અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થયા પછી ત્યાંના ખતરનાક ગનકલ્ચર ઉપરાંત અમેરિકાના ચાર પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારતના બે પૂર્વ વડાપ્રધાનો સહિત વિવિધ રાષ્ટ્રોના વડાઓની થયેલી હત્યાઓ તથા શંકાસ્પદ મૃત્યુના વિવરણો ચર્ચાઈ રહ્યા છે, અને ગ્લોબલ ગનકલ્ચર પર અંકુશ લાવવાની વાતો થઈ રહી છે. એટલું જ નહીં, અમેરિકામાં આગામી નવેમ્બર મહિનામાં થનારી રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં આ નિંદનિય ઘટનાનો ડોનાલ્ડ ટ્રમ્પને કેટલો રાજકીય ફાયદો થશે, તેની ચર્ચા પણ જોરશોરથી થઈ રહી છે.
ભારત સહિત સમગ્ર વિશ્વમાં રાજનીતિ જાણે કરવટ બદલી રહી છે, અને પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરંતુ ભારત હોય કે અમેરિકા, કોઈપણ સ્થળે, કોઈપણ રાજ્યમાં હિંસક ઘટના બને કે રાજકીય પ્રતિસ્પર્ધીઓને પાડી દેવા માટે જીવલેણ હુમલા થાય, તો તે કોઈને સ્વીકૃત હોતા નથી, અને તેથી જ દુનિયભરના પક્ષ-વિપક્ષના નેતાઓએ પણ ટ્રમ્પ પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો છે.
આપણાં દેશમાં લોકતાંત્રિક ઢબે રાજનીતિ કરવટ બદલી રહી છે અને એનડીએની સત્તા માંડ માંડ બચાવ્યા પછી દેશના વિવિધ રાજ્યોમાં થયેલી વિધાનસભાની પેટાચૂંટણીઓમાં એનડીએને જે ઝટકો લાગ્યો છે, તેનું હવે પોલિટિકલ પોસ્ટમોર્ટમ થઈ હ્યું છે, અને ખાસ કરીને ભાજપની પીછેહઠના કારણે વિપક્ષો અતિશય ગેલમાં છે.
ભારતમાં મુખ્ય ચૂંટણીઓમાં આજ પર્યંત વિવિધ મુદ્દે થતું ધ્રુવીકરણ હંમેશાં રાજકીય પક્ષોને ફળ્યું છે. લોકસભાની ચૂંટણીઓ પછી ૧૩ બેઠકોની રાજ્યોની પેટાચૂંટણીમાં પણ વિધાનસભાઓમાં માત્ર બે બેઠકો જ ભાજપને મળી અને ઉત્તરાખંડ જેવા દેવભૂમિ ગણાતા યાત્રા સ્થળોને સાંકળતી બેઠકો પણ ભાજપે ગુમાવી, તે માટેના વિવિધ કારણોમાં સૌથી વધુ મતદારોની નારાજગીમાં યાત્રાધામોના વિકાસ માટે જમીન-મિલકતોના અધિગ્રહણ અને તેના વળતર, વિકાસ સંકુલોના નિર્માણ માટે જેને સ્થળાંતર કરવું પડ્યું હોય તેની વેદના, પોતાના બાપ-દાદાના મકાનો છોડીને અન્યત્ર રહેવા જવું પડ્યું હોય તો તેનું દર્દ અને અદ્યતન વિકાસ પ્રોજેક્ટોના કારણે યાત્રાધામો-પ્રવાસન સ્થળોના સ્થાનિકોની ખોરવાઈ ગયેલી જીવન-વ્યવસ્થાઓ વિગેરેના કારણે દબાઈ ગયેલો તીવ્ર અસંતોષ ઈવીએમ મારફતે પ્રગટ્યો હોય તેમ જણાય છે. તે ઉપરાંત ચાર શંકરાચાર્યજીના વિરોધ છતાં તેઓના મંતવ્ય મુજબ અયોધ્યાના અધુરા રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા માટે અપનાવાયેલી રીતરસમો અને મનસ્વી વલણ, સમગ્ર અયોધ્યા પંથકમાં પણ સ્થાનિકોની છૂપી નારાજગી, જમીન સંપાદનના પ્રશ્નો તથા જોહુકમીના આક્ષેપોની અવગણના, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં જમીની વાસ્તવિક્તા અને પ્રચાર-પ્રસાર વચ્ચેનું મોટું અંતર, પરંપરાઓને તોડીને થયેલી કેટલીય પ્રક્રિયાઓ અને વિધિઓ તથા સંત-સમાજના ઈમ્પોરન્ટન્સને ઘટાડતી નીતિરીતિને લઈને થયેલા આક્ષેપોને પણ આ પછડાટના મૂળભૂત કારણોમાં ગણાવાઈ રહ્યા છે, અને પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે.
વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા નિર્માણાધીન 'રામપથ'ના પ્રયાગરાજ, ચિત્રકૂટ ઉપરાંત અયોધ્યા અને ઉત્તરપ્રદેશ સિવાયના બહારના ભગવાન શ્રીરામ અને રામાયણને સાંકળતા નાશિક અને રામેશ્વરમ્માં પણ ભાજપની ભૂંડી હાર થઈ છે, અને તે પછી વિધાનસભાની પેટાચૂંટણીઓમાં ઉત્તરાખંડની બદ્રીનાથની બેઠક ભાજપે ગુમાવી તેની પાછળ આધુનિક યાત્રાધામ સંકુલોના નિર્માણ પછી તેમાં જેના જમીન, દુકાન, મકાન સંપાદિત થયા હોય, તેને વળતરના પ્રશ્નો તથા અદ્યતન સંકુલોના નિર્માણ દરમિયાન આચરાયેલા ભયંકર ભ્રષ્ટાચારને પણ કારણભૂત ગણાવાઈ રહ્યા છે.
યાત્રાધામોમાં નવા કોરિડોર બન્યા પછી નવેસરથી જે દુકાનો, શોપીંગ સેન્ટરો તથા વ્યવસાયિક સંકુલોનું નિર્માણ થયું, તેની ફાળવણી પછી પ્રભાવિત થયેલા અસરગ્રસ્તોના બદલે 'મળતિયાઓ'ને આપી દેવાયા હોવાના વિપક્ષના આક્ષેપો, મોટા મંદિરોનો વહીવટ સરકાર હસ્તક લઈ લેવાની પેરવી અને ધાર્મિક પરંપરાઓને ગણકાર્યા વગર કેટલાક અનધિકૃત નેતાઓ દ્વારા વિવાદાસ્પદ ચેસ્ટાઓ તથા આરતી, મહાઆરતી, પૂજન વગેરે સંદર્ભે જીદ્દી માનસિક્તાને પણ ઘણાં લોકો હિન્દુ સમાજની નારાજગીનું કારણ ગણાવી રહ્યા છે. હવે દેશમાં રાજકીય ક્ષેત્રે મોટા પાયે નવાજુનીના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.
જો કે, ભાજપના નેતાઓ લોકસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષ તથા એનડીએના ગઠબંધન ઉમેદવારોની સંખ્યાબંધ યાત્રાધામો-પ્રવાસનને સાંકળતા મતવિસ્તારોમાં ભવ્ય જીત પણ થઈ છે, તે ગણાવીને એવો દાવો કરી રહ્યા છે કે વાસ્તવમાં યાત્રાસ્થળો અને પ્રવાસન સ્થળોને સાંકળતી દેશની લોકસભાની બેઠકોમાં ભાજપ-એનડીએના ઉમેદવારોના પરાજય કરતા જીતેલા ઉમેદવારોની સંખ્યા ઘણી વધુ છે, અને જ્યાં જીત્યા છે, ત્યાં પણ લોકોને ભરમાવીને તથા બંધારણ-અનામતને લઈને જુઠ્ઠો પ્રચાર કરીને મોટાભાગે પાતળી સરસાઈથી જીત્યા છે, અને હજુ સત્તામાં તો એનડીએ જ છે અને પીએમ મોદી જ છે!? જોઈએ, આગળ દેશની કરવટ બદલતી રાજનીતિના ખેલ...!!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial