નિઃસ્વાર્થ પરોપકારની ભાવના ઉત્તમ, પરંતુ તેનો ઘમંડ વિનાશકારી
અભિમાન તો રાજા રાવણનું પણ રહ્યું ન હોતું, તેવું કહેવાય છે પરંતુ તેમ છતાં અભિમાનનો છાંટો યે ન હોય, તેવું ભાગ્યે જ કોઈ જોવા મળે, કારણ કે આ એક માનવસહજ વિકૃતિ છે અને તે કળીયુગ કરતાં યે ખતરનાક હોવા છતાં કયારે આપણી પર સવાર થઈ જાય, તે કહી શકાતુ નથી. અભિમાનના પણ ઘણાં જ પ્રકાર હોય છે અને ઘમંડ ઘણી વખત એવા રૂક્ષ-રૂપાળા સ્વરૂપોમાં પ્રગટ થતો હોય છે કે તે જેના પર સવાર હોય, તે વ્યક્તિ ખુદ પણ છેતરાઈ જતી હોય છે
દાનના પ્રકાર
તેવી જ રીતે દાન ઘણી પ્રકારના છે. દેહદાન, ચક્ષુદાન, રકતદાન, ગૌદાન, ભૂદાન, વસ્ત્રદાન, અન્નદાન, ધનદાન, કન્યાદાન, વિદ્યાદાન, જલદાન, સુવર્ણદાન, અંગદાન વિગેરે વિવિધ પ્રકારના દાન આપતા દાનવીરોને હંમેશાં સન્માનિય અને પૂજનિય ગણવા જોઈએ, કારણે કે આ પ્રકારના દાનવીરોના પુણ્ય પર જ કદાચ આપણી દુનિયા ટકી છે અને વિશ્વમાં ભલાઈ, માનવતા અને સૌજન્યતા જળવાઈ રહે છે, અન્યથા આજે સ્થિતિ કાંઈક જુદી જ હોત.
કોઈપણ પ્રકારનું દાન આપવું એ સરાહનીય અને આવકારદાયક છે, પરંતુ દાન આપ્યા પછી તેનું અભિમાન કે ઘમંડ રાખવો, દાન લેનાર માટે બોજરૂપ થાય તેવી કોઈ શરતો રાખવી કે દાન લેનાર પ્રત્યે હીનભાવ રાખવો, તે પણ જરાયે યોગ્ય ન ગણાય., જો દાન આપનાર વ્યક્તિ દ્વારા દાન લેનાર વ્યક્તિનું જો અપમાન થતું રહે કે તેને તરછોડવામાં આવે, તો પુણ્યના બદલે પાપનો ભારો બંધાઈ જાય, તેવું ઘણાં કથાકારો વર્ણવતા હોય છે અને તેમાં તથ્ય પણ છે. જો દાનનું અભિમાન આવે કે દાન લેનાર પ્રત્યે ઉપકારની ભાવના દેખાડીને તેની અવહેલના કરવામાં આવે તો, તો તે મનોવૃત્તિ જ પુણ્યનો ક્ષય કરી નાંખે છે, અને દાન આપ્યા પછી પણ તેના સંદર્ભે કદાચ ઈશ્વર પણ ખુશ થતો નથી.
પરોપકાર
પરોપકાર કરવો એ પણ પુણ્યકર્મ છે. બીજાના દુઃખે દુઃખી થવું, અને પોતાની સુખ-સુવિધાના ભોગે બીજાને મદદરૂપ થવું એ શ્રેષ્ઠ પરોપકારી ભાવના ગણાય, દાન આપવું એ પણ એક રીતે તો પરોપકાર જ ગણાય, પરંતુ દાન આપવા સિવાય પણ ઘણી રીતે પરોપકાર થઈ શકતો હોય છે, પરોપકારની કોઈ નિશ્ચિત વ્યાખ્યા થઈ ન શકે પરંતુ જો વ્યાખ્યા કરવી જ હોય તો ગાંધીજીના પ્રિય ભજનને યાદ કરવું પડે.
ગાંધીજીને પ્રિય ભજન
નરસિંહ મહેતાનું રચેલું આ ભજન ગાંધીજીને પ્રિય હતું અને તે આજ પર્યંત પ્રત્યેક શાળા-મહાશાળાઓ તથા ગાંધીવાદી સંસ્થાઓમાં ગુંજતુ જ રહ્યું છે. આ ભજનની એક પંકિત તો ઘણી જ પ્રચલિત છે અને તેનો સંદર્ભ વ્યાખ્યાનકારો, સાહિત્યકારો, કથાકારો, કલાકારો, અદાકારો અને લેખકો-કવિઓ અવાર-નવાર કરતા હોય છે. આમ તો આ આવું ભજન ભણું જ ઉપદેશક, ઉપયોગી અને જ્ઞાનવર્ધક છે, પરંતુ તેની આ પંક્તિ તો થોડા શબ્દોમાં દુનિયાને એક મહાન સંદેશ આપે છે.
આ ભજનની પ્રત્યેક પંક્તિ પથદર્શક છે, પરંતુ પરોપકાર કર્યા પછી તેનું અભિમાન કરનારા લોકો માટે સીધી અને સચોટ ટકોર આ કાવ્યપંક્તિમાંથી થાય છે.
વૈષ્ણવજન તો તેને રે કહી એ,
જે પીડ પરાઈ જાણે રે...
પર દુઃખે ઉપકાર કરે તો યે,
મન અભિમાન ન આણે રે...
નરસિંહ મહેતા કહે છે કે વૈષ્ણવજન બીજાની પીડા જાણી શકે અને તેને જ લક્ષ્યમાં રાખીને તેને મદદરૂપ થઈ શકે, તેને જ કહી શકાય, મતલબ કે 'સ્વ' ને ભૂલીને 'અન્ય'ને મદદરૂપ થવા અને બીજાના દુઃખદર્દ કરવા સર્વસ્વ સમર્પિત કરી દેવા સુધીની તૈયારી સાચા વૈષ્ણવજનોમાં હોય છે, તેમ કહી શકાય.
પરોપકાર કરવો જ નહીં, કોઈને મદદરૂપ થવું જ નહીં, તેના કરતાં પરોપકાર કરીને કોઈ તેનું ગૌરવ લેતું હોય, તો તેને સ્વીકારી શકાય, અને આ પ્રકારનું ગૌરવ લેવામાં બહુ કાંઈ વાંધો નથી, પરંતુ જો પરોપકાર કર્યા પછી તેનો ઘમંડ આવી જાય, અભિમાન આવી જાય, જેને મદદ કરી હોય તેના માન-સન્માનને માઠી અસર પહોંચે તેવી હરકત થાય કે પછી પરોપકાર કરવાની મનોવૃત્તિ જ ઘમંડી બની જાય, તો એ કોઈપણ રીતે યોગ્ય ગણી શકાય નહીં, પરોપકારનો ઘમંડ પણ પતન ના માર્ગે લઈ જતો હોય છે.
પીએચડી થઈ શકે તેવો વિષય
પીડ પરાઈ એટલે કે બીજાની પીડાની અનુભૂતિ કરીને તેને મદદ કરે, એટલે કે પરદુઃખે ઉપકાર કરે તો પણ મનમાં અભિમાન ન આવે, તેને સાચો વૈષ્ણવજન કહેવાય, તેવા આ સીધાસાદા સમર્થનના ઘણાં સૂચિતાર્થો અથવા ગૂઢાર્થો પણ નીકળી શકે છે અને તેમાં શાસ્ત્રીય સંદર્ભો તથા પૌરાણિક દૃષ્ટાંતોને ટાંકીને ગહન જૂથચર્ચાઓ પણ થઈ શકે તેમ છે. ગાંધીજીને પ્રિય એવા આ ભજન પર પીએચડી જેવી પદવી પણ મેળવી શકાય તેમ છે. આ આખું ભજન જેટલું ઉદ્બોધક છે, તેટલું જ જ્ઞાનવર્ધક અને પથદર્શક પણ છે. નરસિંહ મહેતા જેવા ભકતજ્ઞાની નૈસર્ગિક કવિએ રચેલું સ્વયં સ્ફૂરિત અને મહાત્મા ગાંધી જેવા ગહન વિચારકે વખાણેલા ભજનમાં કોઈ ખામી તો જ ન હોય, પરંતુ તેની ગહનતા પર ઘણું સંશોધન થઈ શકે તેમ છે.
પરોપકારનો ઘમંડ એટલે પતન
પરોપકારનો ઘમંડ સૌથી વધુ ખતરનાક પરિણામો લાવતી મનોસ્થિતિઓ પૈકીની એક મનોસ્થિતિ છે, જેમાં ગળાડૂબ વ્યક્તિને એ પણ ખબર નથી હોતી કે તેનો આ ઘમંડ તેના પરોપકારનું તો ધોવાણ કરી જ રહ્યો છે, પરંતુ પોતાની જાતને એવી ઊંચાઈએ લઈ જઈ રહ્યો હોય છે. જ્યાંથી પરત ફરવાનો કોઈ માર્ગ રહેતો નથી અને એક તરફ ખાઈ અને બીજી તરફ ઊંડો કૂવો હોય છે તે એટલી ઊંચાઈએ ચડી જાય છે કે તેને નીચે દૃષ્ટિ કરતા તમામ લોકો તથા ચીજવસ્તુઓ તુચ્છ લાગે છે, તો બીજી તરફ જમીન પર રહેલા લોકો તેને એટલી ઊંચાઈએ અટવાઈ જાય, પછી ઈચ્છે તો પણ બચાવી શકતા હોતા નથી, તાજેતરની કેટલાક ઘટનાઓ પછી આ પ્રકારની તાત્ત્વિક ચર્ચાઓ વધી ગઈ છે અને એ કહેવત અથવા મહાવરો પણ યાદ આવી જાય છે કે બહુ ચડે તે પીઠભર પડે... બીજા પર હસે તે જીવનભર રડે...
એવી જ એક પંક્તિ છે, જે ઊંચાઈએ પહોચેલા ઘમંડીઓ માટે બોધપાઠ સમાન છે. આ પંક્તિ પણ ઘણાં જ સ્થળે ઉલ્લેખિત થતી સંભળાતી હોય છે.
બડા હૂઆ તો કયા હૂઆ,
જૈસે પેડ ખજૂર...
પંછી કો છાયા નહીં,
ઔર ફલ લાગે અતિ દૂર...
અર્થાત્ ખજૂરનું વૃક્ષ ઘણું જ ઊંચુ હોય છે. ખજુરીની ઊંચાઈ એટલી હોય છે કે તેનો છાંયડો પણ કોઈને કામ આવતો નથી, અને તેમાં ખૂબ જ ઊંચાઈ પર ખજુરનું ફળ પાકે છે, જે સરળતાથી ઉતારી શકાતું નથી.
નિઃસ્વાર્થ સેવાનો ઘમંડ પણ નકામો
દાન-પુણ્ય, નિઃસ્વાર્થ સેવા, પરોપકાર, અણીના સમયે મદદ કે આફત ટાણે રાહત-બચાવ જેવી માનવતાલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ ઘણી જ આવકારદાયક અને અનુકરણીય હોય છે, પરંતુ જો તેનો પણ ઘમંડ આવી જાય, તો તે યથાર્થ નથી. એ ઘમંડનો નશો પણ એટલો તીવ્ર હોય છે કે તેમાંથી માનવી ઝડપભેર બહાર પણ નીકળી શકતો હોતો નથી. તેથી એટલું જ કહી શકાય કે જો પરોપકાર, સેવા, મદદ, દાન-પુણ્ય વગેરે જો નિઃસ્વાર્થ ભાવે કરવામાં આવે તો તે અમૃત છે, પરંતુ તેનો ઘમંડ આવી જાય, તો તે મીઠું ઝેર બની જાય છે.
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial