Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

વર્ષા-જળનું સંચય કરી અ-કુદરતી પૂરના વિનાશને રોકીએ

વર્ષાના આગમનના એંધાણ જ પૃથ્વી પરના તમામ માનવ જીવોને અલૌકિક આનંદની અનુભૂતિ કરાવી જાય છે. માનવ તો શું પશુ-પક્ષીઓ પણ વર્ષાઋતુના આગમનનો આનંદ પોતાની રીતે વ્યકત કરવા લાગે છે-એ પણ કુદરતની ખૂબજ રોમાંચક ઘટનાઓ પૈકીની એક ગણી શકાય.વરસાદના આગમનથી હર્ષ થાય એ સ્વાભાવિક છે-કારણ કે એ જ આપણાં સૌ માટે જીવન સ્ત્રોત સમાન છે, જેના કારણે જગતનો તાત આપણાં સૌ માટે સારી રીતે અને પુષ્કળ માત્રામાં અનાજ ઉત્પન્ન કરી શકે છે-કલ્પના તો કરો, વરસાદ વિના અને તેના થકીક જમીનમાં બનેલા જળસ્ત્રોતો વિના ખેતી થઈ શકે ખરી ? કુદરતની અણમોલ ભેંટ સમાન વરસાદને આપણે સૌ ખૂબજ આનંદથી વધાવીએ છીએ અને ઈશ્વરનો આભાર પણ માનીએ છીએ કે માનવ જીવન ને હર્ષ અને ઉલ્ લાસમય બનાવવા માટે.સૌ કલ્યાણમય જીવનની આશા સાથે આગળ વધશે એમાં કોઈ શંકા નહિં રહે.પણ ધારો કે કુદરત આપણાં હરખમય જીવનથી રૂઠી જાય તો? આપણાં જીવનને વધું કઠોર બનાવે તો ? આપણાં અરમાનોને સફળ ન બનાવે તો ? આપણાં સ્વપ્નાઓને વેર-વેખર કરવા લાગે તો? આપણાં પોતાના અહમ અને અભિમાનને કચડી નાખે તો ? માત્ર કલ્પના જ જો આપણને દુઃખી બનાવે છે તો પછી વાસ્તવમાં આ બધું બની જાય તો ? કાળા માથાનો માનવી હતપ્રત-નાસીપાસ થયા વિના રહી નહિં શકે.વરસાદની કમી-ઓછો વરસાદ કે પછી ભયંકર પૂરની દશા ? આ બંને પ્રસંગોએ પોતાના થકી થયેલી ભયંકર ભૂલો નહિં જુવે, માત્ર કુદરતને જ દોષ દેવા લાગશે. જ્યારે તે કદાચ નિરાંતે વિચારશે ત્યારે જ સત્ય હકીકત સમજાશે ત્યારે ખૂબજ મોડું થઈ ગયેલ હોય એવું તેને લાગશે પણ હવે ખરો સમય આવી ગયો છે જાગવાનો, વર્ષા-જળનો સંપૂર્ણ સંગ્રહ કરવાનો.

વિશ્વ માનવીઓ આવી અમૂલ્ય કુદરતી સંપત્તિનો દૂર-ઉપયોગ કરતો આવ્યો છે એમ કહીએ તો અતિશ્યોક્તિ નહીં ગણાય અને તેના ગંભીર પરિણામો જોયા બાદ છેલ્લાં ઘણાં વર્ષોથી વિશ્વમાં લગભગ તમામ દેશોના બુદ્ધિજીવીઓ-પર્યાવરણની રક્ષા કરનારાઅને કુદરતને સારી રીતે જાણનારા મહાનુભાવો પર્યાવરણ અને જળની અવહેલના નહિં કરવા સમજાવતા આવ્યા હતા અને ભવિષ્યની દુનિયાનું વરવું પણ વાસ્તવિક ચિત્ર રજુ કરતા રહ્યા હતા.જળની કિંમત લોકો સમજે એ માટે તો વિશ્વ કક્ષાએ અનેક ચિંતન શિબિરો,પરિસંવાદો,વાર્તાલાપો વિગેરેનું આયોજન છેલ્લાં થોડાંક વર્ષોથી થતું હતું.જળ-સંરક્ષણ જળનો સદ-ઉપયોગ જળની બચત,જળનું મહત્ત્વ જેવા અનેક મુદ્દાઓની ચર્ચા-વિચારણાં સમયાંતરે વિશ્વના ઘણાં  દેશો દ્વારા યોજાતી રહી છે.ભારત સરકારશ્રીના જળશકિત મંત્રાલય હેઠળના નેશનલ વોટર મિશન દ્વારા લોકો સમક્ષ સરસ રીતે મૂક્યું છે, વરસાદ જયાં પડે, જ્યારે પડે ત્યાં તેના પાણીનો સંગ્રહ કરવો.પાણી બચાવો જળ-સંગ્રહ અને જળની બચત માટે લોકોને આનાથી ઘણી પ્રેરણા મળે છે એ હકીકત છે.

આ બાબત અગત્યની એટલા માટે છે કારણ કે,વ્હાલી કુદરત તો વર્ષા-જળ રૂપે વિશ્વને શુધ્ધ જળ તો અઢળખ માત્રામાં આપતી રહે છે પણ આ વરસાદી પાણી-અમૃત-નો આપણે જોઈએ તેટલી માત્રામાં સંગ્રહ કરી શકવા અસમર્થ છીએ અને કરોડો લીટર પાણી દરિયામાં વહી જાય છેઅને વરસાદી પૂરના પ્રકોપ તળે અસંખ્ય ગામડાંઓ-શહેરો લાચાર બની જાય છે-જાનમાલનું પુષ્કળ નુક્સાન થતું રહે છે જે વિશ્વ-માનવીની ક્મનસીબી નથી તો બીજું શું છે? વિશ્વસમાજે હવે જળસંચય ક્ષેત્રે આળસ-ઉદાસીનતા-ખંખેરી નાખવી જોઈએ. આજે જ્યારે કુદરત વરસાદ રૂપે અમૃત વરસાવે છે ત્યારે તેનો મહત્તમ સંગ્રહ કરવો જરૂરી છે આના માટે લોક જાગૃતિ અને જળસંગ્રહ ક્ષેત્રે મહા અભિયાન થકી અમલમાં મૂકવાનો પ્રયત્ન  કરીએ તો જળ-સંચય ક્ષેત્રે સૌ પોતાનું સારૂ એવું યોગદાન આપી સમાજ સેવાનું સુંદર મજાનું કાર્ય પણ સહજ ભાવે થાય એવી આશા.

એક અંદાજ મુજબ દર વર્ષે ભારત ૪૦૦૦ બીલીયન ઘન મીટર પાણી વરસાદ રૂપે પામે છે પરંતુ તેનો માત્ર ૮% જથ્થો જ આપણે સંગ્રહ કરી શકીએ છીએ અને એટલે જ વિનાશક વરસાદી પુર આવતાં રહે છે આ માત્ર વિકાસ પામી રહેલાં દેશોની જ વાત નથી વિક્સિત દેશો પણ આવી કુદરતી હોનારતનો ભોગ બનતાં આવ્યા છે અને એટલે જ વરસાદી પાણીનો મહતમ સંગ્રહ કરવા માટે આપણે સૌ એ અથાક પ્રયત્ન કરવા જરૂરી બને છે આ અંગે વિવિધ પધ્ધ્તિઓ છે જેના મારફતે આપણે આ કાર્ય કરી શકીએ છીએ. આ પરિપ્રેક્ષ્યમાં જળના રીચાર્જીંગ કરવાની વિવિધ ટેકનીક્સ અપનાવવામાં આવતી રહે છે-ડંકી-કૂવા રીચાર્જ-ખેતરમાં પાળાઓ બાંધવા,ખેત તલાવડી બાંધવી,નદી પર ચેકડેમ બાંધવા વિગેરે. સૌરાષ્ટ્રમાં દ્વારકા-પોરબંદર જેવા દરિયા કાંઠાના અનેક વિસ્તારોમાં વર્ષોથી વરસાદના પાણીનો સંગ્રહ ઘરમાં જ બનાવેલ ટાંકાઓમાં કરવામાં આવતા રહ્યા છે. આપણે હવે રહેઠાણ માટેની દરેક મોટી સોસાયટી અને વાણિજ્ય ક્ષેત્રેની તમામ બિલ્ડીંગ્સમાં-મોલમાં, વર્ષા-ઋતુના જળના ફરજીયાત સંગ્રહ માટેના નિયમો પુનઃસં૫ૂર્ણ રીતે પાલન થાય તે બાબતે એક લોકજાગૃતિ અભિયાન શરૂ કરવાની તાતી જરૂરિયાત છે. હવે તો ઘણાં રાજ્યોમાં દરેક પ્રકારની બહુમાળી ઈમારતો માટે વરસાદી પાણીના ફરજીયાત સંગ્રહ માટે નિયમો પણ બનાવ્યા છે જેનો ચુસ્તપણે પાલન થશે તો જળસંગ્રહ ક્ષેત્રે ક્રાંતિકારી યોગદાન અપાશે એવી આશા છે જે સમયાંતરે ભારતના વિકાસમાં આગે કદમ પુરવાર થશે  એમાં કોઈ શંકા નથી.

ભારત સરકાર દ્વારા વર્ષો જુની યોજનાને નવું સ્વરૂપ આપીને તેને કાર્યાંવિત કરેલ છે અને તે છે નદીઓનું જોડાણ.આ ખૂબજ મહત્વકાંક્ષી યોજના છે અને ઉતર-દક્ષિણ એમ બે વિભાગમાં ભારતની આશરે ૧૬-૧૭ નદીઓને જોડવા બાબતે પ્લાનીંગ થયેલ છે.આનાથી એક નદીના પૂરના પાણીને અન્ય નદી તરફ વાળી શકાશે જાન-માલ નું નુક્સાન તો ઓછું થશે પણ સાથો સાથ વરસાદી પાણીનું સંચય પણ વધું માત્રામાં થશે. અન્ય પણ ઘણાં લાભો છે. આવી મહત્ત્વ પૂર્ણ યોજનાઓ પણ હવે વિના વિલંબે મુર્તિમંત સ્વરૂપ પામે એવી આશા સાથે દરેક મુશ્કેલીઓનો સહાનુભૂતિ પુર્વક અને વિચારપૂર્ણ રીતે નિરાકરણ થશે તો ભારતની વિકસિત દેશ માટેની રફતાર તેજ બનશે એવી આશા.

ભારતમાં પ્રાચીનકાળમાં જળસંગ્રહ માટે વિવિધ પ્રણાલિકાઓ અસ્તિત્વમાં હતી જેમાં વાવનો પણ સમાવેશ થયેલ છે.ભારતમાં મુખ્યત્વે ગુજરાત,રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને કર્ણાટક રાજ્યોમાં અણમોલ ખજાના સમાન જોવા મળે છે.ગુજરાતના તત્કાલિન માનનીય મુખ્યમંત્રી - અને હાલ માનનીય પ્રધાનમંત્રી દ્વારા એક નવા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.જીર્ણશીલ-ખંડેર થયેલ વાવોને શોધીને તેને પુનઃજીવિત કરેલ હતી અને તેમાં જળ-સંગ્રહ પુનઃ થયેલ.વાવને તેઓ દ્વારા જળ મંદિર નામ આપેલ.જળસંગ્રહ અને તેના આદર આપવાનો નવો જ અભિગમ-દીર્ઘ દૃષ્ટિનું પરિણામ હતું અને ત્યાર બાદ ઘણાં રાજ્યોમાં આ પ્રકારના અભિયાનો શરૂ થયેલ જેના સારા પરિણામો મળેલ છે. આજના યુગમાં પણ હવે વિસરાતી વાવોને પુનઃનવજીવન આપી જળસંગ્રહનું ઉત્તમ માધ્યમ બનાવવાની અને એ રીતે ગૌરવશાળી ઈતિહાસને પુનઃઉજાગર કરવાની તેમજ આવા સ્થળોની પ્રવાસન ક્ષેત્રેના વિકાસ પ્રોત્સાહન માટેની જરૂર છે.

આજના યુગમાં વાવ નવા સ્વરૂપે પુનઃજીવિત થયેલ છે.નવી ડિઝાઈન-પરિકલ્પના સાથે બિરખા-બાવડી-જોધપુર રાજસ્થાન-૨૧મી સદીની વાવ છે. આ વાવમાં લગભગ-૧૭.૫ મીલીયન લીટર વરસાદી પાણીનો સંગ્રહ થાય છે.નવા જમાનામાં હવે પુનાની નજીક દેહુ વિસ્તારમાં નવ નિર્માણ પામનાર પ્રકલ્પ એવો ગ્રીન સિટીમાં વિશ્વની સૌથી મોટી વાવનું બાંધકામ આ જુન મહિનામાં શરૂ કર્યાના અહેવાલ જોવા મળેલ છે.

હવે વધું જળસંગ્રહ કરવા અને અમૃત સમાન પાણીને બચાવવા માટે વિશ્વ-માનવીઓ એ હવે જળની કિંમત સમજવી ખૂબજ જરૂરી છે.આ દિશામાં વધુ જાગૃતતા લાવવાની જવાબદારી સૌ નાગરિકોની પણ છે. હવે જો જાગી ગયા છો તો પાણી બચાવવાની ઝુંબેશમાં જોડાઈ જશો. જળની સુરક્ષા કરવી અને તેનો સદ્ઉપયોગ કરવો એ દરેક વિશ્વ-માનવીની પવિત્ર ફરજ છે. અસ્તુ.

સંકલન : કિરીટ બી.ત્રિવેદી (ગાંધીનગર)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial