સચિન માંકડની વધુ એક પ્રેરણાત્મક દસ્તાવેજી ફિલ્મ
છેવાડાનો માણસ, કોને કહીશું આપણે? જેણે બનાવેલી રસોઈનો લોકો ધુત્તકાર કે તિરસ્કાર કરીને જમવાની ના પાડી દે ? કે જેના હાથ કોઈ કામ ધંધો કરવા અસમર્થ થઇ જાય? કે જેના પગ ખોટા થવા લાગે? હાથ પગનાં આંગળા ખરી જાય, જેના થી લોકો દૂર ભાગવા માંડે? હા, આ છે ખરેખર છેવાડાનો માણસ કે જે રક્તપિત્ત / કુષ્ઠ રોગના દર્દીઓ છે. કે જેમાંથી ઘણા લોકોએ જીવવાની મહેચ્છા જ છોડી દીધી હતી અને ઘણાએ પરિવારના સાથના લીધે ખુદને સંભાળવાની કોશિશ કરી હતી. આવા છેવાડાનાં માણસોની સેવા કરવી, તેમની સારવાર કરવી અને તેમનું સમાજમાં પુનઃસ્થાપન કરવાને ડો. કે. એમ. આચાર્યએ પોતાના જીવનનું એક લક્ષ્ય બનાવી લીધું.
ડો. કે.એમ. આચાર્ય, કે જેમણે રક્તપિત્તના દર્દીઓ ની આજીવન સેવા કરવામાં પોતાનું જીવન ખપાવી દીધું છે, ગાંધીજીના જીવનનું અધુરૂ કાર્ય આગળ ધપાવ્યું. આજે જયારે સમાજમાં સંવેદન બધિરતાનો બહુ મોટો પ્રશ્ન છે, ત્યારે આવા સંવેદનશીલ ડો. આચાર્ય જેવા લોકોનું સમાજ માં હોવું એ ગૌરવપૂર્ણ છે, સમાજની મૂડી છે. જે સમયમાં સામાન્ય લોકો તો ઠીક પરંતુ ડોક્ટર્સ પણ આવા રક્તપિત્તનાં દર્દીઓની નજીક આવવામાં ડરતા હતા, એ સમયથી ડો. આચાર્ય એ પોતે તો સેવા કરવાનું શરુ કર્યું, પણ સાથે-સાથે આ સેવા કાર્ય માટે મેડિકલનો અભ્યાસ કરતા તેમના વિદ્યાર્થીઓમાં પણ આ સેવા કાર્ય ના બીજ રોપ્યાં અને તૈયાર કર્યા, રક્તપિત્ત વિષે નો ડર જડ-મૂળ થી ભગાડ્યો.
દર્દી નારાયણ એટલે કે પેશન્ટ ઇઝ ગોડ એવું પોતાના વિદ્યાર્થીઓને શીખવનાર ડો. આચાર્ય એમના વિદ્યાર્થીઓ કે જે હાલ જાણીતાં ડોક્ટર્સ છે, તેઓમાં દર્દીઓ પ્રત્યે માનવતા અને પ્રામાણિક્તાના બીજ પણ રોપ્યા હતાં. ડો. આચાર્ય માટે રક્તપિત્ત એટલેકે કુષ્ઠરોગનું શારીરિક નિદાન કરવું એટલું અઘરૂ રહ્યું ન હતું કારણકે એના માટે દવા હાજર હતી પણ લોકોના મનમાં રહેલો કુષ્ઠરોગ એટલે કે માનસિક કુષ્ઠરોગ ને મટાડવો અને લોકોમાં રહેલી રક્તપિત્તના દર્દીઓ પ્રત્યેની સદીઓ જુની અંધશ્રદ્ધાઓ, ખોટી માન્યતાઓને કાઢવાનું કઠિન હતું. કુષ્ઠ રોગી ને શાપિત માની તેમને જીવતા સળગાવી દેવામાં આવતા કે દરિયામાં ફેંકી દેવામાં આવતા. જે તેમણે આટલા વર્ષો ન ા અથાગ પ્રયત્ન સાથે અને સમાજના અનેક મોભીઓના સહયોગ અને સંતો - મહંતોના આશીર્વાદ સાથે કર્યું.
અત્યારની યુવા પેઢી પોતાની આસ-પાસમાં માનવતાની પ્રેરણાની ખામીનો અનુભવ કરી રહી છે, આવા સમયમાં ડો. આચાર્ય જેવા, વર્ષ ૧૯૭૭ થી સતત સેવાયજ્ઞ કરતા લોકોની વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચે, તે સમાજ નું દાયિત્વ બની રહે છે - એવું શ્રી તુષારભાઈ ગાંધી (મહાત્મા ગાંધીનાં પ્રપૌત્ર) એ ડો. આચાર્ય માટે કહ્યું છે. આ ઉપરાંત મહાત્મા ગાંધીના પરિવારમાંથી જ આવતા શ્રીમતી કુસુમબેન મહેન્દ્રભાઈ મણિયારે તો ત્યાં સુધી કહ્યું છે કે જો બાપુ પોતાની નજરે ડો. આચાર્યનું કાર્ય નિહાળતા હોત તો એમની ખુશીની તો કલ્પના જ કરી શકાય એમ નથી.
ભારત સરકારશ્રી તરફથી ડો. આચાર્યને પદ્મશ્રી થી ૨૦૧૪ માં સન્માનિત કરવામાં આવ્યા હતા, આ ઉપર એમ. પી. શાહ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, જામનગર પણ ગર્વ અનુભવે છે એવું હાલ ના ડીન ડો. નંદિની દેસાઈ એ કહ્યું હતું.
હાલમાં જ રિલીઝ થયેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ અ હીલિંગ હેન્ડઃ રક્તપિત્ત નાબૂદી - ગાંધીજીનો વારસો માં ડો. આચાર્યના કાર્યના સાક્ષી બનેલા સમાજના પ્રતિષ્ઠીત લોકોએ પોતાનો સહજ પ્રતિભાવ આપ્યો છે. આ ઉપરાંત આ સેવાના લાભાર્થીઓએ પણ તેઓ કઇ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા હતા અને હવે કેવી રીતે પોતાની રોજી-રોટી મેળવી પોતાના પરિવાર સાથે રહી ઉપયોગી જીવન જીવે છે એના વિષેની વાતો કરી છે. આ ડોક્યુમેન્ટરી જામનગરના જાણીતા ફિલ્મ સર્જક સચીન માંકડ એ બનાવી છે. આ ફિલ્મ તેમના યુટ્યુબ પર જોઇ શકાય છે.
હાલના દેશના વડાપ્રધાન અને ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર તરફથી અને વ્યકિતગત શુભેચ્છાઓ ડો. આચાર્ય ને મળતી રહી છે અને તેઓ હંમેશા રક્તપિતના દર્દીઓ પ્રત્યે પોતાની માનવતા સભર લાગણીઓ દર્શાવતા રહયા છે. આ ઉપરાંત રાજ્યસભાના સભ્ય પરિમલભાઈ નથવાણીની શુભેચ્છાઓ પણ આ ભગીરથ કાર્યમાં મળતી રહી છે,
ડો. આચાર્યએ સચિન માંકડ, કિશોરભાઈ ગાંધી, શ્રીમતી કુસુમબેન મહેન્દ્રભાઈ મણીયાર, પૂ. મોરારીબાપુ, કૌશિકભાઈ મહેતા, ડો. નંદિનીબેન દેસાઈ અને અનુસ્નાતક વિદ્યાર્થીઓના પ્રત્યે આ દસ્તાવેજી ફિલ્મ નિર્માણમાં સહયોગ અને પ્રતિભાવો બદલ અહોભાવ વ્યક્ત કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial