અજ્ઞાની હોવું એ ઉણપ ગણાય પણ અજાણ્યું થવું એ આપત્તિ છે હો...
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ,
જુજવે રૃપ અનંત ભાસે...
અહમ્ બ્રહ્માસ્મિ... અહમ્ બ્રહ્માસ્મિ...
કોઈપણ ક્ષેત્રે આગળ વધવા માટે માત્ર જે-તે ક્ષેત્રનું નોલેજ હોવું જ જરૃરી નથી, પરંતુ જનરલ નોલેજ પણ સારૃ હોવું જોઈએ. તેવી જ રીતે જનરલ નોલેજ ઘણું જ સારૃ હોય, પરંતુ જે ક્ષેત્રમાં આગળ વધવું હોય, કારકિર્દી ઘડવી હોય, સારા પરિણામો હાંસલ કરવા હોય, સિદ્ધિ અને સફળતા મેળવવી હોય કે લક્ષ્યો સિદ્ધ કરવા હોય, તો જે-તે ક્ષેત્રનું પૂરેપૂરૃં જ્ઞાન હોવું અથવા મેળવી લેવું અત્યંત જરૃરી હોય છે.
આપણા દિવંગત રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ એમ કહેતા કે માનવીનું દિમાગ પાવરફૂલ હોય છે, પરંતુ આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીના ક્ષેત્રમાં માત્ર પાંચ-સાત ટકા સિદ્ધિ જ મેળવી છે, કારણ કે આપણે આપણાં દિમાગનો માત્ર પાંચ-સાત ટકા જ ઉપયોગ કરી શક્યા છીએ!
એલિયન્સ
થોડા દિવસો પહેલા એવા અહેવાલો ફરીથી વહેતા થયા હતાં કે અન્ય ગ્રહમંડળમાંથી પૃથ્વી પર એલિયન્સ આવ્યા છે અને તેને ચોક્કસ સ્થળો પર રખાયા છે. દાયકાઓથી આપણે 'ઊડતી રકાબી', અદૃશ્ય ચીજ, અજાયબ ઊડતી આકૃતિઓ તથા એલિયન્સ વિષે સાંભળતા રહ્યા છીએ, પરંતુ તેના કોઈ ઠોસ પુરાવા હજુ મળ્યા નથી. હવે ફરીથી એલિયન્સની વાતો વહેતી થઈ છે, ત્યારે એવું ચર્ચાઈ રહ્યું છે કે આપણા સૂર્યમંડળની સાથે જોડાયેલા ગ્રહમંડળ જેવું જ બ્રહ્માંડમાં બીજું કોઈ ગ્રહમંડળ હશે, જ્યાં જીવસૃષ્ટિ પણ હશે અને આપણાં કરતાયે વધુ બુદ્ધિશાળી અથવા જ્ઞાની માનવીઓ હશે, જેઓએ 'મિશન બ્રહ્માંડ' હેઠળ આપણી પૃથ્વીની શોધખોળ કરી લીધી હશે!
એવું પણ કહી શકાય કે ત્યાં પણ આપણાં જેવી જ જીવસૃષ્ટિ અને માનવ વસાહતો હશે, પરંતુ આપણે માત્ર પાંચ-સાત ટકા દિમાગ વાપરીએ છીએ, તેના સ્થાને અન્ય ગ્રહમંડળના (કાલ્પનિક) લોકોએ દિમાગનો વધુ ઉપયોગ કર્યો હશે, જેથી તેઓ આપણાં સુધી પહોંચી શક્યા હશે!
બ્રહ્માંડના સિગ્નલ
આપણે પૃથ્વીવાસીઓ પણ દિવસે ને દિવસે સાયન્સ એન્ડ ટેકનોલોજી, સ્પેસ ટેકનોલોજી, અને ખગોળિય સંશોધનમાં ઘણાં જ આગળ વધી રહ્યા છીએ. ચંદ્ર પર પહોંચ્યા છીએ અને સૂર્યની નજીક જઈને તેના વિષે વધુ જાણવાનો પ્રયાસ કરીએ છીએ. મંગળયાન, ચંદ્રયાન અને સ્પેસ સેન્ટર્સ ઉપરાંત ઢગલાબંધ ઉપગ્રહો છોડીને આપણે સેટેલાઈટ સપ્લાયમાં ક્રાંતિ પણ કરી છે. આપણાં વૈજ્ઞાનિકો પણ દાયકાઓથી બ્રહ્માંડના રહસ્યો શોધવા, કૃત્રિમ સૂર્યનું સર્જન કરવા તથા ગ્રહમંડળના તમામ ગ્રહો પર પહોંચવાના પ્રયાસો કરતા રહ્યા છે, અને ખગોળ, ભૂગોળ અને વિજ્ઞાનનું સંયોજન કરીને સમગ્ર સૃષ્ટિના રહસ્યો જાણવાના અબજો રૃપિયા અને ડોલરના ખર્ચે કરીને વિશેષ અભિયાનો ચલાવી રહ્યા છીએ. બ્રહ્માંડના સિગ્નલ્સના મુદ્દે વિવિધ મતમતાંતરો પણ ચર્ચાઈ રહ્યા છે.
ગ્રહમંડળમાં જીવન
આપણા સૂર્યની ફરતે ગોળ ગોળ ફરતા ગ્રહોમાં પૃથ્વી સિવાય અન્ય કોઈપણ ગ્રહ પર માનવ વસાહત કે જીવસૃષ્ટિ છે કે કેમ? તેના સંશોધનો પણ વર્ષોથી થતા રહ્યા છે, અને ગ્રહો કે ચંદ્ર જેવા ઉપગ્રહો પર ભૂતકાળમાં જીવસૃષ્ટિ, પાણી કે પૃથ્વી જેવી આબોહવા હતી કે હાલમાં મોજુદ છે કે પછી ભવિષ્યમાં સંભવ છે કે કેમ? તે અંગેના સંશોધનો પણ થઈ રહ્યા છે. આપણાં ગ્રહમંડળો તો પૃથ્વી જેવી આબેહૂબ જીવસૃષ્ટિ હોવાના પાક્કા પુરાવા હજુ મળ્યા નથી, પરંતુ આપણાં સૂર્યની જેમ અન્ય સૂર્યો હોય, સૂર્યમંડળો હોય અને તેની ફરતે આપણી જેમ જ ગ્રહમંડળ હોય કે જીવસૃષ્ટિ હોય, તેવી સંભાવનાઓને લઈને પણ સંશોધનો થઈ રહ્યા છે.
શાસ્ત્રો મુજબ ૪ લોકનું બ્રહ્માંડ
પાતાળલોક, સાત લોક, સાત સૃષ્ટિ જેવા શબ્દો ઘણી વખત પ્રાચીન ગ્રન્થો અને સાહિત્યમાં પણ સાંભળ્યા જ હશે. ગૌલોક, પાતાળલોક, વૈકુંઠલોક, જેવા શબ્દો ઉપરાંત વિષ્ણુ પુરાણ મુજબ અતલ, વિતલ, સુતાલ, રસાતલ, તલાતલ, મહાતલ, અને પાતાળ જેવા સાત લોકનું વર્ણન આવે છે.
એ ઉપરાંત ૧૪ લોકનું બ્રહ્માંડ હોવાની કથા પણ સાંભળી જ હશે જેમાં સ્વર્ગ, ગૌલોક, બ્રહ્મલોક, દેવલોક, પૃથ્વીલોક, પાતાળલોક, ચંદ્રલોક વગેરે ઉચ્ચલોક ઉપરાંત ભૂ, ભૂવસ, સ્વર, મહા, જન, તપસ અને સત્ય સાથે સાંકળીને પૃથ્વી પર જ વિવિધ લોકની કલ્પના કરવામાં આવી છે. ભારતીય ધર્મગ્રન્થો, સાહિત્ય તથા સંશોધન પત્રોમાં આ તમામ ઉલ્લેખો અને ચર્ચાઓ જોવા મળે છે.
પ્લેન્કના માપદંડ
આપણા દેશના શાસ્ત્રોમાં વર્ણવેલા વિવિધ લોક અને તેને સંલગ્ન વિવરણોને ઘણાં કપોળ કલ્પના માને છે, તો ઘણાં લોકો ગુઢાર્થમાં વર્ણવેલી સાયન્ટિફિક હકીકતો પણ માને છે, જ્યારે શાસ્ત્રોની વાત આવે ત્યારે કપોળ કલ્પના માનવી અને જ્યારે અદ્યતન વિજ્ઞાન અને સ્પેસ ટેકનોલોજીની વાત આવે ત્યારે તેને 'સિદ્ધ' અને પ્રમાણભૂત માનવું, એ માપદંડો પણ આપણે જ નક્કી કર્યા છે ને? ઘણાં લોકો એવો દાવો કરે છે કે આપણા ઋષિમુનિઓ પણ સાયન્ટિફિક સિદ્ધિઓ ધરાવતા હતાં અને પ્રાચીન યુગમાં જ પૃથ્વી સિવાયના અન્ય ગ્રહમંડળો અથવા બ્રહ્માંડમાં વસેલા અન્ય ૧૪ લોકની શોધ કરી લીધી હતી. જે હોય તે ખરૃ, પણ આ વિષય જિજ્ઞાસા અને નવાચારની સાથે સાથે આપણા ભાવિ અસ્તિત્વ સાથે પણ સંકળાયેલા છે, ખરૃ ને!
બ્રહ્માંડને લઈને ઘણાં સંશોધનો થઈ રહ્યા છે અને અનાદિકાળથી થતા પણ રહ્યા છે. અર્વાચીન યુગની વાત કરીએ તો પ્લેન્કના માપદંડોને સટિક ગણવામાં આવ્યા છે. બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તેની સંરચના કેવી રીતે થઈ અને ઉત્પત્તિના સમયે કઈ શક્તિ કામ કરતી હતી, તેવા સવાલોના જવાબ શોધવા પ્લેન્કના માપદંડો મુજબ આકાશગંગામાં તારાઓ (સૂર્યો) બનાવનારા વાદળો નથી. ધૂળ-માટી તથા વાદળોમાં છૂપાયેલી અબજો વર્ષ પહેલાની આશાગંગાઓ શોધવામાં આવી છે.
આ માપદંડો ઉપરાંત બ્રહ્માંડની ઉત્પત્તિ, ઉત્ક્રાંતિ અને આપણાં જેવી જીવસૃષ્ટિ ધરાવતી અન્ય પૃથ્વીઓ (ગ્રહો) અથવા આપણા જેવા ગ્રહમંડળોના રહસ્યો મેળવવા અન્ય પણ ઘણી થિયરીઓ પર સંશોધનો ચાલી રહ્યા છે.
બીગ બૈંગથી આજ સુધીની ઉત્ક્રાંતિ
વૈજ્ઞાનિકો બીગ બૈંગથી અત્યાર સુધીની ઉત્ક્રાંતિના રહસ્યો જાણવા મથી રહ્યા છે, અને તેમાં પ્લેન્ક અંતરીક્ષ યાન દ્વારા માઈક્રોવેવ અવલોકનો થઈ રહ્યા છે, અને ગુરુત્વાર્ક્ષણ બળના તરંગોને શોધી કાઢીને બ્રહ્માંડમાં અન્ય જીવસૃષ્ટિનો તાગ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ માટે પ્રાચીનકાળના અભ્યાસથી લઈને અત્યાધુનિક ટેલિસ્કોપ્સ આધારીત ડેટાનું એકત્રીકરણ કરવામાં આવી રહ્યું છે. હબલ, સ્પિટ્ઝર, જુનો સહિતના દૂરબીનો સાથે પ્લેન્કનું સંયોજન પૃથ્વી તથા અંતરીક્ષના સંભવિત ટેલિસ્કોપ્સની મદદથી ડેટા કલેક્શન પછી તેના તારણો કાઢવાની ચેલેન્જીંગ પ્રવૃત્તિઓ સતત થતી રહે છે.
સર્વજ્ઞાની હોવું સારૃ પણ...
ઘણાં લોકો પોતે જ બધું જાણે છે, તેવો દાવો કરતા હોય છે. સર્વજ્ઞાની હોવું એ સારૃ ગણાય, પણ તેનો અહંકાર રાખી ન શકાય. અજ્ઞાની હોવું એ ઉણપ ગણાય, પણ અજાણ્યા થઈને વધુને વધુ જ્ઞાન મેળવતા રહેવું એ જ આવડત છે. આ કૌશલ્ય પત્રકારો તથા વકીલોમાં જેટલું વિક્સે છે, તેટલા તેઓ સફળ થતા હોય છે.
સાચું કહું તો પોતાને સર્વજ્ઞાની ગણાવનાર વ્યક્તિ માટે જ્ઞાનવર્ધનના દરવાજા જ બંધ થઈ જાય છે, કારણ કે જ્યારે તે એમ કહે કે 'હું બધું જાણું છું' તો ત્યાં ફૂલસ્ટોપ આવી જાય છે. કોઈ ઘટનાની કોઈ વાત કરે ત્યારે કે કોઈ નવી વાત કરતું હોય, ત્યારે ક્યારેય એવું ન કહેવું કે, 'હું એ બધું જ જાણું છું અથવા મને બધી ખબર જ છે...' કારણ કે તે પછી સામેની વ્યક્તિ બોલતી જ બંધ થઈ જશે અને તમને વધુ કાંઈ જાણવા નહીં મળે. હકીકતે સર્વજ્ઞાની આ દુનિયામાં કોઈ નથી, કારણ કે બ્રહ્માંડ વિશાળ છે, અને સમગ્ર બ્રહ્માંડનું જ્ઞાન કોઈનેય નથી.
પ્રાચીન-અર્વાચીન સંયોજન
બ્રહ્માંડને અંગ્રેજીમાં મુનિવર્સ કહે છે. આ દિશામાં વર્ષોથી સંશોધનો તો થતા જ રહ્યા છે, તેમાં હવે ભારતીય સાહિત્ય, ગ્રન્થો, શાસ્ત્રો અને ધર્મશાસ્ત્રો-વેદઉપનિષદોમાં વર્ણવેલા બ્રહ્માંડના વર્ણનો, પૃથ્વીલોક સિવાયના અન્ય ગ્રહમંડળો અને ત્યાં વસેલી જીવસૃષ્ટિ વગેરેનો ગહન અભ્યાસ કરીને અને ગૂઢાર્થો ઉકેલીને તેના સુચિતાર્થોને સાંકળવાની દિશામાં પણ અંગુલીનિર્દેશ થઈ રહ્યો છે. જેવી રીતે વર્તમાન યુગમાં 'કોડ' હોય છે, જે ઉકેલી શકાય છે, તેમ જ બુદ્ધિમતાથી ગુઢાર્થો પણ ઉકેલી શકાતા હોય છે. ત્યારે પ્રાચીન અને અર્વાચીન વિજ્ઞાન અને જ્ઞાનને સાથે સાંકળીને બ્રહ્માંડના રહસ્યોનો તાગ મળે, અને તેનો સદુપયોગ જીવસૃષ્ટિના સંરક્ષણ અને માનવકલ્યાણ તથા પૃથ્વીના પ્રોટેકશન માટે થાય તેવું ઈચ્છીએ અને આ પ્રકારના સંશોધનો માટે સંશયના બદલે શ્રદ્ધા અને ઉપહાસના બદલે ઉપયોગિતાની માનસિક્તા વધારીએ, અહમ્ બ્રહ્માસ્મિ... અહમ્ બ્રહ્માસ્મિ...
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ
આગામી ઓલિમ્પિક સ્પર્ધાઓ ફ્રાંસમાં ર૬ જુલાઈથી ૧૧ ઓગસ્ટ-ર૦ર૪ સુધી યોજાનાર છે. જે પેરિસ સહિત ૧૬ શહેરમાં થશે. વર્ષ ૧૮૯૪ માં પિસરે હી કૂપરટેન દ્વારા આધુનિક ઓલિમ્પિક આંદોલન શરૃ થયું હતું અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના થઈ હતી, જેના સંદર્ભે દર વર્ષે ર૩ મી જૂને આ ઉજવણી થતી રહી છે. વર્ષ ૧૯૪૭ માં સ્ટોકહોમ આઈએસીના ૪૧ મા સત્રમાં આ ઉજવણીનો પ્રસ્તાવ આવ્યો અને વર્ષ ૧૯૪૮ થી કોઈપણ ભેદભાવ વિના આ વૈશ્વિક એથ્લેટિક્સ સ્પર્ધાઓ શરૃ થઈ હતી. સ્વાસ્થ્ય, શિક્ષણ અને કૌશલ્યને સાંકળીને શરૃ થયેલી આ સ્પર્ધાઓ ધીમે ધીમે સામૂહિક વૈશ્વિક ભાગીદારી અને એક્તાની દિશામાં મહત્ત્વપૂર્ણ માધ્યમ પણ બની ગઈ છે, અને વૈશ્વિક મિત્રતાની બુનિયાદ પણ બની ગઈ છે.
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial