એવું કહેવાય છે કે, દેશમાં વ્યાપક બેરોજગારી અને અગ્નિવીર યોજના એનડીએ-ભાજપની લોકસભાની ચૂંટણીમાં થયેલી પીછેહઠના મુખ્ય મુખ્ય કારણો પૈકીના મુખ્ય બે કારણો હતાં, જો કે ગુજરાત રોજગારીના ક્ષેત્રે દેશમાં અગ્રીમ હરોળમાં હોવાનો દાવો પણ અવારવાર કેટલાક આંકડાઓ સાથે કરવામાં આવતો હોય છે, પરંતુ બેરોજગારીની વાસ્તવિક્તા કાંઈક અલગ જ હોય છે, અને તેમાં પણ શિક્ષિત બેરોજગારોની સંખ્યા તો પ્રતિવર્ષ વધતી જ રહી છે.
કેટલીક ખાલી જગ્યાઓની ભરતી માટે જાહેરાત બહાર પડે કે તરત જ સેંકડોની સંખ્યામાં ઉમેદવારો તૈયાર થઈ જતા હોય છે અને અરજીપત્રકોના ઢગલા થઈ જતા હોય છે, તે નક્કર હકીકત છે. આ સ્થિતિ જ દેશમાં બેરોજગારીની વિકટ સમસ્યાની સાબિતી છે. સરકાર અને તંત્રોના દાવા ગમે તે હોય, પરંતુ શિક્ષિત બેરોજગારીનો વ્યાપ દિન-પ્રતિદિન વધતો જ રહ્યો, તે પણ ઓપન સિક્રેટ જ છે ને?
ગુજરાતમાં બેરોજગારીને લઈને રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા તે પછી આ મુદ્દે જ બનેલી એક ઘટનાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે અને તેમાં પણ રાજ્યના ગૃહરાજ્યમંત્રીએ કરેલો હસ્તક્ષેપ પણ આજે 'ટોક ઓફ ધ સ્ટેટ' બન્યો છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 'એક્સ' પર કરેલી કથિત પોસ્ટના અહેવાલોએ પણ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું, જેમાં એવું કહેવાયું હતું કે, એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ગુજરાતને બદનામ કરવા માટેનો પ્રયાસ છે. જે કંપનીમાં નોકરીવાંચ્છુઓની ભીડ જામી હતી, તે કંપનીએ જે વોક ઈન ઈન્ટરવ્યૂ રાખ્યા હતાં, તેની જાહેરાતમાં જ સ્પષ્ટ લખ્યું હતું કે, કંપનીને માત્ર ચોક્કસ વર્ગોના અનુભવી લોકોની જરૂર છે, તેથી નોકરીનો અનુભવ ધરાવતા લોકોએ જ ઈન્ટરવ્યૂમાં આધારો સાથે આવવું. આથી આ ખાનગી કંપની માટે ઉમટેલા ઉમેદવારો બેરોજગાર નહોતા, પરંતુ અનુભવી નોકરિયાતો જ હતાં!
બન્યું એવું હતું કે, અંકલેશ્વરમાં એક કેમિકલ કંપનીએ ૪ર જેટલી જગ્યાઓ ભરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂ રાખ્યા હતાં, અને તેમાં ૧૮૦૦ થી વધુ ઉમેદવારો ઉમટી પડતા જે હોટલમાં વોક ઈન ઈન્ટરવ્યૂ રખાયા હતાં, ત્યાં વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ હતી અને ઉમેદવારો વચ્ચે ધક્કામૂક્કી થતાં રેલીંગ પણ તૂટી ગઈ હતી, જેમાં કેટલાક ઉમેદવારો નીચે પડી ગયા હતાં અને અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો અને આ ઘટનાને કોંગ્રેસ દ્વારા ગુજરાતની વ્યાપક બેરોજગારીનો પ્રત્યક્ષ પુરાવો ગણાવાયો હતો અને રાહુલ ગાંધીએ આ મુદ્દે સરકાર પર સણસણતા આક્ષેપો કર્યા હતાં.
એ પછી આ વીડિયોના સંદર્ભે જ ગુજરાતના ગૃહરાજ્યમંત્રીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી જ હસ્તક્ષેપ કરીને ટ્વિટર (એક્સ) પર એક પોસ્ટ દ્વારા રાજ્યમાં બેરોજગારીના કોંગ્રેસના આક્ષેપોને ફગાવી દેતા કહ્યું હતું કે, જ્યાં માત્ર વર્ષોના અનુભવી ઉમેદવારોનો જ વોક ઈન ઈન્ટરવ્યૂ રખાયો હોય ત્યાં હાલમાં સમકક્ષ પ્રકારની નોકરી કરતા હોય તેવા જ ઉમેદવારો આવતા હોવાથી તેને બેરોજગારો કેવી રીતે કહી શકાય?
ઘણાં અનુભવી નોકરિયાતો બીજી કંપનીમાં જમ્પ મારતા હોય છે, જેને પ્રગતિકૂચ કહી શકાય અને આ રીતે સાયકલ ચાલતી રહે, તો જ નવા નવા ઉમેદવારો માટે જગ્યાઓ ખાલી થતી રહે અને તેઓ પણ અનુભવ મેળવીને મોટા પેકેજથી નોકરી મેળવી શકતા હોય છે, જે જરૂરી અને સ્વાભાવિક પ્રક્રિયા હોય છે, તેવા તર્કો સાથે ગૃહરાજ્યમંત્રીએ કરેલી આ ચોખવટ પછી વિવાદનો મધપૂડો વધુ છંછેડાયો છે અને રાજ્યમાં રોજગારીના દાવા અને બેરોજગારી વધી રહી હોવાના આક્ષેપોની સામે દલીલો સાથે રાજ્યવ્યાપી ચર્ચા છેડાઈ ગઈ છે. હવે તેમાં રાજનીતિના રંગો ભળી જતા આખો મુદ્દો માત્ર એડમિનિસ્ટ્રેટિવ રહ્યો નથી, પરંતુ સંપૂર્ણપણે પોલિટિકલ પણ બની ગયો હોય તેમ નથી લાગતું? આ વાસ્તવિક્તા પર ઢાકંપીછાડો છે કે પછી રાજકીય આક્ષેપબાજી? છે કોઈ જવાબ?
ભરૂચ જિલ્લો આમ તો રોજગારીનું હબ ગણાય છે અને ત્યાં વિરાટકાય ઉદ્યોગો ધમધમી રહ્યા છે. જિલ્લાના અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયામાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન લગભગ અઢીસો-ત્રણસો ઔદ્યોગિક યુનિટો વિવિધ કારણે બંધ પડી જતા હજારો કર્મચારીઓ અને કામદારો બેકારીના ખપ્પરમાં હોમાયા હોવાના તારણો કાઢવામાં આવી રહ્યા છે. હજુ પણ અઢી હજારથી વધુ ઔદ્યોગિક યુનિટો આ જીઆઈડીસીઓમાં ધમધમી રહ્યા છે, તે ઉપરાંત દહેજ-સાયખા-ગંધારની પટ્ટી પર કાર્યરત ઉદ્યોગોમાં પણ હજારો કામદારો અને કર્મચારીઓ રોજગારી મેળવી રહ્યા હોવાના દાવાઓ પણ થતા રહે છે. ભરૂચ જિલ્લામાં જીઆઈડીસી અને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો દ્વારા જ દોઢથી બે લાખ લોકોને રોજગારી મળી રહી હોવાના દાવાઓ પણ થતા રહે છે, અને સેંકડો ઉદ્યોગો દ્વારા હજારો લોકોને રોજગારી મળી રહી હોવાના દાવાઓ પણ રજૂ થતા રહે છે.
ભરૂચ ઉપરાંત સુરત, વાપી, વલસાડ, નવસારી, વડોદરા સુધીની ગોલ્ડન પટ્ટીમાં હજારો ઉદ્યોગો દ્વારા લાખો લોકોને રોજગારી મળતી હોવા ઉપરાંત સુરતના ડાયમન્ડ માર્કેટ અને હીરા ઘસવાના કામ તથા ગૃહઉદ્યોગો-કુટિર ઉદ્યોગો અને નાના-મધ્યમ ઉદ્યોગો દ્વારા પણ રોજગારી મળી રહી હોવાની દલીલો થતી હોય છે.
હકીકત એ છે કે શ્રમિકો, કારીગરો તથા ટેકનિકલ અથવા કૌશલ્ય ધરાવતા રોજગારવાંચ્છુ લોકોને તો હજુ પણ રાજ્યમાં કામ મળી રહે છે, પરંતુ ઉચ્ચ શિક્ષણ મેળવનાર ડીગ્રીધારીઓને અનુરૂપ નોકરીઓ મળી રહી નથી અને હવે છટણીઓ તથા કેટલાક ઉદ્યોગો બંધ થવાના કારણે શિક્ષિત બેરોજગારી વધુ વધી રહી છે, ત્યારે સરકારે હવે શ્રમ, કૌશલ્ય અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાતોને અનુરૂપ રોજગારીની સાર્વત્રિક અને સર્વક્ષેત્રિય તકો વધે, તેવા પ્રયાસો વધારવા ન જોઈએ?
વિધાનસભામાં અપાયેલી માહિતીને ટાંકીને ચર્ચાઈ રહેલા આંકડાઓ મુજબ રાજ્યમાં અઢી લાખ જેટલા શિક્ષિત-અર્ધશિક્ષિત બેરોજગારો છે, ત્યારે ગુજરાત સરકારે આત્મશ્લાધા અને આભાસી દાવાઓમાંથી ઉપર ઊઠીને રાજ્યમાં વધી રહેલી બેરોજગારીને ઘટાડવા અને તમામ ક્ષેત્રે રોજગારીની તકો વધારવા ગંભીરતાપૂર્વક પ્રયાસો કરવા જરૂરી છે. માત્ર દાવાઓ કે વાદાઓ કરીને હવે નહીં ચાલે, વાસ્તવિક રીતે રાજ્યમાં શિક્ષિત બેરોગારી ઘટાડવાના સંનિષ્ઠ પ્રયાસો કરવા પડશે, અન્યથા નજીક આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોંઘવારી-બેરોજગારીના મુદ્દાઓ પડઘાઈ શકે છે, તે ભૂલવું ન થોઈએ, ખરૃં ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial