Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ગુજરાતની આગામી લોકલ ચૂંટણીઓમાં મેળવો પાંચ વર્ષના શાસનની 'જનગેરંટી'

ચોમાસું આવે અને વરસાદ શરૂ થાય, ત્યારે મજા પડી જાય, પરંતુ પ્રારંભિક વરસાદ પછી દર વર્ષે ઉત્પન્ન થતી કેટલીક શાશ્વત સમસ્યાઓ સળવળવા લાગે, ત્યારે થોડી ઘણી પરેશાની થાય કે વધુ હાલાકી ભોગવવી પડે. ઘણી વખત આ મુદ્દો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી લઈને સરકાર સુધી અને પંચાયતોથી પાર્લામેન્ટ સુધી પડઘાયો હશે, પરંતુ સત્તાપરિવર્તનો પછી પણ શાશ્વત રહેતી કેટલીક સમસ્યાઓ જાણે કે અમરપટ્ટો લખાવીને આવી હોય તેમ યથાવત જ રહેતી હોય છે, અને પ્રજા પરેશાન જ થતી રહેતી હોય છે.

જલભરાવ, ગંદકી, કાદવ-કીચડ અને ગટરો છલકાવા જેવી સમસ્યાઓથી તો જાણે જનતા ટેવાઈ જ ગઈ છે,પરંતુ હવે તો ઋતુચક્રની સાથે સાથે કેટલીક નવી નવી સમસ્યાઓ પણ ઊભી થવા લાગી છે, જે સરળતાથી ઉકેલી શકાય તેવી હોવા છતાં તકલાદી તંત્રો, સૂસ્ત શાસકો અને બોદી સિસ્ટમ્સના કારણે હંમેશાં માટે અટ્ટહાસ્ય કરતી જ રહે છે, જેમાં ભ્રષ્ટાચાર અને લાપરવાહીનું અનોખું સંયોજન જવાબદાર હોય છે, ખરી વાત છે ને?

હવે તો વિકાસની આડઅસરોમાંથી નવી સમસ્યાઓ પણ જન્મી રહી છે, વિવિધ કામો માટે થયેલા ખોદકામ પછી તે જગ્યાને પુનઃ સમતળ કરવામાં ચાલતી પોલંપોલના કારણે પ્રથમ વરસાદ થતાં જ ત્યાં પુનઃ ખાડા-ચીરોડા પડી જાય અને તેમાં વરસાદી પાણી ભરાઈ જાય, જેથી પરિવહન અને આવાગમન તો અવરોધાતું જ હોય છે, પરંતુ આ નવસર્જિત ગંદકી નવી બીમારીઓ અથવા રોગચાળાનું માધ્યમ બનતી હોય છે, પરંતુ કોઈ વીઆઈપી આવે, ત્યારે તેઓ જે માર્ગેથી પસાર થવાના હોય, તેવા સ્થળો-માર્ગો ચોખ્ખા-ચણાક જેવા સાફ કરીને ત્યાં કોઈપણ કારણ વગર દેખાડો કરવા ખાતર જ દવાઓનો છંટકાવ કરતા તંત્રો પ્રારંભિક વરસાદ પછી ઊભી થતી સ્થિતિમાં તત્કાળ સાફસફાઈ કરાવીને સાર્વત્રિક જંતુનાશક દવાઓનો છંટકાવ તથા ફોગીંગ કરવા અંગે તત્કાળ કોઈ કાર્યવાહી કરતા હોતા નથી, અથવા દેખાવ ખાતર થોડી નાટકબાજી કરીને કામ ચલાવી લેવામાં આવતું હોય તેમ જણાય છે.

દેશમાં લોકસભાની ચૂંટણી પછી રાષ્ટ્રીય કક્ષાએ જનતાની તાકાત રાજનેતાઓએ જોઈ જ લીધી હશે, અને હવે કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે શાસકપક્ષો તથા વિપક્ષોએ એ સમજી લેવું પડશે કે માત્ર ગ્લોબલ સિદ્ધિઓ કે ભાવનાત્મક મુદ્દાઓના સથવારે હવે ચૂંટણીઓ જીતી શકાતી નથી, પરંતુ મૂળભૂત જમીની સમસ્યાઓ લોકોની પાયાની જરૂરિયાતો તથા અપેક્ષાઓને પણ ધ્યાને લેવી જ પડે અને તેના સંદર્ભે લોકોને સંતોષ થાય તેવા કદમ ઉઠાવવા જ પડે તેમ છે.

ગુજરાતમાં તો રાજ્યના મતદારોએ વિધાનસભામાં ૧પ૬ બેઠકો આપ્યા પછી લોકસભામાં નેશનલ કક્ષાએ બદલાયેલા માહોલ વચ્ચે પણ ભાજપને ર૬ માંથી રપ બેઠકો આપી છે, ત્યારે રાજ્ય સરકારની જ નહીં, પરંતુ ભાજપ શાસિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ત્રિસ્તરિય પંચાયતો, પાલિકાઓ તથા મહાનગર પાલિકાઓની જવાબદારી પણ જનતા પ્રત્યે વધી જાય છે, અને લોકોની મૂળભૂત જરૂરિયાતો, માળખાકીય સુવિધાઓ અને સ્થાનિક સમસ્યાઓના નિવારણ માટે પણ ઈલેકશન ફેઈમ ચેતના જાગવી જરૂરી છે, તેમ નથી લાગતુ?

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પૈકી ગ્રામ પંચાયતોમાં તો રાજકીય ધોરણે ચૂંટણી નહીં લડાતી હોવા છતાં તેમાં હવે મોટાભાગે રાજકીય પક્ષો પ્રેરિત પેનલો જ ભાગ લેતી હોય છે, તેના સહિત પાલિકા-મહાપાલિકાઓ તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ થાય, ત્યારે જો વિપક્ષી ગઠબંધનો રખડતા ઢોરની સમસ્યા, આવારા કૂતરાઓનો ત્રાસ અને સિઝનલ ગંદકી તથા સ્થાનિક ભ્રષ્ટાચાર-હપ્તા પદ્ધતિ નાબૂદ કરવાની 'ગેરંટી' આપે તો તે કદાચ જંગી બહુમતીથી જીતી જશે, કારણ કે આ તમામ શાશ્વત સમસ્યાઓનો તોડ ત્રણ-ચાર દાયકાથી રાજ્યમાં ટોપ-ટુ-બોટમ સત્તા ભોગવતા શાસકો કાઢી જ શકયા નથી!

એક કહેવત છે કે 'તમે બધા જ લોકોને કાયમ માટે મૂરખ બનાવી શકતા નથી', આ કહેવત સાંપ્રત સંજોગો તથા પ્રવર્તમાન સમસ્યાઓના પરિપેક્ષ્યમાં આબેહૂબ બંધ બેસતી થાય છે, ખરૃં ને?

છેલ્લા બે દિવસથી યાત્રાધામ દ્વારકામાં એક મહિલા સફાઈકર્મીને એક ઢોરે મોટા શિંગડાથી ફંગોળીને કેવી રીતે ઈજાગ્રસ્ત કરી, તેના દૃશ્યો તથા અહેવાલોની સાથે સાથે જામનગર સહિત રાજ્યના વિવિધ શહેરોમાં જાહેર માર્ગો પર પરસ્પર શિંગડા ભેરવીને યુદ્ધે ચડેલા આખલા, રખડૂ ઢોરના કારણે કેટલાક લોકોએ ગુમાવેલા જીવ તથા આવારા કૂતરાઓ કરડતા માસુમોની દયનીય સ્થિતિના અદૃશ્ય સમાચારો પણ પ્રસારિત અને પ્રસિદ્ધ થઈ રહ્યા છે, આ સમસ્યા કાયમી ધોરણે ઉકેલવાની 'ગેરંટી' કોઈ આપી શકશે ખરું અને તે પછી તેનું પાલન કરી શકશે ખરૃં?

અત્યારે પંચાયતો-પાલિકા-મહાપાલિકાઓમાં જેનું શાસન છે, તે શાસકો લોકોની આ મૂળભૂત સમસ્યાઓ ઉકેલીને તથા બુનિયાદી જરૂરિયાતો-સુવિધાઓ પૂરી પાડીને વધુ પાંચ વર્ષ શાસનની 'જનગેરંટી' મેળવી શકે છે, પરંતુ છેલ્લા ઘણાં દાયકાઓથી શાસનમાં રહેલા પ્રવર્તમાન શાસકો જો આ સમસ્યાઓ ઉકેલી શકતા ન હોય, તો આ સમસ્યાઓ ઉકેલવાની વિશ્વસનિય રીતે 'ગેરંટી' જો વિપક્ષી ગઠબંધનો કે પેનલો આપશે, તો તેને પાંચ વર્ષ માટે શાસનધૂરા સોંપવાનો જનાદેશ આપવાની 'જનગેરંટી'પણ મળી શકે છે, વર્તમાન શાસકો માટે આ અવસર છે અને વિપક્ષ માટે આ સત્તા મેળવવાનું ઓજાર બની શકે છે. ખરૃં ને?

વીઆઈપી તથા વીવીઆઈપીને કેન્દ્રમાં રાખીને જ આપણી સિસ્ટમો ચાલતી હોય તેમ જણાય છે. સત્તારૂઢ થયેલા લોકો કેજરીવાલની જેમ 'શિશ મહેલો'તથા જગનમોહન રેડ્ડીની જેમ 'પેલેસો' બનાવે છે, પરંતુ રસ્તા રઝળતા લોકોને રહેવાનું ગમે, તેવા સેલ્ટર હાઉસ બનાવીને કે બન્યા પછી સંચાલિત કરાવી શકતા નથી. એક ચેક લેવા પ્રજાના પૈસે ચાલતી અલગ-અલગ ગાડીઓ લઈને ગાંધીનગર જતાં મહાનુભાવો શહેરોમાં લોકોને હડફેટે લેતા રખડતા ઢોરની સમસ્યા હલ કરી શકતા હોતા નથી. 'વિશેષ મહાનુભાવો'ની આડે એકાદું કૂતરૃં, વાંદરો કે રખડતુ ઢોર આવી ન જાય, તેના માટે સુરક્ષા જવાનોના ખડકલા કરતા તંત્રો નાના કર્મચારી કે સામાન્ય નાગરિકોના જીવ જાય, તેવા જોખમી સ્થળો પર પૂરતો બંદોબસ્ત કરી શકતા નથી, કે આખલા, આવારા કૂતરા અને હિંસક પ્રાણીઓથી રક્ષણ આપી શકતા નથી, હવે સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓની જ રાહ જોવી પડશે, કે તે પહેલાં આંખ ઉઘડશે??

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial