ટી-ર૦ વર્લ્ડકપમાં વિજય મેળવીને સ્વદેશ પરત આવેલી ટીમ ઈન્ડિયાનું ગઈકાલે જે રીતે મુંબઈમાં સ્વાગત થયું અને રોડ-શોમાં લાખો લોકો ઉમટ્યા, તેમાં આપણાં દેશવાસીઓનો ક્રિકેટ પ્રેમ તો દેખાય જ છે, પરંતુ સાથે સાથે દેશપ્રેમ પણ પ્રગટ થાય છે. આપણાં દેશનું દુનિયાભરમાં ગૌરવ વધે તેથી દેશવાસીઓની છાતી ગજ ગજ ફૂલતી હોય છે. આ જ રીતે દેશની ગરિમાને લાંછન લાગે કે દેશ વિરોધી કોઈ પણ હરકત વિદેશની ધરતી પર કે દેશમાં થાય, તો તેવી માનસિકતાને પણ દેશવાસીઓ સ્વીકારતા હોતા નથી, જેના ઘણાં દૃષ્ટાંતો મળી રહે છે.
ભારતીયતા અને માનવતાના સંયોજન સમી આપણી સંસ્કૃતિ અને ઉમદા સંસ્કારોનો પ્રવાહ એટલો બધો અસરકારક હોય છે કે વિદેશની ધરતી પર પેઢીઓથી સ્થાયી થયેલા મૂળ ભારતીય પરિવારોમાં પણ તે પનાપતો રહેતો હોય છે. અને તેથી જ ભારતીય મૂળના બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પોતાની પાર્ટી હારી રહી હોવાના સંકેતો મળતા પરિણામો આવતા પહેલાં જ વડાપ્રધાનપદેથી રાજીનામું આપવાની પેશકશ કરી દીધી હોવાના અહેવાલો વહેલી સવારથી જ આવવા લાગ્યા છે. બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટીની સરકારનું નેતૃત્વ ઋષિ સુનક કરી રહ્યા હતા, અને સામાન્ય યુનાઈટેડ કિંગ્ડમની સામાન્ય ચૂંટણીઓમાં પરાજયના તારણો નીકળતા સુનકે કરેલી પેશકશને મૂળભૂળ લોકતાંત્રિક સંસ્કારો સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે. લેબર પાર્ટીને પ્રચંડ બહુમત મળી રહ્યો છે, તે ઘણાં જ સૂચક છે.
હવે લેબર પાર્ટી સત્તામાં આવી રહી છે, અને ૬પ૦ માંથી ૪૦૦ થી વધુ બેઠકો મેળવાના અણસાર બતાવાઈ રહ્યા હોવાથી એમ કહી શકાય કે ભારતમાં લોકસભાની ચૂંટણીમાં ૪૦૦ પારનો નારો લગાવ્યા છતાં સત્તાધારી પક્ષ પોતાના બળે બહુમતી મેળવી શકયો નહીં, અને પ્રિ-પોલ એલાયન્સના આધારે એનડીએને બહુમતી મળતા સત્તા માંડ માંડ જાળવી શકાઈ, જ્યારે બ્રિટનમાં લોકતાંત્રિક ઢબે થયેલા પ્રચાર પછી પણ ત્યાંના વિપક્ષને ૪૦૦ થી વધુ બેઠકો મળવા જઈ રહી હોવાના અહેવાલો છે.
જો કે, ભારતીય મૂળના ઋષિ સુનક પોતે વ્યક્તિગત રીતે પણ ઘણાં જ 'લોકતાંત્રિક' છે અને પૂરેપૂરા પરિણામો આવતા પહેલાં જ રાજીનામાની પેશકશ કરીને તેઓ હારીને પણ જીતી ગયા છે, સુનકે જે સ્થિતિમાં શાસનધૂરા સંભાળી હતી, તે વિકટ સ્થિતિ તો પસાર થઈ ગઈ, પરંતુ તેમને કદાચ એનડી -ઈન્કમ્બન્સી મોંઘવારી અને કેટલીક આંતરિક ગડમથલો નડી ગઈ હશે. આમ પણ બ્રિટનના ઈતિહાસમાં દાયકાઓ સુધી એક જ પાર્ટીનું અખંડ શાસન રહ્યું નથી અને કમાનુસાર બદલાવ થતાં રહ્યા છે. યુનાઈટેડ કિંગ્ડમમાં ઈન્ગલેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તર આયર્લેન્ડનો સમાવેશ થાય છે. જેમાં ૬પ૦ બેઠકો છે.
સુનક ભારતીય મૂળના હોવાથી આપણે તેના પરાજયનું દુઃખ થાય અને ભારત-બ્રિટન વચ્ચે અત્યારે ચાલી રહેલ કેટલાક વાટાઘાટો તથા મૂકત વ્યાપાર સમજૂતિઓ પર અસર થશે, તેવી સંભાવના પણ રહે છે, પરંતુ સૂચિત વડાપ્રધાન કીર સ્ટાર્મરની નીતિઓ કેવી હશે અને તેની પાર્ટી પણ ભારત સાથેના સંબંધો વિષે કેવું વલણ દાખવે છે, તેના પર બધો આધાર રહેવાનો છે.
મતદાન પૂરૂ થયા પછી અને એકઝીટ પોલ્સ જેવી બ્રિટનની સિસ્ટમ અનુસાર જ જ્યારે લેબરપાર્ટીની પ્રચંડ જીત થઈ હોવાના તારણો નીકળ્યા, ત્યારે મતગણતરીના પૂરેપૂરા પરિણામો આવતા પહેલાં જ સત્તા છોડવાની તૈયારે બતાવવી. એ બ્રિટનની પૂખ્ત લોકશાહીનું પ્રત્યક્ષ પ્રમાણ ગણાવાઈ રહ્યું છે, અને ત્યાં ગમે તેમ કરીને સત્તા પર ચીપ્કી રહેવાના પ્રયાસો કન્ઝર્વેટિવ પાર્ટી કે વડાપ્રધાન ઋષિ સૂનકે કર્યા નથી, તેની નોંધ પણ દુનિયાના દેશોએ લીધી જ હશે.. ખરું ને?
ભારતને બે સદી સુધી ગુલામીમાં રાખનાર યુનાઈટેડ કિંગ્ડમમાં ઔપચારિક રીતે રાજાશાહી અને ત્યાં પ્રિન્સ ચાર્લ્સ કીંગ (રાજા) હોવા છતાં ત્યાં લોકતંત્ર જે રીતે પનપી રહ્યું છે, અને બ્રિટનની રાજનીતિમાં પણ મૂળ ભારતીયોનો પ્રભાવ વધી રહ્યો છે, તેની પ્રતિતી પણ આ ચૂંટણીઓ દરમિયાન થઈ રહી છે અને નવા વડાપ્રધાન પણ ભારતીયો તથા ભારત પ્રત્યેની નવી નીતિ ચાલુ રાખીને મિત્રતાપૂર્ણ વલણ જ દાખવશે, તેવી આશા સેવાઈ રહી છે.
બ્રિટનમાં થયેલું સત્તાપરિવર્તન વિશ્વની પ્રવર્તમાન રાજનીતિ પર બહુ મોટી અસર નહીં કરે, કારણ કે યુનાઈટેડ કિંગ્ડમ યુરોપીયન સંઘ સાથે જોડાયેલું છે અને યુનાઈટેડ કિંગ્ડમની વિદેશનીતિમાં સત્તાપરિવર્તન થવાની સાથે બહુ બદલાવ આવતો હોતો નથી, તેમ છતાં કેટલાક નવા કરારોની દિશામાં પ્રગતિ તથા જુના કરારોની પૂનર્વિચારણા જેવા મુદ્દાઓ અત્યારે ત્યાંની રાજનીતિમાં ચર્ચામાં છે.
જો કે, આ સત્તા પરિવર્તન થાય તો તે પછી કન્ઝર્વેટિવ પાર્ટીની વિચારધારા લાગુ થઈ જવાની વૈશ્વિક વ્યવહારો તથા રણનીતિ પણ બદલાઈ જશે, તેવું માનનારા વિશ્લેષકોનો એક વર્ગ છે, અને આ વર્ગ પણ ભારત સાથેના બ્રિટનના સંબંધોના કોઈ મોટો બદલાવ થવાની શકયતા ઓછી હોવાના અભિપ્રાય વ્યકત કરી રહ્યો છે ત્યારે હવે પૂરા પરિણામો આવ્યા પછી અને નવી સરકાર રચાયા પછી શું થાય છે, તે જોઈએ... જસ્ટ વેઈટ એન્ડ વોચ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial