Sensex

વિગતવાર સમાચાર

એવી કઈ સુવિધા છે, જેના ઉદ્ઘાટનોનો આનંદ જ ન થાય...?... વિચારો... વિચારો...

ગૃહપ્રવેશ, ભૂમિપૂજન, લોકાર્પણ અને ઉદ્ઘાટનો ઘણાં થાય છે, પણ...

આપણે જ્યારે કોઈપણ નવા સંકુલ કે સુવિધાનું ઉદ્ઘાટન કરીએ ત્યારે આનંદ થાય. નવા બંગલામાં કુંભ મૂકીએ કે પછી દુકાનનું મુહૂર્ત જોઈને ઉદ્ઘાટન કરીએ, ફેક્ટરી કે સ્કૂલ-હોસ્પિટલ જેવી ખાનગી વ્યવસાયિક અથવા પબ્લિક સર્વિસની સુવિધાઓનું ભૂમિપૂજન કે વાસ્તુ કરાવીએ, તે સમય ખુશીનો હોય છે. નેતાઓ, ઉચ્ચ અધિકારીઓ, સંતો કે કોઈપણ ક્ષેત્રના લબ્ધપ્રતિષ્ઠિત વ્યક્તિ અથવા કુમારિકા કે ઘર-પરિવાર-સમાજના વડીલ મહાનુભાવના હસ્તે જ્યારે લોકસુવિધાઓ કે વિકાસના કામોનું ભૂમિપૂજન, ખાતમુહૂર્ત અથવા ઉદ્ઘાટન-લોકાર્પણ થતું હોય ત્યારે સ્વાભાવિક રીતે જ ખુશી છવાઈ જાય, તેવી જ રીતે કોઈપણ પ્રાઈવેટ બિઝનેસ, ઉદ્યોગ કે વ્યવસાયનો પ્રારંભ મંગલમય મુહૂર્તમાં વિધિવત કે રિબિન કાપીને થાય, તે સમયે પણ ચારેબાજુ હર્ષોલ્લાસ અને ઉત્સવ જેવો જ માહોલ હોય.

આમ છતાં કેટલાક ભૂમિપૂજનો, ઉદ્ઘાટનો કે લોકાર્પણો એવા પણ હોય છે, જેમાં કર્તવ્ય, ફરજ અને જવાબદારી નિભાવવાનો આત્મસંતોષ થાય છે, પણ મનોમન આનંદ થતો હોતો નથી. આ પ્રકારના પ્રસંગે દ્વિધા અથવા ગ્લાનિ પણ ઉત્પન્ન થતી હોય છે. કોઈપણ નવા સંકુલ કે સેવા-સુવિધાના પ્રારંભે આપણે તેનો ઉત્તરોત્તર વિકાસ થાય અને વધુમાં વધુ લોકો તેનો લાભ મેળવે, તેવી શુભેચ્છા પાઠવતા હોઈએ છીએ, પરંતુ કેટલીક સેવા સુવિધાઓ કે સંકુલો એવી પણ હોય છે કે આપણે તેનાથી વિપરીત મનોભાવના વ્યક્ત કરતા હોઈએ છીએ અને એવું ઈચ્છીએ છીએ. આ પ્રકારની સેવા કે સુવિધાની જરૂર ઓછામાં ઓછા લોકોને પડે... કાં તો આ પ્રકારની સેવા-સુવિધાની જરૂર જ ન પડે...

દવાખાના-હોસ્પિટલ

જ્યારે કોઈ નવા સાર્વજનિક દવાખાના કે હોસ્પિટલનું ઉદ્ઘાટન થાય ત્યારે આપણે એવું ક્યારેય ન ઈચ્છીએ કે આ દવાખાનું-હોસ્પિટલ કાયમી ધોરણે દર્દીઓથી ઉભરાય... આ પ્રકારના ઉદ્ઘાટનો-લોકાર્પણો પછી ઘણી વખત નેતાઓ-ઉદ્ઘાટકો એવો ઉલ્લેખ પણ કરતા હોય છે કે, 'આ આવશ્યક સેવા છે, અને તમામ દર્દીઓને સંતોષકારક સેવાઓ પૂરી પાડે, તેવી શુભેચ્છા, પરંતુ આ સુવિધા-સેવાની જરૂર જ લોકોને પડે નહીં. સ્વાસ્થ્ય બધાનું સારૂ રહે અને ખૂબ જ ઓછા લોકોને અહીં આવવું પડે તેવું ઈચ્છીએ.'

આ પ્રકારની સેવા-સુવિધાઓ અનિવાર્ય છે, પરંતુ તેવી સુવિધાઓની જરૂર જ ઓછામાં ઓછા લોકોને પડે, તેવી લોક-સુખાકારી અને સારા સ્વાસ્થ્યની જ કામના કરવી જોઈએ ને?

વૃદ્ધાશ્રમો

આ જ રીતે વધતા જતા વૃદ્ધાશ્રમો, સેલ્ટર હોમ્સમાં થઈ રહેલો વધારો સિક્કાની બે બાજુ દર્શાવે છે. એક તરફ તો નવી પેઢી સાથે ફાવટ ન આવી હોય, તેવા વડીલો માટે વુદ્ધાશ્રમો વરદાનરૂપ સાબિત થાય છે અને તેઓ કોઈના ત્રાસથી કંટાળીને નહીં, પરંતુ સ્વૈચ્છિક રીતે જ વૃદ્ધાશ્રમોમાં જવાનું પસંદ કરતા હોય છે, તેવી સર્વસામાન્ય દલીલ થતી હોય છે. બીજા ઘણાં એવા વડીલો હોય છે, જેને પરિવારજનો દુઃખી અને હડધૂત કરતા હોવાથી વૃદ્ધાશ્રમોનો આશરો લેતા હોય છે. ત્રીજા પ્રકારના એવા વડીલો હોય છે, જેઓ એકલા-અટુલા હોય છે, અને પરિવારજનોના અભાવે અન્ય સગા-સંબંધીઓ પર બોજ નહીં બનવાની ભાવનાથી વૃદ્ધાશ્રમોનો સહારો લેતા હોય છે. વૃદ્ધાશ્રમોમાં માત્ર ગરીબ કે મધ્યમવર્ગિય વડીલો જ આશરો લેતા હોય છે, તેવું નથી, બલ્કે ઘણાં ધનપતિ સંતાનોના માતા-પિતા કે વડીલો પણ વૃદ્ધાશ્રમોમાં અંતિમ જીવન પસાર કરવાનું પસંદ કરતા હોય છે.

વૃદ્ધાશ્રમોની સંખ્યા

દેશના અઢીસોથી વધુ જિલ્લાઓમાં વૃદ્ધાશ્રમો છે, અને તેની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. આપણા દેશમાં પ્રાચીનકાળથી વડીલો માટે વિવિધ સ્વરૂપે આશ્રયસ્થાનોની વ્યવસ્થાઓ થતી જ હોય છે, પરંતુ પ્રવર્તમાન સ્વરૂપના વૃદ્ધાશ્રમો શરૂ કરવાની પહેલ વર્ષ ૧૯૩૬ માં સહજાનંદ સરસ્વતીજીએ કરી હતી, તેમ મનાય છે.

ભારતમાં સૌથી વધુ વૃદ્ધાશ્રમો કેરળમાં છે અને તે પૈકી ગ્રેસ્કલેન્ડ ફાઉન્ડેશન-કોરિયનો વૃદ્ધાશ્રમ વધુ પ્રચલિત થયો છે. એક અંદાજ મુજબ કેરળમાં ૧૮૦ થી પણ વધુ વૃદ્ધાશ્રમો છે. ગુજરાતમાં ૭પ થી વધુ, તામિલનાડુમાં દોઢસો, મહારાષ્ટ્રમાં સવાસોથી વધુ, આંધ્રપ્રદેશમાં ૧૦૦ થી વધુ અને કર્ણાટકમાં ૯૦ થી વધુ વૃદ્ધાશ્રમો છે.

વૃદ્ધાશ્રમો અને રિટાયરમેન્ટ હોમ વચ્ચે બારિક તફાવત છે. વૃદ્ધાશ્રમોની સિસ્ટમ કરતા રિટાયરમેન્ટ હોમની સિસ્ટમ થોડી અલગ અને લીબરલ હોવાના તારણો નીકળ્યા છે. ટૂંકમાં વૃદ્ધાશ્રમો તથા રિટાયરમેન્ટ હોમ્સમાં પોતાના પરિવારથી અલગ અથવા પરિવારના અભાવે રહેતા વડીલોની તમામ સારસંભાળ રાખવાની સેવા જ આ પ્રકારની પ્રવૃત્તિઓનો મૂક્ત ઉદ્દેશ્ય હોય છે.

વિશ્વ બુઝુર્ગ દુવ્યવહાર જાગૃતિ દિવસ

આખી દુનિયા વૃદ્ધોની ચિંતા કરે છે, અને વડીલોને જિંદગીના છેલ્લા વર્ષોમાં પડતી મુશ્કેલીઓ તથા સામાજિક, પારિવારિક, આર્થિક અને સ્વાસ્થ્ય સંબંધિત જરૂરિયાતો-કાળજીના સંદર્ભે વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરે છે. બહું ઓછા લોકોને ખબર હશે કે આજથી લગભગ તેર વર્ષ પહેલા સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ વિશ્વભરમાં વૃદ્ધોને સહાયભૂત થવા એક નિર્ણય લીધો, અને તે પછી વિશ્વ બુઝુર્ગ દુર્વ્યવહાર જાગૃતિ દિવસની શરૂઆત થઈ.

જો કે, સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા દર વર્ષે પહેલી ઓક્ટોબરે વૃદ્ધોના માનવાધિકારોને લઈને આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ વર્ષ ૧૯૯૦ થી જ મનાવાઈ રહ્યો હતો, અને તેમાં વિશ્વના વૃદ્ધોની સંખ્યાના આધારે વૃદ્ધકલ્યાણ, સુરક્ષા અને સહાયના કાર્યક્રમોની શરૂઆત પહેલેથી જ થઈ ગઈ હતી, પરંતુ વૃદ્ધો સાથે થતા અન્યાય, અત્યાચાર અને દુર્વ્યવહાર સામે જનજાગૃતિ ફેલાવવા માટે વિશ્વ બુઝુર્ગ દુર્વ્યવહાર દિવસ અલગથી મનાવવામાં આવે છે.

વર્ષ ર૦ર૪ નું થીમ

વિશ્વ બુઝુર્ગ દુર્વ્યવહાર જાગૃતિ દિવસનું વર્ષ ર૦ર૪ નું થીમ છે, 'સ્પોટલાઈટ ઓન ઓલ્ડર પર્સન્સ ઈન ઈમરજન્સીઝ'...

આ થીમ બે રીતે મનાવી શકાય છે. એક તો વ્યક્તિગત રીતે કોઈ બુઝુર્ગને ઈમરજન્સી જેવી સ્થિતિ ઊભી થાય, ત્યારે તેને ત્વરિત મદદરૂપ થવાના ઉપાયોને અગ્રતા આપવી, અને તેમાંથી તેઓને ઉગારવા તેવો અર્થ થાય, અને આ થીમનો બીજો અર્થ એવો પણ થાય કે કુદરતી આફતો, અકસ્માત કે કૃત્રિમ દુર્ઘટનાઓ વગેરે સ્થિતિમાં બુઝુર્ગોને તત્કાળ મદદરૂપ થવું. વ્યક્તિગત ઈમરજન્સી મોટાભાગે સ્વાસ્થ્ય સંબંધીત જ ઊભી થતી હોય છે, પરંતુ કોઈપણ બુઝુર્ગને પારિવારિક, સામાજિક કે આર્થિક વિટંબણા હોય, ત્યારે પણ તેમને માનસિક સધિયારો આપીને અને કાઉન્સિલીંગ કરવાની સાથે સાથે તેની સમસ્યાઓ નિવારવાના તમામ ઉપાયો સાથે શક્ય તેટલી આર્થિક સહાય પૂરી પાડવા જેવો ઉદ્દેશ્ય પણ આ થીમ હેઠળ સાંકળી લેવામાં આવ્યો હશે.

બુઝુર્ગોને બીમારી, શારીરિક અશક્તિ, બોલવા-સાંભળવા-ચાલવા-ખાવા કે પચાવવામાં તકલીફ, સામાજિક કે પારિવારિક રીતે અવગણના, તીરસ્કાર કે એકલા પડી જવા જેવી સમસ્યાઓ રહેતી હોય છે. ઘણી વખત પરિવાર હડધૂત કરીને તેઓને નિર્દયતાથી ઘરમાંથી કાઢી પણ શકે છે. તેવા સંજોગોમાં આશ્રમ, સધિયારો, મદદ અને પરિવારનું કાઉન્સિલીંગ કરીને સન્માનભર્યું જીવન એ વડીલને મળે, તે પ્રકારની જનજાગૃતિનો ઉદ્દેશ્ય પણ આ પ્રકારની ઉજવણીઓનો રહેતો હોય છે.

આ વર્ષે ડબલ્યુ.ઈ.એ.એ.ડી. દ્વારા વિશ્વના દેશો, સરકારો, સંગઠનો, વૈશ્વિક ડોનર્સ, સમાજો અને સંસ્થાઓને વૃદ્ધના કલ્યાણ અને સુરક્ષા માટે આહ્વાન પણ કરાયું છે. સરકારો તથા સત્તાધીશોને વૃદ્ધોની અવગણના ન થાય અને તેઓની સાથે દુર્વ્યવહાર ન થાય, તે માટે પ્રવર્તમાન કાયદાઓનો કડક અમલ અને ઢીલા કાયદાઓ હોય ત્યાં વધુ કડક કાયદાઓ ઘડવાની જરૂર પણ જણાવાઈ રહી છે.

આ વૈશ્વિક સંસ્થાએ વર્ષ ર૦ર૪ ના થીમને અનુરૂપ કડકમાં કડક કાનૂની પ્રબંધો ઉપરાંત ઈમરજન્સી સેવાઓ આપતા એકમો, તબીબી વર્ગ, સેવાવર્ગ, દેખભાળ કરતા લોકો અને પરિવારો માટે સમયાંતરે શિક્ષણ-પ્રશિક્ષણ અને પબ્લિક અવેરનેશ માટે વિવિધ માધ્યમોનો પ્રયોગ કરીને બુઝુર્ગ જીવનના અંતિમ પડાવમાં સુખ-શાંતિ અને સારા સ્વાસ્થ્ય સાથે ઉલ્લાસમય વાતાવરણમાં જિંદગી માણી શકે, તેવા પ્રયાસો કરવાનું આહ્વાન પણ કર્યું છે. આ દિવસે દુનિયાના દેશોએ અમિતાભ બચ્ચનની 'બાગબા' ફિલ્મનું વિશ્વવ્યાપી નિદર્શન કરવું જોઈએ તેનું એક સૂચન પણ થયું છે.

આગામી સમયમાં વર્ષ ર૦૩૦ સુધીમાં વિશ્વમાં વૃદ્ધોની સંખ્યા ૩૮ ટકા વધીને યુવાવર્ગથી પણ આગળ નીકળી જશે, ત્યારે ઊભી થનારી સ્થિતિનું આંકલન કરીને અત્યારથી જ તેના ઉપાયો વિચારવાની જરૂર પણ જણાવાઈ રહી છે. બીજી તરફ બુઝુર્ગો સાથેનો દુર્વ્યવહાર કોને ગણવો, તેની ચોક્કસ કોઈ સમાન વ્ંયાખ્યા પણ દુનિયાના દેશોમાં નથી. આથી આ તમામ મુદ્દે નવી ભારત સરકાર પણ લક્ષ્ય આપશે અને આપણા દેશના બુઝુર્ગોને આપની સંસ્કૃતિને અનુરૂપ સંતાનો અને પરિવાર કોઈ દુઃખ પડવા નહીં દ્યે, તેવી આશા રાખીએ...

વિનોદ કોટેચા

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial