ન જાણ્યુ જાનકીનાથે... સવારે શું થવાનું છે?ઃ કરવટ બદલતી રાજનીતિ
નવી દિલ્હી તા. ૧૩ઃ કેન્દ્ર સરકારે વિધિવત રીતે રપ મી જૂન-૧૯૭પને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું, અને ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું, તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને તેની સામે તમતમી ઉઠેલી કોંગ્રેસે પણ ચોથી જૂનને 'મોદી મૂક્તિ દિવસ' તરીકે ઓળખવાની જાહેરાત કરી દીધી છે, બંધારણે પોતે જ હવે રાજકીય મુદ્દો બની ગયો છે.
હકીકતે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે અબ કી બાર, ચારસો પારનો નારો ગુંજતો કર્યો, તેને જ મુદ્દો બનાવીને રાહુલ ગાંધીએ પોતાના હાથમાં ભારતના બંધારણની ચોપડી પકડીને મતદારોને ચેતવ્યા કે મોદી સરકાર ૪૦૦ બેઠકો મેળવીને બંધારણ બદલવા માટે જરૂરી સંખ્યાબંળ સંસદમાં મેળવવા માંગે છે, અને જો એનડીએને ૪૦૦ અને ભાજપને ૩૬૦ બેઠકો મળી ગઈ તો તેઓ ભારતના બંધારણને જ બદલી નાંખશે અથવા ખતમ કરી દેશે અને આ ચૂંટણી છેલ્લી ચૂંટણી હશે તો, પછી દેશમાં તાનાશાહી સ્થપાઈ જશે. વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાએ આ મુદ્દે એવો પ્રચાર કર્યો કે ૪૦૦ થી વધુ બેઠકો મેળવ્યા પછી મોદી સરકાર અનામત જ ખતમ કરી દેશે.
તે પછી ચૂંટણી થઈ અને ભાજપને અઢીસો બેઠકો પણ મળી નહીં અને ભાજપને એકલાને બહુમતી મળી નહીં, પરંતુ પ્રિ-પોલ એલાયન્સ એટલે કે ચૂંટણી પહેલાના ગઠબંધન એનડીએને બહુમતી માટે જરૂરી બેઠકો કરતા વીસેક બેઠકો વધુ મળી અને એનડીએની સરકાર રચાઈ, તથા મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા.
ઈન્ડિયા ગઠબંધન અને ખાસ કરીને કોંગ્રેસે આ ચૂંટણી પરિણામોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નૈતિક અને વ્યક્તિગત હાર ગણાવીને વર્તમાન સરકાર લઘુમતી સરકાર હોવાના વ્યંગ સાથે મોદી સરકાર સામે નવેસરથી મોરચો ખોલ્યો. રાહુલ ગાંધીએ સંસદમાં બંધારણની બૂક લહેરાવીને કહ્યું કે 'અમે બંધારણ બચાવી લીધું...'
ઈન્ડિયા ગઠબંધન તથા ખાસ કરીને લોકસભામાં વિપક્ષના વડા બનેલા રાહુલ ગાંધીએ બંધારણને કેન્દ્રમાં રાખીને પ્રહારો ચૂંટણી પછી પણ ચાલુ રાખ્યા, તેથી તમતમી ઉઠેલી ભારતીય જનતા પાર્ટીએ પણ પ્રતિ આક્ષેપો કર્યા અને રપ મી જૂને કાળો દિવસ મનાવ્યો. આ કારણે બંધારણનો મુદ્દો રાજકીય બની ગયો.
ભાજપે કહ્યું કે કટોકટી લાદીને નાગરિકોના તમામ અધિકારો છીનવી લેનાર કોંગ્રેસને બંધારણના મુદ્દે બોલવાનો કોઈ અધિકાર નથી અને એનડીએ ગઠબંધને બંધારણીય રીતે જ બહુમતી મેળવી છે, અને મોદી વડાપ્રધાન બન્યા છે, તે કોંગ્રેસ સ્વીકારવા તૈયાર નથી, અને યુપીએ સરકાર કેવી રીતે રચાઈ હતી અને તે કેટલી કાંખઘોડીઓ પર નિર્ભર હતી, તે પણ કોંગ્રેસે યાદ રાખવું જોઈએ. વિગેરે...
કોંગ્રેસે સણસણતો ઉત્તર આપ્યો કે ૪૦૦ પારનો નારો આપનાર ભાજપ સ્પષ્ટ બહુમતી મેળવી શકયો નથી અને અત્યારે નાયડૂ-નીતિશ પર નિર્ભર સરકાર કાંઈ લાંબુ ચાલવાની નથી, હવે મોદી મેજીકનું સૂરસૂરિયુ જ થઈ ગયું છે વિગેરે...
આ રાજકીય પક્ષો વચ્ચેનું પ્રચાર યુદ્ધ હતું, પરંતુ હવે મોદી સરકારે વિધિવત રીતે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને દર વર્ષે રપ જૂને 'સંવિધાન હત્યા દિવસ' ઉજવવાનું સરકારી ધોરણે નક્કી (ફરમાન) કર્યું છે, તેના કારણે વિવાદનો વંટોળિયો ઊભો થયો છે, જે સંસદના બજેટસત્રમાં પણ પડઘાશે, તે નક્કી છે.
ખુદ ગૃહમંત્રી અમિત શાહે આ જાહેરાત કરી હતી. વર્ષ-૧૯૭પ ની રપ મી જૂને કટોકટી જાહેર કરીને તે સમયની ઈંદિરા ગાંધી સરકાર દ્વારા સત્તાનો દુરૂપયોગ કરીને દેશવાસીઓ પર અત્યાચાર કર્યા હતાં, અને નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવીને પ્રેસ-મીડિયા પર સેન્સરશીપ મૂકાઈ હતી, એટલું જ નહીં, દેશભરમાં વિપક્ષના ઢગલાબંધ નેતાઓ-કાર્યકર્તાઓને લાંબા સમય માટે કોઈપણ દોષ-ગૂન્હા વિના અને કોઈપણ કાનૂની કાર્યવાહી વિના જેલમાં ધકેલી દેવાયા હતાં. સંસદની ચૂંટણી કર્યા વગર તેની મુદ્દત લંબાવી દેવાઈ હતી અને ન્યાયતંત્ર પર પણ કેટલાક અંકુશો મૂકી દેવાયા હતા, તે પ્રકારના આક્ષેપોનો મારો ભાજપના નેતાઓ ચલાવી રહ્યા છે.
કોંગ્રેસ પણ આકરા શબ્દોમાં જવાબ આપી રહી છે. અતિશય ઘમંડમાં ઉડ્યા પછી મળેલો પરાજ્ય પચતો નથી તેથી ડઘાઈ ગયેલી ઓક્સિજન પર જીવતી સરકાર હવે સ્વયં સત્તાનો દુરૂપયોગ કરી રહી હોવાના આક્ષેપો વિપક્ષો કરી રહ્યા છે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું છે કે 'નોન-બાયોલોજિકલ વડાપ્રધાન (મોદી) ફરી એકવાર હિપોક્રેસી ભરેલી હેડલાઈન્સ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ દેશના લોકો ચોથી જૂનને દર વર્ષે 'મોદી મૂક્તિ દિવસ' તરીકે ઓળખશે. આ દિવસે મળેલી નિર્ણાયક અને નૈતિક હાર પૂર્વે તેમણે (મોદીએ) ૧૦ વર્ષ સુધી અઘોષિત કટોકટી લગાવી રાખી હતી. તેમણે એમ પણ કહ્યું કે હવે દેશવાસીઓ દર વર્ષે ૮ મી નવેમ્બરે (નોટબંધી ઈફેકટ) 'આજીવિકા હત્યા દિવસ' મનાવશે !
બંધારણ હત્યા દિવસ વર્સિસ મોદી મૂક્તિ દિવસની સાથે સાથે 'આજીવિકા હત્યા દિવસ'ના નવા નેગેટિવ નેરેટિવ તથા આક્ષેપબાજીના દેશમાં મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. દેશમાં અઘોષિત કટોકટીના ૧૦ વર્ષ વર્ષ-૧૯૭પ ની બે-અઢી વર્ષની કટોકટી કરતાં પણ વધુ બિહામણા હતા, અને હજુ પણ આ ઓક્સિજન પર રહેલી સરકાર સત્તામાં છે, ત્યાં સુધી ભલે અંકુશ રહે, તેમ છતાંયે તાનાશાહી વલણ તો રહેવાનું જ છે, તેથી પોતાની નૈતિક હાર માનીને ભાજપે પુનઃ જનાદેશ લેવો જોઈએ, તેવી કોમેન્ટો પણ થઈ રહી છે, અને વર્તમાન સરકાર ગમે તે કરે પણ લાંબુ નહીં ટકે તેવા અભિપ્રાયો અપાઈ રહ્યા છે, અને તેને મૂંગેરીલાલના હસીન સપના પણ ગણાવાઈ રહ્યા છે, પરંતુ 'ન જાણ્યું જાનકી નાથે... સવારે શું થવાનું છે!'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial