વરસાદની આગાહીઓ થવા લાગી છે અને હાલાર સહિત રાજ્યમાં ઘણાં સ્થળે વરસાદ વરસી પણ રહ્યો છે. મેઘમહેર થતા કેટલાક વિસ્તારોમાં ઠંડક થઈ ગઈ તો કેટલાક સ્થળે જનજીવનને થોડી ઘણી અસર થઈ, પરંતુ મીઠા મધ ને મીઠા મેહુલા રે લોલ' મુજબ ચોમાસાના પડઘમે સૌને પ્રફુલ્લિત તો કરી જ દીધા હશેને!
હજુ પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી થઈ છે અને આજથી હળવો-મધ્યમ વરસાદ આવતીકાલે આગળ વધશે અને ર૦-ર૧ તારીખ સુધીમાં સાર્વત્રિક ચોમાસુ જામશે, તેવા અનુમાન સાથે એવું ફોરકાસ્ટ થયું છે કે કેરળ અને સૌરાષ્ટ્ર નજીકના દરિયામાં બે સાયકલોનિક સરક્યૂલેશન સિસ્ટમ્સ સર્જાઈ હોવાથી આગામી ૬ દિવસમાં કાંઠાળ રાજ્યોમાં દે ધનાધન વરસાદ પડશે.
એક તરફ ચોમાસાના પડઘમ ગુંજી રહ્યા છે, તો બીજી તરફ ગુજરાતમાં રાજનીતિ પણ કરવટ બદલી રહી છે, ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ હવે કેન્દ્રીય મંત્રી બની ગયા છે, તેઓને જળશક્તિ મંત્રાલય, સોંપાયુ છે.
દિલ્હીથી તેઓ ગુજરાતમાં પરત આવ્યા પછી એક તરફ તેઓ હજુ પણ પ્રદેશ ભાજપ પ્રમુખની ભૂમિકા પણ ભજવી રહ્યા છે, તો બીજી તરફ મેઘરાજાનું પણ ગુજરાતમાં આગમન થતાં જળમંત્રી અને મેઘરાજાનો આગમનનો અજબ-ગજબ સંયોગ પણ રહ્યો છે, તેવી વ્યંગવાણી સાથે રાજ્યમાં હાલની પીવાના પાણીની સ્થિતિ અંગે પણ ચર્ચા થઈ રહી છે.
કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ રાજ્યમાં વર્તમાન જળસ્થિતિ, જરૂરિયાતો તથા વોટર મેનેજમેન્ટનો કોઈ નેશનલ રોડમેપ રાષ્ટ્રીય સંદર્ભમાં બનાવ્યો હશે કે કેમ, તે હવે ખબર પડે, પરંતુ પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે તેઓએ પોતાની સક્રિયતા જરૂર દેખાડી દીધી છે, જેથી એમ પણ કહી શકાય કે પાટીલ સાહેબ અત્યારે ડબલ રોલમાં છે!
દેશમાં એકંદરે વરસાદ ઓછો થયો છે અને કેટલાક રાજ્યોમાં ઘણો વધુ વરસાદ તો ઘણાં રાજ્યોમાં વરસાદની ઘટ હોવાથી ઊભી થનારી સ્થિતિ અંગે કેન્દ્રીય જળમંત્રાલયે કોઈ સમીક્ષા કરી છે કે પ્રિ-પ્લાન બનાવ્યો છે કે નહીં, તેની તો ખબર નહીં, પણ રાજ્યમાં ભારતીય જનતા પક્ષના નેતાઓ તથા પ્રવકતાઓએ કેવી રીતે વર્તવું, શું બોલવું અને શું ન બોલવું, તેની જો ચોક્કસ સૂચનાઓ અપાઈ હોય તો એવું કહી શકાય કે બેવડી ભૂમિકામાં રહેતા ફિલ્મ અદાકારોનો ઝુકાવ પણ 'અસલ પાત્ર' સાથે જ રહેતો હોય છે, તેવું જ પોલિટિકસમાં પણ હોવું જોઈએ.
જો કે, રાષ્ટ્રીય કક્ષાએ પણ પ્રજાની પરેશાનીઓ, સાંપ્રતા, સમસ્યાઓ અને લોકોની અપેક્ષાઓ કરતા વધુ ઝુકાવ રાજનીતિ તરફ જ જોવા મળી રહ્યો હોય તેમ કેટલાક રાજ્યોની આગામી વિધાનસભાઓની ચૂંટણીઓની તૈયારી થવા લાગી છે. ભારતીય જનતાપક્ષે તો કેટલાક રાજ્યોમાં પ્રભારીઓ સહ-પ્રભારીઓની પણ નિમણૂક કરી દીધી છે, હવે સવાલ એ ઉઠે છે કે પ્રભારી-સહપ્રભારી તરીકે નિમાયેલા મંત્રીઓ પોત-પોતાની મંત્રી તરીકેની ફરજો ને પ્રાયોરીટી આપશે કે પછી પાર્ટીને વિધાનસભામાં જીતાડવાની ગોઠવણો કરવાનું કામ અગ્રતાક્રમે કરશે? જવાબ બધા જાણે જ છે... ખરું ને? ઓપન સિક્રેટ...!
અહેવાલો મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને મળેલી બેઠકમાં કેન્દ્રના જળશક્તિ મંત્રી સીઆર પાટીલે પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે પણ ભૂમિકા અદા કરી હતી. એવું કહેવાય છે કે આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ તથા ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરે ભાજપના જીતેલા સાંસદો તથા હારેલા એક ઉમેદવાર સાથે લોકસભાની ચૂંટણી સંદર્ભે કલાકો સુધી માથાપચ્ચી કરી હતી. આ પ્રકારની સમીક્ષા થાય તે સ્વાભાવિક છે, પરંતુ એ દરમિયાન જે કાંઈ સૂચનાઓ અપાઈ હોવાની ચર્ચા છે તે ટોક ઓફ ધ સ્ટેટ બની ગઈ છે.
એવું કહેવાય છે કે આ બેઠકમાં સાંસદો-નેતાઓને એવી સૂચના અપાઈ કે મીડિયા સમક્ષ પાર્ટી કે સરકાર અંગે કાંઈ બોલવાનું નથી. લોકસંપર્ક કરીને ફરિયાદો-પ્રશ્નો અને પ્રજાકીય પ્રશ્નો સરકારને તથા પાર્ટીના પ્રશ્નો સંગઠન સમક્ષ જ રજૂ કરવા જોઈએ, અને પદની, પક્ષની તથા સરકારની ગરિમા જળવાઈ રહે, તેવા જ નિવેદનો કરવા જોઈએ આને કહેવાય માઉથલોક એટલે કે મોઢે તાળા!!
એવું પણ કહેવાય છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક કદમ ઉઠાવવાનું નક્કી થયંુ હતું અને આ પ્રકારની પ્રવૃત્તિઓ કરનાર સામે લેખિત રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે.
જો કે આ બેઠક વિષે સંગઠન, સરકાર કે પ્રવકતાઓ તરફથી કોઈ જાહેરાત થઈ નથી, પરંતુ આ વિષય રાજ્યવ્યાપી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, ત્યારે હવે જળશક્તિ મંત્રી તરીકે સી.આર.પાટીલના અભિગમ તથા સક્રિયતાનો મુદ્દો ઉછળ્યો છે, તેના સંદર્ભે પાર્ટી કે સરકાર તરફથી કેવા નિવેદનો આવે છે, તે જોવાનું રહ્યું!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial