ગુજરાત હાઈકોર્ટે રાજ્યના મોટા શહેરો (મેટ્રોપોલિટન સિરીઝ)માં ફાયર સેફટી સહિત પબ્લિક સેફટીના સંદર્ભે મ્યુનિસિપલ કમિશનરો તથા નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરોને જવાબદાર ઠેરવવાનું વલણ દાખવ્યા પછી હવે જનતા પણ જાગૃત થઈ ગઈ છે અને વિવિધ પ્રકારની અવ્યવસ્થાઓ, ગોબાચારી અને લોલંલોલને અખબારો-મીડિયા અને સોશ્યલ મીડિયાના માધ્યમથી ખુલ્લી પાડવામાં આવી રહી છે. આ પ્રકારની જાગૃતિના કારણે મોજથી નોકરી કરતા અને બેફિકર થઈને જવાબદારીઓને પોતાના તાબા હેઠળના કર્મચારીઓ પર ઢોળી દેતા ઉચ્ચ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.
વડોદરાના હરણીકાંડ માટે જેવી રીતે બબ્બે મ્યુનિસિપલ કમિશનરોને જવાબદાર ઠેરવાયા, તેવી જ રીતે રાજકોટના ગેમઝોન અગ્નિકાંડની જવાબદારી પણ રાજકોટના તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરોની જ ગણાય, છતાં તેને 'કલીનચીટ' અપાઈ રહી હોવાના અહેવાલો આવ્યા પછી લોકોની નારાજગી વધી રહી છે અને સરકાર પ્રત્યે પણ છુપો આક્રોશ હવે પ્રગટ થવા લાગ્યો છે, તો બીજી તરફ માત્ર મહાનગરપાલિકાઓ જ નહીં, પરંતુ નગરપાલિકાઓ તથા યાત્રાધામો ધરાવતી સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓના અધિકારીઓને પણ સેફટી, સુરક્ષા અને વ્યવસ્થાઓ માટે જવાબદાર ગણવા જોઈએ, તે પ્રકારની જનલાગણીઓ અને લોકમાંગણીઓ પણ પ્રગટ થવા લાગી છે, તેમ છતાં સરકાર અને તંત્રો હજુ સૂસ્ત છે!
ગુજરાત હાઈકોર્ટે પ્લાસ્ટિકની બોટલો, કોથળીઓ તથા અન્ય કચરાના મુદ્દે જૂનાગઢની પ્રશાસનિક ઓથોરિટીઝને જે રીતે તતડાવી છે, અને જૂનાગઢના મ્યુનિ. કમિશનરે પ્લાસ્ટિક વેસ્ટ તથા કચરાના નિકાલની વ્યવસ્થા અને રિસાયકલીંગની પદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી રજૂ કરવા જે આદેશ કર્યો છે, તે યાત્રાધામો ધરાવતી પાલિકા-મહાપાલિકા-પંચાયતો સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના અધિકારીઓ (અને પદાધિકારીઓ માટે પણ) બોધરૂપ છે.
અદાલતે ગીરનાર પર્વતની ગંદકી તથા જાહેર આરોગ્યને જોખમાવતા ઉકરડાઓ-કચરાના ઢગલાઓને લઈને થયેલી એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન કરેલી કડક ટિપ્પણીઓની નોંધ હાલારના યાત્રાધામોમાં કાર્યરત સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓ એટલે કે પાલિકા-મહાપાલિકા-પંચાયતોએ પણ લેવી પડે તેમ છે.
વડી અદાલતે આ મુદ્દે માત્ર જૂનાગઢ મ્યુનિ. કમિશનર જ નહીં, પરંતુ જૂનાગઢની સંબંધિત કચેરીઓ, કલેકટોરેટ તથા રાજ્ય સરકારનો પણ જવાબ માંગ્યો હોવાના અહેવાલો જોતા હવે ન્યાયતંત્રોએ બ્યુરોક્રેસીની બેફિકરાઈ અને શાસકોના સૂસ્ત વલણ સામે લાલ આંખ કરી છે, અને જવાબદારીઓ નક્કી કરવાનું શરૂ કર્યંુ છે, તે સારા સંકેતો છે.
ગીરનારમાં ગંદકીની સુનાવણી દરમિયાન વડી અદાલતે જે રીતે નળ સરોવરમાં તો પર્યટકો જાણે કે પ્લાસ્ટિકની બોટલો અને કચરો ફેંકવા જ ત્યાં જતાં હોય, તેવા દૃશ્યોનો ઉલ્લેખ કર્યો તે જોતા હાલારના દ્વારકા, બેટદ્વારકા, શિવરાજપુર, નાગેશ્વર, ગોપીતળાવ, હર્ષદ માતાજી, પીંડારા, પોશીત્રા, નરારા ટાપુ, પીરોટન, વિવિધ ટાપુઓ, કાલાવડ, શીતળા, હાથલા, બરડો ડુંગર, કિલેશ્વર, ગોપ, ઘુમલી, નવલખો, ભાણવડ-ઈન્દ્રેશ્વર, જામનગર (છોટીકાશી), સીદસર, સપડા સહિતના તમામ યાત્રાધામોમાં પ્લાસ્ટિકના વેસ્ટના રિસાઈકલીંગ અને ગંદકી નિવારણ તથા સ્વચ્છતા માટે જો સંબંધિત સત્તાવાળાઓ પૂરેપૂરી નિષ્ઠા અને જાગૃતિ સાથે પ્રયાસો નહીં કરે, તો વડી અદાલતમાં કોઈ પણ જાગૃત પીઆઈએલ કરીને સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના શાસકો-પ્રશાસકોનો જવાબ માંગી શકે છે, અને જો ખામી કે લોલંલોલ, પોલંપોલ પુરવાર થાય તો બ્યુરોક્રેટસની સામે પણ કડક કાર્યવાહીના આદેશો થઈ શકે છે.
અદાલતોના આ કડક અભિગમ પછી પણ જો નોંધપાત્ર સુધારો નહીં થાય, તો અદાલતો હવે સરપંચ, નગરપાલિકાની પ્રમુખ અને બોડી, મેયર અને તમામ હોદ્દેદારો અને કોર્પોરેટરો-સભ્યોને પણ જવાબદાર ઠેરવવાની દાદ પણ જાગૃત નાગરિકો માંગી શકે છે, ચેતજો...
જો કે, પોતાના જ આંગણેથી ગંદકીની શરૂઆત કરતા અને જયાં ત્યાં પ્લાસ્ટિક સહિતનો કચરો ફેંકીને ઉકરડા ઊભા કરતા રહેતા અને માર્ગો પર પાણી અને ગંદુ પ્રવાહી રેલાવીને ગંદકી ઊભા કરતા રહેતા આપણે પણ ઓછા જવાબદાર નથી હો...., જો સ્વછતા અને પ્રર્યાવરણ સુરક્ષાના મુદ્દે આપણે પોતે જ જાગૃત ન રહીએ અને બીજાના વાંક કાઢતા રહીએ તે કોઈપણ રીતે યોગ્ય છે ખરું? સલાહ આપવાના બદલે સ્વચ્છતાની સ્વયંથી શરૂઆત કરીએ, તો જ આપને બીજા કોઈને ઉપદેશ આપવાનો નૈતિક અધિકાર મળે, ખરું કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial