આજે આકાશમાં મેઘરાજાનો ગડગડાટ સંભળાઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં શાળા-પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે, દેશમાં નવી સરકાર રચાયા પછી જનતા પોતાના જનાદેશને અનુરૂપ સંસદમાં થઈ રહેલા અકલ્પનિય બદલાવોને ખૂબ જ ઉત્કંઠ અને કુતૂહલ સાથે નિહાળી રહી છે, તો ટોપ ટુ બોટમ નેતાઓની નિવેદનબાજીની દિશા અને દશા બદલાઈ રહી છે. ભારતમાં ધબકતા લોકતંત્રની ખૂબસુરતી વસંતઋતુની જેમ પુરબહારમાં ખીલી ઉઠી છે, તો બીજી તરફ કેટલાક મુદ્દે ચાલી રહેલી તપાસો, કાનૂની કાર્યવાહીઓ તથા અદાલતી સુનાવણીઓ પણ હવે સંસદમાં પડઘાશે, તેથી સંસદીય કાર્યવાહી પર પણ સૌ કોઈને નજર રહેવાની છે... મેરા ભારત મહાન...
ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ શરૂ થયો હોવાથી ઘણાં સ્થળે મેઘાવી માહોલ જામવા છતાં વરસાદ જાણે હંગામી ધોરણે થંભી ગયો હોય તેમ જણાય છે. જો કે, આજે ઘણાં સ્થળે ભારે વરસાદની આગાહી પણ છે. કોડિનારમાં ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને ત્યાંના પોલીસખાતાએ શાળામાં પ્રવેશ અપાવ્યો તે પ્રકારના પ્રેરણાત્મક અહેવાલો પણ આવ્યા, જ્યારે કેટલાક સ્થળે મેઘવૃષ્ટિ થવાથી શાળા-પ્રવેશોત્સવના કાર્યક્રમો 'ઈન્ડોર' યોજવા પડ્યા કે ટૂંકાવવા પડ્યા હોવાના પણ વાવડ છે. એવા ગૂડન્યુઝ પણ આવ્યા કે કેટલીક સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર એટલું ઊંચું છે કે ત્યાં એડમિશન મેળવવા માટે પડાપડી થતી હોય છે. બીજી તરફ કેટલીક શાળાઓમાં સુવિધાઓનો અભાવ, શિક્ષકોની ઘટ અને અન્ય ખામીઓ હોવાની રાવ પણ ઉઠી છે, એકંદરે કન્યા કેળવણી રથ અને શાળા પ્રવેશોત્સવો હવે પ્રેકટીકલી ડ્રામેટિક અને પ્રચારાત્મક ઈવેન્ટ બની રહ્યા હોય તેમ નથી લાગતું?
મેઘો ભલે સંતાકૂકડી રમે કે વિવિધ આગાહીઓ કસોટીની એરણે ચડે, પરંતુ વિશ્વની સૌથી મોટી અને તંદુરસ્ત લોકશાહીના દૃશ્યો ગઈકાલે સંસદમાં દેખાયા, જ્યાં પી.એમ. નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી નવા ચૂંટાયેલા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને તેમના આસન (સીટ) પર આરૂઢ થવા દોરીને લઈ ગયા, ત્યારે પરસ્પર હાથ મિલાવતા (સેકહેન્ડ કરતા) જોવા મળ્યા !!!
તે પહેલાં વિપક્ષે મૂકેલી ફોર્મ્યુલા સરકારે નકારતા કોંગ્રેસે લોકસભાના અધ્યક્ષપદ માટે ઉમેદવાર ઊભો કર્યો, પરંતુ વોટીંગ ન થાય, અને ધ્વનિમતથી લોકસભાના અધ્યક્ષ ચૂંટાયા, તેમાંથી શરૂ થયેલી ચર્ચા અને વિવાદ ઉપરાંત નવા અધ્યક્ષે કટોકટિમાં જીવ ગુમાવનાર લોકો માટે બે મિનિટનું મૌન પળાવ્યુ, તે જોતા હંગામેદાર સંસદની ભવિષ્યવાણીઓ ગઈકાલથી જ થવા લાગી હતી, ખરું ને?
સંસદમાં વિપક્ષના નેતાનું પદ મળ્યા પછી કોંગીજનો રાહુલ ગાંધીને ભવિષ્યના વડાપ્રધાન તરીકે પ્રસ્તુત કરી રહ્યા છે, ત્યારે હવે શાસક ગઠબંધનમાં પણ 'વિકલ્પ' ની વાતો વહેતી થવા લાગી હોય તો તેમ કહી શકાય કે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશના મતદારો પણ ખૂબ જ પૂખ્ત થઈ ગયા છે. એવી ફિલોસોફી પણ હવે ચર્ચાઓમાં આવી ગઈ છે કે કોઈને અંડર એસ્ટીમેન્ટ કરવા એ સૌથી મોટી ભૂલ છે, અને ઓવર કોન્ફિડન્સમાં રહીને હવેલી લેવા જતા ગુજરાત ગુમાવવા જેવી હરકત કરવી, તે મૂર્ખામી જ ગણાય !
આજે રાષ્ટ્રપતિનું અભિભાષણ, તેના પર ચર્ચા અને તે પછી તેના પર વડાપ્રધાનનો જવાબ અને વિપક્ષના નેતાની ટિપ્પણીની ગઈકાલથી થતી અટકળો અને કાલ્પનિક અંદાજો પછી આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે ને ?
લોકસભામાં જો ડેપ્યુટી સ્પીકરનું પદ મજબૂત બનેલા વિપક્ષને અપાયુ હોત તો બન્ને પદની ચૂંટણી બિનહરિફ થાત અને લોકતંત્રની ગરિમા જળવાઈ રહેત, પરંતુ કેટલાક રાજ્યોમાં વિપક્ષની સરકારો છે, ત્યાં ડેપ્યુટી સ્પીકરનું પદ શાસક પક્ષોએ જ રાખ્યું છે, અને ત્યાંના વિપક્ષને અપાયું નથી, તેવી દલીલો થઈ રહી છે, ત્યારે સાથીદાર પક્ષોની કાંખઘોડી પર ઊભેલી મોદી સરકાર માટે સૌને સાથે લઈને ચાલવાની આ ઉત્તમ તક હોવાથી એનડીએ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ આ પ્રકારની પહેલ કરી હોત, તો શાસન કરવું સરળ રહ્યું હોત, તેવા અભિપ્રાયો પણ વ્યકત થવા લાગ્યા છે, તેવી જ રીતે વિપક્ષોની સરકારો જયાં જ્યાં છે ત્યાં ત્યાં વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકરનું પદ ત્યાંના વિપક્ષોને અને લોકસભામાં કોંગ્રેસ અથવા વિપક્ષ ગઠબંધન નક્કી કરે તેને ડેપ્યુટી સ્પીકરનું પદ આપીને તંદુરસ્ત અને સકારાત્મક રાજનીતિનું દૃષ્ટાંત પણ બેસાડી શકાયુ હોત, પરંતુ લોકસભાના અધ્યક્ષપદે બિરાજતા જ ઓમ બીરલાએ પ્રથમ પ્રસ્તાવ કટોકટિને સાંકળીને રજૂ કરતા ગઈકાલથી જ સંઘર્ષમય રાજનીતિના સંકેતો મળી ગયા હતા, જે કદાચ શાસક એનડીએ ગઠબંધન માટે પગ પર કૂહાડો મારવા જેવી રણનીતિ પણ ગણી શકાય... જોઈએ... હવે શું શું થાય છે તે....
સક્રિય રણજનીતિ સાથે બહુ લેવાદેવા ન હોય કે રસ ન હોય, તેવા ઘણાં લોકો પણ 'અંકુશિત સત્તા' સોંપવાના જનાદેશને આવકારી રહ્યા છે, આ પ્રકારના જનાદેશ પછી 'કોઈ' કૂણું પડ્યું તો 'કોઈ' અતિ ઉત્સાહમાં આવી ગયુ, તે બન્ને પ્રકારની મનોભાવનાઓને કેન્દ્રમાં રાખીને રાજકીય વિશ્લેષકો દ્વારા એક અલગ જ પ્રકારની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે !
ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં તોતીંગ બહુમતી ધરાવતી રાજ્ય સરકારે પણ હવે રાષ્ટ્રીય રાજનીતિની દિશા અને દશા જોઈને ચેતી જવા જેવું છે. દાયકાઓથી શાસન ચલાવતા ભાજપે હવે 'સિસ્ટમ'માં પેધી ગયેલા સ્થાપિત હિતોને હટાવવા જ પડશે અને વાસ્તવમાં પ્રો-પબ્લિક સુશાસન આપવું જ પડશે.
મધ્યાન્હેથી સૂર્ય જ્યારે પશ્ચિમ તરફ ગતિ કરે છે, ત્યારે ધીમે ધીમે સૂર્યાસ્તની દિશામાં જાય છે. સૂર્યોદય થાય, ત્યારે પણ આહ્લાદક અને રમણીય લાગે અને સૂર્યાસ્ત થાય ત્યારે પણ દર્શનીય અને નયનપ્રિય હોય છે. આ ભૌગોલિક અને નૈસર્ગિક પ્રક્રિયાને કેન્દ્રમાં રાખીને પ્રાચીન કાળથી અત્યાર સુધીના ઈતિહાસમાં ડોકિયુ કરીએ તો જણાશે કે સૂર્યોદય, મધ્યાહન અને સૂર્યાસ્તની નિયત સિસ્ટમ કદાચ રાજનીતિ સહિત અન્ય ક્ષેત્રોને પણ એટલી જ લાગુ પડે છે, ખરૃં ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial