Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

દુર્ઘટનાઓ માટે જવાબદાર કોણ? 'તપાસો' કે માત્ર તમાશો? ફેકટ ફાઈડીંગ કે ફેકટ હાઈડીંગ?

જામનગર સહિત રાજ્યમાં ઘણાં સ્થળોએ ગઈ રાત્રે વરસાદ પડ્યો અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. હજુ આ અઠવાડિયામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રાજ્યના મહત્તમ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયા છે અને નદી-નાળા-તળાવો-ડેમો ભરાઈ જાય, તેવો વરસાદ થશે, તેવી આગાહી થઈ છે. લા-નીનાની અસર હેઠળ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ જણાવાઈ રહી છે. ખેડૂતો હવે ખેતીકામોમાં લાગી ગયા છે અને કૃષિ આધારિત વ્યવસાયો પણ ધમધમવા લાગ્યા છે. ખેતમજૂરોને મળતી રોજગારી અને વેતનમાં વૃદ્ધિ થઈ રહી છે, તો બીજી તરફ કૃષિખર્ચ વધી રહ્યો હોઈ ખેત-ઉત્પાદનના પોષણક્ષમ ભાવો ખેડૂતોને મળશે, તેવી આશા પણ સેવાઈ રહી છે.

વરસાદની સાઈડ ઈફેકટસ પણ દર ચોમાસે રિવિઝ થતી રહેતી હોય છે. વીજ પુરવઠો ખોરવાઈ જાય, તો ગોકુલનગરવાસીઓની જેમ લોકો વીજકચેરીએ પહોંચી જતાં હોય છે, જ્યારે કાદવ-કીચડનું સામ્રાજ્ય ચોતરફ ફેલાઈ જતું હોય છે. જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ ચેકીંગ દરમિયાન કોઈના ઘર કે વ્યવસાયના સ્થળેથી મચ્છરના પોરા ભરાયેલું પાણી મળી આવે, તો તેને દંડ કરવા સુધીની ચેતવણી આપી છે, અને 'ભય વિના પ્રિતી નહીં' તે કહેવત મુજબ લોકો પણ પોત-પોતાના ઘરો, વ્યવસાયના સ્થળો કે સંસ્થાકીય સંકુલોમાં આ પ્રકારે પાણી ભરાયેલા ન રહે અને ઓવરહેડ ટેન્ક, ભૂગર્ભ ટાંકીઓ કે વાસણોમાં ભરેલા પાણીમાં મચ્છરના પોરા ન થઈ જાય, તેની તકેદારી રાખશે, એટલું જ નહીં, અગાસી, ફળિયા કે ખુલ્લામાં પડેલી બિનઉપયોગી ચીજવસ્તુઓ, ટાયરો, વાસણો વગેરેમાં વરસાદી પાણી કે અન્ય પાણી ભરાયેલા ન રહે, તે માટે નિયમિત ચેકીંગ કરીને તેવા ભરાયેલા પાણી ફેંકી દઈને સ્વયં સ્વચ્છતા જાળવશે, તેવી આશા રાખી શકાય, પરંતુ જાહેર માર્ગો, ખુલ્લા પ્લોટના ખાડા-ચીરોડા, કાદવ-કીચડ અને ગંદકી માટે કોને જવાબદાર ઠેરવાશે, તેવો પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે. આ પ્રકારની જાહેર ગંદકી માટે મહાનગરપાલિકા સ્વયં પોતાને દંડ ફટકારશે ખરી? તેવો કટાક્ષ પણ થઈ રહ્યો છે.  જો કે, રોગચાળો થતો અટકાવવા નગરજનોએ પણ મનપાના તંત્ર સાથે સહયોગી બનવું જ પડે, અન્યથા 'નગરદ્રોહ' કર્યો ન કહેવાય?

જો કે, અદાલતો હવે કેટલાક મુદ્દે તગડો પગાર લેતા અને મહત્તમ સત્તાઓ ભોગવતા ઉચ્ચ અધિકારીઓને પણ જવાબદાર ઠેરવવા લાગી છે. વડોદરાના હરણી બોટ કાંડના મુદ્દે હાઈકોર્ટે જે-તે સમયગાળામાં વડોદરાના મ્યુનિ. કમિશનર તરીકે રહેલા બે મ્યુનિસિપલ કમિશનરોને જવાબદાર ઠેરવીને તેની સામે શિસ્તભંગના પગલાં લેવા સરકારને આદેશ આપ્યો હોવાના અહેવાલોના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને આ આદેશને આવકાર સાંપડી રહ્યો છે, તેની સાથે સાથે આ પ્રકારના કૌભાંડોમાં આંખ આડાકાન કરતા સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે પાલિકા-મહાપાલિકા-પંચાયતોના હોદ્દેદારો તથા જે-તે વિસ્તારના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પણ જવાબદાર ઠેરવવા જોઈએ, તેવા અભિપ્રાયો પણ વ્યકત થઈ રહ્યા છે.

એક તરફ વડોદરાની હરણી બોટ દુર્ઘટના માટે જે-તે સમયગાળાના બબ્બે મ્યુનિ. કમિશનરોને હાઈકોર્ટે જવાબદાર ગણાવ્યા છે, તો બીજી તરફ રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ માટે જે-તે સમયના મ્યુનિ. કમિશનરને તપાસ સમિતિ દ્વારા કલીનચીટ મળી હોવાના અહેવાલોએ પણ ચર્ચા જગાવી છે, એવું કહેવાય છે કે તપાસ રિપોર્ટમાં એવું કહેવાયુ છે કે દરેક બાબતોમાં મ્યુનિ. કમિશનર વ્યક્તિગત ધ્યાન આપે, તે શકય નથી. શું મ્યુનિ. કમિશનર ડે. મ્યુનિ. કમિશનર તેની કચેરીના કોઈ જવાબદાર અધિકારીને આવડું મોટું ગેમઝોન ધમધમતું દેખાતું નહીં હોય ? શું તેની જ કચેરીમાં પનપતા ભ્રષ્ટાચારની ગંધ સુદ્ધા મ્યુનિ. કમિશનર, મેયર કે અન્ય સત્તાધીશો-હોદ્દેદારોને આવી નહીં હોય? આ બધો 'કુલડીમાં ગોળ ભાંગવા' નો ખેલ હોય તેમ નથી લાગતું?

ટીઆરપી ઝોનના અગ્નિકાંડ પછી હવે સત્તાધીશો સફાળા જાગ્યા છે અને રાજ્યની ફાયર બ્રિગેડોમાં ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા આદરી છે, તે સારી વાત છે, પરંતુ તમામ તંત્રો પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક અને દરકાર રાખીને બજાવે તે જરૂરી છે, કારણ કે બેદરકારી રાખવી એ તો ભ્રષ્ટાચારને જ ઉત્તેજન આપતી મનોવૃત્તિ જ ગણાય અને ઘણી વખત ભ્રષ્ટાચારીઓ પણ બેદરકારીનો આંચળો ઓઢીને પોતાનો શકય તેટલો બચાવ થાય ? તેવી પેરવીઓ પણ કરતા હોય છે, જે ઓપન સિક્રેટ જ છેને?

ભાગદોડની દુર્ઘટનામાં સામૂહિક મૃત્યુના મુદ્દે ૬ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા પણ હાથરસના 'ભોલેબાબા' ને તપાસમાં કલીનચીટ મળી ગઈ હોવાના અહેવાલો પછી એવી ચર્ચા થઈ રહી છે કે આપણાં દેશમાં મોટી મોટી દુર્ઘટનાઓ માટે નાની નાની માછલીઓને પકડીને તથા ડ્રામેટિક ઈન્કવાયરીઝ તથા ફેકટ ફાઈડીંગ નહીં પરંતુ ફેકટ હાઈડીંગ રિપોર્ટીંગના કારસા કયાં સુધી ચાલતા રહેશે, અને કયાં સુધી પરસ્પર કટ્ટર વિરોધી નેતાઓ પણ આ પ્રકારની ઘટનાઓ પછી એકબીજાને છાવરતા રહેશે? મહારાષ્ટ્રમાં 'હીટ એન્ડ રન'નો તાજો કિસ્સો પણ એ જ પ્રકારની ડ્રામેબાજી દ્વારા ફેકટ હાઈડીંગનો પ્રયાસ જ હતો ને ? જો કે, અહીં આપણે પણ કોઈને દોષિત કે નિર્દોષ ઠરાવીને કોઈ જજમેન્ટ ન આપીએ, પરંતુ લોકોના મનમાં ઉઠતા પ્રશ્નોના જવાબો તો જવાબદારોએ જ દેવા પડે ને?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial