આપણે પરિવારમાં કોઈ નાનો પ્રસંગ મંગલ હોય, વસ્તુ, યજ્ઞ કે કથા-પૂજાનું આયોજન કરવું હોય કે ભૂમિપૂજન-ઉદ્દઘાટન જેવા પ્રાસંગિક આયોજનો હોય, તો ઘણાં દિવસો સુધી તેની પૂર્વ-તૈયારીઓ કરતા હોઈએ છીએ અને મહેમાનો સહિત પરિવારજનોના ભોજન-નિવાસ અને ઋતુને અનુરૂપ અન્ય પૂરક વ્યવસ્થાઓ પણ કરતા હોઈએ છીએ., પરંતુ જ્યારે કોઈ સ્થળે હજારો-લાખો લોકો એકત્ર થતા હોય, ત્યાં યોગ્ય આયોજનના અભાવે સંખ્યાબંધના લોકોના મૃત્યુ થાય, ત્યારે જવાબદારી કોની? તેવા પ્રશ્નો દરેક સમયે ઉઠતા હોય છે, અને આવી કરૂણાંતિકાઓ સર્જાયા પછી કેટલાક સમય સુધી તેના પર ચર્ચાઓ થતી હોય છે, પરંતુ સમય જતાં બધું ભુલાઈ જાય, અને ફરીથી આવી ઘટના બને ત્યારે તેના પડઘા સડકથી સંસદ સુધી પડતા હોય છે, તેવું જ કાંઈક ગઈકાલે સંસદની ચાલુ કાર્યવાહી દરમિયાન પડઘાયું હતું.
બન્યુ હતું એવું કે સંસદનું સત્ર શરૂ થયા પછી બંધારણીય પ્રક્રિયા અનુસાર તેની કાર્યવાહી શરૂ થઈ, અને સંસદના બન્ને ગૃહોને રાષ્ટ્રપતિ મહોદયાએ કરેલા સંબોધન બદલ ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપી રહ્યા હતા તે દરમિયાન પોતાના ભાષણની અધવચ્ચે તેઓએ ગૃહને અને દેશને ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલી કરૂણ ઘટના અને તેમાં થયેલા સંખ્યાબંધ મૃત્યુની જાણ કરી તથા સાથે સાથે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરી, ઈજાગ્રસ્તોને યુ.પી. સરકાર તરફથી કરાઈ રહેલી મદદ તથા ઉચિત કાર્યવાહીની પણ જાણ કરી,
બીજી તરફ હાથરસમાં યોજાયેલા એક સત્સંગના કાર્યક્રમમાં થયેલી ભાગદોડના કારણે ઈજાગ્રસ્તો-મૃતકોના આંકડો વધતો જ રહ્યો છે, અને ઉત્તરપ્રદેશ, સરકારના બે મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ તત્કાળ દોડી ગયા હોવાના અહેવાલો પછી દેશભરમાં હાહાકાર મચી ગયો અને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના પડઘા સડકથી સંસદ સુધી પડ્યા છે. આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાથરસ પહોંચ્યા પછી આ ઘટના અંગે તપાસ-કડક કાર્યવાહી અંગે સમીક્ષાઓ થશે, પરંતુ એફઆઈઆર ફાડયા પછી હવે તંત્ર કેવા, કેટલા અને કયારે કડક કદમ ઉઠાવે છે, તે જોવું રહ્યું.
સંસદના બન્ને ગૃહોમાં શાસકપક્ષ અને વિપક્ષ વચ્ચે તનાતની ચાલી રહી હતી, તેમાં લોકસભાનું સત્ર ગઈકાલે અનિશ્ચિત સમય માટે એટલે કે નવું સત્ર બોલાવાય ત્યાં સુધી સ્થગિત થઈ ગયું, પરંતુ તે દરમિયાન નવા નવા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પરમ દિવસે લોકસભામાં કેટલા ભાષણ અને તે પછી તમામ પક્ષોના નેતાઓના પ્રવચનોનો જવાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિપક્ષોના સુત્રોચ્ચાર વચ્ચે ગઈકાલે પોતાની આગવી શૈલીમાં આપ્યો. રાહુલ ગાંધીના કેટલાક નિવેદનો સંસદની કાર્યવાહીના રેકોર્ડમાંથી તો દૂર કરી દેવાયા, પરંતુ તેમના વિરોધમાં દેશવ્યાપી પ્રદર્શનો થઈ રહ્યા છે, તેથી રાહુલ ગાંધીના કેટલાક વિવાદાસ્પદ શબ્દપ્રયોગો પછી ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના આપેલા જુસ્સેદાર જવાબની ચર્ચા પણ આજે ટોક ઓફ ધ નેશન બની ગઈ છે, પરંતુ હાથરસની ઘટના પછી સરકાર સામે એક નવો જ પડકાર પણ ઊભો થયો છે.
આજે પણ બપોરે રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કરેલા નિવેદનને દોહરાવવા ઉપરાંત જે કાંઈ કહ્યું હોય અને તેના દેશવ્યાપી કેવા પડઘા પડે છે, તે અંગે પણ અલગથી ચર્ચા થઈ રહી છે, તો બીજી તરફ ગુજરાત સહિત દેશમાં ભાગદોડના કારણે ભૂતકાળમાં બનેલા બનાવો અને તે પછી થયેલી કાર્યવાહીઓ અંગે પણ ચર્ચાઓ થઈ રહી છે, અને આ મુદ્દે રાજકીય પક્ષો એક-બીજા પર આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરવા લાગશે. પરંતુ હકીકતે આ પ્રકારના કોઈપણ કાર્યક્રમોમાં સ્થાનિક તંત્રોએ પણ આયોજકોને મંજુરી આપતા પહેલા અને પછી અપેક્ષિત સંખ્યા અને તેના સંદર્ભે ઋતુ તથા સંજોગો મુજબ કરાયેલ વ્યવસ્થાઓમાં કોઈ ખામી ન રહી જાય, તે માટે ચોક્કસાઈ કરવી જોઈએ, અને આવી ઘટના બને, અને તેમાં જો વ્યવસ્થા લોકોની સુરક્ષાના પ્રબંધોની દૃષ્ટિએ કોઈ ખામી તપાસ દરમિયાન જણાય, તો મંજુરી આપનાર સંબંધિત સાઈનીંગ ઓથોરિટી (સહી કરનાર અધિકારી) તથા તેના ઈનિશ્યલ ઓફિસર્સ એટલે ટેબલ સંભાળતા જવાબદાર અધિકારી સામે પણ કડક કદમ ઉઠાવવા જોઈએ, તપાસ પછી દોષિત જણાય, ત્યાં સુધી સસ્પેન્ડ અને અંતે ડીસમીસ કરવા સુધીના પગલાં લેવા ઉપરાંત સંખ્યાબંધ જીવો ગયા હોવાથી સંબંધ અધિકારીઓ સામે કડક કદમ ઉઠાવવા જોઈએ તથા સામૂહિક હત્યાની કલમો લગાડીને ક્રિમીનલ કેસ કરીને જેલભેગા કરવા જોઈએ, તેમ નથી લાગતું?
દેશની રાજધાની હોય કે દેશનું કોઈપણ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશો હોય, બધે જ રાજકોટ ટીઆરપી ગેમઝોન ફેઈમ ભ્રષ્ટાચારી ભોરીંગો સર્વવ્યાપી છે, અને ભ્રષ્ટાચારના મૂળીયા 'ટોપ ટુ બોટમ' ફેલાયેલા છે, ત્યારે હવે આ પ્રકારના ભ્રષ્ટાચારને ભેદવા સ્વયં લોકોએ જ જાગૃત થવું પડશે. ગઈકાલે જે રીતે રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના દોષિત સાગઠિયાને ત્યાંથી કૂબેરનો ખજાનો ઝડપાયો, તે જોતા અધિકારી-કર્મચારીઓની કેડર (વર્ગ ૧ થી ૪, સનદી કે અન્ય કોઈપણ ઉચ્ચકક્ષાના અધિકારીઓ સંવર્ગ) જોયા વિના તપાસ કરીને તેઓને નશ્યત કરવી જોઈએ, તેમ નથી લાગતુ? ગઈકાલે સાગઠિયાને જેલમાં મળવા કયા પક્ષના કયા નેતાઓ ગયા હતા, તેની બ્રેકીંગ સ્ટોરી પણ આજે ચર્ચામાં છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial