ખેડૂતો અને ખેતી દેશના વિકાસનું ગ્રોથ એન્જિનઃ આવો, ગુજરાતને આત્મનિર્ભર કૃષિથી સમૃદ્ધ બનાવીએ...
દેશના આખા અર્થતંત્રના વિકાસ માટેનું મોટું એન્જિન ખેતી અને ખેડૂતોનો વિકાસ છે. રાજય સરકારે આ વાતને ધ્યાનમાં રાખીને વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓ કૃષિકારોને સમૃદ્ધિની દિશામાં તો દોરી જ જશે. જયારે પ્રાકૃતિક ખેતીને પણ મોટું પ્રોત્સાહન મળતાં આગામી દિવસોમાં ખેડૂતો મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટેનું નક્કર આયોજન આ યોજનાઓમાં જોવા મળે છે.
નિભાવ ખર્ચમાં સહાય
સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડુતો પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત થાય તેમજ ખેતરમા પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ કરે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગાય નિભાવ ખર્ચમા સહાય આપવાની યોજના શરૂ કરવામા આવી છે. આ યોજના અંતર્ગત દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ માસ રૂપિયા ૯૦૦/- પ્રમાણે દેશી ગાય પાલક ખેડૂતને પ્રાકૃતિક કૃષિ કરવાની શરતે ગાય નિભાવ ખર્ચમાં સહાય આપવામા આવે છે.
કેટલા ખેડૂતોને કેટલી સહાય મળી?
પ્રાકૃતિક ખેતી એ આત્મનિર્ભર ભારત બનાવવાનું પ્રથમ પગલું છે. ગાય આધારિત ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ બિલકુલ થતો નથી, તેથી તે ખૂબ જ ઓછા ખર્ચે થતી ખેતી છે ત્યારે ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતાં થાય તે માટે દેશી ગાયના નિભાવ માટે વર્ષ-૨૦૨૩-૨૪ દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧૧૯૧ ખેડૂત લાભાર્થીઓને રૂ.૬૪.૩૧ લાખનો પ્રથમ હપ્તો તેમજ ૧૧૪૦ ખેડૂત લાભાર્થીઓને રૂ.૬૧.૫૬ લાખના બીજા હપ્તા સહિત કુલ રૂ.૧૨૫.૭૮ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
દેશી ગાય આધારિત
પ્રાકૃતિક કૃષિના ફાયદા
દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદા છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિથી ખેત પેદાશ વધુ મળશે અને ભાવ પણ સારા મળવાથી ખેડુતની આવકમાં વધારો થશે. કુદરતી ખેતી પધ્ધતિમાં ૭૦ ટકા પાણીનો વપરાશ ઘટે છે, તેથી ઓછા પાણીમાં ખેતી કરી શકાય છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ખર્ચ બચે છે અને પાણીનો વપરાશ ઓછો થાય છે, જેથી વીજળીની બચત થાય છે. ખોરાકનું મૂલ્યાંકન તેમાં રહેલા પોષક મૂલ્યો દ્વારા નક્કી કરવામાં આવે છે, પરંતુ પોષક તત્ત્વોની અછત અને ઝેરી રાસાયણ વાળો ખોરાક ખાવાથી રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે. જેના કારણે આપણે અનેક ગંભીર બીમારીઓનો સામનો કરવો પડે છે. મૂલ્યવાન ખોરાક પૂરો પાડવા માટે કુદરતી ખેતી જરૂરી છે. જમીન પોચી અને ભરભરી બનતા ફળદ્રુપતા અને નિતારશકિત વધે છે.
ગુણવત્તાયુકત અને ઝેરી રસાયણમુક્ત ઉત્પાદન મળે છે. જમીનમાં દેશી અળસીયાનું પ્રમાણ વધે છે. મિશ્રપાક પદ્ધતિથી એકબીજા પાકોને પૂરક પોષણ મળી રહે અને ઉત્પાદન જળવાય રહે છે. આમ પ્રાકૃતિક ખેતીથી ખેતી ખર્ચ ઘટતા, નફો વધારે મળે છે.
ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝનને સાકાર કરવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટેના સમર્પિત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે ત્યારે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીએ,ગુજરાતને આત્મનિર્ભર કૃષિથી સમૃદ્ધ બનાવીએના સૂત્રને ખરા અર્થમાં સાકાર કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યાં છે.
- વૈશાલી રાવલિયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial