જામનગરના કેટલાક વિસ્તારોમાં ફૂટપાથો પર રેંકડી-પાથરણાવાળા દ્વારા થતા વ્યવસાયિક કામચલાઉ દબાણો સામે અવારનવાર ઝુંબેશ ચલાવાય છે. તે ઉપરાંત જાહેર માર્ગો પર ખાણી-પીણી માટેની બેઠક વ્યવસ્થાઓ સ્ટુલ, ખુરશીઓ તથા છાપરાંઓ ઊભા કરવામાં આવે છે, તેમ જ વિવિધ ચીજ-વસ્તુઓ વેંચતા વેપારીઓ દ્વારા ફૂટપાથ જ નહીં, જાહેર માર્ગો સુધી પોતાના જાહેરાતના બોર્ડ, વેચાણની ચીજવસ્તુઓ તથા પોતાના વાહનો વગેરે રાખીને માત્ર પગપાળા નહીં, પરંતુ વાહનો લઈને જતા લોકો માટે પણ અવરોધ ઊભા કરતા લોકો સામે પણ વિશેષ ઝુંબેશ હેઠળ કાર્યવાહીઓ થાય છે, જેની પ્રેસનોટો નીકળે છે, વીડિયા ઉતરે છે, ફોટા છપાય છે અને પ્રિન્ટ-ઈલેકટ્રોનિક અને સોશ્યલ મીડિયાના માધ્યમથી તેનો બહોળો પ્રચાર-પ્રસિદ્ધિ થાય છે.
આ પ્રકારની પ્રચાર-પ્રસિદ્ધિ કોઈ પણ રીતે વાંધાજનક નથી, બલ્કે ઉલટાની આવકાર્ય છે, કારણ કે તેમ થાય તો જ આ પ્રકારની પ્રવૃત્તિ કરવા લોકો પર કાયદાનો ડર બેસે અને મનસ્વી રીતે સામાજ્ય જનતાને પરેશાની ઊભી થાય, તેવી રીતે વ્યવસાય કરતા અટકી શકે, પરંતુ સવાલ ત્યારે ઊભો થાય છે, જ્યારે આવી ઝુંબેશ પૂરી થાય, પબ્લિસિટી થઈ જાય, તેના ગણત્રીના દિવસો કે કલાકોમાં જ ફરીથી 'જૈસે થે' સ્થિતિ ઊભી થઈ જતી હોય છે. આ મુદ્દે પ્રેસ-મીડિયા દ્વારા જ્યારે તંત્રોનું ધ્યાન ખેંચવામાં આવે કે વાસ્તવિકતા લોકો સમક્ષ મૂકવામાં આવે ત્યારે ત્વરીત કોઈ કડક કદમ ઉઠાવવાના બદલે ચાર-પાંચ મહિને ફરી આ પ્રકારની ડ્રાઈવ કે ઝુંબેશ ચલાવાય, તેની રાહ જોવી પડે છે, આ કારણ કે જ આ પ્રકારની ઝુંબેશો ડ્રામેબાજી જેવી જણાય છે.
આવું માત્ર જામનગર કે હાલારમાં જ બને છે, તેવું નથી, પરંતુ રાજ્ય અને દેશના અન્ય શહેરોમાં પણ બને છે, જેનું તાજુ દૃષ્ટાંત મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર અને બોમ્બે કોર્પોરેશન (મુંબઈ મહાનગરપાલિકા) ને લગાવેલી ફટકારમાંથી પ્રતિત થાય છે, અને આ ફટકાર કદાચ દેશની તમામ સરકારોને લાગુ પડે છે.
મીડિયામાં પણ આ ચર્ચા જોરશોરથી થઈ રહી છે. બોમ્બે હાઈકોર્ટે બીએમસી અને રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે જ્યારે વડાપ્રધાન કે કોઈ વીવીઆઈપી આવતા હોય, ત્યારે જો રસ્તા સાફસૂફ અને ફૂટપાથો ખાલી કરાવી શકાતી હોય તો સામાન્ય નાગરિકો માટે કેમ નહીં?
અદાલતે કહ્યું કે સાફસુથરા માર્ગો અને ચાલવા માટે ખુલ્લી ફૂટપાથ એ પ્રત્યેક વ્યક્તિનો મૌખિક અધિકાર છે, અને તે ઉપ્લબ્ધ કરાવવાની જવાબદારી રાજ્યના તંત્રોની છે, રાજ્ય અને બીએમસી કાયમ માટે શહેરી ફૂટપાથો પર દબાવ કરનારા સામે કેવી રીતે લડવું અથવા તેઓને કેવી રીતે અટકાવવા, તેવું વિચારીને બેસી રહી શકે નહીં, આ મામલામાં યોગ્ય કદમ ઉઠાવવા જ જરૃરી હોય છે.
કોર્ટે પુછયુ કે જ્યારે વડાપ્રધાન કે કોઈ વીવીઆઈપી આવવાના હોય ત્યારે માર્ગો સાફ સુથરા અને ફૂટપાથો તરત જ ખાલી કરાવી દેવામાં આવે છે, એટલું જ નહીં, વીવીઆઈ જ્યાં સુધી (જેટલા કલાકો કે દિવસો સુધી) રોકાય ત્યાં સુધી તો ત્યાં ફરીથી દબાણ થઈ જતુ નથી, તો પછી ઝુંબેશ પછી 'જૈસે થે'ની સ્થિતિનું સર્જન કેવી રીતે થઈ શકે ? સામાન્ય લોકો માટે પણ પગપાળા ચાલવા માટે સાફ સુથરો રસ્તો તથા સુરક્ષિત જગ્યા હોવા જ જોઈએ ને?
હાઈકોર્ટે ત્યાં સુધી કહ્યું કે ફૂટપાથ એક મૌલિક અધિકાર છે, તથા આપણે માત્ર ફૂટપાથ પર જ ચાલીને પોતાની જાતી ને સુરક્ષિત રાખવી જોઈએ, તેવું આપણે બાળકોને શિખવીએ અને ભણાવીએ છીએ. પરંતુ જો ફૂટપાથો જ નહીં બચે, તો બાળકો ચાલશે કયાં ? આપણે તેઓને શું જવાબ આપીશું?
જો કે, બીએમસીએ કરેલી સ્પષ્ટતા પણ દરેક નગરો-મહાનગરોના તંત્રો તથા પાલિકા-મહાપાલિકાઓએ પણ વિચારવા જેવી છે. બીએમસીએ કહ્યું કે સમયાંતરે કડક કાર્યવાહી થાય જ છે, પરંતુ તેઓ (ફેરીયાઓ) ફરીથી ફૂટપાથો પર વ્યવસાય કરવા લાગે છે, તેથી બીએમસી તમામ પ્રકારના વેન્ડર્સ માટે એકથી વધુ અન્ડરગ્રાઉન્ડ માર્કેટ ઉપ્લબ્ધ કરાવવા અંગે વિચારી રહ્યું છે. આ રીતે અંડરગ્રાઉન્ડ વિકલ્પો ઉપલબ્ધ કરાવ્યા પછી પણ જો ફૂટપાથો પર કબ્જો જમાવવામાં આવે, તો અત્યંત કડક દંડ-સજાનો વિચાર પણ કરવો જ પડે, અન્યથા પોથીમાંના રીંગણા જેવો ઘાટ સર્જાય છે.
સિક્કાની બીજી બાજુ એવી પણ છે કે આ વેન્ડર્સ પૈકીના મોટાભાગના ધંધાર્થીઓ ગરીબ અથવા અતિગરીબ હોય છે, જેના પરિવારો તેમના પર જ નભતા હોય છે, તેથી તેઓનું ગુજરાન ચાલે, પેટ પર લાત ન પડે અને તેઓના પરિવારો રઝળી ન પડે, તેવી રીતે કોઈ એવો માર્ગ કાઢવો જોઈએ કે ફૂટપાથો-જાહેર માર્ગો કે સંકુલો પર ધંધો-વ્યવસાય કરવાથી તેઓ આપોઆપ જ દૂર રહે, તે પ્રકારનો સ્વીકૃત વિકલ્પ પણ તેઓને મળી જાય.
મોટા રેસ્ટોરન્ટ કે ધીંગી કમાણી કરતા અલ્પાહાર, ઠંડાપીણા, આઈસ્ક્રીમના વિતરકોને રોડ-રસ્તા ફૂટપાથો દબાવવા દેવાથી જે ન્યૂસન્સ ફેલાય છે, તે સૌ જાણે જ છે, તેવી જ રીતે પોતાની વસ્તુઓ એકઝીબીટ કરવા કે વેઈટીંગવાળાને બેસાડવા માટે જાહેરમાર્ગો, ફૂટપાથો નો થતો મનસ્વી ઉપયોગ અટકાવવા તો હવે બોમ્બે હાઈકોર્ટની જેમ અદાલતો પણ ફટકાર લગાવી રહી છે, ત્યારે શાસકો, તંત્રો જાગશે, કે પછી નવે નાકે...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial