મુંબઈ જળબંબાકાર થઈ ગયુ અને ગુજરાત સહિતના દેશના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રશિયાનો પ્રવાસ ચર્ચામાં છે અને કોંગી નેતા રાહુલ ગાંધી મણીપુરના પ્રવાસ પછી રાયબરેલીની મૂલાકાતે જઈ રહ્યા છે. કુદરત અને રાજનીતિએ કરવટ બદલી છે અને દેશભરમાં નવી જ હવા ચાલી રહેલી જોવાય છે. મેઘાવી માહોલ અને બફારા-ઉકળાટ-ગરમી વચ્ચે જ્યાં જ્યાં વરસાદ થાય છે ત્યાં ત્યાં ખુશીની લહેર દોડી જાય છે અને ભીની માટીની મહેક દિલો-દિમાગને તાજગીથી ભરી દેતી હોવાથી એક અલગ જ પ્રકારની પ્રસન્નતા ફેલાઈ રહી છે. હાલારમાં પણ એકંદરે સારો વરસાદ પડી રહ્યો છે. જેથી જગતનો તાત અષાઢી બીજનું મુહૂર્ત સાચવ્યા પછી ખેતીવાડીના કામે લાગી ગયો છે.
આપણાં દેશમાં લોકોનો દૃઢ વિશ્વાસ ન્યાયતંત્ર પર છે અને તેમાં પણ ઉચ્ચ અદાલતો અને સર્વોચ્ચ અદાલતોની વિશ્વસનિયતા ટોચ પર છે, તેથી જ જ્યારે જ્યારે કોઈને અન્યાય થતો હોય ત્યારે ત્યારે ઉચ્ચ અદાલતો તથા સર્વોચ્ચ અદાલતે ન્યાયની પુનઃ સ્થાપના કરતા નિર્ણયો આપ્યા છે, અને અનેક સદીઓ જુના વિવાદો પણ જ્યારે જ્યારે ઉચ્ચ અદાલતો અને સર્વોચ્ચ અદાલતે ઉકેલ્યા છે, ત્યારે ત્યારે દેશની જનતાએ તેને માથે ચડાવ્યા છે. ઘણાં સામૂહિક અને અન્યાય કે હત્યાકાંડોના કેસો તથા વિવાદાસ્પદ બાબતોમાં કોઈની પણ શેહ શરમમાં આવ્યા વિના માત્ર બંધારણીય અને ન્યાયસંગત ફેંસલાઓ અદાલતોએ આપ્યા છે, અને તેથી જ દેશની જનતાનો સર્વાધિક વિશ્વાસ અદાલતો તથા દેશની સેનાની ત્રણેય પાંખો પ્રત્યે અડગ જ રહ્યો છે કારણ કે દેશની સેનાએ પણ અણીના સમયે ઘણી વખત રાષ્ટ્રહિત માટે નિર્ણાયક ભૂમિકાઓ અદા કરી છે.
'નીટ'ની પરીક્ષાએ અત્યારે સૌથી વધુ વિવાદાસ્પદ મુદ્દો છે અને તેની સુનાવણી સુપ્રિમ કોર્ટમાં ચાલી રહી છે, અત્યારે નીટની પરીક્ષા પૂરી રીતે રદ કરવા અંગે બે પ્રકારના અભિપ્રાયો મુખ્યત્વે અપાઈ રહ્યા છે, 'નીટ'ની સંપૂર્ણ પરીક્ષા રદ કરીને તમામ વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા લેવી તેવો એક અભિપ્રાય છે, અને બીજો અભિપ્રાય એવો છે કે સંપૂર્ણ પરીક્ષા રદ કરીને પુનઃ પરીક્ષા લેવાથી 'નીટ'માં ખૂબ જ પરિશ્રમ કરીને હાઈરેન્ક મેળવ્યા છે, તે વિદ્યાર્થીઓને અન્યાય થતો રોકવા માટે જયાં જ્યાં પેપરલીકની ફરિયાદો ઉઠી છે કે શંકા ઊભી થઈ છે, ત્યાંની પુનઃ પરીક્ષા લેવી અને બાકીના વિદ્યાર્થીઓની કાઉન્સીલીંગની પ્રક્રિયા આગળ વધારવી. આ બન્ને તર્કોની સામે મજબૂત દલીલો અપાઈ રહી છે. જો કે, સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે સમૂળગી પરીક્ષા રદ કરીને પુનઃ પરીક્ષા લેવાનો છેલ્લો વિકલ્પ રહેશે.
જો કે, સુપ્રિમ કોર્ટે આ સુનાવણી દરમિયાન સરકાર અને 'નીટ' ને જે રીતે વેધક સવાલો પૂછ્યા છે, અને ટકોરો કરી છે તે જોતાં સુપ્રિમ કોર્ટે આ મુદ્દે ઘણો જ કડક અને સિમાચિન્હરૂપ ફેંસલો જ સંભળાવશે, તેમ જણાય છે.
હવે સુપ્રિમ કોર્ટે સીબીઆઈને પણ 'નીટ'ની તપાસના મુદ્દે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે અને સરકારને તતડાવીને 'નીટ' સંદર્ભે વિસ્તૃત જવાબ માંગ્યો છે, તથા કડક સવાલો પૂછ્યા છે, ત્યારે હવે પછીની સુનાવણી પછી સુપ્રિમ કોર્ટ કેવો ફેંસલો આપે છે, તે જોવાનું રહે છે, જો કે, સુપ્રિમ કોર્ટે 'રેડ ફલેગ્સ'ની તપાસ કરવા માટે એક વિશેષ સમિતિની રચના કરવાનું જે સૂચન કર્યું છે, તે પણ ઘણું જ સૂચક છે, પરંતુ સરકાર શું કરે છે, તે પણ જોવાનું રહેશે.
સુપ્રિમ કોર્ટે પં.બંગાળ સરકારને પણ આયનો દેખાડયો છે અને અપરાધીઓને બચાવવાના પ્રયાસોને પણ કડક શબ્દોમાં વખોડી નાંખ્યા છે. હકીકતે પ.બંગાળની રાજ્ય સરકારે સ્વયં છાણે વિંછી ચડાવ્યો હોય, તેમ હાઈકોર્ટના કેટલાક એવા નિર્ણયોને સુપ્રિમ કોર્ટમાં પડકાર આપવાની ભૂલ કરી હતી, કારણ કે પં.બંગાળ સરકારના પોતાના હાથ જ ખરડાયેલા હોવાના આક્ષેપોમાં દમ હતો અને ભેદભાવભરી નીતિરીતિ સ્વયં સ્પષ્ટ પણ જણાતી હતી.
રાશનકૌભાંડના મુદ્દે તો કોલકાતા હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ કર્યો જ હતો, પરંતુ સંદેશખાલીમા મહિલાઓના યૌનશોષણ તથા જમીન કૌભાંડની સામે પણ સીબીઆઈ તપાસના હૂકમો કર્યા હતા, જેની સામે પં.બંગાળ સરકારે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી અને હાઈકોર્ટના નિર્ણયોને રદ કરવાની માંગણી કરી હતી.
સુપ્રિમ કોર્ટે પં.બંગાળની અપીલને ફગાવી તો દીધી જ, સાથે સાથે પં.બંગાળ સરકારના પક્ષપાતી વલણ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા અને પં.બંગાળ સરકાર 'કોઈને બચાવવાના પ્રયાસો શા માટે કરી રહી છે?' તેવો વેધક સવાલ કોર્ટે પૂછ્યો હતો.
'સંદેશખાલી' કેસ તરીકે ઓળખાતા આ કેસના સંદર્ભે ટીએમસી નેતા શાહજહા શેખ સામે તપાસ કરવા ગયેલા ઈડીના અધિકારીઓ પર તે સમયે ટોળાએ હુમલો કર્યા પછી જે કાંઈ થયું તે સૌ જાણે જ છે, અને આ બન્ને કિસ્સા આપણા તટસ્થ ન્યાયતંત્રના તાજા ઉદાહરણો પણ છે.
આ તરફ પાક વીમાના મુદ્દે ગુજરાત સરકારને તતડાવવા ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે પણ અમદાવાદની સાબરમતી નદીના પ્રદુષણના મુદ્દે સુઓમોટો સુનાવણીના મુદ્દે રાજ્ય સરકારની જે ઝાટકણી કાઢી છે, તે શાસકોને તમાચા રૂપ જ છે ને?
આ પ્રકારના કેસોના સંદર્ભે રાજનીતિ વધુ થતી હોવાથી તે વધુ પ્રકાશમાં આવતા હોય છે, પરંતુ તેની ટકાવારી દશ ટકાથી પણ ઓછી હોવાનું કહેવાય છે, પરંતુ બાકીના ૯૦ ટકા કેસોમાં પણ ન્યાયતંત્ર દ્વારા કાનૂની અને બંધારણીય ચુકાદાઓ અપાતા હોય છે, જો કે, દેશના ચીફ જસ્ટીસ સુધીના ન્યાયિવિંદેએ ન્યાયતંત્રને પણ ભ્રષ્ટાચાર ભરખી ન જાય, તે માટે વધુ સચોટ અને ફૂલપ્રૂફ વ્યવસ્થાઓ કરવી પડે તેમ છે, કારણ કે આપણા દેશમાં ભ્રષ્ટાચારનો ભોરીંગ વધુને વધુ શક્તિશાળી થવા લાગ્યો છે ખરું ને?
'ન્યાયની દેવડીએ સર્વ સમાન' એ આપણા ન્યાયતંત્રનો મક્કમ સિદ્ધાંત છે, પરંતુ ધનાઢય લોકોની જેમ જ સામાન્ય કે ગરીબ નાગરિકોને પણ સમાન ધોરણે ખ્યાતનામ વકીલોની સેવા તથા ઝડપી પ્રક્રિયાની સિસ્ટમને વધુ મજબૂતી તેમ જ કેટલાક રિફોર્મ્સની ખાસ જરૂર છે, ન્યાયની દેવડીએ તો ભલભલાના ગુમાન ઉતરી જતા હોય છે, અને અદાલતની અટારીએ જ 'સત્ય' કસોટીમાંથી પાર ઉતરતું હોય છે, તેથી જનભાવનાઓ તથા લોકોની વિશ્વસનિયતાને ટકાવી રાખવામાં આ પ્રકારના ફેંસલા દૂરગામી અસરો કરતા હોય છે. સારી વાત છે ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial