાથી ખુશ છે.
ચોથી તારીખે જેવા ચૂંટણીના પરિણામ બહાર પડ્યા તો બધા જ પક્ષોની બોલતી બંધ. ભાજપ ૪૦૦ બેઠક જીતવાની ગણતરીએ ઉજવણીની તૈયારી કરતો હતો, તેને ૩૦૦ કરતાં ઓછી બેઠક મળી એટલે બોલતી બંધ. જ્યારે વિરોધ પક્ષોએ, તેઓને ખૂબ જ ઓછી બેઠક મળશે એવી ગણતરીએ ઇવીએમ અને ચૂંટણીપંચની માથે હારનું ઠીકરું પડવાની બધી જ તૈયારીઓ કરી રાખી હતી, તેના બદલે ધાર્યા કરતા વધુ બેઠક મળી, એટલે તેઓની પણ બોલતી બંધ. જ્યારે બધાને કળ વળી ત્યારે ૨૫ -- ૩૦ બેઠક જીતનાર પ્રાદેશિક પક્ષો પણ ૨૪૦ બેઠક જીતનાર મોદીનું રાજીનામું માંગવા લાગ્યા...!
ચૂંટણીમાં એક્ઝિટ પોલ જાહેર કરનારા બધા જ ખોટા પડ્યા, છતાં પણ કોઈને ફરિયાદ નથી, કારણ કે બધા જ ખોટા પડ્યા છે, માટે જ બધા રાજી છે..!
આ ચૂંટણીમાં ખરેખર જો કોઈ જીત્યું હોય તો તે ઇવીએમ મશીન જ છે. ચૂંટણી દરમિયાન ઇવીએમ મશીન સામે કાગારોળ મચાવી મૂકનારા, અને ઇવીએમ હટાવવા માટે સુપ્રિમ કોર્ટ સુધી લડનારા વિરોધ પક્ષો પણ શાંત છે, જાણે તેમણે ઇવીએમ વિરુદ્ધ કદી ફરિયાદ કરી જ નથી..!!
વિદાય વેળાએ : પાકિસ્તાન સામેની મેચ ભારત ચોક્કસ જીતી ગયું છે. પરંતુ ભારતની મજબૂત ટીમે આ મેચમાં ૧૫૦ થી પણ ઓછા રન બનાવ્યા. એટલે આ ભારતીય ટીમની નૈતિક હાર છે
માટે ભારતીય ટીમે વર્લ્ડ કપ મૂકીને ભારત પાછું આવી જવું જોઈએ. !
(અહીં કોઈએ બંધબેસતી પાઘડી પહેરી લેવી નહીં.)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial