સુપ્રિમ કોર્ટ અને દેશની હાઈકોર્ટ અવારનવાર શાસન, પ્રશાસનની ઝાટકણી કાઢે કે ટકોરો કરવી પડે તે શું સૂચવે છે?
ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં સરકારો જાણે લાચાર હોય, તેમ ઘણી વખત ઉચ્ચ અધિકારીઓ કે મોટા માથાઓને બચાવવા કે છાવરવાના પ્રયાસો કરી રહી હોવાની ચર્ચાઓ હવે દેશવ્યાપી બની છે, તો બીજી તરફ દેશની અદાલતોને પણ હવે સરકારી કામગીરી, પ્રક્રિયાઓ તથા વ્યવસ્થાઓને લઈને હસ્તક્ષેપ કરવો પડી રહ્યો છે. ખાસ કરીને હાઈકોર્ટો તથા સુપ્રિમ કોર્ટે સરકારોને ફટકાર લગાવવી પડી રહી છે, જે એક તરફ તો રાજકીય અને શાસકીય કમજોરી દર્શાવે છે, તો બીજી તરફ શાસન-પ્રશાસન-સ્થાપિત હિતો તથા મળતિયાઓ વચ્ચેની સાઠગાંઠનું પરિણામ છે.
હમણાંથી દેશના કેટલાક મુદ્દે સુપ્રિમ કોર્ટે પણ ઘણી વખત કેન્દ્ર અને રાજ્યસરકારોને ફટકાર લગાવી છે, તો કેટલીક નીચલી અદાલતો (લેબર કોર્ટસ) તથા પ્રશાસનિક ક્ષેત્રની કોર્ટો, ટ્રિબ્યુનલો તેમજ વિશેષ અદાલતોએ પણ તંત્રોને ઝાટક્યા છે.
ગુજરાતમાં વિવિધ દુર્ઘટનાઓ જીવલેણ બન્યા પછી તથા કેટલાક અગ્નિકાંડો અને પરીક્ષાકાંડો થયા પછી અવારનવાર રાજ્યની વડી અદાલતે રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે પાલિકા, મહાપાલિકા, પંચાયતો તથા તેના તંત્રોની આકરા શબ્દોમાં ઝાટકણીઓ કાઢી છે અને કેટલાક કડક દિશા-નિર્દેશ તથા આદેશો પણ આપ્યા છે, તેમ છતાં નિંભર તંત્રો કે સિસ્ટમને તો કોઈ અસર થતી નથી, પરંતુ શાસકો-પ્રશાસકોનું પણ રૃંવાડુ યે ફરકતું નથી, અને તેથી જ અદાલતો હવે વધી કડક અભિગમો અપનાવવા લાગી હોય તેમ જણાય છે.
વડોદરા હરણીકાંડના મુદ્દે રજૂ થયેલા રિપોર્ટ પછી લાલઘૂમ બનેલી હાઈકોર્ટે જે કડક શબ્દોમાં સરકાર તથા તંત્રોની ઝાટકણી કાઢી છે, તે આજે ચર્ચાનો મુદ્દો બન્યો છે.
વડોદરા હરણી કાંડના મુદ્દે ત્યાંના મ્યુનિસિપલ કમિશનરને છાવરવાની થયેલા પ્રયત્નોને લઈને અદાલતે ટકોર કરી છે, તે કેટલાક સનદ્ી અધિકારીઓ તથા શાસકો વચ્ચેની સાઠગાંઠને ઉજાગર કરે છે.
એ પહેલા ટીઆરપી ગેમઝનના ભયાનક જીવલેણ અગ્નિકાંડની સુનાવણી સમયે પણ રાજકોટના મ્યુનિ. કમિશનર સામે કેમ કડક કદમ ઊઠાવ્યા નથી, અને વાસ્તવિક જવાબદારોની સામે કેમ કુણું વલણ રાખવામાં આવી રહ્યું છે તેવા વેધક સવાલો ઊઠ્યા હતાં.
મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના પછી પણ પ્રારંભમાં ત્યાંના નગરપાલિકાના ચીફ ઓફિસર તથા મોટા માથાઓને છાવરવાનો પ્રયત્ન સચિવાલય કક્ષા સુધી થયો, તે પછી જ કડક કાર્યવાહી થઈ હતી, તે સૌ જાણે જ છે.
અમદાવાદ સહિત રાજ્યમાં રખડતા ઢોર, માર્ગો પર પડતા ભૂવા, ટ્રાફિક સમસ્યા અને ચોમાસામાં જલભરાવના મુદ્દે તો ગુજરાત હાઈકોર્ટ અવાર-નવાર રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિ. કમિશનર તથા સંબંધિત ઉચ્ચ સનદ્દી અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓને ઉધડો લેતી જ રહી છે.
પ. બંગાળની હાઈકોર્ટે પણ ત્યાંની રાજ્ય સરકાર તથા તેના તંત્રો સામે વારંવાર લાલઆંખ કરતી રહી છે, અને તેને તતડાવીને ગુજરાત સરકારના કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો પલટાવતી પણ રહી છે.
મુંબઈના સ્થાનિક પરિવહન અને લોકલ ટ્રેનના મુદ્દે ત્યાંની હાઈકોર્ટે બીએમસી તથા મહારાષ્ટ્ર સરકારનો રિપોર્ટ માંગ્યો છે, અને વેધક ટકોર પણ કરી છે, તે પછી આ મુદ્દો રાષ્ટ્રીય કક્ષાએ પડઘાયો છે.
આ રીતે દેશની હાઈકોર્ટે અને સુપ્રિમ કોર્ટે પણ હવે સીધા ઉચ્ચ સનદી અધિકારીઓ તથા ઉચ્ચ પોલીસ અધિારીઓને પણ જવાબદાર ઠેરવવાની ટકોરો કરવા લાગી છે, કારણ કે એ હવે સર્વવિદિત થઈ ગયું છેે કે કોઈ અકળ કારણે ઉચ્ચ સનદી અધિકારીઓ પાસે સરકારો પણ કેટલીક વખત લાચાર થઈ જતી હોય તેમ જણાય છે, અને તેમાંથી જ સાઠગાંઠિયા ભ્રષ્ટાચારની બૂ આવતી હોય છે. વાસ્તવિક સત્તા જ બ્યુરોક્રેટ્સ પાસે હોવાથી તેને પણ સંબંધિત મુદ્દાઓમાં જવાબદાર ઠેરવવાની અદાલતોની આ રણનીતિ સામાન્ય જનતાને પણ ગમતી હોય તેવા પ્રતિભાવો મીડિયા-સોશ્યલ મીડિયાના માધ્યમથી બહાર આવવા લાગ્યા છે.
શું ભ્રષ્ટ 'લોબી'ને નાથવાની વર્તમાન શાસકોમાં નથી? શું નેતાઓ બ્યુરોક્રેટ્સથી કોઈ અકળ કારણે ડરે છે? શું સરકારો બદલાવા છતાં નહીં, બદલાતી ભ્રષ્ટ સિસ્ટમોનો કોઈ ઉકેલ જ નથી? તેવા સવાલો પણ જનમાનસમાં ગૂંજી રહ્યા છે, તો બીજી તરફ ઘણાં બધા પ્રામાણિક અને નિષ્ઠાવાન બ્યુરોક્રેટસ, ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અમલદારોની અવગણના થઈ રહી હોવાની ગુસપુસ પણ થતી રહે છે.
હમણાંથી હાલાર સહિત રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી હોવાની તથા શાસન-પ્રશાસનની પકડ ગુનેગારો પર ઢીલી થઈ રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. જામનગર સહિતના શહેરોમાં હત્યાના બનાવો તથા વિવિધ કારણે આત્મહત્યાની ઘટનાઓ પણ આ સંદર્ભે ચર્ચાઈ રહી છે.
વલસાડના સનદી અધિકારી સામે પગલાં લેવાયા અને એકાદ-બે આઈએએસ કે ઉચ્ચ અધિકારીને સસ્પેન્ડ કરાયા (કે કરવા પડ્યા?) ના ગાણા ગઈને બચાવ કરવાના બદલે પારદર્શક વહીવટ માટે ભૂપેન્દ્ર પટેલ સરકાર કડક પગલાં ઊઠાવશે, તેવી આશા રાખી શકાય ખરી?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial