પાકને બરબાદ કરતી જીવાતોના નિયંત્રણ માટે રામબાણ ઈલાજ ક્યો ? જાણો
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધી રહ્યો છે. દેશની સાથે સાથે ગુજરાત રાજ્યના અનેક ખેડૂતો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ ધરાવતી ખેત પદ્ધતિને છોડી વર્ષો જૂની પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતીમાં આવતા ખેડૂત મિત્રોને શરૂઆતમાં થોડી તકલીફોનો સામનો કરવો પડે છે. કારણ કે, જમીનનો સેન્દ્રીય કાર્બન ઓછો થઈ ગયો હોય છે અને જમીન લગભગ બિન ફળદ્રુપ થઈ ચૂકી હોય છે. તેથી શરૂઆતમાં પાક પર વધારે રોગ, જીવાત આવે છે.
આથી આ રોગ, જીવાતોના નિયંત્રણ માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર વગેરે પ્રાકૃતિક જંતુરોધકોનો ઉપયોગ કરી શકાય છે. તેમાં લીમડો, ધતુરો, આંકડો, ગળો, સીતાફળ જેવી વનસ્પતિઓને ગૌમુત્રની અંદર સેડવીને તેને ૧૫ થી ૨૦ લીટર પાણીમાં ૨ લીટરના પ્રમાણમાં ઉમેરીને પાક પર છંટકાવ કરવો. જેથી રોગ જીવાતોનું નિયંત્રણ થશે. મહિના જૂની છાશ (લસ્સી)ને પાણીમાં ભેળવીને પાક ઉપર છંટકાવ કરવાથી ફૂગજન્ય રોગોનું નિયંત્રણ થઈ શકે છે. આ છંટકાવ છોડવાઓને તાકાત આપી રોગથી બચાવશે. આવા બધા જ પ્રકારના પ્રાકૃતિક છંટકાવોને ખેડૂત મિત્રો પોતાના જ ઘરે બનાવી શકે છે, તેના માટે બહુ જ ઓછો ખર્ચ કરવો પડે છે. જેનાથી જમીનનો સેન્દ્રીય કાર્બન વધી જશ ે અને પાકોમાં આવતા રોગો પણ અટકી જશે.
નિમાસ્ત્રઃ ચુસિયા પ્રકારની જીવાત તેમજ નાની ઇયળોના નિયંત્રણ માટેની પદ્ધતિ
૫ કિલો લીમડાનાં લીલા પાન અથવા લીમડાની ૫ કિલો લીંબોળી લઈ પાન અથવા લીંબોળીને ખાંડીને રાખી મૂકો. ૧૦૦ લીટર પાણી લઈ તેમાં ખાંડીને તૈયાર કરેલી ચટણીને પાણીમાં ઉમેરો. હવે તેમાં ૫ લીટર ગૌમૂત્ર અને ૧ કિલો દેશી ગાયનું ગોબર નાખી ભેળવી દો. લાકડી વડે તેને હલાવી અને ૪૮ કલાક સુધી ઢાંકીને રાખી મૂકો. યાદ રાખો કે આ તૈયાર થયેલા દ્રાવણને દિવસમાં ત્રણ વખત હલાવવાનું રહેશે. ત્યારબાદ ૪૮ કલાક પછી આ દ્રાવણને કપડાથી ગાળી લેવાનું છે. આમ આ તૈયાર થયેલા દ્રાવણનો પાક ઉપર છંટકાવ કરી શકાય છે. આ દ્રાવણમાં પાણી ઉમેર્યા વગર જ તેનો છંટકાવ કરવાનો રહેશે.
બ્રહ્માસ્ત્રઃ મોટા કીડી મંકોડાના નિયંત્રણ માટે
લીમડો (૫ કિલો ગ્રામ), સફેદ ધતૂરો (૨ કિલો ગ્રામ), સીતાફળ (૨ કિલો ગ્રામ), કરંજ (૨ કિલો ગ્રામ), જામફળ (૨ કિલો ગ્રામ), એરંડા (૨ કિલો ગ્રામ), પપૈયા (૨ કિલો ગ્રામ) પૈકીમાંથી કોઈ પણ પાંચ વનસ્પતિ લઈ તેની ચટણીને ૧૦ લીટર ગૌમુત્રમાં ભેળવી ઢાંકીને ધીમી આંચ પર ત્રણથી ચાર ઉફાણા આવે ત્યાં સુધી રાખો. નીચે ઉતારી તેને ૪૮ કલાક સુધી મૂકી રાખો. પછી કપડાં વડે ગાળીને તેનો યોગ્ય પાત્રમાં સંગ્રહ કરો. આ બ્રહ્માસ્ત્રને ૧૦૦ લીટર પાણીમાં ૨ થી ૨.૫ લીટર ભેળવીને પાક પર છંટકાવ કરો. તેને ૬ મહિના સુધી રાખી શકાય છે.
નાની મોટી ઇયળોના નિયંત્રણ માટે અગ્નિઅસ્ત્ર છે ખૂબ જ ઉપયોગી
વૃક્ષના થડ અથવા ડાળીમાં રહેતા કીડા, સિંગોમાં અને ફળોમાં રહેતી ઇયળો તેમજ કપાસના જીંડવામાં રહેતી ઇયળો અને અન્ય પ્રકારની નાની મોટી ઇયળોના નિયંત્રણ માટે અગ્નિઅસ્ત્ર ખૂબ જ ઉપયોગી છે. ૨૦ લીટર ગૌમુત્ર લઈ તેમાં ૫૦૦ ગ્રામ તીખા લીલા મરચાની ચટણી ઉમેરો. ૫૦૦ ગ્રામ લસણ વાટીને તેમાં નાખો, લીમડાના ૫ કિલો પાનની ચટણી લઈ ૧ કિલોગ્રામ તમાકુ પાવડર ઉમેર્યા પછી આ પુરા મિશ્રણને લાકડીના ડંડાથી હલાવો અને એક વાસણમાં ધીમા તાપે ઉકાળો. ૪ થી ૫ વખત ઉફાણા આવે એટલે નીચે ઉતારો. ૪૮ કલાક સુધી રાખી મૂકો ત્યારપછી તેને કપડા વડે ગાળીને વાસણમાં સંગ્રહ કરો. ૧૦૦ લીટર પાણીમાં ૨ થી ૨.૫ લીટર નાખી તેનો ખેતી પાક પર છંટકાવ કરી શકાય છે. ત્રણ માસ સુધી આ મિશ્રણને વાપરી શકાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial