ચાર જુન ૨૦૨૪. દેશની લગભગ બધી જ ટીવી ચેનલો પર સવારથી જ ચૂંટણીના પરિણામોનું લાઈવ કવરેજ આવી રહ્યુ હતું. લગભગ બધા જ ભારતીયો ચૂંટણીનું છેલ્લામાં છેલ્લું પરિણામ જાણવા, ટીવી કે મોબાઇલની સામે ગોઠવાઈ ગયા હતા.
લાલાને આમ તો ચૂંટણી અને તેના રાજકારણમાં બિલકુલ રસ નહીં. પરંતુ આજે તો તે પણ ટીવી સામે ગોઠવાઈ ગયો હતો, કારણ કે થોડા દિવસો પહેલા ગુજરાતના એક વાણીયાએ આપેલી સલાહ માનીને તેણે એક કંપનીના શેર સો રૂપિયાના ભાવે ખરીદેલા, એવા વિશ્વાસ સાથે કે ચૂંટણીના પરિણામ જાહેર થતાં જ તેના શેરના ભાવ સીધા જ *અબકી બાર, ૪૦૦ કે પાર...* થઈ જશે.
પરંતુ ચૂંટણીના પરિણામો બિલકુલ તેની ધારણાથી વિપરીત આવ્યા. ભાજપાના ગઠબંધનની સીટો તો ૩૦૦ ની પાર પણ ન ગઈ, અને એટલે જ શેરબજારમાં જબરો કડાકો બોલી ગયો. લાલાએ લીધેલા એક માત્ર શેરના ભાવ પણ ઘટી ગયા.
લાલો ટેન્શનમાં આવી ગયો. તેણે લીધેલા શેરનું હવે શું કરવું તે વિચારે તે પહેલા તો તેના મોબાઈલ માં રીંગ વાગી. લાલાએ ફોન ઉપાડ્યો અને કહ્યું, *હેલો..*
*હેલ્લો સર,* સામેથી એક સુમધુર અવાજ આવ્યો, અને તેણે પૂછ્યું, *તમે શેર બજારનું કરો છો ?*
લાલો અત્યારે કોઈ સુમધુર અવાજ સાંભળવાના મૂડમાં બિલકુલ ન હતો, તેણે તરત જ જવાબ આપ્યો કે, *ના, પરંતુ શેરબજારવાળા અમારું કરી જાય છે...!!*
અમારા ગ્રુપમાં આમ તો શેર બજાર કોઈને ફળ્યું નથી. આજથી લગભગ બે વર્ષ પહેલાં નટુએ પોતાના પૈસા એકના ડબલ કરવા પેટીએમના પબ્લિક ઇશ્યુમાં ભરેલા, અને લગભગ ૨૧૦૦ ના ભાવે શેર મેળવેલા, જેના આજે બજારમાં ફક્ત. ૪૦૦ રૂપિયા મળે છે. નટુ આમ તો ટેકનોલોજીને પસંદ કરતો માણસ છે. તે બેંકના ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ બધું વાપરે છે, અને અવારનવાર ઓનલાઇન ખરીદી પણ કરે છે. પરંતુ તે ભૂલે ચૂકે પણ પેટીએમની એપનો ઉપયોગ નથી કરતો. અરે કોઈ જગ્યાએ જો પેટીએમ નો સિગ્નેચર ટ્યુન, *પેટીએમ કરો....* સાંભળવા મળે તો ત્યાંથી ખરીદી કરવાનું પણ માંડી વાળે છે..!
જોકે શેરબજારની તો વાત જ નિરાળી છે. શેર બજાર થી બિલકુલ દૂર રહેલો માણસ જો ભૂલથી પણ કોઈ એક શેર ખરીદી લે તો પછી તેની દુનિયા જ બદલી જાય છે. પછી તો તે દુનિયાના બધા જ કામકાજ છોડીને ફક્ત અને ફક્ત તેણે ખરીદેલા શેરના ભાવ જ જોયે રાખે છે.
અને શેરબજાર જ એક એવી જગ્યા છે કે જે તમને ખિસ્સા ખાલી હોય તો પણ સોનેરી ભવિષ્યના સપના દેખાડે છે. સાથે સાથે એ પણ એટલું જ સાચું છે કે જ્યારે તમે હવામાં ઉડતા હો ત્યારે જ તમને નીચે ધરતી પર પટકી ને વાસ્તવિકતાનું ભાન કરાવે છે.
વળી આજે દેશ અને દુનિયાના અબજોપતિઓનું લિસ્ટ જુઓ, લગભગ બધા જ શેરબજારની સંગાથે આગળ વધ્યા છે. શેરબજારમાં થતી દરેક વધઘટ સાથે આ બધાની સંપત્તિમાં અબજો રૂપિયા ની વધઘટ થતી હોય છે. અને એટલા માટે ઘણાં લોકો આ બધાને *પેપર ટાઈગર* પણ કહેતા હોય છે..
વિદાય વેળાએ : શ્રીમતીજીએ પૂછ્યું, *આજે તમે એક ખાશો કે બે ?*
મેં કહ્યું, *તું રોટલી, પરોઠું કે ભાખરી એમ સ્પષ્ટતા કર.. આમાં ખોટી ગેરસમજ થાય છે...!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial