Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

પેલેસ ઓન વ્હિલ્સ...

આજથી ૪૦ - ૪૫ વર્ષ પહેલાં, નટુને જ્યારે સરકારી નોકરી મળી ત્યારે તેના જીવનમાં પહેલીવાર વાહનયોગ આવ્યો. નટુએ નવી સાયકલ ખરીદી, ગિયરવાળી સાયકલ. સાયકલ થોડી મોંઘી હતી અને નટુનો પગાર ત્યારે ફક્ત ત્રણ આંકડામાં જ હતો, છતાં તે કોઈપણ જાતની બેંકની લોન લીધા વગર સાયકલ ખરીદી શક્યો, કારણ કે તે હજુ ઇન્કમટેક્સની માયાજાળમાં ફસાયો ન હતો.

નટુ નવી સાયકલ લઈને સીધો જ તળાવની પાળે ગયો, અને રજવાડી શાનથી તેણે તળાવના ચક્કર લગાવ્યા. તેને માટે તો તેની નવી સાયકલ એ જ એનો *પેલેસ ઓન વ્હિલ્સ* હતો. ન કોઈ લાયસન્સની જરૂર કે ન ટ્રાફિક પોલીસનો ડર. તમે ગમે તેટલા ચક્કર લગાવો છતાં પણ તમારા વાહનમાં પેટ્રોલ ખાલી થવાનો, એટલે કે સરવાળે તમારા ખિસ્સા ખાલી થવાની કોઈ ચિંતા જ નહીં..!! તમારે તો બસ મોજથી સાઈકલ સવારી કરવાની, ત્યાં આસપાસ શાંતિથી ઉડતા દેશ-વિદેશના પંખીઓ જોવાના, અને એમ કરતા કરતા જો થાક કે તરસ લાગે તો સીધુ બાલા હનુમાનના મંદિરે પહોંચી જવાનું, અને ત્યાં ડંકીમાંથી ડાયરેક્ટ ઠંડુ મીઠું - મધુર પાણી પી લેવાનું. તમારો થાક તો બીજી જ મિનિટે ગાયબ થઈ જશે..

અને ત્યારે તળાવ પણ હજુ ખુલ્લું હતું, બિલકુલ મુક્ત હતું. હજુ તેને બ્યુટીફિકેશનના નામે પાંજરામાં કેદ કરવામાં આવ્યું ન હતું. તળાવની પાળે જવા માટે, અને ફરવા માટે પણ, ન કોઈ પાસ કઢાવવો પડતો કે ન કોઈ ટિકિટ લેવી પડતી.

નટુ બીજે દિવસે નવી સાયકલ લઈને ઓફિસે પહોંચ્યો. નટુએ તેના પેલેસ ઓન વ્હિલ્સને ડબલ લોક લગાવ્યા, સાચવીને પાર્કિંગમાં એક ખૂણામાં પાર્ક કર્યું અને પહેલે માળે આવેલી તેની ઓફિસે પહોંચ્યો. સ્વાભાવિક રીતે જ  તેના સહકર્મચારીઓએ પાર્ટી માંગી.

અને સાંજે તેના બધા જ સહકર્મચારીઓને ઓફિસની બાજુમાં જ આવેલા એક આઈસ્ક્રીમ પાર્લરમાં પાર્ટી આપી.

પરંતુ જેવી પાર્ટી પૂરી થઈ કે નટુની તકલીફ શરૂ થઈ. બન્યું એવું કે જેવા આઈસ્ક્રીમ ખાઈને બધા ઓફિસે પાછા આવ્યા કે ત્યાંથી ડબલ લોકમાં કેદ નટુની સાઇકલ ગુમ હતી..!! નટુ તો હાંફળો ફાફળો થઈ ગયો. તેણે આખા પાર્કિંગ એરિયામાં બે ચક્કર માર્યા. અરે પાર્કિંગની બહાર, આજુબાજુની ફૂટપાથ પર પણ બે ત્રણ ચક્કર માર્યા, પરંતુ ક્યાંય તેની સાયકલ દેખાઈ નહીં.. તો માથે હાથ દઈને ત્યાં જ બેસી ગયો..

નટુની આ હાલત જોઈને  લાલાને દયા આવી. એ બે સાથે મિત્રો સાથે પહેલા માળે ઓફિસમાં ગયો, અને ત્યાં સંતાડેલી નટુની સાયકલને મહામહેનતે નીચે ઉતારી લાવ્યો. હા, નટુને હેરાન કરવા માટે જ બધા કર્મચારી મિત્રોએ તેની સાયકલને ઉપાડીને પહેલે માળે ચડાવી દીધી હતી..!!

નટુને  તેની સાયકલ તો મળી ગઈ, પરંતુ તેના મનમાં એક ડર પેસી ગયો કે, *મારી સાયકલ ચોરાઈ જશે તો ? મારી સાયકલની સલામતી નું શું ?*

મારા પરમ મિત્રો લાલા પાસે આવા દરેક પ્રોબ્લેમ ના સોલ્યુશન હોય જ છે.. તેણે નટુને સમજાવ્યો, *સાયકલનો વીમો લઇ લે..!*

અને તે જ દિવસે સાંજે નટુ સાયકલનો વીમો લઈ આવ્યો, કદાચ નટુ જામનગરમાં સાયકલનો વીમો લેનાર પહેલો વીર પુરૂષ છે..!!

વિદાય વેળાએ :  આપણી કામ કરતી સરકાર કેવી રીતે કામ કરે છે, અને તે સરકારમાં આપણે આપણું કામ કેવી રીતે કરવું તે મને ગઈકાલે જ જોવા મળ્યું. કાલે એક બહેન બેંકમાં ગયા, પાસબુક માં એન્ટ્રી પડાવી, અને થોડીવાર ત્યાં એક ખુરશીમાં એસી નીચે બેઠા, તો બેંકવાળા કહે, *બેન અહીંયા કામ વગર ના બેસો..*

તો પેલા બહેન થેલીમાંથી વટાણા કાઢીને ફોલવા મંડ્યા....!!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial